પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
તેમની આત્મકથામાં કિશોરકાળના પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
૧૯૫૫થી – ૧૯૫૭ આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની અપ્રતીમ ચાહના મેળવી.
૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને, મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’ – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી, વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.
વંદન.
સુધારાવાદી દૃષ્ટી ધરાવતા સર્વોદય કાર્યકર જગદીશભાઈના દેહાવસાનનું જાણી દુ:ખ થયુ.
સદ્ ગતને આદરપુર્વક ભાવાંજલી… __/\__
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય