અમદાવાદના મિત્ર શ્રી. વિનોદ ભટ્ટે સમાનાર્થી શબ્દો વિશે નાનકડો, સંગ્રહ મોકલ્યો હતો. [ આ રહ્યો. ] આજે તેમણે તત્સમ શબ્દો વિશે આવો બીજો એક નાનકડો સંગ્રહ મોકલ્યો છે. આવું બધું ડિક્શનેરી કે થિસોરસમાં જ શોભે – પણ શબ્દોના રસિયા વાચકોને આની ઉપર નજર નાંખવાનું ગમશે. અલબત્ત ગામડામાં જેમના જીવનનો વધારે ભાગ પસાર થયો હોય, તે વાચકોને આમાંના ઘણા શબ્દો જાણીતા હશે –
દોરીના ટુકડાના જુદા જુદા નામ
- દોરી – કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે
- રાશ – બળદને કન્ટ્રોલ કરવાની લગામ
- વરત – પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
- વરતડી – પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
- નાથ – બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
- રાંઢવુ – જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
- નાડી – ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
- નોંજણું – ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
- ડામણ – ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
- જોતર – બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
- નેતર – છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી
દોરીના મટિરિયલને લીધે જુદા નામો
- શીંદરી– નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
- સૂતળી – શણમાં થી બનાવેલી દોરી
- વાણ– જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
- કાથી – નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી
કપડાના જુદા જુદા આકારના, જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના નામ
- ચાકળો– સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
- પછેડી– માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
- ચોફાળ – પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
- બુંગણ – ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
- ફાળિયું– માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
- પનિયું– કમરે બાંધવાનું કાપડ
- ગુમછો– આછું,પાતળુ લાલ કાપડ
- ઓછાડ– ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
- કામળી– ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
- મસોતું– રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
- પંચિયું– શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
- અબોટિયું – પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
- લુગડું – સાડીને લુગડું પણ કહે છે.
ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો/ ચીજો
- પરોણો – બળદને હાંકવા માટેની લાકડી
- કળીયુ – ખેતી માટેનું સાધન
- બેલી– બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
- કોશ – ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
- કોસ (ઉ. કોહ) – કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
- ગરેડી – કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
- પાડો – બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
- તરેલું – કોસમાં બળદને જોડવાનું સાધન
- ધોંસરુ – ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
- પાટ – ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
- ઈસ – ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
- ઉપલું – ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
- પાંગથ – ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
- તગારું – સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
- ઘમેલું – કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
- બકડીયું – તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
- સૂયો કે સોયો – કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
- રાંપ – ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
- રંધો – સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
- નેવા – છાપરામાંથી પાણી પડવાના ભાગ
- મોભ – છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
- વળી – મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
- સાલ – ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
- વિંધ – સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
- પાયો – ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
- ઢોલિયો – મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
- નીક – ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
- ધોરિયો – મોટી નીક ને ધોરિયો કહે છે.
- છીંડું – વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
- ખળું – અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
- ડેલો – મોટા કમાડવાળું બારણું.
Like this:
Like Loading...
Related
હા, હવે તો આ શબ્દોની આવરદા પૂરી થઈ ગઈ (બોલચાલમાં) પણ વાંચવાની મજા આવી.
તમારા અવલોકનો વિષે મારે અભિપ્રાય આપવાનો હતો.
ત્યારે થોડીક નોંધ પણ કરી હતી પણ હવે એ કાગળ હાથમાં નથી આવતો.
તમે નિખાલસતાથી અભિપ્રાય માગ્યો તો. એમ જ હોય, બાકી અર્થ શું ?
પહેલી વાત કે
દરેક બાબત કે વસ્તુ કે ક્રિયા પ્રત્યે તમારી જોવાની, નિરીક્ષણ કરવાની ને એના
વિષે ચિંતન કરવાની આદત ખૂબ આદર ઉપજાવે છે. કેટલા બધા ઉદાહરણો તમારા અવલોકનોમાં
વણાયા છે ! આટલું ઝીણું જોવાની ટેવ લોકોમાં ભાગ્યે જ હોય. એમાં માત્ર સમયની
જરૂર નથી, સવાલ આદતનો છે, વિચારવાના સ્વભાવનો છે.
બીજું મને એ લાગ્યું કે
આમ જુઓ તો અવલોકનોમાંથી નીપજતા તારણો એટલે શું ? – જીવનદૃષ્ટિ, જીવન પ્રત્યેનો
તમારો અભિગમ અને એના જુદા જુદા પાસા. એને તમે 1,2,3,4 એમ વ્યાખ્યાયિત કરો તો
થોડાક મુદ્દા મળે જેને સંપૂર્ણ કહી શકાય. એ હકારાત્મક વલણ હોય કે એવી બીજી
બાબતો.
તમામ અવલોકનો અંતે આ વાતો સિદ્ધ કરે. એટલે મને થયું કે આવા ચાર-પાંચ કે સાતેક
અવલોકનો બહુ થઈ ગયા. પછી બધાનું તારણ એ જ રહે, ચીજો કે ક્રિયાઓ બદલાતી જાય !
લો, આ મારો અભિપ્રાય….
મજામાં હશો જ…
2018-04-21 6:19 GMT+05:30 ગુજરાતી પ્રતિભા પરિચય :
> સુરેશ posted: ” અમદાવાદના મિત્ર શ્રી. વિનોદ ભટ્ટે સમાનાર્થી શબ્દો વિશે
> નાનકડો, સંગ્રહ મોકલ્યો હતો. [ આ રહ્યો. ] આજે તેમણે તત્સમ શબ્દો વિશે આવો
> બીજો એક નાનકડો સંગ્રહ મોકલ્યો છે. આવું બધું ડિક્શનેરી કે થિસોરસમાં જ શોભે
> – પણ શબ્દોના રસિયા વાચકોને આની ઉપર નજર નાંખવાન”
>
વાંચવાની ખુબ મજા આવી.દુખ પણ થયું કે આમાંના મોટા ભાગના શબ્દો આપની રોજ બરોજ ની ભાષા માંથી લુપ્ત થયા છે અથવા થઇ જશે.ગુજરાતી ભાષાના શબ્દો નું મૂળ શોધવાનું પણ ખુબ ગમે છે .આજ રીતે શબ્દો ના મૂળ પણ પોસ્ટ કરશો તો મજા આવશે.
દા.ત. નીચેના શબ્દો ..
પાદર
ધોતિયું
વહાણ
રેતી
ઈંટ
કડીઓ
સુથાર
લુહાર
તાર
શેઢો…..
ખુબ સરસ માહીતી મળી.
હું નોંજણવાવ ગામ ના
નામ નો અર્થ ગોતતો હતો…!
પરંતું ખજાનો મળી ગયો.