ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભાઈલાલ ભટ્ટ, ‘યોગેશ્વર’, Bhailal Bhatt, Ýogeshwara


———————————

જન્મ

  • ૧૫ ઓગસ્ટ ૧૯૨૧, સરોડા (  ધોળકા, જિ. અમદાવાદ )

અવસાન 

  • ૧૮ માર્ચ, ૧૯૮૪

https://youtu.be/qVlvidvqEEAપ્રદાન

  • ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અભ્યાસી
  • કોલેજ કાળથી સાહિત્ય સર્જન
  • કવિતા, નવલકથાઓ, નિબંધ, પ્રવાસ, ચરિત્ર વગેરે સાહિત્યસ્વરૂપમાં આશરે ૬૦ પુસ્તકોનું સર્જન
 
રચનાઓ
  • કથાકાવ્ય – કૃષ્ણ-રુક્મણિ
  • કાવ્યસંગ્રહ – ગાંધીગૌરવ, દ્યુતિ, સાંઇ સંગીત, તર્પણ
  • પૌરાણિક પ્કરંસંગો આધારીત થા – સ્મૃતિ, કાયાકલ્પ, ઉત્તરપથ ભાગ ૧ અને ૨, પ્રીત પુરાની
  • પ્રવાસકથા – ઉત્તરની યાત્રા ભાગ ૧ અને ૨
  • નિબંધસંગ્રહ – ફૂલવાડી, સનાતનસંગીત, શ્રેય અને સાધના
  • જિવનચરિત્ર – ભગવાન રમણ મહર્ષિ  ઃ  જીવન અને કાર્ય
  • અન્ય – ઉપનિષદનું અમૃત, પ્રાર્થના સાધના
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

—————–
તેમની વેબ સાઈટ ઉપરથી પરિચય ….. 

#  વેબ સાઈટ – ‘ સ્વર્ગારોહણ’

ગુજરાતની સાહિત્યરસિક અને અધ્યાત્મપ્રેમી જનતાને શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. મા શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી વીસમી સદીના ગુજરાતમાં થઈ ગયેલા સમર્થ સંત અને સાહિત્યકાર હતા. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના સર્વોત્તમ શિખરો સર કરનાર યોગેશ્વરજી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહામાનવ હતા.

ઈ.સ. ૧૯૨૧ ની પંદરમી ઓગષ્ટે અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી ‘મા’ ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિમાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.

ઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની પુણ્યભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન છતાં એમની નમ્રતા, નિરભિમાનતા તથા સાદગી જિજ્ઞાસુઓને પ્રથમ નજરે આકર્ષતી.

સત્ય અને અહિંસાના પૂજારી તથા પ્રાર્થના પર અખૂટ વિશ્વાસ ધરાવનાર મહાત્મા ગાંધીજીને આદર્શ માનનાર શ્રી યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.

યોગ, ભક્તિ અને જ્ઞાન – ત્રણેય માર્ગે કુશળતાથી કેડી કંડારનાર શ્રી યોગેશ્વરજીની આમજનતા માટેની સૌથી વિશેષ અને શકવર્તી ઉપલબ્ધિ તેમના વરદ હસ્તે થયેલ વિપુલ સાહિત્યસર્જનને ગણી શકાય. શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા ‘પ્રકાશના પંથે’; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, ઉમદા વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે. એમના સર્જનો વિશે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એમણે કેવળ લખવા ખાતર નથી લખ્યું. એમની રચનાઓ કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ એમના અસાધારણ જીવનની અભિનવ અભિવ્યક્તિ છે. એમના વૈવિધ્યસભર અને માતબર સાહિત્યપ્રદાનને હજુ ગુજરાતના સાહિત્યકારોએ અને સાહિત્યરસિક પ્રજાએ યથાર્થ અને પૂર્ણપણે પિછાણવાનો બાકી છે.

શુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્ખલિત રીતે વહેતી એમની ઓજસ્વી વાણીમાં થતા જ્ઞાન, યોગ અને ભક્તિના રહસ્યોના ઉદઘાટનનું પાન કરવાનું સૌભાગ્ય ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.

ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માર્ચે તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અનેકવિધ માનવતાવાદી સત્કાર્યો અને તેમના ઝળહળતા આધ્યાત્મિક વારસાને મા સર્વેશ્વરી સર્વોત્તમ રીતે દીપાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર swargarohan.org વેબસાઈટ તથા સ્થુળ રીતે અંબાજીમાં દાંતા રોડ સ્થિત સ્વર્ગારોહણ ધામ એમના મહિમાવંત જીવન અને કાર્યોની યશગાથાને ગાઈ રહ્યું છે.

4 responses to “ભાઈલાલ ભટ્ટ, ‘યોગેશ્વર’, Bhailal Bhatt, Ýogeshwara

  1. Pingback: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

  2. Daxesh Contractor જુલાઇ 30, 2012 પર 10:26 પી એમ(pm)

    યોગેશ્વરજીનું મુળ નામ જગદીશચંદ્ર આચાર્ય નહીં પરંતુ ભાઈલાલ ભાઈ ભટ્ટ હતું … કૃપા કરી સુધારશો … એમના વિશે વધુ માહિતી તમને એમના જીવન અને કાર્યો પર રચાયેલ સુપ્રસિધ્ધ વેબસાઈટ – સ્વર્ગારોહણ – પરથી મળી શકશે .. http://www.swargarohan.org/yogeshwarji.htm
    એમણે સો જેટલા ગ્રંથોનું સર્જન કર્યું હતું જેમાંથી લગભગ એંસી જેટલા પ્રસિદ્ધ થઈ ચુક્યા છે. એમના સાહિત્યસર્જન વિશે વધુ માહિતી અહીંથી મળી શકશે.
    http://www.swargarohan.org/books.htm
    એમણે લેખનની શરૂઆત છેક કોલેજ કાળથી કરી હતી જે એમના જીવનના અંત સુધી ચાલુ રહી .. એથી ઉત્તર વયે સાહિત્ય સર્જન – એ માહિતીમાં ત્રુટિ છે.
    એમના વિશે અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો આ ઈ-મેલ પર સંપર્ક કરશો. એમના વિશે લેખ મુકવા બદલ ધન્યવાદ …

  3. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: