ગુજરાતી રંગભૂમિના હાલના ચાહકોને કદાચ ખબર નહીં હોય કે આના પાયામાં પારસી રંગભૂમિનો મહત્વનો ફાળો છે. ભલે સાંપ્રત સમયમાં પારસી રંગભૂમિ લગભગ લુપ્ત થઇ ગઈ છે પણ એક સમય હતો જયારે તેની બોલબાલા હતી. આ રંગભૂમિ સન ૧૮૫૦થી ૧૯૩૦ સુધી બહુ જ કાર્યરત હતી.
આમ તો આ રંગભૂમિ ભારતીય રંગભૂમિની સ્થાનિક લોકકળા અને યુરોપિયન તકનીકીનું મિશ્રણ હતું અને તેનો ઉદ્દેશ મૂળ તો અંગત મનોરંજનનો હતો. આ થિયેટર ગ્રુપ ભારતના પશ્ચિમ ભાગમાં વસેલા પારસીઓ દ્વારા બનાવાયું હતું જેણે આગળ જતા વ્યાવસાયિક રૂપ ધારણ કર્યું. આને કારણે કહેવાય છે કે ન કેવળ ભારતીય રંગભૂમિનો પણ બોલીવુડનો પાયો પણ નખાયો. બાદમાં તે હરતી ફરતી રંગભૂમિના સ્વરૂપે અન્ય સ્થળોએ પણ જવા લાગી. આગળ જતાં કેટલાક પારસી નિર્માતા ફિલ્મક્ષેત્રે દાખલ થયા જેને કારણે ફિલ્મ જગતમાં તેમનું આદાન થવાથી પારસી રંગભૂમિની ખ્યાતી ઘટવા લાગી. પરંતુ આઝાદી પછી ૧૯૫૦મા તેનું પુનરૂત્થાન થયું.
૧૮૫૦માં મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પારસી નાટક મંડળી સ્થાપી અને શેક્સપિયરનાં નાટકો ભજવવા લાગ્યા. તેમનું પહેલું નાટક હતું ‘રુસ્તમ અને સોહરાબ’. ૧૮૬૦ સુધીમાં આવા લગભગ ૨૦ પારસી ગ્રુપ શરૂ થયા.
ઈતિહાસ પ્રમાણે પ્રથમ પારસી નાટકની ભજવણી મુંબઈમાં થઇ હતી જે તે વખતના જાણીતા પારસી સજ્જન સર જમસેટજી જીજીભોયાએ પ્રસ્તુત કર્યું હતું. તે વખતમાં મુંબઈમાં બે થિયેટર મશહૂર હતાં – બોમ્બે થિયેટર અને ગ્રાંટ રોડ થિયેટર. પારસી નાટકોમાં રમુજને મહત્વ અપાતું.
૧૮૫૩મા અવેતન કલાકારો દ્વારા શરૂ થયેલી આ પ્રવૃત્તિ પછીથી વ્યાવસાયિક બની ગઈ. આગળ જતાં ઘણા ગ્રુપ થવા લાગ્યા અને તેને કારણે પ્રેક્ષકોમા પણ વધારો થતો રહ્યો. આ પ્રેક્ષકો સામાન્ય રીતે મધ્યમ વર્ગનાં હતા. વળી મહિલાઓ માટે ખાસ પ્રયોગ યોજાતા હોવાથી પણ પારસી નાટકોની લોકપ્રિયતા વધતી.
આ રંગભૂમિનું આગળ પડતું પ્રદાન હતું ભારતમાં પાશ્ચાત્ય નાટકોની શૈલી. શરૂઆતમાં તેઓ બ્રિટીશ નાટ્યકારોએ લખેલા નાટકો ભજવતા પણ સમય જતાં તેમણે ભારતીય પ્રેક્ષક્ગણનો રસ જોઈ આ અંગ્રેજી નાટકોના ભારતીય ભાષાઓ જેવી કે ઉર્દુ, હિન્દી, ગુજરાતીમાં અનુવાદ કર્યા અને ભજવ્યા.
આગળ જતાં પારસી દિગ્દર્શકોએ ઉર્દુ અને હિન્દી સાહિત્યમાંથી નાટકો ચૂંટ્યા અને ભજવ્યા કારણ તે વખતના હિંદુ અને મુસ્લિમ પ્રેક્ષકોમાં ઉર્દુ સાહિત્ય લોકપ્રિય હતું. તે વખતે મુસ્લિમ વાર્તાઓમાં આવતા પાત્રો જેવા કે પરીઓ, રાજકુમારીઓ, રાક્ષસો અને જાદુગરો અંગ્રેજી ભાષાના ભૂતપ્રેતથી વધુ આકર્ષક હતાં.
ત્યાર પછી હિંદુ પ્રેક્ષકોનાં સંતોષ ખાતર તેઓ હિન્દી અને સંસ્કૃત વાર્તાઓ તરફ વળ્યા. પારસી નાટક કંપનીઓએ હરિશ્ચન્દ્ર, મહાભારત, ગોપીચંદ, રામલીલા અને ભક્ત પ્રહલાદ જેવી વાર્તાઓ પરથી નાટકો લખાવ્યા અને ભજવ્યા. આ નાટકોના સ્વરૂપ જુદી જુદી વિચારસરણીવાળા હતા જેવા કે પર્સિયન શાહનામા, સંસ્કૃત ભાષાનું મહાભારત, અરેબિક ભાષાનું અરેબિયન નાઈટ્સ, શેક્સપિયરની કરુણાંતિકાઓ અને પ્રહસનો અને વિક્ટોરિયન ભાવાનોત્તેજક વાર્તાઓ.
પારસી રંગભૂમિએ પૂર્વની ઘણી લાક્ષણિકતાઓ જેવી કે સંગીત, માઈમ અને રમૂજી અંતરવિરામ(interlude)નો સમાવેશ કર્યો હતો. આમ પારસી રંગભૂમિએ એક નવો ચીલો ચાલુ કર્યો જે ન તો પાશ્ચાત્ય રંગભૂમિ કે ન તો પૂર્વની રંગભૂમિ ઉપર રચાયો હતો. આમ મિશ્રિત પ્રયોગોને કારણે ભારતીય પ્રેક્ષકોનુ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા અને પોતાનો પ્રભાવ આખા ભારતમાં સ્થાપ્યો.
નાટકો લખાવતી વખતે ધર્મનિરપેક્ષતાનું ખાસ ધ્યાન રખાતું કારણ લખનાર મોટે ભાગે મુસ્લિમ કે પારસી હતાં અને પ્રેક્ષકો પણ મોટે ભાગે હિંદુ હતાં.આને કારણે નાટ્યકારો ધર્મને લગતા વિષયો છોડીને એવા નાટક લખતાં જે ધર્મનિરપેક્ષ વિષયો પર હોય, કારણ આ વિષય ન હોય તેવા પારસી નાટકો મોટેભાગે અસફળ રહ્યા તેમ જ ધર્મને લગતાં નાટકો કેવળ એક જ કોમના લોકોને આકર્ષતા. નાટકોમાં રોજબરોજની સમસ્યાઓને વણી લેવાતી જેમાં પ્રેમનો વિષય તેમને માટે અતિપ્રિય હતો. તે ઉપરાંત ધર્મનિરપેક્ષતાને કારણે તખ્તા પર નવો જ વળાંક આવ્યો. પારસીઓ ન તો હિંદુ હતા ન મુસ્લિમ એટલે તેમને માટે ધર્મનિરપેક્ષ રહેવું કુદરતી હતું. જ્યારે હિંદુ અને મુસ્લિમ પ્રેક્ષકો નાટકોમાં પોતાના ધર્મની રજૂઆત ન હોવાથી તેઓ રાજી હતાં.
પારસી નાટકો બે વિભાગમાં રહેતા, એક ગંભીર શૈલીનો અને બીજો હળવી શૈલીનો. ગંભીર શૈલીનો મુદ્દો ગંભીર વિષયને આવરી લેતો જ્યારે હળવી શૈલી ખાસ તો પ્રેક્ષકોને હળવું મનોરંજન પીરસવા જ નિર્માયું હતું. આ હળવી શૈલીના નાટકો પડદાની આગળના ભાગમાં ભજવાતા જ્યારે ગંભીર મુદ્દાના નાટકો મુખ્ય તખ્તા પર ભજવાતા. જ્યારે હળવા ભાગની રજૂઆત થતી ત્યારે પડદા પાછળ જરૂરી ફેરફારો કરી લેવામાં આવતા. જો કે મોટે ભાગે આ બે ભાગ વચ્ચે કોઈ સંબંધ નહોતો. એમ કહેવાય છે કે આ પદ્ધતિ શેક્સપિયરના નાટકો પર આધારિત હતી. શેક્સપિયરનાં નાટકો મુખ્યત્વે શોકાન્તિકાઓ હતી અને તેમાં થોડી હળવાશ લાવવા આવા હળવા ભાગ રજુ કરાતાં. પણ પારસી નાટકોમાં આ રજુઆતનું મુખ્ય કારણ હતું તખ્તા પરના જરૂરી બદલાવ માટે જોઈતો સમય. આવા હળવા પ્રસંગો મુકવાનું અન્ય કારણ પણ હતું – નીચલા વર્ગના પ્રેક્ષકોનો સંતોષ. તેમને માટે આવા પ્રસંગોમાં રમુજી સંવાદો, રોમાંચક દ્રશ્યો, નાટકીય પ્રસંગો વગેરે મુકાતા જેથી તેમને મનોરંજન મળે. .
પારસી નાટકોમાં ત્રણ પડદા વપરાતાં. એક આગળનો, એક મધ્યમાં અને ત્રીજો છેવાડાના ભાગમાં. આ બધા ચિત્રિત પડદા રહેતાં. પહેલા પડદાનું ઉપર જવું અને નીચે આવવું તે નાટકનાં પ્રસંગોની શરૂઆત અને અંત માટે હતું. જ્યારે વચલો પડદો હળવા પ્રસંગો માટે હતો અને તેના પર મુખ્યત્વે રસ્તાના દ્રશ્યો ચિત્રિત રહેતા. જ્યારે ત્રીજા પડદા ઉપર પ્રસંગને અનુરૂપ ચિત્રો જેવા કે રાજાનો મહેલ કે કિલ્લો, મસ્જીદ, કોર્ટરૂમ વગેરે ચિતરાતા.
નાટકના દ્રશ્યો આખા ઘરમાં ભજવાતા હોય તેમ ન દેખાડાતા કાં તો મહેલની બહાર કે રૂમમાં ભજવાતા હોય તેમ દેખાડાતા જેથી ચિત્રિત પડદાઓને કારણે નાટકમાં જરૂરી અન્ય સામાન (PROPS)ની ઓછામાં ઓછી જરૂર રહેતી.
જ્યારે જ્યારે કોઈ પ્રસંગ દેખાડી શકાય એમ ન હોય ત્યારે ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કરાતો. આ પ્રસ્તુતિ કોઈ કલાકારના મુખે સંવાદો દ્વારા કરાતી. જે તે કલાકાર તખ્તા પર આગળ આવી પોતાની વાત કરી જાય. તખ્તા પર ભાવાનોત્તેજક પ્રસંગ દેખાડવો એ પારસી થિયેટરની એક ખાસિયત હતી. મૃત્યુ અને રક્તપાત જેવા પ્રસંગો તખ્તા ઉપર જ રજુ કરાતાં જેથી પ્રેક્ષકોના મનમાં આનંદ ઉત્પન્ન કરાતો.
પારસી નાટકોમાં હકીકત અને કલ્પના, સંગીત, નૃત્ય, વર્ણનનો અને દ્રશ્યો, વાસ્તવિક સંવાદો અને રજૂઆતની કુશળતા, આ બધાનું મિશ્રણ રહેતું જેથી નાટક ભાવાનોત્તેજક બની રહે.
શેક્સપિયરનાં નાટકોની જેમ પારસી નાટકોમાં પણ વિવિધ પ્રકારની ભાષાઓનો વપરાશ હતો. મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના પ્રેક્ષકો હોવાને કારણે પારસી નાટકમાં ક્યારે ગદ્ય તો ક્યારેક કાવ્ય દ્વારા તો ક્યારેક બંનેનું મિશ્રણ કરી રજૂઆત થતી જે પ્રેક્ષકોને આનંદ આપી રહેતું. ગીતો છંદોબદ્ધ અને સંગીતમય રહેતાં પણ કાવ્યની દ્રષ્ટિએ તે ખરા અર્થમાં કાવ્ય ન હતાં. તેમ છતાં પ્રેક્ષકો તેનો આનંદ માણતાં અને તાળીઓથી અને બૂમો મારી વધાવતાં. આ ગીતોમાં ભારતીય કદરદાનોને ધ્યાનમાં રાખી રસશાસ્ત્ર ઉપર ધ્યાન અપાતું અને તે માટે પાર્શ્વસંગીતનો પણ બહોળો વપરાશ કરાતો. આ પાર્શ્વસંગીતને કારણે દિગ્દર્શકને બે લાભ થતાં – એક તો તેને કારણે રસશાસ્ત્રની તખ્તા પર રજુઆત અને બીજું તખ્તા પર ભ્રામક વાસ્તવિકતાની રજૂઆત. આ પાર્શ્વસંગીત ભારતીય લોકકળાની રંગભૂમિ પર પણ આધારિત હતું. આમ પારસી રંગભૂમિએ એક નવા પ્રકારના રંગભૂમિની રજૂઆત કરી. તેમની રજૂઆત ન તો સંપૂર્ણ પાશ્ચાત્ય રીતની હતી ન તો ભારતીય લોકકળાવાળી હતી. તેઓ વિષયો અને તકનીકી બાબતમાં પણ પ્રયોગશીલ હતાં. આગળ જતાં પારસી નાટ્યકારોએ હિન્દી ફિલ્મોમાં પણ લેખનકાર્ય કર્યું. આમ પારસી રંગભૂમિને કારણે આગળ જતાં આપણને ગુજરાતી મારાથી અને હિંદી રંગભૂમિ સાંપડી અને હિંદી ફિલ્મોમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. આ માટે ફિરોઝ આંટિયા, ડો. રતન માર્શલ અને અદી મર્ઝબાનનાં નામ આગળ પડતા છે. અદી મર્ઝબાન જે એક લેખ, નિર્દેશક અને અદાકાર હતા તેમને ચાલુચીલા નાટકોને સ્થાને વાસ્તવિકતાને પ્રાધાન્ય આપ્યું.
પણ સમય જતાં ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મજગતને કારણે પારસી રંગભૂમિ નહીવત બનીને રહી અને પારસી નાટકોની રજૂઆત તેમના તહેવારો પૂરતી સીમિત રહી.
Geet etlu samjayu nahin, pan tune sambhalvi gami.