
મહેશભાઇનો જન્મ ૧૯૫૬માં, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામમાં મધ્યમવર્ગી બ્રાહ્મણ કુટુંબમાં થયો. પિતા શ્રી વિનોદરાય, સરકારના લેન્ડ રેકર્ડ વિભાગમાં સર્વેયર તરીકે દાખલ થઈ પોતાની સ્વચ્છ કારકીર્દીને લીધે લેન્ડ રેકર્ડ સુપ્રિન્ટેન્ડન્ટના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. નોકરી દરમ્યાન એમની કડક, શિસ્તના આગ્રહી અને ઇમાનદાર ઓફિસર તરીકેની છાપને લીધે એમની બદલી અવાર-નવાર થતી અને કુટુંબને એ અગવડ ભોગવવી પડતી. મહેશભાઇના માતુશ્રી જયાગૌરીબહેનને વાંચનનો બહુજ શોખ અને આજે ૮૩ વર્ષની વયે પણ,એ શોખ જળવાઇ રહ્યો છે.
મહેશભાઇનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ધાંગધ્રા અને રાજકોટમાં થયું હતું. ચોથા ધોરણમાં, સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામમાં તેમને ફૂલોનો હાર પહેરાવી અને ગાંધીજીનો એક ફોટો આપવામાં આવેલો.બાળસહજ ઉત્સાહમાં મહેશભાઇ એ હાર પહેરેલો રાખી મિત્રોની ‘ટોળકી’ સાથે સ્કૂલથી ઘરસુધી વાજતે-ગાજતે ચાલીને ગયેલા…! શાળાના સમયથી જ તેમણે પોતાની ભૂલ હોય તો, નિઃસંકોચ અને સરળતાથી સ્વીકારી લેવાની આદત કેળવી જે આજસુધી એમણે જાળવી રાખી છે.
૧૯૭૨માં એમણે રાજકોટની જી.ટી.શેઠ હાઇસ્કૂલમાંથી S.S.C.ની પરીક્ષા પાસ કરી,
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં B.S.A.M.{બેચલર ઇન સર્જરી એન્ડ આયુર્વેદિક મેડીસીન}માં એડમીશન મેળવ્યું. ૧૯૭૩ થી ૧૯૭૮ સુધી મેડીકલ કોલેજના અભ્યાસ દરમ્યાન મહેશભાઇએ અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતો ભાગ લીધો. રમત ગમતના શોખને લીધે તેઓ કોલેજ યુનિયનમાં જીમખાના સેક્રેટરી પણ બન્યા. ગીત-સંગીતના બચપણથી કેળવાયેલા શોખને અહીં યોગ્ય પ્લેટફોર્મ મળી ગયું. જામનગર યુનિ.ની ઇન્ટર કોલેજ હરીફાઇમાં, પોતાની જ લખેલી ગઝલ પોતાના જ અવાજમાં રજૂ કરી એમણે દ્વિતિય ઇનામ મેળવ્યું. એજ ગાળામાં, શ્રી મનહર ઉધાસનાં કંઠે ગવાયેલી જનાબ કૈલાસ પંડિતની, ચમન તુજને સુમન…ગઝલમાં મૃત્યુ વિષેની પંક્તિઓએ મહેશભાઇના મનમાં વિચારોનું વાવાઝોડું ખડું કરી દીધું. બસ ત્યારથી એમના દિલ-ઓ-દિમાગનો કબ્જો ગઝલે લઇ લીધો.
૧૯૭૮માં, તેમણે લખેલી ગઝલો લઇ તેઓ બહુજ પ્રખ્યાત અને પ્રખર ગઝલકાર શ્રી અમૃત ‘ઘાયલ’ પાસે પહોંચી ગયા અને કહ્યું “જુઓ! આવું લખ્યું છે” ઘાયલસાહેબે આશીર્વાદ આપ્યા અને થોડી શિખામણ પણ આપી અને જોતજોતામાં મહેશભાઇનો પ્રથમ ગઝલસંગ્રહ “તુષાર” પ્રસિદ્ધ થયો અને એ પણ કોલેજનાં છેલ્લા વર્ષમાં. બસ, પછી તો ગઝલની આ વણથંભી વણઝાર ચાલતી રહી અને હજી પણ ચાલ્યા જ કરે છે. ગઝલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી છંદ, રદિફ, કાફિયા પર પકડ જમાવી. એમની ગઝલોમાં જેમ-જેમ નિખાર આવતો રહ્યો તેમ-તેમ ગુજરાતભરનાં સામયિકોમાં એમની ગઝલોને સ્થાન મળવા લાગ્યું. ડૉ.મહેશ રાવલ- નામની ગુજરાતભરમાં એક આગવી ઓળખ ઊભી થઇ. કવિ સંમેલનો,મુશાયરા,આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા એમની ગઝલો લોકો સુધી પહોંચવા લાગી.
અભ્યાસ પૂર્ણ કરી, આજીવિકા માટે રાજકોટમાં ફેમિલી ફીઝીશ્યન તરીકે જનરલ પ્રેક્ટીસ શરૂ કરી. સવારના ૯થી૧ અને સાંજે ૫થી૯ સુધી એકધારા ૩૫ વર્ષ સુધી દવાખાનામાં હાજરી આપી, દર્દીઓને સાજા કરવા અને ફૂરસદના સમયમાં ગઝલો લખવી અને લખેલી ગઝલો મઠારવી, એ નિત્યક્રમ બની ગયો. કદાચ આ ક્રમને લીધે જ, જેમ દવા કડવી હોય તેમ, મને મહેશભાઇની ગઝલોમાં જીવનની કડવી વાસ્તવિક્તાની સચ્ચાઇ જોવા મળે છે.

૧૯૮૧માં મહેશભાઇના લગ્ન સુરેન્દ્રનગરના “છીંકણીવાળા જાની” પરિવારના હર્ષાબેન સાથે થયાં. દંપતિને સંતાનમાં ૨ પુત્રરત્ન છે. મોટો પુત્ર ભાવિન – મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે અને નાનો પુત્ર તુષાર – સોફટવૅર એન્જીનીયર છે. બન્ને પોતપોતાની કેરિયરમાં વેલ સેટલ્ડ છે.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે, આજના Nuclear Familiesના સમયમાં પણ એમનો પરિવાર મહેશભાઇ, એમના પત્ની, એમના બન્ને સુપુત્રો, બન્ને પુત્રવધૂ અને બે પૌત્રીઓ – બધા સંયુક્ત કુટુંબ તરીકે સાથેજ, કેલિફોર્નીયાનાં ફ્રિમોન્ટ શહેરમાં રહે છે.

૧૯૯૫માં મહેશભાઇનો બીજો ગઝલ સંગ્રહ ‘અભિવ્યક્તિ’ પ્રસિદ્ધ થયો.
અનેક વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનને સ્પર્શતી ગઝલોનો સિલસિલો વણથંભ્યો ચાલુ રહ્યો. ૨૦૦૬માં એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘નવેસર’ પ્રકાશિત થયો જેણે ગુજરાતી ગઝલોના ક્ષેત્રમાં એમને અલગ ઓળખ આપી. હાલમાં જ ૨૦૧૪ના અંતમાં તેમનો ચોથો ગઝલ સંગ્રહ ‘ખરેખર’ પ્રકાશિત થયો. આમ, ચાર ચાર માતબર ગઝલ સંગ્રહો ગુજરાતને આપીને પણ મહેશભાઇ બેસી નથી રહ્યા.અર્વાચિન ઈ-યુગ સાથે કદમ મિલાવી એમનો બ્લોગ અને વેબ સાઈટ….

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચો.
આ સરનામેથી મહેશભાઈ પોતાની ગઝલો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

[આ પુસ્તક આ બ્લોગરને સ્વહસ્તે તેમણે આપ્યું હતું – તે યાદ તાજી થઈ ગઈ.]
આ ઉપરાંત, એમણે પોતાના અવાજમાં ગઝલો રજુ કરતી “શબ્દસ્વર” નામે CD પણ બહાર પાડી. આમાં ગઝલ પઠન અને તરન્નુમ એમ બન્ને પ્રયોગ કર્યા છે. એમના પોતાના બ્લોગ સિવાય ટહુકો.કૉમ,લયસ્તરો અને વૅબગુર્જરી જેવા જાણીતા ગુજરાતી બ્લોગ્સ અને બીજા અનેક ગુજરાતી બ્લોગ્સમાં એમની ઘણી ગઝલો પ્રસિદ્ધ થઈ છે અને થઈ રહી છે જેને અનેક પ્રતિભાવો મળ્યા છે.
ડૉ.મહેશ રાવલનો ખરો પરિચય આ નાનકડા લેખમાં આપવો શક્ય નથી.એમને પારખવા તો, તમારે એમની ગઝલોનો આસ્વાદ જ લેવો પડે. એમની ગઝલોના વિષયથી માંડીને ગઝલોનું બંધારણ,એમાં વપરાયેલા શબ્દો વગેરે એમને સાધારણ ગઝલ લખનારાઓથી અલગ પાડે છે. એમની કોઇપણ પંક્તિનો કોઇપણ શબ્દ બદલીને તમે એને મઠારી ન શકો, એમની પંક્તિ જ Full and Final. વ્યવસાયે ડૉક્ટર હોવાથી એમના વિચારોની deliveryમાં surgical preacision છે. તેઓ જીવનની કડવી સચ્ચાઇઓને અસલ સ્વરૂપમાં જ વ્યક્ત કરે છે.માનવીય સંવેદના,સંબંધોના સમીકરણ,લાગણી, સ્વાર્થ અને એના છળકપટને સરળ શબ્દોમાં, ગઝલના બંધારણ અને પરંપરામાં ગુંથીને રજુ કરે છે. એ પુડીંગનો સ્વાદ તો ચાખવાથી જ ખબર પડે !
તો ચાલો, અહીં થોડા ઉદાહરણ આપું…આ પંક્તિઓ જુઓ,
હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે
– લોકોના ઉપરછલ્લા વ્યવહારને આનાથી વધારે કઇ રીતે ઉઘાડા પાડી શકાય?
અને હવે આ જુઓ,
મજલ કાપીને બેઠો છું
મને, માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઇ
બધું આપીને બેઠો છું
– હવે મારૂં કોઇ શું બગાડી લેશે, હવે મારી પાસે લૂટાવા જેવું વધ્યું જ શું છે !
અને, મહેશભાઇ સમયમાં કેવો બદલાય છે એની કલ્પના કરતાં કહે છે,
અરથ લાગણીનો સમજતાં થયાં છે
હવે, પથ્થરો પણ પલળતાં થયાં છે
બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતાં થયાં છે
અને આ પંક્તિઓમાં તેઓ બેબાક સવાલ પૂછે છે –
ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?
-છે ને જવાબ આપવો મુશ્કેલ..!
આપણી રોજીંદી,બોલચાલની ભાષામાં એમણે આવી સમજવા જેવી ઘણી વાતો પોતાની ગઝલોમાં કહી છે. એમની ગઝલોમાં સવાલ છે,શીખ છે,સ્વીકાર છે, તો સત્યનો રણકાર અને ખુમારીનો ફુત્કાર પણ છે. પરંપરાને વળગીને લખાતી એમની ગઝલોમાં રદિફ-કાફિયાનું નાવિન્ય, અને છંદનું પરફેક્શન તથા સરળ-સહજ બોલચાલની ભાષા સાથે તળપદા શબ્દોનું સાયુજ્ય એ જમા પાસું છે.
એટલે જ, ગુજરાતી ગઝલોને લોકોના હૈયે અને હોઠે રમતી કરનાર મખમલી અવાજનાં માલિક શ્રી મનહર ઉધાસનાં “અભિલાષા” આલ્બમમાં
લાગણી જેવું જરા પણ હોય તો પાછાં વળો
નીકળે એવું નિવારણ હોય તો પાછાં વળો
અને “અલંકાર” આલ્બમમાં,
તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે
એમ, બબ્બે આલ્બમમાં એમની ગઝલોનો સમાવેશ થયો અને મહેશભાઇને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી. અમેરિકામાં ખૂબજ લોકપ્રિય ‘રેડીઓ જિંદગી’ એ થોડા સમય પહેલા જ એમનો એક કલાકનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો.
આવા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર હોવા છતાં એમની નમ્રતા જોઇને હું તો આશ્ચર્યચકિત થઇ ગયો. કોઇ ડોળ નહીં, કોઇ આડંબર નહીં, નકરો સામાન્ય માણસ હોવાનો અહેસાસ !
મહેશભાઇના કહેવા મુજબ,
“સમાજમાં રહીને વ્યવસાય કર્યો, સમાજ સાથે રહ્યો અને સમાજ પાસેથી જે શીખ્યો તે ગઝલ દ્વારા રજુ કર્યું !”
તેઓ માને છે કે,
“જેવી ભાવના એવું ફળ” એજ કર્મનો સિદ્ધાન્ત છે.
“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”
“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”
-પી.કે.દાવડા
————
મહેશ ભાઈનો પરિચય – આ જ બ્લોગ પર
આ લખનાર સાથે એક મુલાકાત – વૈદરાજ
અને છેલ્લે ….. મહેશભાઈએ બહુ જ ભાવથી આ લખનારની પહેલી જ ઈ-બુક માટે ખાસ બનાવી આપેલી રચના. એ કેમ ભુલાય કે એ ઈ-બુકનું શિર્ષક તેમના સૂચન મુજબ બદલ્યું હતું?
….‘ અવલોકન શતદલ’ – ૩, જુલાઈ – ૨૦૦૮
[ઉપરના ચિત્ર પર ‘ક્લિક’ કરી એ ઈ-બુક ડાઉનલોડ કરી શકાશે. ]
અર્થનો આયામ,આવીશ્કાર શતદલ
વાસ્તવીકતાથી સભર,શણગાર શતદલ
પર્વનાં પર્યાય જેવી જીંદગીનો
લાગણીથી તર-બ-તર વ્યવહાર,શતદલ
શબ્દનાં ઐશ્વર્યનો અભીગમ વણીને
પલ્લવીત,આખી કથાનો સાર શતદલ
ક્યાંક રસ્તો,ક્યાંક પગલાં,ક્યાંક પગરવ
ક્યાંક નવતર ઢાળનો અણસાર શતદલ
સુર્ય જેવી શખ્સીયત લઈ,રોજ ઉઘડે
સ્પષ્ટ, અવલોકન ભર્યો આધાર શતદલ
ગદ્યમાં કે પદ્યમાં અભીવ્યક્ત સઘળું
કંકુ ચોખા સમ,સહજ શ્રીકાર શતદલ
તર્કનો પરીણામલક્ષી હોય આશય
ત્યાં સુખદ અંજામનો,રણકાર શતદલ !
Like this:
Like Loading...
Related
Pingback: મહેશ રાવલ, Mahesh Raval | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય