ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – શકુર સરવૈયા


શકુરભાઈ એમના માનીતા પક્ષી સાથે

શકુરભાઈ એમના માનીતા પક્ષી સાથ

        શકુરભાઈનો જન્મ ૧૯૩૯ માં મુંબઈના એક ઉપનગર ધાટકોપરમાં થયો હતો.એમના પિતાની ધાટકોપરના મુખ્ય માર્ગ ઉપર વાસણોની બે નાની દુકાનો હતી. એમની માલિકીની દસ ભાડુતો વાળી એક પતરાંની ચાલ હતી. પ્રત્યેક ભાડુત  પાસેથી મહિને દસ રૂપિયા ભાડું આવતું.

      શકુરભાઈનું શાળાનું ભણતર ધાટકોપરની પ્રખ્યાત શાળા રામજી આસર વિદ્યાલયમાં થયેલું. મારૂં પણ શાળાનું ભણતર એ જ શાળામાં થયું હતું. શકુરભાઈ  જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારે અમારી એક શિક્ષિકા વત્સલા મહેતાએ  શકુરભાઈનો ગુજરાતી સાહિત્યમાં રસ ઓળખી લઈને એમને લખવા માટે  પ્રોત્સાહન આપ્યું. શાળાના વાર્ષિક મેગેઝિન ‘પૂષા’ માં બે વાર એમના લેખ છપાયા. દશમાં ધોરણમાં યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં એમને બીજું ઈનામ મળેલું.

       શાળાનો સમય છોડી, શકુરભાઈ સાહિત્યનાં વાંચન, કવિ સમેલનોમાં શ્રોતા તરીકે હાજરી આપવી, વાસણની દુકાને પિતાની મદદમાં રહેવું વગેરે પ્રવૃતિઓમાં  બાકીનો સમય પસાર કરતા. ખાનદાનીના સંસ્કાર એમને નાનપણમાં જ મળીગયેલા. એકવાર એમના પિતાએ એમને એમના એક ભાડુતને ત્યાં ભાડું વસુલ કરવા મોકલેલા. ભાડુતને ત્યાં ગયા તો ખબર પડી કે, ભાડુતની નોકરી છૂટી ગયેલી એટલે ભાડું આપી શક્યા ન હતા. શકુરભાઈએ એમના પિતાને આ વાત કરી તો એમના પિતાએ કહ્યું કે એમને આપણા કરિયાણાવાળા પાસેથી જોઈતું અનાજ અપાવી દેજે, અને નોકરી ન મળે ત્યાં સુધી ભાડું માગવા ન જતો.

       ૧૯૫૮ માં SSC પરીક્ષા પાસ કરી મુંબઈની ખાલસા કોલેજમાં વિજ્ઞાનની શાખામાં F.Y. Sc.  અને Int. Sc. નો કોર્સ કર્યો. Int. Sc. માં ખૂબ જ સારા માર્કસ આવ્યા  એટલે મુંબઈની ભારતભરમાં પ્રખ્યાત UDCT માં એડમીશન મળ્યું. અહીંથી એમણે ૧૯૬૫ માં B.Pharm. ની ડીગ્રી મેળવી.

      કોલેજ અભ્યાસના આ વર્ષો દરમ્યાન પણ એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વધતો જ રહ્યો. એમની પ્રથમ કવિતા ‘નવનીત’ સામયિકમાં છપાઈ, અને ત્યારથી એમનું સર્જન સમયાંતરે પ્રગટ થતું રહ્યું. આ ગાળા દરમ્યાન એ સમયના જાણીતા કવિઓ અને લેખકોને મળવાનો અને એમની સાથે મૈત્રી બાંધવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો, જેમા રાજેન્દ્ર શાહ અને સિતાંસુ યશચંદ્ર જેવા જાણીતા સાહિત્યકારોનો પણ સમાવેશ થઈ જાય છે.

        એમનો સાહિત્યમાં રસ માત્ર ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રત્યે સિમીત ન રહી,બંગાલી અને અંગ્રેજી સાહિત્યમાં પણ એમનું વાંચન જારી રહ્યું. કોલેજના દિવસોમાં જ ખાસ બંગાલી ભાષા શીખવાના વર્ગોમાં જોડાઈને એમણે બંગાલી ભાષા શીખી લીધી હતી.

      ૧૯૬૫ માં B.Pharm. ની ડીગ્રી મેળવી થોડા સમય માટે તેઓએ ૧૫૦ રૂપિયા પગારની Medical Reprentative તરીકે નોકરી કરી, અને ત્યારબાદ ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી અલગ અલગ કંપનીઓમાં Manufacturing ક્ષેત્રમાં નોકરી લીધી.

      ૨૬ વર્ષની વયે શકુરભાઇના લગ્ન હવ્વાબેગમ સાથે થયા. આ વડિલોએ નક્કી કરેલા લગ્ન હતા. ૧૯૬૭ અને ૧૯૭૨ વચ્ચે એમને ત્યાં સલીમ અને સાહીર બે પુત્ર અને એક પુત્રી નસીમમાનો જન્મ થયો.

સરવૈયા દંપતિ

સરવૈયા દંપતિ

       ૧૯૭૨ માં એમના મિત્રો પ્રતાપ ભટ્ટ, અશ્વિન શાહ, અરૂણ  ઠાકર અને પ્રવીણ ભાયાણીના આગ્રહથી સહકુટુંબ અમેરિકા આવ્યા અને કાયમ માટે અમેરિકામાં સ્થાયી થયા. પ્રતાપ ભટ્ટે એમને સ્પોન્સોર કરેલા. અમેરિકામાં ન્યુયોર્કમાં આવ્યા પછી તરત જ એમને એક ડ્રગ સ્ટોરમાં નોકરી મળી ગઈ. ત્યાર બાદ ૧૯૮૪ માં ન્યુયોર્ક અને ન્યુજર્સીની અલગ અલગ ફાર્મસીઓમાં નોકરી કરી.

       વેપારીના પુત્ર હોવાથી એમના લોહીમાં વેપારી મનોવ્રતિ તો હતી જ. એટલે ૧૯૮૪ માં એમણે ન્યુયોર્કમાં SHERMAN PHARMACY ખરીદી લીધી અને અલ્લાહની મહેરબાનીથી આજે ૭૫ વર્ષની વયે પણ એમના કુટુંબની મદદથી એ ફાર્મસી ચલાવે છે. શકુરભાઈના ત્રણે સંતાનો સલીમ, સાહિર અને નસીમા  ત્રણે અલગ અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ ધરાવે છે.—-

શકુરભાઈની શર્મન ફાર્મસી

શકુરભાઈની શર્મન ફાર્મસી

      વિજ્ઞાનના વિષયમાં અભ્યાસ કર્યો, Pharmacy જેવી લાઈનમાં વ્યવસાય કર્યો છતાં સાહિત્યની દુનિયામાં એમણે જે પ્રગતિ કરી એ આશ્ચર્યજનક છે. અત્યારસુધીમાં એમના ત્રણ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે;  અને બે થોડા સમયમાં જપ્રસિધ્ધ થશે. એમના બધાજ પુસ્તકો ગીત, કવિતા, ગઝલ અને અછંદાસ કાવ્યોના છે. ‘ઘરની સાંકળ સુધી’ કવિતા સંગ્રહમાં એમની આસરે ૧૧૪ વિચારપ્રેરક કવિતાઓ છે, જ્યારે ‘બે દમ ચલમના’ નામના ગઝલ સંગ્રહમાં, વાંચતાં જ ગમી જાય એવી ૧૦૧ ગઝલ છે. આ લેખની મર્યાદામાં રહી હું એ પાંચેપુસ્તકોનું વિવેચન ન કરી શકું છતાં એમની ગઝલોની થોડી પંક્તિઓ નમુના તરીકે રજુ કરૂં છું. ‘બે દમ ચલમના” ની પહેલી ગઝલમાં જ શકુરભાઈ કહે છે,

“મારી કલમની વાત છે, બળતી ચલમની વાત છે,

 બે દમ ભરો ને પરમ સુખ, ઊંડા મરમની વાત છે.”

     અને ભાઈ ખરેખર મેં એ ચલમ હાથમાં પકડી ત્યાં જ મને તો નશો ચડી ગયો. શકુરભાઈની ગઝલો ચોટીલી છે, થોડા સરળ શબ્દોમાં સ્પષ્ટ વાત કહી દે છે, કશું ગોળ ગોળ નહિં.

“ ચાંદ કાઢો ચાંદનીમાંથી પછી બાકી શું રહે? વાત કાઢો ખાનગીમાંથી બાકી શુંરહે?

  જીંદગી આખી વિચારીને હવે થાકી ગયો છું, મન કાઢો માનવીમાંથી બાકી શુંરહે?”

આત્મવિશ્વાસથી ભરેલા શકુરભાઇ કહે છે,

“કામ મારૂં છે જ આવું શરત માર;
દિવસના તારા બતાવું શરત માર;
એક  ઈશારો  કરીને, તું કહે  તો,
આ દિવાલને ચલાવું શરત માર !”

કયારેક ગૂઢ વાતો કરતા શકુરભાઈ એક ગઝલમાં કહે છે,

“કોઈ રસ્તો મળતો નથી છટકવાનો, આકાશને ધરતી વચ્ચે ફસાયો છું;

 તમે  માનો નહિં પણ વાત સાચી છે, હજારો વાર મર્યો  ને દટાયો છું.’

       એક ગઝલમાં તેઓ કહે છે કે, ખોટું ખોટું હસીને હું હવે થાકી ગયો છું.  હવે મારે મારા મન મુજબ રડવું છે, બીજી એક ગઝલમાં કહે છે,

“તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.”

     હદ તો ત્યારે થાય છે કે જ્યારે એ ખુદાને કહેછે,

“જો તું પાછી લઈ લેવાનો છે એવી ખબર હોત તો તું તારી પાસેથી જીંદગી લેત જ નહિં ! “

ગઝલ અને કવિતાઓ લખવા માટે શકુરભાઈને વિષય ઓછા પડે છે, એટલા માટે તેઓ કહે છે કે હવે,

“કંઈ નવું જોવા મળે તો લખું,
આકાશ નીચે જો પડે તો લખું;
વાચા વિશે મારે કહેવું નથી,
મૂંગા બધા બોલી ઊઠે તો લખું.”

     અમેરિકાના પૂર્વ કિનારાના ગુજરાતી સાહિત્ય મંડળોમાં શકુરભાઈ એમની કવિતાઓ અને ગઝલો માટે જાણીતા છે.૨૦૧૨ માં એમને ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રતિષ્ઠાવાળો રમેશ પારેખ એવોર્ડ એનાયત કરેલો.

     થોડા સમયમાં જ એમના બીજા બે કાવ્ય સંગ્રહો સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરશે. ખૂબ નજીકના ભવિષ્યમાં શકુરભાઈના જીવન ઉપર ગુજરાતના જાણીતા સાક્ષર શ્રી બલવંત જાની દ્વારા લખાયલા પુસ્તકનું વિમોચન ન્યુજર્સીની જાણીતી સાહિત્ય સંસ્થા Gujarati Literary Academy Of North America  દ્વારા,અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્યકારોની હાજરીમાં  થવાનું છે, અને ત્યારે શકુરભાઈનું સન્માન પણ કરવામાં આવશે.

       અંતમાં મારા શાળાના સહપાઠી અને એક પાક-નેક ઈન્સાન શકુરભાઈને સલામ કહી લેખ પુરો કરૂં છું.

– શ્રી. પી.કે.દાવડા

One response to “મળવા જેવા માણસ – શકુર સરવૈયા

 1. સુરેશ એપ્રિલ 13, 2016 પર 8:03 એ એમ (am)

  થોડોક ઉમેર ( અલબત્ત – પી.કે.દાવડાના ઈમેલમાંથી )

  એમનો ગઝલ સંગ્રહ “બે દમ ચલમના” વાંચો તો વગર દમ લગાવ્યે એમની ચલમ ચડી જાય! એમના આ સંગ્રહમાંથી એમની ત્રણ દમદાર ગઝલ રજૂ કરૂં છું.

  (૧)

  બે દમ ચલમના

  મારી કલમની વાત છે;

  બળતી ચલમની વાત છે.

  બે દમ ભરો તો પરમ સુખ,

  ઊંડા મરમની વાત છે.

  તારી અને મારી નથી,

  રબની કસમની વાત છે.

  ધારી તમે જે ના શકો

  એવી રકમની વાત છે.

  મારા સમું કોઈ નથી,

  એ તો ભરમની વાત છે.

  કોઈને બુલંદી આપવી,

  એના કરમની વાત છે.

  શકુર સરવૈયા

  (૨)

  શરત માર

  કામ મારૂં છે જ આવું, શરત માર;

  દિવસના તારા બતાવું, શરત માર.

  એક ઈશારો કરીને, તું કહે તો

  આ દિવાલોને ચલાવું શરત માર.

  આ ઉદાસીને ખુશીમાં બદલવી છે?

  રીત એની પણ જણાવું શરત માર.

  હા અને ના કેટલા છે દૂર એનું

  માપ એનું હું બતાવું શરત માર.

  હું ગયો છું દર્દની ઊંડાઈમાં પણ

  દર્દના કારણ ગણાવું શરત માર.

  લાગણીના આ ખળભળાટો શકુર,

  કયાં મચે છે એ બતાવું શરત માર

  શકુર સરવૈયા

  (૩)

  તો લખું

  કંઈ નવું જોવા મળે તો લખું,

  આકાશ નીચે જો પડે તો લખું.

  હું રોજ લખ લખ સતત એને કરૂં,

  આજ એ મને કાગળ લખે તો લખું.

  બળતું બધું, એમા કહો હું શું લખું?

  જો આગ મારાથી બળે તો લખું.

  વાચા વિશે મારે કશું કહેવું નથી,

  મૂંગા બધા બોલી ઊઠે તો લખું.

  નીચે પહાડોથી પડી ને ફરી

  પથરા ઉપર પાછા ચઢે તો લખું.

  સૂરજ ઊગે ને છાપરાં જો કદી

  આખો દિવસ ઢાંકી શકે તો લખું.

  બે હાથ ધોઈ લો તમારા પછી

  દરિયા બધા મીઠા બને તો લખું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: