ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – અનિલ ચાવડા


anil_chavda      અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતા-પિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતા રહ્યા. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી,આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસસ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.

      આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતા-પિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એણે અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે. સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું. કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ. અનેક કઠણાઈઓ વેઠી,અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી.અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી. આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી. ૨૦૦૮માંB.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્ષ કરી અભ્યાસની સમાપ્તિ કરી.

      આ અભ્યાસકાળ દરમ્યાન પણ ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાં જ નોકરી કરી રહ્યા છે.     
      અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયા હતા.આજે દંપતીને એક પુત્ર છે.

anil_chavda_2

      અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ મા સરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો તો એમા પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધસભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિસભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં, જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, જેમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.

       આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્યસર્જનના વ્યાપને લીધે, સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે. તાજેતરમાં એમને એમના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી – દિલ્લી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનો ‘યુવાગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T. ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો ‘શયદાએવોર્ડ’ પણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨-૨૦૧૩નું‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલભાઈએ ગદ્યસ્વરૂપોમાં કલમ અજમાવી, પ્રસિદ્ધ વાર્તામાસિક ‘મમતા’સંચાલિત વાર્તાસ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે.હાલમા ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનનીમોસમ’ પ્રગટ થઈ રહી છે.

anil_chavda_3

(યુવા ગૌરવ પુરસ્કાર)

     એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગદાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધસંગ્રહ પ્રસિદ્ધ થયા છે. એક સહિયારું કાવ્યસંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. એ ઉપરાંત એમણે ૧૯ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.

     પોતાનાં કાવ્યસર્જન વિશે અનિલભાઈ કહે છે, “કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો,અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”

        સાહિત્યસર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, “ગઝલ મારા ભાવોને, મારા વિચારોને,મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.” એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”

     વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.”

    એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે……

anil_chavda_4

આ ચિત્ર પર ક્લિક કરી એમની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.

નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખેઆખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.

બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
    સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
     ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
    એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.

સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
     સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ,
  ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.

 અનિલભાઈની કલમે હજી આપણને ઘણું બધું મળવાનું બાકી છે.

– પી. કે. દાવડા

5 responses to “મળવા જેવા માણસ – અનિલ ચાવડા

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Anil Chavda જૂન 30, 2015 પર 12:42 એ એમ (am)

    પ્રિય સુરેશભાઈ જાની સાહેબ,
    તથા પી. કે. દાવડા સાહેબ
    આપ બંનેનો હૃદયપૂર્વક આભારી છું.

  3. Rekha Shukla માર્ચ 11, 2016 પર 5:07 પી એમ(pm)

    જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
    એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.
    …અનિલભાઈ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: