ગુજરાતી સારસ્વત પરિચય

May 28, 2007

માધવ રામાનુજનું સાહિત્ય, Madhav Ramanuj

Filed under: લેખક અભ્યાસ — જુગલકીશોર @ 12:30 am

          માધવનાં ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. માધવની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે ,  ગાશે ને પ્રમાણશે.

 

           ગુજરાતની પ્રશસ્ત ગીતપરંપરામાં - અને તેમાંયે સ્વાતંત્ર્યોત્તર ગાળાની પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર, સુરેશ દલાલ, પ્રદ્યુમ્ન તન્ના, રમેશ પારેખ, અનિલ જોષી, હરિકૃષ્ણ પાઠક વગેરેની રમણીય ગીતપરંપરામાં માધવની રચનાઓનો અવાજ પણ અત્રતત્ર સતત ગુંજરતો - ઘૂમરાતો રહ્યો છે.

—————————————————

 

                

પોતાને વિષે માધવ રામાનુજ :

 

          કશું થતું ન હોય એવા સમયમાં પણ ભીતરમાં તો લયની એક અખંડ રટણા-રમણા ચાલતી જ રહે છે. વળી થાય છે કે વિશ્વને પરસ્પર નજીક લાવી રહેલી વિજ્ઞાનયાત્રાના આ યુગમાં - આજની આ ક્ષણમાં આપણું કોઈ ટહુકાની રીતે   હોવું એ કેટલું મોટું સદ્ભાગ્ય છે ! આ બ્રહ્માંડથી અભિભૂત થવાનું મળ્યું એ પણ કાંઈ નાનીસૂની વાત તો નથી જ.. આ બ્રહ્માંડ આ સૃષ્ટિ - સેંકડો પ્રકાશવર્ષના અંતરે ઊભેલા તારાઓને પોતાનામાં સમાવતું વિસ્તીર્ણ આકાશ અને એ અનંત આકાશમાં-અવકાશમાં વહેતું અનંત મૌન…એ મૌનમાં તરતી-સરતી આપણી આ પૃથ્વી અને એ પૃથ્વી પર રમતારામની રીતે આપણું હોવું ….આ કંઈ ઓછી ધન્યતા છે ? આ ધરતીની ધૂળના સ્પર્ષનું સૌભાગ્ય…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુકનમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…

 

આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…

અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.

અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…

–કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે !

 

- ક્ષરનું એકાન્ત’ની પ્રસ્તાવના માંથી )

—————————————————————–

 

તેમની કેટલીક પ્રતિનિધી રચનાઓ

ચીલા

 

આપણે તો સીમના ચીલા હતા

પંથ તેથી આપણો ખૂટ્યો નહીં;

એકસરખા અંતરે ચાલ્યા કર્યું,

સાથ તેથી આપણો છૂટ્યો નહીં !

—————————————-

હાઈકુ

 

ગલ સંગાથે

રમે માછલી એક;

સ્તબ્ધ પોયણાં.

———————————————————

વહાલાં

 

વેરી હતા તે ક્યારના પાછા વળી ગયા -

વહાલાં હજી ઊભાં છે મૂકીને ચિતામાં આગ !

1 Comment »

  1. [...] # તેમની રચનાઓ વિશે [...]

    Pingback by માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય — May 28, 2007 @ 1:45 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.