ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગોપાલ પારેખ – મળવા જેવા માણસ


Gopal_parekh

       ગોપાલ પારેખનો જન્મ ૧૯૪૧માં સુરેંદ્રનગરમાં થયો હતો. એમનું પૈત્રિક ગામ ભાવનગર છે. કુટુંબ પુષ્ટિમાર્ગી, ધાર્મિક અને મધ્યમવર્ગી હતું. થોડાં વર્ષો બાદ એમનું કુટુંબ મુંબઈના એક ઉપનગર ઘાટકોપરમાં રહેવા આવી ગયું. ગોપાલભાઈનો શાળાનો સંપૂર્ણ અભ્યાસ એ સમયની ખૂબ જ લોકપ્રિય શાળા રામજી આસર વિદ્યાલયમાં થયો. હું પોતે પણ આ જ શાળામાં ભણેલો.

       કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી ગોપાલભાઈ જ્યારે નવમા ધોરણમાં હતા ત્યારથી જ એમણે ખાનગી ટ્યૂશન આપવાનું કામ શરૂ કરી દીધું. ૧૯૫૮માં SSCમાં પાસ થઈ એમણે કીર્તિ કૉલેજ દાદર, પારલે કૉલેજ અને કે.જે.સોમૈયા કૉલેજ ઘાટકોપર એમ ત્રણ કૉલેજોમાં બદલીઓ લઈ,૧૯૬૨માં B.Sc.(Hon.) સુધીનો અભ્યાસ પૂરો કર્યો. કૉલેજો બદલવા પાછળ આર્થિક પરિસ્થિતિ જ જવાબદાર હતી. F.Y. B.Sc. પછી તો એમણે ભણવાનું છોડી રૂ બજારમાં નોકરી પણ શરૂ કરી હતી, પણ મામાની સમજાવટ બાદ ફરી પાછું Inter Scienceમાં એડમિશન લીધું હતું. આ ભણતર પુરું કરવા રોજના ત્રણ કલાક તેમને ટ્યૂશનો આપવા પડતાં. Inter Scienceમાં એડમિશન લીધા પછી ફી ભરવામાં મોડું થવાથી પ્રિન્સિપાલને મળવા જવું પડ્યું. પ્રિન્સિપાલે પૂછ્યું કે, “ફી કેમ સમયસર ન ભરી?” તેના જવાબમાં છટકબારી તરીકે જવાબ આપ્યો કે, “હું માંદો હતો.” પ્રિન્સિપાલે કહ્યું, “તું માંદો હતો પણ પોસ્ટ–ઑફિસ તો માંદી ન હતી ને?” આખરે પ્રિન્સિપાલે ફી સ્વીકારી.

      B.Sc.ની પરીક્ષા પતી એના બીજા દિવસે જ ગોપાલભાઈએ ૧૯૦ રૂપિયા પગારવાળી ઝંડુ ફાર્મસીમાં નોકરી સ્વીકારી. અહીં એમણે ૧૯૬૫ સુધી ઝંડુની લેબોરેટરીમાં કામ કર્યું. ૧૯૬૫માં રાજસ્થાનમાં ઉદયપુરની એક ફર્મસીમાં વધારે સારી શરતો મળવાથી ત્યાંની નોકરી સ્વીકારી. એક વર્ષ બાદ ઉદયપુરમાં જ બીજી એક આયુર્વેદિક કંપનીમાં નોકરી લઈ, ૧૯૬૬થી ૧૯૮૨ સુધી કામ કર્યું. ફરી પાછું ૧૯૮૨માં ઝંડુની વાપી ખાતેની લેબોરેટરીમાં જોડાઈ ૧૯૯૪ સુધી કામ કર્યું. ૧૯૯૪માં સન ફાર્મામાંથી સારી ઓફર મળતાં ૧૯૯૪થી ૧૯૯૮ સુધી ત્યાં નોકરી કરી આખરે નિવૃત્તિ લીધી.

       ૧૯૬૪માં ગોપાલભાઈનાં લગ્ન ઇંદુબહેન સાથે થયાં. ઇંદુબહેને S.S.C.સુધીનો અભ્યાસ કર્યો છે. એમને બે પુત્રીઓ અને એક પુત્ર એમ ત્રણ સંતાનો છે.

Gopal_parekh)_1

       ગોપાલભાઈ નિવૃત્તિ બાદ પણ ખરા અર્થમાં પ્રવૃત્તિમાં રહ્યા છે. ગુજરાતી સાહિત્ય અને ભાષા પ્રત્યે નાનપણથી વિશેષ રુચિ હોવાના કારણે ગોપાલભાઈએ માતૃભાષા ગુજરાતીનો ફેલાવો વધુ ને વધુ થાય અને વિશ્વના દરેક ખૂણામાં વસતા ગુજરાતી સુધી પહોંચે તે માટેના પ્રયત્નો વર્ષ ૧૯૯૮થી જ શરૂ કરી દીધેલા. તેમને લાગ્યું કે આજની કોન્વેટિયા સ્કૂલમાં ભણતું બાળક ભલે ને ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર ગાતો હોય તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ તેની સાથે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ પણ ગાતો હોવો જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી હોવા છતાં ગુજરાતી બોલવામાં લોકો નાનમ અનુભવતા હોય છે. એટલે ગુજરાતી ભાષા પ્રત્યેના ઘટી રહેલા પ્રેમને પુન: એક વખત જગાડવાનો પ્રયાસ એમણે શરૂ કરી દીધો. લોકોને વાંચતા કરવા એમની પાસેથી લવાજમો ઉઘરાવી લાગતા વળગતા માસિકો એમને પહોંચાડતા. ૧૯૯૮માં માત્ર અખંડઆનંદનાં જ ૨૦૦ લવાજમો ઉઘરાવેલાં. સારાં પુસ્તકો ખરીદીને લોકોને વહેંચવાની પ્રવૃત્તિમાં એમણે લોકમિલાપ (ભાવનગર)ના આશરે દોઢ લાખ પુસ્તકો વહેંચેલાં.

        ગોપાલભાઈ સ્વભાવે મોજીલા માણસ છે. મનમાં આવે તો કોઈ પણ કામ પૂરી ઇમાનદારીથી ઉપાડી લે છે અને એને અંજામ સુધી પહોંચાડે છે, ભલેએ કામમાં ગમે એટલી મહેનત કરવી પડે. ૨૦૦૭માં એમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્યનો આસ્વાદ ખૂબ જ સરળતાથી આબાલ વૃદ્ધ લઈ શકે તે માટે આખેઆખું સાહિત્ય, ઇન્ટરનેટના માધ્યમથી કેમ ન પહોંચાડવું?

        એવામા એક મિત્રે એમને ગટેનબર્ગ ઓ આર જી વિશે વાત કરી કે આ વેબસાઇટે ૩૩૦૦૦ અંગ્રેજી પુસ્તકો ઇ-બુક્સમાં ફેરવેલાં. ગોપાલભાઈને થયું કે આવું ગુજરાતી પુસ્તકો માટે કેમ ન કરી શકાય? અત્યાર સુધીમાં એમણે ૧૫૦ પુસ્તકોને ઇ-બુક્સમાં ફેરવ્યાં છે. આ પ્રવૃત્તિ વિષે ગોપાલભાઈ કહે છે, “શરૂઆતમાં રોજનો મોટા ભાગનો સમય ઇ-બુકના ટાઇપિંગમાં જતો, હવે સિનિયર બી.કૉમમાં ભણતી બે દીકરીઓ મદદ કરે છે. ગોપાલભાઈને ઇ-બુકની પ્રવૃત્તિમાં અક્ષરનાદવાળા ભાઈ શ્રી જિગ્નેશ અધ્યારુ, શ્રી જુગલકિશોરભાઈ તથા શ્રી અશોકભાઈ મોઢવાડિયાનો સહયોગ મળ્યો.

        આ સિવાય “મા ગુર્જરીને ચરણે” નામનો પોતાનો એક બ્લૉગ પણ શરૂ કર્યો. હાલમાં તેઓ વેબગુર્જરીના સંચાલકમંડળમાં સભ્ય છે. બાળકોને વૈદિક ગણિત પણ શીખવે છે. ગમતાનો ગુલાલ કરવાનો એમનો સ્વભાવ બની ગયો છે.

આ ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

       એમના જીવનની ફિલોસૉફી છે,

“મારા જેવા અનેકોનો ભલે ક્ષય થાઓ પણ,
સત્યને માપતો ગજ કદી ટૂંકો ન બનો.”

“જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમઝ લિયા,
જો ખો ગયા ઉસે ભૂલાતા ચલા ગયા.”

       ગોપાલભાઈ સાથેનો મારો અનુભવ લખું તો તેઓ ખૂબ જ માયાળુ,નિખાલસ અને નમ્ર માણસ છે. જે મનમાં હોય તે કહી નાખે છે. ધર્મમાં ખૂબ જ આસ્થા રાખે છે, ક્યારેક તો મને ટેલિફોનમાં ભજન ગાઈ સંભળાવે છે.સાદા શબ્દોમાં કહું તો એ ભોલે ભંડારી છે.

-પી. કે. દાવડા

3 responses to “ગોપાલ પારેખ – મળવા જેવા માણસ

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. D.G.SHAH જૂન 8, 2015 પર 1:59 એ એમ (am)

    THE GREAT
    EX.A.C.
    FOOD AND DRUGS CONTROL ADM. GUJARAT.

    • ghparekh414 જૂન 9, 2015 પર 5:02 એ એમ (am)

      આદરણિય શાહ સાહેબ,
      1982ના જુનથી 1994ના જુલાઈ સુધી હું ઝંડુ ફાર્મસી ની વાપી શાખા સાથે સંકળાયેલો હતો, મારી યાદદાસ્ત પ્રમાણે આપણે એકબીજાને મળ્યા છીએ.
      ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: