ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – નવીન બેન્કર


Navin_Banker

           નવીનભાઈનો જન્મ ૧૯૪૧ માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલો. પિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો અને એક મીલમાં નોકરી કરતા હતા. માતા ચાર ધોરણ સુધી ભણેલા હતા. આ એક મધ્યમવર્ગી કુટુંબ હતું. નવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.

          કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા. એમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશ’માં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છે. રસ્તા પર બુમો પાડીને છાપાં વેચ્યા છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોને, ઉઘાડા પગે, છાપાં પહોંચાડ્યા છે. સ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના વધારા ભરબપોરે વેચ્યા છે, એટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો. આ સમય દરમ્યાન, ફેરિયાઓ સાથે મારામારી પણ થતી. મફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.”

       ૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી. ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં એ વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.

        નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બી. કોમ. ની ડીગ્રી મેળવી.

        સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને  લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, અને ’દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈ. ત્યારથી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.

        ૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર તરીકે નોકરી મળી.

Navin_Banker_1

             ૧૯૬૩માં નવીનભાઈના કોકિલાબહેન સાથે લગ્ન થયા. પોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબ માણસના લગ્ન હતા, ન બેન્ડ ન બાજા, ન બારાત ન રીસેપ્શન, ન ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં ! લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર  છ દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં  આપેલા. પત્ની કોકિલા સીધી સાદી, ભલીભોળી, દસ ચોપડી ભણેલી, મા વગરની, લોકોને આશરે , ઘરના કામ કરીને, હડસેલા ખાઇને મોટી થયેલી  ગરીબ છોકરી હતી.”  એ વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાં, એકમાત્ર કમાનાર, ૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતો. ભાડાના ઘરમાં  ચોકડીમાં સ્નાન કરતા. એક જ ખાટલો હતો જે દાદીમા વાપરતા. બીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડા નાંખી દેતા.”  પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે. ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથી. અત્યારે ૭૨ વર્ષની વયે શ્રીનાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.”

          ૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા.

            ૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત જ કોઇ દેશીના સ્ટોર પર કે અમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતું. ઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસ-બાર મહિના કાઢી નાંખતા. ઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતા. પાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.

      ૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં જ એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી.  અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મો, ગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં. ૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. જૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.

      હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.

       આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  ન બને. પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે. ૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન-પત્રથી નવાજ્યું. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો

       તેમનો ‘ એક અનૂભુતિ  એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમા ‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લા કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.

       બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ કર્યા વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.

-પી. કે. દાવડા

3 responses to “મળવા જેવા માણસ – નવીન બેન્કર

  1. Pingback: બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો – નવીન બેન્કર | હાસ્ય દરબાર

  2. dee35(USA) માર્ચ 28, 2015 પર 6:30 પી એમ(pm)

    એક અનુભુતી અને એક અહેસાસમાં સાઈન અપ કઈ રીતે કરી શકાય તે માટે માર્ગદર્શન આપશો.આભાર.

  3. Pingback: નવીન બેન્કર, Navin Banker | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: