મળવા જેવા માણસ
સાભાર – ગુજરાત સમાચાર, હીરલ શાહ
મૂળ લેખ અહીં
શૂન્યમાંથી સર્જન કરનાર NRI ગુજરાતી દંપતીએ અક્ષયપાત્ર સંસ્થાને કરોડોનું દાન કર્યું
– કેલિફોર્નિયા સ્થિત ઓરેન્જ સિટીમાં રહેતા મનુભાઇ અને રીકાબહેન શાહનું સાહસ
– U.S.A.ની M.S. ઇન્ટરનેશનલના મનુભાઇ અને રીકાબહેન શાહે ‘સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ’ની સ્થાપના કરી

અમદાવાદ, તા. 28 જાન્યુઆરી 2019, સોમવાર
ગુજરાતીઓ દુનિયાના દરેક ખૂણે વસેલા છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ તેઓ ત્યાં જઇને એકડે એકથી બિઝનેસની શરૂઆત કરીને નામના મેળવે છે. પારકા દેશમાં જઇને બિઝનેસમાં કાઠું કાઢવું એટલું સહેલું નથી. કેપેબલ બની ગયા બાદ પોતાના દેશનું, સમાજનું ઋણ અદા કરવાનું ઘણાં ભૂલી જતા હોય છે. પરંતુ અમુક નાગરિકો એવા પણ છે જે ભલે વિદેશમાં રહેતા હોય પણ તેમનું દિલ હિન્દુસ્તાનમાં ધડકતું હોય છે. એમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ઓરેન્જ સિટીમાં રહેતા મનુભાઇ અને રીકાબહેન શાહનો સમાવેશ કરી શકાય.
મૂળ મુન્દ્રાના મનુભાઇ મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા યુએસએ ગયા. અભ્યાસ બાદ ત્યાં જ સારી નોકરી મળી ગઇ અને ભારત આવી રીકાબહેન સાથે લગ્ન કર્યા. રીકાબહેન પણ તેમની સાથે યુએસએમાં સેટલ થઇ ગયાં. તેઓ ૪૭ વર્ષથી અમેરિકામાં જ રહે છે. રીકાબહેનનો ઉછેર મુંબઇમાં થયેલો તેઓ સાયન્સના શિક્ષક હતા પણ અમેરિકામાં જોબ, બાળકો અને ઘર આ બધું મેનેજ ન થતાં ઘરેથી જ નેચરલ સ્ટોનનો બિઝનેસ શરૂ કર્યો.
ધીમે ધીમે એમને મોટા ઓર્ડર મળવા લાગ્યા, પરિણામે મનુભાઇએ જોબ છોડી દીધી અને તેઓ પણ પત્ની સાથે બિઝનેસમાં જોડાઇ ગયાં. આજે એમની એમ.એસ.ઇન્ટરનેશનલ યુએસએમાં એક પ્રતિષ્ઠિત કંપની છે. આ કંપની એક અબજ ડૉલરથી પણ વધુનું વેચાણ ધરાવે છે. તેમના બન્ને દિકરા પણ એમની સાથે જોડાઇને બિઝનેસને પ્રગતિના પંથે લઇ જઇ રહ્યાં છે.
સાત દાયકા વટાવી ચૂકેલા મનુભાઇ અને રીકાબહેન આજે પણ એટલા જ એક્ટિવ છે. તેઓ કહે છે,”સમાજે અમને ઘણું આપ્યું છે, આજે અમે બીજાને મદદ કરી શકીએ એ માટે ભગવાને અમને કેપેબલ બનાવ્યા છે. અમે મૂળ ભારતીય છીએ અને ભારતના લોકોને મદદની જરૂર છે. તેથી અમે ‘સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ’ બનાવ્યું છે. જે હેઠળ નોન પ્રોફિટેબલ સંસ્થાને અમે મદદ કરીએ છીએ.”
શૂન્યમાંથી સર્જન કરનારા મનુભાઇ અને રીકાબહેન, કોઇ બાળક ભૂખ્યું ન સૂઇ જાય અને તેને પૂરતું ભોજન મળી રહે એ માટે કચ્છમાં અક્ષય પાત્રને કરોડોનું દાન કર્યું છે.
અક્ષયપાત્ર સંસ્થા માટે ભૂજ (કચ્છ)માં પચાસ હજાર બાળકો એક સાથે બેસીને જમી શકે એવું વિશાળ રસોડું માતા રંભાબહેન શાહ અને ચંદુબહેન પારેખના નામે બનાવડાવ્યું છે, જેનું ઉદ્ઘાટન ૧૯મી જાન્યુઆરીએ શનિવાર રોજ કરાયું હતું. ગરીબીની રેખા હેઠળ જીવતા બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે સ્કોલરશિપ આપે છે.
Like this:
Like Loading...
Related
અમેરિકામાં રહેતાં મનુભાઇ અને રીકાબહેન શાહ જેવાં ઘણાં વતન પ્રેમીઓ છે જેની આપણને જાણ નથી હોતી. એમનો પરિચય ઘણા એન.આર.આઈ મિત્રો માટે પ્રેરણારૂપ બનશે .આ શાહ દંપતીને ધન્યવાદ સાથે સલામ.