ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – સુરેશચંદ્ર શેઠ


SM_Sheth

        સુરેશચંદ્રભાઈનો જન્મ વર્ષ ૧૯૪૩માં ભાવનગર જિલ્લાના નિંગાળા ગામમાં, એક દશાશ્રીમાળી કુટુંબમાં થયો હતો. પિતા ચાર ધોરણ સુધી ભણેલા હતા, પણ એ એક બહાદુર સ્વતંત્રતા સેનાની હતા. જીવનનો સારો એવો ભાગ એમણે ભારતની આઝાદીની લડત માટે વિતાવ્યો હતો. માતા બે ધોરણ સુધી ભણેલાં હતાં, પણ એમને વાંચનનો ઘણો શોખ હતો.

     પ્રાથમિક શાળાના ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ મુંબઈની મરીના મોડર્ન સ્કૂલમાં કરેલો, પણ ત્યારબાદ પિતાને ધંધામાં આર્થિક નુકસાન જવાથી શહેરમાં રહેવું શક્ય ન હતું; તેથી તેમણે જોરાવરનગરની જૈન સ્કૂલમાં ચોથા અને પાંચમા ધોરણનો અભ્યાસ કર્યો. છઠ્ઠા ધોરણથી SSC સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલમાં કર્યો. ૧૯૫૯માંSSC પરીક્ષામાં પાસ થઈને સુરેન્દ્રનગરની જ એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં દાખલ થયા. અહીંથી B.A.સુધીનો અભ્યાસ પૂરો કરી એમ.જે. કોલેજ ઓફ કોમર્સમાંથીB.Com. નો અભ્યાસ કર્યો.

       ૧૯૬૮ના જૂન મહિનામાં એમને ધ ગુજરાત રાજ્ય સહકારી બેંકમાં નોકરી મળી. પગાર માત્ર ૧૫૦ રૂપિયા !  બેંકની નોકરીમાં એમની લેખનકળા કામ લાગી. એમની ઑફિસનોંધો અને પત્રવ્યહવારની ક્ષમતા વખણાવા લાગ્યાં. એમને એમના રસ અનુસાર જ કામગીરી મળી એનો એમને આનદ હતો. બેંકમા ક્લાર્ક તરીકે જોડાઈને ડેપ્યુટી ચીફ ઑફિસરની પોસ્ટ સુધી પહોંચ્યા, જેમાં એમની નિષ્ઠા, ધગશ અને અવિરત કામ કરવાની આદતનો મુખ્ય ફાળો હતો. એમણે બેંકના મુખપત્ર “સહકાર”નું તંત્રીપદ પણ સંભાળ્યુ અને નિવૃત્ત થયા પછી બેંકની  ઍકડેમિક  ઇન્સ્ટિટ્યૂટમાં અને અર્બન બેંક્સ ફેડરેશનમાં મંત્રી તરીકે પણ કામગીરી સંભાળી.

      આ બેંકની નોકરીની શરૂઆતમાં એક રસિક વાત બનેલી. શ્રી શેઠ જ્યારે બેંકમાં જોડાયા અને પ્રોબેશન પર હતા, ત્યારે જ બીજા એક શ્રી શેખ પણ નવા જોડાયેલા અને પ્રોબેશન પર હતા. કામ દરમ્યાન શેખની ભૂલો શેઠના નામે રિપોર્ટ થતી.સારા નસીબે સમયસર એ ભૂલો સુધારી લેવામા આવી અને શેઠ કાયમ થયા અને શેખને છૂટા કરવામાં આવ્યા.

          એમને લખવાનો શોખ બહુ જ નાની વયથી હતો. છેક બાળપણમાં “બાલજીવન” નામના એક સામયિકમાં એમની એક બાળવાર્તા છપાઈ હતી. એ પછી કોલેજકાળમા મુંબઇથી નીકળતા ” મહેંદી” નામના માસિકમાં પણ એમની ઘણી વાર્તાઓ છપાઈ હતી. આજસુધીમાં ઐતિહાસિક ભૂમિકાના આધાર ઉપર ચાર મોટી નવલકથાઓ એમણે લખી છે, જે એમણે વર્ડપ્રેસના બ્લોગ્સમાં અને ફેસબુકમાં મૂકી છે. સાહિત્ય પ્રત્યેના પ્રેમની વાત કરતાં તેઓ કહે છે, “સાહિત્યસંગ એમારી મનગમતી પ્રવૃત્તિ છે. બેન્કમાં લીલીછમ નોટોની સંગતકરતાંકરતાં પણ સાહિત્યનો સાથ જળવાઈ રહ્યો. ઘણું લખ્યું છે,લખ-વા જ થયો છે એમ કહો ને ! અને એનો ક્યાં કોઈ ઇલાજ છે?”

તેમના આ બ્લોગ પર પહોંચવા ચિત્ર પર 'ક્લિક' કરો.

તેમના આ બ્લોગ પર પહોંચવા ચિત્ર પર ‘ક્લિક’ કરો.

        નિવૃત્તિ પછી બેસી રહેવું એમને ગમ્યું ન હતું, એટલે કોમ્પ્યુટરના ક્લાસ ભરીને તેઓ કોમ્પ્યુટરના પ્રાથમિક પાઠ શીખ્યા. એમને લાગતું હતું કે નવા યુગનું આ શસ્ત્ર શીખવા જેવું તો છે જ. તેઓ કહે છે કે “કોમ્પ્યુટર હોય અને નેટ કનેક્શન હોય તો વખત ક્યાં પસાર થઈ જાય એ ખબર પણ પડતી નથી. નિવૃત્તિએ મને વધારે પ્રવૃત્તિમય બનાવી દીધો છે.જિંદગી જીવવાની મજા માણી રહ્યો છું. હરેક દિવસ એક નવીશીખ લઈને આવે છે. શીખતો રહ્યો છું, શીખતો રહીશ.”

       એમના લખાણ વિષે સુરેશચંદ્રભાઈ કહે છે, “અલગ અલગ સાંપ્રત સમસ્યાઓ જ્યારે મનને વલોવી નાખે, ત્યારેવિચારવમળો પેદા થાય એ અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરું છું. આ મારા અંગત વિચારો છે. મને કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નથી.મારા વિચારોને કારણે જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થુંછું.”

      વધુમાં તેઓ કહે છે, “કામમાં કદાપિ આળસ કે બેવફાઈ કરવાનો વિચાર સુદ્ધાં મને નથી આવ્યો. નોકરી દરમિયાન મેં બહુ ઓછી રજાઓ લીધી છે. નિવૃત્તિ વખતે મેં એકત્ર થયેલી લગભગ ૧૦૦ જેટલી રજાઓનો પગાર encash કરાવ્યો છે,કારણ કે મને મારું કામ એટલું બધું ગમતું કે કારણ વગર ઘરે બેસવું ગમતું નહીં.”

SM_Sheth_1

       સુરેશચંદ્રભાઈનાં લગ્ન ૧૯૬૬માં થયાં હતાં. એમનાં પત્ની પુષ્પાબેન બહુ જ ધાર્મિક વ્યક્તિ છે. એમની બે પુત્રીઓ,વિશાખા અને મલ્લિકા પરણીને અમદાવાદમાં જ સ્થિર થયેલ છે.  હાલની પ્રવૃતિઓ વિષે સુરેશચંદ્રભાઈ કહે છે, “દર રવિવારે બધાં મળીએ છીએ. સંગીત, ગીતો ગાવાં,હારમોનિયમ-કેશિયો પર ધૂન વગાડવી, ફ્લ્યુટ ઉપર એ ગીતોની તર્જ વગાડવી, ઇતિહાસનું વાંચન, ઐતિહાસિક વાર્તાઓ લખવી એ મારી આજની પ્રવૃત્તિ છે. ફેસબુક અને બ્લોગ્સમાં લેખો અને વાર્તાઓ લખતો રહું છું. વર્ડપ્રેસમાં ” વિચારધારા'”નામથી મારો બ્લોગ ચલાવું છું.”

       “સાદગીપૂર્ણ, તેમજ સાંપ્રત સમાજની રીત મુજબની જીવનપદ્ધતિ છે. બહુ સંઘર્ષ વેઠવો પડ્યો નથી, ગરીબી જોઈ છે, પણ એ વખતે ગરીબી સામે બહુ ફરિયાદ ન હતી. હાથખર્ચી માટે મેં એક માર્ગ શોધી કાઢ્યો હતો. પિતાની રાજકીય પ્રવૃત્તિઓના કારણે ઘરમાં રેંટિયો એક અગત્યનું સાધન હતું. હું અને મારો ભાઇ જોરાવરનગરના શાંત વાતાવરણમાં રેંટિયો ચલાવતા. વઢવાણ વિકાસ વિદ્યાલયમાં ખાદી વિભાગમાંથી પૂણીઓનાં બંડલ લઈ આવતા અને તેનું સુતર કાંતીને તેમને પાછું આપતા. મારું સુતર 40 નમ્બરથી પણ બારીક આવતું, એટલે એના પૈસા વધુ મળતા.”

        “માતાપિતા પાસે કદી કોઈ વસ્તુ લઈ આપવા જિદ કરી નથી. જે હતું એમાં જ ચલાવ્યું છે. ઘરમા વીજળી ન હતી. કેરોસિનનાં ફાનસોના અજવાળે વાંચીને ભણ્યા છીએ, પણ એ સમયે કોઈ ફરિયાદ ન હતી.”

       સુરેશચંદ્રભાઈ એટલે સાદગી, સંતોષ અને આનંદનો ત્રિવેણી સંગમ.

-પી. કે. દાવડા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: