ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘મળવા જેવા માણસ’ – ગોવિંદ પટેલ


Govind_Patel      ગોવિંદભાઈનો જન્મ ૧૯૪૮ મા આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં થયો હતો. જેસરવામાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરી, પાંચમાથી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કરવા પેટલાદમાં રહ્યા. ત્યારબાદ શિક્ષક થવાની ટ્રેઈનિંગ માટે વલ્લભ વિદ્યાલય, બોચાસણમાં ગયા. ૧૯૬૯ માં પેટલાદ તાલુકાના માનપુરા ગામમાં શિક્ષક તરીકેની નોકરીથી કારકીર્દીની શરૂઆત કરી. લગભગ ૨૦ વર્ષ સુધી વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યા બાદ, ૧૯૮૯ માં ઓ.એન.જી.સી. ખંભાતમાં ૧ થી ૪ ધોરણની નવી શાળા શરૂ કરી. મુખ્ય શિક્ષક તરીકે ગોવિંદભાઈ અને સહાયક શિક્ષક તરીકે ખોડસિંહ પરમાર. શાળા શરૂ કરવા માટે જીલ્લા પંચાયતને બાંહેધરી આપેલી કે દરેક વર્ગમાં  ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ બાળકો હશે. આ સંખ્યા ઝૂટાવવા સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વાલીઓને સમજાવવા ઘરો ઘર ફરવું પડેલું. જૂનમાં શાળા શરૂ કરી અને ડીસેમ્બરમાં તાલુકાના શાળા શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભરાયલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો. બસ થઈ ગઇ શરૂઆત ! ત્યાર બાદ પાંચ જીલ્લા કક્ષાના અને એક રાજ્ય કક્ષાના વિજ્ઞાનમેળાઓમાં ભાગ લીધો.

        શિક્ષક તરીકે કામ કરતાં કરતાં પણ ગોવિંદભાઈ સમાજ પ્રત્યેની ફરજ બજાવવાની એક પણ તક જવા ન દેતા. ૧૯૭૩ માં ભાલ વિસ્તારમાં અને ૧૯૭૯ માં મોરબીમાં આવેલા પૂરના રાહત કાર્યોમાં ગોવિંદભાઈએ પૂરજોરમાં કામ કરેલું. ૧૯૭૩ થી ૧૯૯૦ સુધી દર વર્ષે ગ્રામ સફાઈ સિબીરોમાં જઈને કામ કરતા. દુષ્કાળ રાહતના કામોમાં પણ ગોવિંદભાઈ સામિલ હોય જ.

રાજકારણમાં શરુઆતથી જ ગોવિંદભાઈને રસ પડતો. ૧૯૫૯-૬૦ ની મહાગુજરાત માટેની ચળવળ, ૧૯૭૪ નું નવ નિર્માણ આંદોલન અને ૧૯૭૫ ની ઈમરજન્સી, આમ બધી ચળવળમાં ગોવિંદભાઇએ જુસ્સાભેર ભાગ  લીધેલો.

        ૧૯૯૦ માં ગોવિંદભાઈના અમેરિકા સ્થિત સાળી મંજૂલાબહેનના આગ્રહથી ગોવિંદભાઈ સહકુટુંબ અમેરિકામાં સ્થાયી થવા આવ્યા. આવીને બે મહિના સાઢુભાઈની નર્સરીમાં કામ કર્યું, ત્યારબાદ સોલિડ સ્ટેટ ડિવાઈસ નામની કંપનીમાં કલાકના ૩.૨૫ ડોલરના પગારે નોકરી શરૂ કરી. ત્યારે કલાકના ૩.૨૫ ડોલર એ અમેરિકામાં ન્યુનતમ પગારનું કાયદેશરનું ધોરણ હતું. ત્યારબાદ પ્રેમજીભાઈ નામના એક ગુજરાતીએ કલાકના ૪.૦૦ ડોલરના હિસાબે ગોવિંદભાઈને કામ આપ્યું.

      ૧૯૯૧ માં પ્રદીપભાઈ પટેલની એક મોટેલમાં બે મહિના માટે કામ કરી, મોટેલના ધંધા વિશે ઘણી જાણકારી હાંસિલ કરી. ૧૯૯૨ માં સ્ટાર ડસ્ટ મોટેલમાં દસ મહિના માટે કામ ક્ર્યું. થોડિક આર્થિક સ્થિરતા આવી એટલે એમણે એમની માતા સુરજબાને વિઝીટર વિશા લઈ અમેરિકા તેડાવ્યા. અમેરિકા આવ્યાની આઠ મહિનાની અંદર જ માતા સૂરજબાનું અવસાન થયું, એટલે ૧૯૯૨ માં જ ગોવિંદભાઈ મા ના અસ્થિ લઈ ભારત પાછા આવ્યા અને ત્રણ માસ માટે ફરી ખંભાતની ઓ. એન. જી. સી. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. અહીં તેમની અગાઉની નોકરી અને આ ત્રણ માસની નોકરીને ગણત્રીમાં લઈ એમને પેન્શન આપવાનું નકકી થયું. ગોવિંદભાઈએ આ પેનશનની રકમ ગામનો પાણીવેરો ભરવા માટે દાનમા આપી દીધી. હજીસુધી ગામનો પાણીવેરો આ પેનશનની રકમમાંથી ભરાય છે.

        ૧૯૯૩ માં અમેરિકા પાછા ફરી ફરી એક મોટેલમાં નોકરી શરૂ કરી. એ જ વર્ષે એમના નાનાભાઈને સહકુટુંબ અમેરિકા બોલાવી લીધા. ૧૯૯૪ માં એક પ્રોડ્યુસ માર્કેટમાં નોકરી કરી. આમ થોડો થોડો આવકમાં વધારો કરવા નોકરીઓ બદલતા રહ્યા. ૧૯૯૫ માં એક હેન્ડલુમ ફેકટરીમાં બાર કલાકની રાતપાળીના મેનેજર તરીકે નોકરી કરી.

       ૧૯૯૫ માં ગોવિંદભાઈની કારને અકસ્માત નડ્યો. હેલીકોપ્ટરથી એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. નશીબ જોગે એ થોડા સમયમાં ઠીક થઈ ગયા, અને ફરી પાછા સખત મજૂરીવાળી નોકરીમાં લાગી ગયા.

      એમણે ભારતમાં રહીને જે સામાજિક કાર્યો કરેલા એને લીધે એમની રાજકારણીઓ સાથે સારી જાણપિછાણ થઈ ગયેલી, એટલે એમની સેવાઓનો ઉપયોગ કરવા ગુજરાતના મુખ્યમંત્રીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ ચૂંટણી વખતે ગોવિંદભાઈને ભારત બોલાવતા, બદલામાં ગોવિંદભાઈના ગામમાં નાનીમોટી પ્રવૃતિઓના ઉદઘાટન માટે તેઓ ઉપલબ્ધ થતા. ગોવિંદભાઇના કૌટુંબિક પ્રસંગોમાં પણ જાણીતા નેતાઓ હાજરી આપતા.

       ૧૯૯૬ થી ૧૯૯૮ સુધી અમેરિકામાં વિનસ ટેક્ષટાઈલ્સ નામની કંપનીમાં નોકરી કરી. ૧૯૯૮ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભારત આવ્યા. અહીં તેમનો સંપર્ક સુષ્મા સ્વરાજ, નરેશ કનોડિયા, શત્રુજ્ઞ સિંહા, અશોક ભટ્ટ અને રમણસિંહ જેવા મોટા નેતાઓથી થયો. આમાના કેટલાક આજે પણ ગોવિંદભાઈના સંપર્કમાં છે. ગોવિંદભાઈના આ સંપર્કને લીધે જેસરવા અને એની આસપાસના ગામોના વિકાસ કાર્યોમાં તેજી આવી.

        ૧૯૯૮ માં ગોવિંદભાઈએ પોતાની મા ના નામે “માતૃશ્રી સુરજબા પરાર્થે સમર્પણ” નામના ટ્રસ્ટનિ સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પુનમે ડાકોર જતા પગપાળા યાત્રાળુઓ માટે ઠંડી છાશનો બંદોબસ્ત કરાયો. મોટી ઉમરના યાત્રાળુઓના પગ દબાવી આપવા પગારદાર માણસો રોક્યા. ૧૯૯૯ માં ગામમાં “સુરજબા કન્યા વિદ્યાલય” શરૂ કરી, જેમાં બાળાઓને વિના મુલ્ય શિક્ષણ ઉપરાંત કપડાં, ચપ્પલ, પુસ્તકો, નોટબુક્સ, કમ્પાસ, પેન અને પેન્સીલ આપવામાં આવતા. સરકાર સાથે શાળાની જમીન અંગે મતભેદ થતાં ૨૦૧૦ માં આ શાળા બંધ કરી.

        ૧૯૯૯થી એક મોટેલમાં કાયમી નોકરી મળી. મોટેલમાં એમને રહેવા માટે ઘર, પાવર, પાણી અને ગેસ પણ મોટેલ તરફથી વિના મુલ્યે મળ્યા. ગોવિંદભાઇએ એમના પત્નિ અને બાળકો સાથે મળી નક્કી કર્યું કે દર મહિને આપણા ૪૦૦-૫૦૦ ડોલર બચે છે તો આ રકમા શા માટે સેવા કાર્યોમાં ન વાપરવી? બસ એમણે શરૂઆત કરી દીધી. ૧૯૨ દેશોના ધ્વજ થોકબંધ ખરીદીને ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને મોકલી આપવા, ગુજરાતના નકશા થોકબંધ ખરીદીને શાળાઓને ભેટમાં આપવા અને કોઈપણ સામાજીક પ્રવૃતિમાં મદદ કરવા જેવું લાગે તો મદદ કરવી.

       ૨૦૦૯ માં જાણીતા ગુજરાતી ભાષાના બ્લોગ્સને આર્થિક મદદ કરી. પોતે પણ પરાર્થે સમર્પણ અને ગોદડિયો ચોરો નામના બે બ્લોગ્સ ચલાવે છે, ગોદડિયો ચોરો નામની તળપદી ભાષાની લેખમાળા લખે છે અને કવિતાઓ લખે છે.

          નાની આવક પણ મોટું મન. બસ આ જ એક વાત એમને મળવા એવા માણસ બનાવેછે.

-પી. કે. દાવડા

2 responses to “‘મળવા જેવા માણસ’ – ગોવિંદ પટેલ

 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જુલાઇ 14, 2014 પર 7:27 એ એમ (am)

  આદરણીય સાહેબશ્રી.

  શ્રી. ગોવિંદભાઈ એટલે જ ……………………,

  Govind Means………………,

  Gov. + Ind. = Govindbhai

  સાચા અર્થમાં શ્રી. ગોવિંદભાઈ ” મળવા લાયક અને માણવા લાયક ” માણસ છે.

  અમો એકવાર ઉઅડ્તી નજરે મળ્યા હતા.

  એકદમ સાદા-સિમ્પલ, બીજાને માટી કાંઈક કરી છુટવાની તમન્નાવાળા

  દેશપ્રેમ તો એમના હૈયે વસેલો છે.

  એવા ગોવિંદભાઈને કોટો કોટિ પ્રણામ.

  આપે શ્રી. ગોવિંદભાઈને જે સ્થાન આપ્યુ તે ખરેખર યથાયોગ્ય છે.

 2. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: