ગુજરાતી સાહિત્યમાં પૂર્ણ-પ્રફુલ્લ ચન્દ્રરાજ
‘પ્રેમ-ભક્તિ’નો મહાકવિ ન્હાનાલાલ.
કવિ કાન્ત દ્વારા સ્વાગત
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ એક કાવ્ય પંક્તિ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ કહીને આવકાર્યા હતા. અને એ રીતે તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક મહાકવિના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ વખતના એ તરુણ કવિએ બહુ જલદી પોતાના વિષેની આગાહીને સાચી પાડી હતી.
તેમના જીવન વિશે
તા.16-3-1877ના રોજ જન્મેલા મૂળ વઢવાણના કુટુંબના ન્હાનાલાલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ દલપતરામના પુત્ર હતા. કવિ ન્હાનાલાલને 15 વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ ખૂબ જ તોફાની એવા આ પુત્રને તેમણે સાધુચરિત કાશીરામ દવે પાસે ભણવા મૂક્યા હતા.જેમણે જ્ઞાનસંસ્કારો આપીને એમની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. સદ્ ગુણી અને પ્રેમમૂર્તિ પત્ની માણેકબાએ પણ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
1901માં તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ કેટલીક માનભરી નોકરી કરીને વીસ જ વર્ષ પછી નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર પછી તો તેઓ સંપૂર્ણ રીતે ‘શારદોપાસના’માં જ પ્રવૃત્ત રહ્યા હતા. ભારતના અસહકાર આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા, પરંતુ ગાંધીજી સાથે ન ફાવતાં પાછલાં પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા હતા.
એમની સૌ પ્રથમ કૃતિ ‘કેટલાંક કાવ્યો’ ભાગ-1 1903માં પ્રગટ થઈ હતી, જ્યારે 1946માં ‘હરિસંહિતા’ લખતાં લખતાં જ તેઓ ચિર વિદાય પામ્યા હતા. 43 વર્ષની આ શારદોપાસના કે શબ્દસાધનામાં તેમણે 60 પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધરી દીધાં હતાં !!
1845માં પિતા દલપતરામે પોતાની સૌ પ્રથમ કૃતિ ‘બાપાની પીપર’ રચના પ્રગટ કરી. અને પુત્ર ન્હાનાલાલે 1946માં પોતાની અંતિમ કૃતિ ‘હરિસંહિતા'(અપૂર્ણ) આપી. આમ પૂરાં એકસો એક વરસના વિશાળ પટમાં પિતા-પુત્રની આ વિરલ જોડીએ ગુજરાતી સાહિત્યને પોતાની આગવી શૈલી અને વિપુલ સર્જનોથી ભર્યું ભર્યું કરી દીધું હતું !
કવિ ન્હાનાલાલના પુરોગામીઓ એવા ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. છતાં મઝાની વાત એ હતી કે કવિએ જે સર્જન કર્યું તે આ સૌ પુરોગામીઓ કરતાં ઘણું ચડિયાતું સાબિત થયું હતું.
એમનાં સમગ્ર સર્જનને અત્યંત સંક્ષેપમાં જોઈએ તો –
-
કવિતા
-
એમના વિપુલ કવિતાસર્જનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે, ઊર્મિકાવ્યો. ઊર્મિકાવ્યોમાં અનેક પ્રકારો તેમણે અજમાવ્યા છે, જેમાં આત્મલક્ષી કાવ્યો, ગીતો, ભજનો, બાળકાવ્યો, રાસડા, હાલરડાં, લગ્નગીતો, કરુણ-પ્રશસ્તિ, વીરરસનાં કાવ્યો, અંજલિઓ વગેરેનો સમાવેશ થાય છે.
-
દીર્ઘકાવ્યો-ખંડકાવ્યો તેમણે આપ્યાં છે પણ તે કાન્તનાં ખંડકાવ્યોની કક્ષાનાં નથી. એને ‘પ્રસંગકાવ્યો’ કહેવાયાં છે.
-
મહાકાવ્યો-વિરાટકાવ્યો કહી શકાય એવાં એપિક સ્વરૂપનાં મહાકાવ્યોનો પ્રશસ્ય પ્રયત્ન તેમણે કર્યો છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓ બહુમૂલ્ય ગણાયાં છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જાણીતાં છે.
-
નાટકો
-
તેમણે 14 જેટલાં ભાવપૂર્ણ નાટકો આપ્યાં છે. તેમાંની ડોલનશૈલી અને નાટકોની અંદર આવતાં ઊર્મિકાવ્યો કવિની વિશેષતા દર્શાવે છે. તેમાંની ડોલનશૈલી પાત્રોના વાચિક અભિનયને ઉપકારક બની રહી હતી.
-
ગદ્યગ્રંથો
-
નવલકથા, નવલિકા, નિબંધ, રેખાચિત્રો, જીવનચરિત્રો, વ્યાખ્યાનો, ભાષાન્તરો અને વિવેચન વગેરે પ્રકારે તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. અને એટલે જ
અપદ્યાગદ્ય/ ડોલનશૈલી
છંદો, પરંપરાવાળી લયમેળ રચનાઓ, ગઝલ, કવ્વાલી વગેરેના પ્રયોગો બાદ કવિએ પદ્યમુક્ત ડોલનશૈલી અપનાવી. પ્રથમ તો તેનો ઉપયોગ તેમણે ફક્ત નાટકોમાં જ કર્યો પરંતુ પછીથી તો કવિતામાં પણ એ શૈલી સફળતાથી અપનાવી. કેટલાંક ચિત્રકાવ્યો, વસંતોત્સવ, ઓજ અને અગાર, દ્વારિકા પ્રલય, જેવાં કથાકાવ્યો અને કુરુક્ષેત્ર જેવું મહાકાવ્ય વગેરે ડોલનશૈલીમાં છે. કવિશ્રી દ્વારા જ સર્જાયેલી અને અપનાવાયેલી આ વિશિષ્ટ શૈલી કવિ પછી કોઈએ અપનાવી નહીં એને શૈલીની અપ્રસ્તુતતા કહેવી તે તો ઉપયુક્ત નથી જ; પણ પછીના કવિઓની એ માટેની અતત્પરતા ગણાવવી રહી. ‘અપદ્યાગદ્ય’તરીકે ઓળખાયેલી આ શૈલીને પ્રા.બ.ક.ઠાકોરે “આંદોલરચના” કહીને ઓળખાવી છે.
દોષો
આટલું વિપુલ અને ઉત્તમ કક્ષાનું સર્જન કરનાર કવિના સર્જનમાં કેટલાક દોષો પણ વિવેચકોએ ગણાવ્યા છે. જેમાં એકવિધતા, શબ્દાળુતા, અલંકાર પ્રાચુર્ય,ઉપરાંત સપાટી ઉપર દેખાતી ભભક અને અંજાવી નાખનાર તેજસ્વિતાના પ્રમાણમાં ક્યારેક ગહનતાનો અભાવ જોવા મળે છે તેમ કહીને એમને તટસ્થતાથી મૂલવવાનો પ્રયન કર્યો છે.
મહ્ત્વના ઉદ્ ગારો :
- રા.વિ.પાઠક
- આગળના કવિઓ પછી ન્હાનાલાલને વાંચતાં જાણે નવી જ સૃષ્ટિ, નવું જ વાતાવરણ લાગે છે.
-
વિજયરાય ક. વૈદ્ય
-
ગુજરાતની વાડીમાં અનુત્તમ એવી નદી એક, નર્મદા છે. એ જ રીતે ગુજરાતીના સમગ્ર સાહિત્યમાં અનુત્તમ એવા વસ્તુગત (ઓબ્જેક્ટિવ)સાહિત્યકાર ગોવર્ધનરામ અને અનુત્તમ આત્મરત (સબ્જેક્ટિવ) એવા કોઈ હોય તો તે ન્હાનાલાલ છે…બીજી રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં એક હજાર વરસના કવિતા ક્ષેત્રના ઇતિહાસમાં અનુત્તમ વસ્તુગત પ્રેમાનંદ અને અનુત્તમ આત્મરત એવા ન્હાનાલાલ છે !!
-
સુંદરમ્
-
પ્રસાદ બ્રહ્મભટ્ટ
- ગુજરાત ને ગુજરાતી ભાષાના સાહિત્યમાં રસ ધરાવનારા માનવો કવિ ન્હાનાલાલના નામથી પરિચીત ના હોય એવું ભાગ્યે જ બને. ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલનો ફાળો અજોડ છે. તેમની મહત્તાનો ખ્યાલ તો એટલા પરથી જ આવી શકે છે કે તેમના નામથી ગુજરાતી સાહિત્યમાં ન્હાનાલાલ યુગ ચાલે છે. અમદાવાદમાં મને તેમના પરિચયનો લાભ સહેજે મળી ગયો. હું જેમને ત્યાં થોડા દિવસ રોકાયો હતો તે ભાઇને ત્યાં ખાસ આમંત્રણથી તે એક દિવસ સાંજે આવી પહોંચ્યા……..
બે ચાર દિવસ પછી તેમના આમંત્રણથી અમે તેમની વળતી મુલાકાત લીધી. એલિસબ્રીજ પરના તેમના મકાનમાં અમારું સ્વાગત તેમણે ખૂબ જ ભાવપૂર્વક કર્યું. તેમનો પ્રેમ ભારે હતો. તે વખતે તેમણે હાથમાં તંબૂરો લઇને ત્રણ-ચાર ભજનો ગાયાં તે પ્રસંગ સદા માટે યાદ રહેશે. તે વખતના ન્હાનાલાલ જાણે જુદા જ હતા. તેમના હૃદયનો ભક્તિભાવ તેમના સુમધુર સ્વરમાં ઠલવાયા કરતો. એ મહાન સાહિત્ય સ્વામીનું આર્થિક જીવન સારું ન હતું એવું મેં સાંભળેલું. પણ તેમના મંગલ મન પર તેની કોઇ ખાસ અસર ના દેખાતી. તેમના પ્રેમાળ પત્ની કુશળતાપૂર્વક ઘર ચલાવ્યા કરતાં ને તે નવી નવી કૃતિની રચનાના કામમાં મશગુલ રહેતા. સાદા સંકટમય જીવનમાં પણ તે સંતોષ અને આત્માનંદને જાળવી રાખતા. તેમને આનંદમગ્ન દશામાં તંબૂરા પર ભજન ગાતા જોઇને મને કવિ બાલાશંકરની પેલી પ્રસિદ્ધ પંક્તિ યાદ આવી :
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,
નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે !
- સુરેશ દલાલ
- આ કવિનું નામ પડે અને તરત જ આપણને થાય કે ગુજરાતી ભાષાનું લાલિત્ય અને લાવણ્ય જોવું હોય તો એમનાં ગીતો પાસે જવું જોઇએ. વાણીનાં વૈભવી કવિ છે. કવિએ નાટકો લખ્યાં. અને એ દ્વારા સ્નેહલગ્ન અને લગ્નસ્નેહની મીમાંસા પણ કરી. મહાકાવ્ય લખવાનો મનોરથ પૂરતો સફળ ન થયો. કરુણ પ્રશસ્તિ પણ આપણને એમની પાસે મળી. ડોલનશૈલીનો પ્રાદુર્ભાવ પણ એમને કારણે થયો. દલપતરામ અને ન્હાનાલાલે – પિતા પુત્રની આ જોડીએ ગુજરાતી કવિતાને મબલક સમૃદ્ધિ આપી.
- નિરંજન ભગત
- ન્હાનાલાલમાં લોકગીતોના ઢાળને અને એના લય અને સૂરની સૂઝ હતી, એના સ્વરૂપની સમજ હતી; એમાં પરિવર્તન દ્વારા નવીનતા સિદ્ધ કરવાની સર્જકતા અને સંવેદનશીલતા હતી…ન્હાનાલાલના રાસમાં સ્ત્રીહ્રદયની ક્યારેક મધુર, ક્યારેક કરુણ પણ સદાય સૂકુમાર ઊર્મિઓ પ્રગટ થાય છે. એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૃહજીવન, ગ્રામજીવન, કુટુંબજીવન અને એનું વાતાવરણ સુરેખ અને સજીવપણે વ્યક્ત થાય છે…ન્હાનાલાલે એમનાં ગીતમાં ગુજરાતી ભાષાનું માધુર્ય શું છે એનું રહસ્ય પ્રગટ કર્યું છે. એમણે અને પ્રયોગો દ્વારા, નવી નવી શક્યતાઓનાં સુચનો દ્વારા ગીતસ્વરૂપની સીમાઓનો વિસ્તાર કર્યો છે…ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં જો સમગ્ર ગુજરાતી ઊર્મિકવિતામાં કંઈ એકમેવ – અદ્વિતીયમ જેવું હોય, જો કંઈ ન્હાનાલાલીય હોય તો તે એમના શબ્દો, ‘તેજે ઘડ્યા’ શબ્દો…આ શબ્દોને કારણે જ ન્હાનાલાલની ઊર્મિકવિતામાં અન્યત્ર ક્યાંય જેનો અનુભવ ન થાય એવી હવા, આબોહવાનો, એવા વાતાવરણનો અનુભવ થાય છે. આ શબ્દોને કારણે જ ન્હાનાલાલના ઊર્મિકાવ્યો પ્રથમ પંક્તિથી જ અદ્ધર ઊંચકાય છે અને અંત લગીમાં તો કોઈ ઊર્ધ્વલોકના અસીમ અને અનંત પ્રકાશમાં ઝગમગે છે.
- ભાલચંદ્ર પરીખ
- કવિવર ન્હાનાલાલની કાવ્યપ્રતિભા વિવિધ સ્વરૂપે સ્ફૂરાયમાન થતી એની અદમ્ય સિસૃક્ષાની પરિતૃપ્તિ અર્થે માનવતા અને વિશ્વનાં વિશાળ ક્ષેત્રોમાં વિહરે છે છતાં જે ભવ્ય સિંહાસન પર કવિશ્રીનું સર્વતોવ્યાપી જીવનદર્શન આરૂઢ થયું છે, તેની અચળ પીઠિકા છેવટે પ્રેમ જ છે એ સ્વીકાર્યા વિના તેના અંતરંગ સૌંદર્યનું દર્શન ભાગ્યે જ થઇ શકે. પ્રેમ એ ન્હાનાલાલના વિશ્વદર્શનની કેન્દ્રશિલા છે. પાર્થિવ તેમ જ લોકોત્તર, દિવ્ય યા માનુષી સ્વરૂપે જીવન અને સંસ્કૃતિનાં બળોને તે અવિરત પોષે જાય છે. માનવઆત્માને તે સદા પ્રફ્ફુલ્લિત રાખે છે. જગતના આદર્શોમાં એકતાનું પ્રેરણાબળ સીંચી, શાશ્વત કુસુમિતતાની સૌરભ અર્પી, ચિરકાળ પર્યંત તેમને સજીવન રાખે છે – એ મધ્યવર્તી અનુભૂતિના સાક્ષાત્કાર પર કવિશ્રીના સમગ્ર સાહિત્યસર્જનની ઈમારત ચણાઈ છે.”
- ચંદ્રકાંત ટોપીવાલા – કવિ ન્હાનાલાલની આગવી શૈલી ‘અપદ્યાગદ્ય’ વિશે…
- પારંપરિક પદ્ય અને રોજિંદા ગદ્યથી દૂર રહીને ગુજરાતિ સાહિત્યક્ષેત્રે કવિ ન્હાનાલાલે નીપજાવેલી કાવ્યશૈલી.
- એ રાગયુક્ત ગદ્ય પણ છે. ચુસ્ત છંદોબદ્ધ પ્રાસ અનુપ્રાસના પિંગળનાં બંધનોને અવગણીને એમણે માત્ર નૈસર્ગિક સૌંદર્યબંધનોને સ્વીકારેલાં. તેઓ માનતા કે કાવ્યનું શરીર તત્વ છંદ નહીં પણ ડોલન છે. એ અપદ્ય છે,અગદ્ય છે, અપદ્યાગદ્ય છે. તેઓને એમ પણ પ્રતીતિ હતી કે છંદશિસ્ત વગર વિના સુકાન, વિના હોકાયંત્ર ડોલનશૈલીના પટવિસ્તાર ઉપર કાવ્યનૌકા ખેડી શકાય નહીં. છંદોના ગુણાકાર, ભાગાકાર, નિયમબદ્ધ વૃત્તો, અભ્યસ્ત પ્રયોગો, મિશ્રણો, રૂપાંતરોને અંતે ન્હાનાલાલે પદ્યમુક્તિનું સાહસ કરેલું. એમણે આ ડોલનશૈલીમાં પ્રતિભાવ લય (Affective Rhydhm)નો ઉપયોગ કર્યો. એમાં વાગ્મિતાનું કૌવત ઉમેર્યું. વાગ્મિતાને કારણે અલંકારપ્રચૂરતા અને સમાસપ્રચૂરતાને દાખલ કર્યા. વિશેષણો અને લાડવાચકો-લઘુતાવાચકો વિશેષ માત્રામાં કાર્યરત બન્યાં. આ શૈલીમાં વારંવાર નિયમભંગ થતો રહે છે, તો વારંવાર સમાંતરતાઓ દ્વારા અને પુનરાવૃત્તિઓ દ્વારા અતિનિયમિતતાનો પણ પુરસ્કાર થાય છે. કોઈનું પણ અનુકરણ કર્યા વગરની પોતાની અનનુકરણીય શૈલીને ન્હાનાલાલે ‘ અબોધ આત્માની ઉચ્ચારણશૈલી’ તરીકે ઓળખાવી છે.
- એમના કાળમાં છંદબધ્ધ રચનાને બહુ જ અગત્ય અપાતી. તેમની ડોલન શૈલીનો ઘ્ણો વિરોધ પણ થયો હતો. એક સજ્જને તો જાહેરમાં નીચેનું જોડકણું વાંચી તેમની ઠેકડી ઉડાવી હતી !! –
“ડાહ્યાના એ દીકરા, ડાહ્યા દલપતરામ.
તેનો પાક્યો નાનીયો, બોળ્યું બાપનું નામ.”
Like this:
Like Loading...
Related
Pingback: ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય
“jaya,tara pagla: jane kamalni verayel pandadiyo ”
At this age of 82 my memories recollect those fine
words written by Shri,NANALAL,IN “Jaya-Jayant”.HAPPY
TO READ ABOUT him today.MANY THANKS.
Pingback: ગાગરમાં સાગર » Blog Archive » વસંતોત્સવ ૦૭ : આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને -ન્હાનાલાલ કવિ
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
bahuj sundar.