ગુજરાતી સારસ્વત પરિચય

November 26, 2007

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

(more…)

November 18, 2007

વ્રજલાલ દવે, Vrajlal Dave

Filed under: કવિ, સંપાદક, સંશોધક — સુરેશ @ 2:04 am

પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.

“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”

“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”

કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?

________________________________________________________________

સમ્પર્ક

  • 3, સ્વાશ્રય સોસાયટી, નવા વાડજ, અમદાવાદ – 380 013

જન્મ

  • 26, જાન્યુઆરી - 1923; રામપરા( જિ. રાજકોટ )

અવસાન

  • 18, જુલાઇ- 1994; અમદાવાદ

કુટુમ્બ

  • માતા- હરિબાઇ ; પિતા- નાનજીભાઇ
  • પત્ની- શારદા ( લગ્ન - 194 8) ; સંતાન – છ

અભ્યાસ

  • 1942 – મેટ્રિક
  • 1947 – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
  • 1957 – ગુજરાત યુનિ. માંથી ગુજરાતી- સંસ્કૃત સાથે એમ.એ.
  • બી.એડ.

વ્યવસાય

  • 1957- ’60 -  અમદાવાદમાં હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
  • 1960- ’83 -   અમદાવાદની સરદાર વલ્લભભાઈ કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થઈ.
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • બાધા આખડીમાં માનતા નથી, પણ ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા છે.
  • વર્ણાશ્રમમાં માનતા નથી, પણ માણસના સ્વભાવમાં જ આ જાતની મૂળભુત વૃત્તિઓ રહેલી છે, તેમ માને છે.
  • થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાંતોની સોડમાં, અનંત એકાંતે
  • સંશોધન – નરસિંહરાવ
  • સંપાદન – સવારના સૂરજને પુછો ( કાવ્ય સંગ્રહ), કાવ્યસંચય

સન્માન

  • ગુજરાત રાજ્યનું બીજું ઈનામ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2

November 13, 2007

‘બાઈ’ – પુસ્તક પરીચય, કેપ્ટન નરેન્દ્ર

Filed under: પુસ્તક પરિચય — સુરેશ @ 11:00 pm

        આ એક પુસ્તક પરીચય તો છે જ; પણ તેથી ઘણો વધારે આ એક અનોખા જીવનનો પરીચય છે. ‘બાઈ’ એક વાર્તા છે; સત્યકથા છે; ખરેખર તો એ એક લગભગ અભણ કહી શકાય તેવી, સાદી સીધી સ્ત્રીની આત્મકથાત્મક ડાયરી છે -  ભાગ્યેજ કોઈ તારીખના ટાંચણ વીનાની ડાયરી. ઘણાં જીવનચરીત્રો અને આત્મકથાઓ વાંચ્યા; પણ એ બધાથી ‘બાઈ’ એક સાવ જુદી જ વાત કહી જાય છે. વીચારતા કરી મુકે, અનેક પ્રશ્નો આપણા માનસપટ ઉપર ઉભા કરી એક જુદી જ અસર કરી જાય છે. આપણી સંવેદનશીલતાને હલબલાવી દે તેવી આ કથા છે. આમ જુઓ તો તે ઘણા બધા સંદેશ આપણને આપી જાય છે

                                                                              baai.jpg           

         ‘બાઈ’ એ મા માટે મરાઠી કુટુમ્બોમાં વપરાતો શબ્દ છે. ‘બા’ અને ‘આઈ’ નું મીશ્રણ. કથાની નાયીકા મરાઠી ભદ્રસમાજની એક નારી છે, જેનું આખું જીવન ગુજરાતમાં વીત્યું છે. સુખી જમીનદારની પૌત્રી તરીકે બાળપણમાં; અને એક લશ્કરી લેફ્ટેનન્ટની મા તરીકે મૃત્યુના એકાદ વરસ પહેલાં - બસ!  આ બે જ નાના અમથા ટુકડા સુખના. શેશ જીવન ધગધગતા જ્વાળામુખી જેવું - કેવળ દુખ, યાતના, આંસુ, અવજ્ઞા, અપમાન અને સ્વજનો દ્વારા નકરી છેતરપીંડીથી ભરેલું.  ‘બાઈ’  અભાગણ માની છ દીકરીઓમાં પાંચમી દીકરી હતી. ઓગણીસ વર્શની ઉમ્મરે પોતાના બાપની ઉમ્મરના અને છ સંતાનોના પીતા એવા દારુડીયા પુરુશ સાથે લગ્ન થયા. ( તેનો સૌથી મોટો સાવકો પુત્ર તો તેનાથી પણ ઉમ્મરમાં મોટો હતો! ) માત્ર અગીયાર વર્શના ઝેર જેવા લગ્ન જીવનમાં ચાર સંતાનોને જન્મ આપી તે વીધવા બની. સાવકી માએ બાળકોને દુખ દીધાની વાતો તો ઘણી હોય છે, પણ સાવકી માને બાળકો હડધુત કરી સાવ ગુલામડી જેવી ગણે તે તો આ કથામાં જ જોવા મળ્યું. છેક બાળપણથી ઉપેક્ષીત, તીરસ્કૃત રહી. પીયર તેમજ સાસરી પક્ષ બન્ને તરફથી.  બધાંએ તેની રહી સહી મુડી પડાવી લીધી અને પાટુ મારતાં રહ્યાં. તેની સેવાઓનો લાભ ભરપેટ લીધો, પણ તેને નરક યાતનામાં સબડવા દીધી. સુખની કોઈક અલપ ઝલપ લહેરખી મળી ન મળી અને છીનવાઈ ગઈ. અને છતાં ઉલ્કાપાત જેવા દરેક અનુભવ બાદ માત્ર એક જ ઉચ્ચાર – શુદ્ધ કાઠીયાવાડી ભાશામાં….. ‘હશે.’ સદાય લુંટાતી જ રહેલી આ ‘બાઈ’ સદાય દીલથી સૌને આપતી જ રહી, આપતી જ રહી. તેણે કદી દુશ્મનને ય ‘મેર’ નથી કીધું.

           આ જીવનકથામાં કોઈ સાહીત્યીકતા શોધવા જઈએ તો નીરાશ જ થવાય. માત્ર ચાર ધોરણ સુધી ભણેલી આ બાઈ સતત સંઘર્શોથી ભરેલી જીવનકથામાં કઈ કલ્પનાનાં ઉડ્ડયનો લખે? કેવળ હકીકતો જ હકીકતો અને ક્યાંક, જવલ્લે જ, દબાવેલી રાખેલી લાગણી તરફ માત્ર અંગુલીનીર્દેશ જ. કોઈ ફરીયાદ નહીં, કોઈ ઉપદેશ, સાર, સ્વૈરવીહારી રંગરોગાન, શબ્દલાલીત્ય કે ફલશ્રુતી નહીં. આ કથાનકમાં કોઈ નાટ્યાત્મકતા, ચરમસીમા, ચમત્કૃતી, ઉપમા કે અલંકાર નથી. કદીક વાંચતાં કંટાળો પણ ઉપજે તેવી અંગત સંબંધોની વીગતોય ઠેકઠકાણે મળી જાય છે.

          પણ આ બધી વાંચન-વીટંબણાઓને ધૈર્યપુર્વક પાર કરો તો, ઈસુ કે ગાંધીની કક્ષાની માનવતા ઉપસી આવે છે. કેવળ યાતના, ઉપહાસ, તીરસ્કાર, અવજ્ઞા, દરીદ્રતા, મુર્ખામી જેવું લાગે તેવું ભોળપણ અને અજ્ઞાન – એ બધાને અતીક્રમી માનવતાથી મઘમઘતા એક પુશ્પનો પરીમલ આપણા સમગ્ર અસ્તીત્વમાં છવાઈ જાય છે. કરુણતાથી ભરેલા જીવનમાં કરુણાનો સાગર છલકાતો આપણે સ્પશ્ટ રીતે જોઈ શકીએ છીએ. માની મમતા શું કહેવાય; તેનો આનાથી સારો પરીચય ભાગ્યે જ વાંચવા કે જાણવા મળશે.

जुल्म सह कर भी, उफ् नहीं कहते,
उनके दिल भी अजीब होते है।

———————————————————

જેની તકદીર હો ધગધગતા જહન્નમ જેવી,
એ ભલા ક્યાંથી નીચોવી શકે ગુલજારોને? 

         આ પંક્તીઓ સહજ જ આ જીવનકથા વાંચતાં આપણા મુખમાંથી સરી પડે છે.  અને છતાં ય આ સતત દુખમય જીવનના પાર્શ્વભુમાં, શીક્ષણ મેળવવા અને પોતાનાં સંતાનોને પેટે પાટા બાંધીને શીક્ષણ અપાવવા માટેની તેની ઉત્સુકતા, એક અજીબોગરીબ ખુમારી ઉપસાવતી રહે છે. તેના પરીપાક રુપે આ માતા જીવનના છેવટના ગાળામાં દીકરાને ઘેર કાશ્મીરમાં સુખ અને ચેનનો અહેસાસ કરે છે; ત્યારે આપણે પણ હર્શાશ્રુથી તેના સુખના આ નાના ટુકડાને આપણું પોતાનું સુખ માનવા લાગી જઈએ છીએ. તેની અધુરી રહેલી કથાનું અનુસંધાન જોડી આપતી તેના પુત્રની કહાણી આપણને જણાવી જાય છે કે, આ માનાં બે સંતાન હાલ અમેરીકામાં બહુ જ સુખી રીતે નીવાસ કરે છે.

          અને કેટકેટલું કહી જાય છે આ ‘બાઈ’ – તેની લગભગ અબોલ વાણીમાં? એક તરફ ભદ્રસમાજના દંભ, અસહીશ્ણુતા, અસંવેદનશીલતા અને કેવળ સ્વાર્થનું નગ્ન દર્શન આપણી અંદર પ્રબળ આક્રોશ જન્માવે છે. તો બીજી તરફ ગરીબાઈ, અશીક્ષીતતા, કચડાઈ ગયેલું સ્વમાન, અને મુર્ખતા કહેવા લાલાયીત કરે તેટલી હદ સુધીનું ભોળપણ આપણને રડાવી પણ જાય છે. હમ્મેશ જેને કોઈ પણ હક્ક, તક કે સુખથી વંચીત જ રાખવામાં આવી છે; એવી આ ‘બાઈ’ કેવળ અસ્તીત્વ માટે સતત ઝઝુમતી જ રહે છે. અને છતાં કોઈને માટે કદી એક હરફ પણ તેની જબાન પરથી નીકળતો નથી. કોઠાસુઝવાળી સ્થીતપ્રજ્ઞતા સતત ઉજાગર થતી રહે છે. શીક્ષણની તાતી જરુરીયાત અને જીવનસ્તર પર તેનો નીસંશય પ્રભાવ કશા દોરીસંચાર વીના અભીપ્રેત છે.

         આ આત્મકથાનક પ્રયત્ન કરીને પણ વાંચવા જેવું છે. સાવ અસાહીત્યીક હોવા છતાં, આપણને બહુ ઉંડા ચીંતનમાં મુકી દે તેવું તેનું પોત છે. તેમાં આપણા સમાજના પાયાને હચમચાવી મુકે તેવી પ્રબળ વીપ્લવાત્મક તાકાત છે તો, ભડભડતા દાવાનલમાંય પાંગરતું આ પુશ્પ આપણને જીવવાની એક અજબ ખુમારીની પ્રેરણા પણ આપી જાય છે. ‘શીક્ષણ એ વીકાસની પાયાની જરુરીયાત છે’ અને ‘પ્રેમ એ જીવનનો પાયો છે.’ આ બે વાત નીર્વીવાદ સત્ય આ કહાણીમાંથી નવનીતની જેમ ઉપસી આવે છે.

     આવી અનેક ‘બાઈઓ’ સમાજમાં ખુણે ખાંચરે મોજુદ હશે. પણ વિમલા ‘બાઈ’ એ આ ડાયરી લખીને આવી અનેક મહાન અને પુજ્યપાદ માતાઓનાં આંતરવૈભવથી ભરપુર જીવનોને અંધકારમાંથી પુર્ણ પ્રકાશમાં સ્થાપીત કર્યાં છે.

       આભાર ‘બાઈ’ !  તને અમારાં શત શત પ્રણામ….

—————————————————————————————————-

ટુંકાણમાં

  • શીર્શક – ‘બાઈ’
  • લેખક – ‘વિમલા બાઈ’ ( લીલા) – મરાઠીમાં હસ્તલીખીત ડાયરી [ જન્મ – 1915 , વડોદરા ; અવસાન – 1968, અમદાવાદ )
  • પ્રકાશમાં લાવનાર – તેનો દીકરો ‘નરેન’ – અમેરીકા
  • ગુજરાતીમાં અનુવાદક – કેપ્ટન નરેન્દ્ર – અમેરીકા
  • પ્રસ્તાવના – ‘એક લાંબી, ધીમી તપતી ઉનાળાની બપોર’ – વર્ષા અડાલજા
  • પ્રકાશક - સ્વાતિ પ્રકાશન – અમદાવાદ
  • પૃશ્ઠ સંખ્યા – 117
  • કીમ્મત - …….  ( મારી દ્રશ્ટીએ અમુલ્ય)
  • પ્રાપ્તીસ્થાન – ગુર્જર એજન્સી, નવભારત સાહિત્ય મંદિર
  • અમેરીકામાં 2.50 $ ની ટીકીટ મોકલવાથી છેવટની પંદર કોપીઓ, ‘વહેલા તે પહેલા’ ધોરણે મેળવવા
    સમ્પર્ક captnarendra@gmail.com
  • માહીતી માટે આભાર – શ્રી. વિશ્વદીપ બારડ – હ્યુસ્ટન

Blog at WordPress.com.