ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સમાજસુધારા આંદોલન


સાભાર – ડો. કનક રાવળ, ગુજરાત સમાચાર

GS

આ ચિત્ર પર ક્લિક કરી મૂળ જગ્યાએ સચિત્ર માણો

  સમાજસુધારા આંદોલનમાં અમદાવાદના દિવેટિયા અને નીલકંઠ પરિવારના પ્રદાન વિશેનો આ લેખ ગુજરાતી પ્રતિભા પરિચય માટે ઘરેણાંરૂપ છે.   

    અમદાવાદનું કલ્ચર બદલનાર લાખા પટેલની પોળમાં દિવેટીયા કુટુંબ અને આકાશેઠકુવાની પોળનાં નીલકંઠ કુટુંબની વાત…

      બ્રહ્મક્ષત્રીયોની જેમ નાગરો સલ્તનત અને મુઘલ યુગમાં ફારસી ભાષા, મરાઠા કાલમાં મરાઠી અને બ્રિટીશ કાલમાં અંગ્રેજી ભાષા શીખ્યા. વળી બ્રિટીશ શાસનની શરૃઆતથી જ નાગરોએ પરિણામની લોકશાહીવાદી, રેશનલ અને પ્રગતિશીલ વિચારસરણી અપનાવી હતી. આ રીતે ગાંધી યુગ પહેલાં ગુજરાતમાં સમાજ સુધારાનું જે પ્રચંડ આંદોલન થયું તેમાં ભોળાનાથ સારાભાઈ દિવેટીયા, મહીપતરામ રૃપરામ નીલકંઠ અને તેમનાં કુટુંબીજનોએ પાયાનો ભાગ ભજવેલો.

     કવિ દલપતરામ, મહીપતરામ, ભોળાનાથ, હરકુંવર શેઠાણી, પાર્વતીકુંવર, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, નગરશેઠ હીમાભાઈ વખતચંદ અને તેમનાં પુત્ર પ્રેમાભાઈ, ગુજરાતનાં મીલ ઉદ્યોગનાં સ્થાપક રણછોડલાલ છોટાલાલ અને અંબાલાલ સાકરલાલ દેસાઈ ગુજરાતની પ્રથમ પેઢીનાં સમાજ સુધારકો હતા

      દિવેટીયા અને નીલકંઠ કુટુંબોએ નાગર શાંતિની સર્જનાત્મક પરંપરાઓને જાળવી રાખીને પરિવર્તનો કર્યા છે. તેમણે જુનવાણી સમાજ સામે સંઘર્ષ કરીને સામાજિક અને શૈક્ષણિક સુધારા કર્યા છે. તેનું એક કારણ એ છે કે બ્રહ્મક્ષત્રીયોની જેમ નાગરો સલ્તનત અને મુઘલ યુગમાં ફારસી ભાષા, મરાઠા કાલમાં મરાઠી અને બ્રિટીશ કાલમાં અંગ્રેજી ભાષા શીખ્યા. વળી બ્રિટીશ શાસનની શરૃઆતથી જ નાગરોએ પરિણામની લોકશાહીવાદી, રેશનલ અને પ્રગતિશીલ વિચારસરણી અપનાવી હતી. આ રીતે ગાંધી યુગ પહેલાં (૧૮૪૦-૧૯૧૫) ગુજરાતમાં સમાજ સુધારાનું જે પ્રચંડ આંદોલન થયું તેમાં ભોળાનાથ સારાભાઈ દિવેટીયા (૧૮૨૨-૧૮૮૬) અને મહીપતરામ રૃપરામ નીલકંઠ (૧૮૨૯-૧૮૯૧) અને તેમનાં કુટુંબીજનોએ પાયાનો ભાગ ભજવેલો.

     ભોળાનાથ ગર્ભશ્રીમંત હતાં. તેમનાં મિત્ર અને વેવાઈ મહીપતરામ મધ્યમવર્ગી બૌધ્ધિક હતા. ૧૮૫૭માં તેમનાં પત્ની પાર્વતીકુંવર સાથે અમદાવાદમાં સ્થાયી થયા ત્યાર બાદ તેમણે અનેક ઘર બદલેલાં. તેની સાથે પોળો પણ બદલેલી. તેઓ આકાશેઠકુવાની પોળમાં, લાખા પટેલની પોળમાં તથા ઘીકાંટામાં રહેલા. ટ્રેનિંગ કોલેજનાં પ્રિન્સીપાલ તથા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર જેવા હોદ્દા તેમણે સંભાળેલાં. તેમનાં છેલ્લાં પુત્ર રમણભાઈનો (૧૮૬૮-૧૯૨૮) જ્યારે જન્મ થયો ત્યારે મહીપતરામ ઘીકાંટામાં આવેલી હીરાલાલ ફોજદારની વાડીનાં મકાનમાં રહેતા હતા જ્યાં ટ્રેડિંગ કોલેજનું પણ તે સમયે મકાન હતું. ૧૮૬૮માં મહીપતરામ, તેમનાં પત્ની પાર્વતીકુંવર તથા પુત્રો અનામત (૧૮૫૯-૧૮૯૯) અને ગુણીજન (૧૮૬૫-૧૯૩૫) હીરાભાઈ ફોજદારની વાડીમાં રહેતા હતા જ્યાં ગુજરાતનાં ભાવી મહાન સમાજ સુધારક, મ્યુનિસિપલ પ્રમુખ અને સાહિત્યકાર રમણભાઈનો જન્મ થયો હતો. રમણભાઈ નીલકંઠનું લગ્ન ભોળાનાથનાં દોહીત્રી વિદ્યાબહેન સાથે થયાં બાદ આ કુટુંબો વધારે ગાઢ સંપર્કમાં આવ્યા હતાં.

     ગુજરાતની પ્રથમ પેઢીનાં સમાજ સુધારક ભોળાનાથ, રણછોડલાલ અને લાભશંકર ઉમિયાશંકર

     આ લેખમાં દર્શાવવામાં આવેલી સવાસો દોઢસો વર્ષ પહેલાંની તસ્વીરો તેમજ લખાણ આજનાં જીજ્ઞાસુ અને અભ્યાસુ વાચક માટે કીંમતી છે. આપણાં પૂર્વજોની લાઇફ-સ્ટાઇલ, તેમનાં ડ્રેસ અને ઓર્નામેન્ટર કેવાં હતાં તેનું આબેહૂબ ચિત્રણ આ લેખમાંથી પ્રાપ્ત થશે. પણ માત્ર ફોટોગ્રાફો અને હેરિટેજ બિલ્ડિંગોનાં દ્રશ્યો જોવાથી શું વળે ?! તેની સાથે વિવિધ સમયે જીવન જીવી ગયેલા સ્ત્રીપુરુષો અને બાળકોની વાત પણ કરવી પડે. સમયે જીવન જીવી ગયેલા સ્ત્રીપુરૃષો અને બાળકોની વાત પણ કરવી પડે. તે મુજબ ભોળાનાથ તેમનાં પત્ની શીવકાશી તથા મહીપતરામ અને તેમનાં પત્ની ગાઢ મિત્રો હતા. તેઓ ગુજરાતની પ્રથમ પેઢીનાં સમાજ સુધારકોમાં ભોળાનાથ અને મહીપતરામનાં ખાસ મિત્રો તે નાગર જ્ઞાાતિનાં મહાન ઉદ્યોગપતિ અને દાનેશ્વરી રણછોડલાલ છોટાલાલ અને સમાજ સુધારક લાભશંકર ઉમીયાશંકર. રણછોડલાલે શાહપુરમાં બંગલો બાંધ્યો તે પહેલાં તેઓ દેસાઈની પોળ, ખાડીયામાં આવેલી તેમની હવેલીમાં રહેતા હતા. લાલશંકર અમૃતલાલની પોળમાં રહેતા હતા જ્યાં ૧૮૯૨માં તેમને મળવા સ્વામી વિવેકાનંદ આવેલા. કવિ દલપતરામ, મહીપતરામ, ભોળાનાથ, હરકુંવર શેઠાણી (જૈન વેપારી અને દાનેશ્વરી હઠીસીંહ કેસરીસિંહનાં પત્ની), પાર્વતીકુંવર, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, નગરશેઠ હીમાભાઈ વખતચંદ અને તેમનાં પુત્ર નગરશેઠ પ્રેમાભાઈ, ગુજરાતનાં મીલ ઉદ્યોગનાં સ્થાપક, દાનેશ્વરી અને અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં પહેલા હિંદી પ્રમુખ રણછોડલાલ છોટાલાલ અને અંબાલાલ સાકરલાલ દેસાઈ (બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિનાં મહાન કેળવણીકાર સમાજસુધારક અને ઉદ્યોગપતી) ગુજરાતની પ્રથમ પેઢીનાં સમાજ સુધારકો હતા. તેઓ પોળોમાં રહેતા હતાં.

      ત્યાર બાદ ભોળાનાથ દિવેટીયાનાં પુત્રો નરસિંહરાવ અને કૃષ્ણરાવ તથા દોહીત્રીઓ વિદ્યાબહેન અને શારદાબહેન તથા મહીપતરામનાં પુત્ર રમણભાઈ બીજી પેઢીનાં ગુજરાતનાં સમાજ સુધારકો અને સાહિત્યકારો ગણાય. નરસિંહરાવ (૧૮૫૮-૧૯૩૭) ગુજરાતનાં સમર્થ સાહિત્યકાર હતા. તેમનાં નાનાભાઈ કૃષ્ણરાવ ઇંગ્લેન્ડ જઈને બેરીસ્ટર થઇ આવ્યા હતા. ૧૮૮૬માં ભોળાનાથનું મૃત્યુ થયા બાદ કૃષ્ણરાવે તેમનાં પિતાનું જીવનચરિત્ર ૧૮૮૮માં પ્રસિદ્ધ કર્યું. જે આજે પણ સમાજ સુધારાનાં ઇતિહાસ માટે આધારભૂત ગ્રંથ ગણાય છે. ભોળાનાથનાં પુત્રી બાળાબહેનનું (૧૮૫૮-૧૯૧૮) લગ્ન ગોપીભાઈ ધુ્રવ સાથે થયું હતું. તેમને ત્રણ સંતાનો હતા – વિદ્યાબહેન (૧૮૭૬-૧૯૭૮) શારદાબહેન (૧૮૮૩-૧૯૭૦) અને ગટુભાઈ તેઓ આકાશેઠકુવાની પોળમાં રહેતા હતા જ્યાં વિદ્યાબહેનનાં ગુરૃ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધુ્રવ પણ રહેતા હતા. વિદ્યાબહેન, શારદાબહેન અને ગટુભાઈ રહેતા હતા તો આકાશેઠકુંવાની પોળમાં પણ ગોપીભાઈ ધુ્રવ જેવા ઓફીસે જાય કે તેમનાં પત્ની બાળાબહેન બાળકોની આંગળી પકડીને સીધા પીયેર લાખા પટેલની પોળમાં જતા રહેતા. તેમનો જન્મ અને ઉછેર ભોળાનાથની હવેલીઓમાં થયો હતો. સોળ ખંડોની આલીશાન હવેલી, તેની આગળ ઘોડાઓ તથા બાળકો માટેનો તબેલો. તેમની નજીકમાં આવેલી હવેલીઓમાં તદ્દન નીકટનાં સગા-સંબંધીઓ રહેતા. ઘોડાગાડી અને બળદગાડાનાં જમાનામાં ઘણાં ઓછા માણસોને ઘેર આવી સવલતો હતી. વિદ્યાબહેનનું લગ્ન રમણભાઈ સાથે ૧૮૮૯માં અને શારદાબહેનનું લગ્ન ડૉ. સુમના મહેતા સાથે ૧૮૯૮માં થયું હતું. વિદ્યાબહેન અને શારદાબહેન એકી વર્ષમાં ઈ.સ. ૧૯૦૧માં ગ્રેજ્યુએટ થયા હતા. આ બહેનો ગુજરાતની સૌ પ્રથમ મહીલા ગ્રેજ્યુએટો હતી. તેમણે સમાજ સુધારા માટે જે ભગીરથ પ્રયાસો કર્યા છે તેનો ગુજરાતનાં ઈતિહાસમાં બીજો જોટો જડે તેમ નથી. તે સમયે અમદાવાદ પોળો, ગલીઓ, ખડકીઓ અને શેરીઓમાં વસતું હોવાથી તેની આ વાત છે. અમદાવાદનાં જાહેર જીવનની આ દાસ્તાન છે.

      દિવેટીયા કુટુંબનો પાયો નાખનાર મૂળ પુરૃષ ગોપી મહેતા હતા

       ગુજરાતનાં સુલતાન મહંમદ બેગડાએ (૧૪૫૯-૧૫૧૧) તેમની નિમણૂંક રાંદેર અને સુરત બંદરનાં ગવર્નર તરીકે કરેલી, અને ‘મલેક’નો ખીતાબ આપ્યો હતો. ગોપી મહેતાએ સુરતમાં બંધાવેલું ‘ગોપી તળાવ’ આજે પણ હયાત છે. તેમનાં વંશજ નથમલ મહેતા ૧૭૪૦થી ૧૭૬૧ દરમિયાન પેશ્વા બાલાજી વિશ્વનાથનાં વકીલ અને મુત્સદ્દી હતા. ગુજરાતનાં પાતશાહી દીવાન અને ‘મીરાતે અહમદી’નાં કર્તા અલીમહંમદખાનનાં તેઓ ખાસ મિત્ર હતા. આ નથમલ મહેતાનાં વંશજો સારાભાઈ બાપાભાઈ (૧૭૭૨-૧૮૩૬) અને છોટાભાઈ બાપાભાઈ (૧૭૭૮-૧૮૫૨) અમદાવાદમાં બ્રિટીશ શાસનની શરૃઆતથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મોટા વહીવટકર્તાઓ હતા. હકીકતમાં તો સ્વામી સહજાનંદની જેમ દિવેટીયા કુટુંબનાં આ ભાઈઓએ જુલમી મરાઠા શાસન સામે ઝૂંબેશ કરીને અંગ્રેજોને સાથસહકાર આપ્યો હતો. સારાભાઈ અને છોટાલાલે લાખા પટેલની પોળમાં હવેલીઓ બાંધી હતી જેમાં તેઓ સપરીવાર રહેતા હતા. ભોળાનાથને ભાગે તેમનાં પિતા સારાભાઈની હવેલી અને હિંમતભાઈને ભાગે તેમનાં પિતા છોટાલાલની હવેલી આવી હતી. હિંમતલાલ એટલે ગુજરાતનાં મહાન ધારાશાસ્ત્રી, ન્યાયાધીશ અને ગુજરાત યુનિવર્સિટીનાં પહેલા વાઈસ ચાન્સેલર હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયાનાં (૧૮૮૬-૧૯૬૮) દાદા ભોળાનાથ અને હરસિદ્ધભાઈ એક જ કુટુંબમાંથી આવ્યા હતા જેની શરૃઆત મહંમદ બેગડાનાં ગવર્નર મલેક ગોપીએ કરી હતી. ‘મલેક’નો ખીતાબ હતો, ગોપી મહેતા તેનાં નાગર મુત્સદ્દી હતા. આમ અભય મંગળદાસની હવેલીનો ઇતિહાસ લાંબો અને દીલચસ્પ છે !! પહેલી જ વખત આ અત્યંત મહત્ત્વની વાત અત્રે રજૂ કરવામાં આવી છે.

         ૧૮૭૧માં પ્રાર્થના સમાજની સ્થાપના સાથે સમાજ સુધારાનું આંદોલન શરુ થયું

         ભોળાનાથ સાધુચરીત માણસ હતાં. ઇંગ્લેડ જવા બદલ જ્યારે નાગરી નાતે ૧૮૬૧માં મહીપતરામનો બહિષ્કાર કર્યો તે સમયે બાર વર્ષ સુધી ભોળાનાથ તેમની પડખે રહ્યા હતા એટલું નહીં, પોતાનાં લાખા પટેલમાં આવેલું એક ઘર પણ તેમણે મહીપતરામ અને તેમનાં પત્ની પાર્વતીકુંવરને ફાળવી આપ્યું હતું. મહીપતરામ સાથે જમવા વ્યવહાર બદલ નાગરોએ ભોળાનાથનો બહિષ્કાર કર્યો, પણ આ નિસ્પૃહી માણસે નાતની કોઈ જ પરવા કર્યા વગર પોતાનો સંસાર નભાવ્યો. ભોળાનાથ, મહીપતરામ અને રણછોડલાલ છોટાલાલ જેવા પ્રથમ પેઢીનાં સમાજ સુધારકોએ ૧૮૭૧માં પ્રાર્થના સમાજ સ્થાપીને સમાજ સુધારાનું આંદોલન કર્યું હતું. તેમણે હિંદુ અને મુસલમાનો વચ્ચે પ્રેમ અને સદ્ભાવ વધારવાનાં પણ પ્રયાસો કર્યા હતા. આ સંબંધો પણ એવા કે જ્યારે ૧૮૮૪માં મુંબઈ સરકારે નરસિંહરાવની નિમણૂંક સિવિલ સર્વિસમાં કરી ત્યારે રણછોડલાલ છોટાલાલે તેમનાં માનમાં ભવ્ય પાર્ટી આપી હતી જેમાં ગુજરાતી સ્ત્રીપુરૃષો ઉપરાંત ”સાહેબો અને મેડમો” પણ પધાર્યા હતાં.

         ભોળાનાથનું મન અને હૃદય વિશાળ હતું. તેમની હવેલીમાં કેટલાયે કેળવણીકારો અને સમાજ સુધારકો રહેવા આવતા. રવીન્દ્રનાથ ટાગોરનાં પિતા દેવેન્દ્રનાથ તથા ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવાં બ્રહ્મસામાજી નેતાઓ ભોળાનાથનાં મિત્રો હતા. તેવી જ રીતે નારાયણ હેમચંદ્ર નામનાં એક ગરીબ અને અલગારી વિચારક અને સાહિત્યકાર પણ ભોળાનાથની ખ્યાતી ‘કરૃણાસાગર ઋષી’ તરીકે પ્રસરેલી. પોતાનાં મિત્ર વિદ્યાસાગરનાં નામ ઉપરથી પૌત્રીનું નામ ‘વિદ્યા’ પાડેલું જેઓ પાછળથી વિદ્યાબહેન નીલકંઠ તરીકે પંકાયા.

       વિદ્યાબહેનનું લગ્ન ૧૮૮૯માં ધામધૂમથી થયું ત્યારે દાદા તો ગુજરી ગયા હતા. પણ નારાયણ હેમચંદ્રએ તેનો આંખે દેખ્યો અહેવાલ તેમની આત્મકથા ”હું પોતે” (૧૯૦૦)માં આપ્યો છે. લખાણ ફાંકડું છે ! લંડનમાં અભ્યાસ કરતા ગાંધીજીનાં તેઓ ખાસ મિત્ર હતા. નારાયણ હેમચંદ્રના શબ્દોમાં :

          ”રમણ અને વિદ્યાના મોટી ધામધૂમથી થયેલા લગ્નમાં હું માહલવા લાગ્યો. હું કન્યાને ત્યાં એટલે કન્યાના પિતા ગોપીનાથને ત્યાં (આકાશેઠકુવાની પોળમાં) જમતો તથા મારા મિત્ર સ્વર્ગસ્થ ભોળાનાથની લાખા પટેલની પોળમાં આવેલી હવેલીમાં તેમનાં પુત્રો ભીમરાવ, નનુભાઈ (નરસિંહરાવ) અને મનુભાઈ (કૃષ્ણરાવ) જોડે સૂતો બેસતો હતો. અમદાવાદમાં હું તે અગાઉ ૧૮૮૧ અને ૧૮૮૨માં ભક્તિપાત્ર રાવબહાદુર ભોળાનાથ સારાભાઈને ત્યાં ઉતર્યો હતો. તે વખતે તેમણે મારી બહુ પરોણાચાકરી કરી હતી. મિષ્ટાન્ન જમાડયા હતા અને ટ્રેનિંગ કોલેજનાં પ્રિન્સીપાલ મહીપતરામ રૃપરામ તેમજ મીલ માલિક રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ સાથે ઓળખાણ કરાવી હતી ભોળાનાથે એમની ઘોડાગાડીમાં બેસીને મને આખું અમદાવાદ શહેર બતાવ્યું હતું. હું વખતોવખત ભોળાનાથની અને મહીપતરામને ઘેર જતો હતો. મહીપતરામનો છોકરો રમણ હોંશીયાર હતો. તે મને બહુ સવાલ પૂછતો હતો…મારા મિત્ર નરસિંહરાવ સાથે હું મુંબઈથી વિદ્યા અને રમણનાં લગ્નમાં મહાલવા અમદાવાદ જાન્યુઆરી ૧૮૮૯માં આવ્યો. હસ્ત મેળાપ વખતે ગ્યાલરીમાં મહીપતરામ તથા ગોપીનાથનાં ઓળખીતા અંગ્રેજ મિત્રો હતા અને કેટલીક મેડમો હતી. તેને લગ્નની ક્રિયા સમજાવવાનો ભાર મનુભાઈ (કૃષ્ણરાવ) તથા નનુભાઈએ (નરસિંહરાવ) લીધો હતો. તેઓ સમજાવતા જતા હતા અને આનંદ કરતા હતા. જ્યારે બધાને પગે લાગવા જોડું આવ્યું ત્યારે સાહેબ અને મેડમોને પણ પગે લાગ્યું. લગ્ન પ્રસંગે નરસિંહરાવે અંગ્રેજો પારસીઓ અને દેશી લોકોને પાર્ટી આપી હતી. લગ્ન ધામધૂમથી ઉજવાયું હતું.”

         નારાયણ હેમચંદ્રએ તે સમયનાં અમદાવાદી સ્ત્રીપુરૃષોનાં પોષાક ઘરેણાં વગેરેનું વર્ણન કર્યું છે. જીજ્ઞાસુ તથા અભ્યાસુ વાચકને તેમાં રસ પડે તેવી આ વાત છે. તે મુજબ પુરૃષો પાઘડી, ધોતિયું અંગરખુંના સ્ત્રી-પુરૃષોની જીવન પદ્ધતિ વિષે લખ્યું છે :

        બૈરાના પોષાકમાં તથા ઘરેણામાં જાતજાતનો તફાવત છે. ઓસવાળ જૈનનાં બૈરાં ઉત્તમ પોશાક તથા ઘરેણાં હલકા પણ કિંમતી પહેરે છે. જૈનનાં બૈરાં જેમ બને તેમ પાતળાં વસ્ત્ર પહેરવાને લલચાય છે. પણ કણબી, વૈશ્વણ, વાણીયાની સ્ત્રીઓ જાડા જરીનાં પોષાક પહેરે છે તથા ઘરેણાં પણ જુદી જાતના એટલે મોટા મોટા પહેરીને ભભકો મારે છે, મોટા મોટા જાડા અઠાસીયો જુવારી ભાતનાં પહેરીને મલકાતી મલકાતી રસ્તામાં જાય છે. હાથમાં કેટલીકો મોટા ચૂડા, જાડા શાંકળા, મોટા ભારી બાજુ, કોટનાં જાડાં મોટાં ઘરેણાં ઘાલે છે. નાગરના તથા બ્રહ્મક્ષત્રીનાં બૈરાં નાજુક ઘરેણાં ઘાલીને મંદગતિથી નખરા કરતી જાય છે. અમદાવાદમાં પુરૃષો માટે રેશમી કોટનાં ધોતિયાં, બાઇડીઓને માટે જાતજાતના રેશમી તથા સુતરાઉ લુગડાં, હીનખાબ, મોળીયા વગેરે ઘણું સારૃં થાય છે. અમદાવાદનું તારનું કામ એટલે જરીનું કામ ઉત્તમ થાય છે. અમદાવાદની સાડીઓ, મુંગીયા તથા ચંદ્રકળા બહુ જ સારી તથા ટકાઉ બને છે, પણ તે જાડી હોવાથી આજકાલનાં (૧૮૮૧ની વાત છે) બૈરાંને તે ગમતા નથી. તેને બદલે થોડા દહાડામાં ચીરાઈ જાય, ફાટી જાય એવી ચીનાઈ, જાપાની તથા ફ્રેન્ચ સાડી પહેરીને ભભકો મારે છે. અમદાવાદમાં છાયલો બહુ પ્રખ્યાત છે. પણ આજકાલનાં બૈરાં અંગ્રેજી પાતળા ગવન તથા વ્હીરનાં ગવનો કરીને થોડા દહાડાનો ભભકો કરીને ફરે છે.

         આજે તો આ વાતને ખાસ્સા ૧૩૪ વર્ષ થઈ ગયાં. જમાનો પલટાયો છે. તે સમયે સ્ત્રી જાતીને માટે ”બૈરાં” તથા ”બાયડીઓ” કહેવાનો રિવાજ પ્રચલીત હતો. આજે તે અપમાનવાચક છે. તે સમયનાં કેટલાંક વસ્ત્રો તથા ઘરેણાંનાં નામો પણ આપણે ભૂલી ગયા છીએ.

        આજથી ૨૦૦ વર્ષ પહેલાં ભોળાનાથનાં પિતા સારાભાઈ બાપાલાલે ‘હવેલી’

        ભોળાનાથ ગર્ભશ્રીમંત કવિ અને સમાજ સુધારક હતા. સાંકડી શેરીમાં આવેલી લાખા પટેલની પોળ તથા તેને અડીને આવેલી શેઠની પોળમાં તેમની સુંદર નકશીકામવાળી ભવ્ય હવેલીઓ હતી. તેમાં તેઓ ત્રીસ ચાલીસ કુટુંબીજનો સાથે રહેતા હતા. થોડા વર્ષ પહેલાં લાખા પટેલની પોળની હવેલી ઉદ્યોગપતિ મંગળદાસ ગીરધરદાસનાં વંશજ અભય મંગળદાસે ખરીદી લીધી. તેમણે આ હવેલીને ‘હેરીટેજ હવેલી’ તરીકે વિકસાવી છે. આ હવેલી આજથી ૨૦૦ વર્ષ પહેલાં ભોળાનાથનાં ૫િતા સારાભાઈ બાપાલાલે બંધાવી હતી. એક હવેલીની બરાબર સામે સારાભાઈનાં ભાઈ છાટાભાઈ બાપાલાલે પણ ભવ્ય હવેલી બંધાવી હતી જે આજે હયાત છે. આ હવેલીઓ જોવા લાયક છે.

3 responses to “સમાજસુધારા આંદોલન

  1. vimala સપ્ટેમ્બર 29, 2015 પર 11:43 એ એમ (am)

    અમદાવાદના દિગ્ગ્જો,ત્યારની રહેણી-કરણી,અમદાવાદના વિકાસમાં આ મહનુભાવો અને તેમના પરિવારોનો અમુલ્ય ફાળો છે.

    જેઓએ અમદાવાદને એક અનન્ય ઓળખ આપીછે.સુન્દર અને ભવ્ય ભૂતકાળ તાદ્રુશ થયો.

  2. kashmira ઓક્ટોબર 1, 2015 પર 2:16 એ એમ (am)

    ખુબ જ અસરકારક જાણકારી આપવા બદલ તમારો ખુબ આભાર……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: