ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વાત એક અસાધારણ સ્ત્રીની


     શ્રીમતિ લતા હીરાણીના સ્વમુખે એમનાં માતાની કથની સાંભળી, ત્યારથી એ પ્રતિભાને સાદર, સાષ્ટાંગ પ્રણામ સાથે અહીં સ્થાન આપવા મન હતું.  ફેસબુક પરના લતાબહેનના લેખ સાથે આજે એ માનતા પૂરી થાય છે –

Chandika

ચન્દ્રિકા પરીખ

         આ આખું વાંચશો તો તમને થશે કે આવી સરસ વાત તમે અત્યાર સુધી કેમ ન લખી ? મને ય એમ લાગે છે પણ નથી લખી… બસ નથી લખાઈ ! તો સાંભળો એટલે કે વાંચો…વાહ પોકારી જશો એની ગેરંટી.. પૂરું વાંચશો તો…

      હું જન્મી 1955 માં (હવે તો ઉંમર કહેવામાં કાંઈ વાંધો નહીં !) મારું જન્મ વર્ષ એટલે લખું છું કે તમને એ સમયનો ખ્યાલ આવે. ત્યારે મારી મા 16 વરસની. એ પરણી ત્યારે નવ ધોરણ પાસ હતી અને મારા પપ્પા B.A. LLB. સરકારી નોકરી કરતા પપ્પા મામલતદાર બન્યા. સૌરાષ્ટ્રના નાના તાલુકાઓમાં અમારી બદલી થયા કરે. એટલી હદે કે મેં 11 ધોરણ સુધીમાં 11 સ્કૂલો બદલી. (ને BA ના ચાર વર્ષમાં ચાર કોલેજ) ગામમાં કન્યાશાળા હોય તો જ ભણવાનું નહીંતર પપ્પા મામાને ત્યાં ભણવા મોકલી દે. વળી કન્યાશાળા હોય એવું ગામ મળે તો બોલાવી લે ! વરસમાં બબ્બે વાર સ્કુલ બદલી છે એટલે મારે કોઈ બહેનપણી હોય જ નહીં ! મને મારા કોઈ શિક્ષકોય યાદ નથી ! આવા ભૂતકાળનો બહુ અફસોસ છે.

        ચાલો એ તો આડવાત થઈ. મૂળ વાત મારી માની. અમે ત્રણ ભાઈબહેન પછી મારા ચોથા નંબરના ભાઈ દીપકનો જન્મ સૌરાષ્ટ્રના માંગરોળ ગામે થયો. એ વર્ષે મારા કાકાના દીકરાને પપ્પાએ અમારી સાથે બોલાવી લીધેલા. એમને મેટ્રિકનું વર્ષ હતું. આખા કુટુંબમાં પપ્પા એક જ આટલું ભણેલા એટલે એમને થયું કે ગિરધર અહીં મારી સાથે રહીને ભણે તો ધ્યાન રહે. ટ્યુશન રખાવી દઉં. મેટ્રિકમાં સારું રિઝલ્ટ આવે તો આગળ ભણાવું ને એની જિંદગી સુધારી જાય ! આમ ગિરધરભાઈ અમારા ઘરે આવ્યા ને સ્કૂલમાં દાખલ થયા. ત્યારે એડમિશનની આટલી બબાલો નહોતી. સરકારી સ્કૂલોમાં જ ભણવાનું રહેતું. એમના માટે નવી ચોપડીઓ ને નોટો આવી. ઘરે ટ્યુશનના સાહેબ ભણાવવા આવવા માંડયા. મમ્મીને થયું, ગિરધરની ચોપડીઓ, એ નહીં વાંચતો હોય ત્યારે હું વાંચું ને એને સાહેબ ભણાવે ત્યારે હું બાજુમાં બેસીને શીખું તો સ્કૂલે ગયા વગર મેટ્રિકની પરિક્ષા આપી શકું !

         મિત્રો, એ વખતે એ ચાર બાળકોની મા હતી ને મારો સૌથી નાનો ભાઈ દિપક લગભગ છ કે આઠ મહિનાનો હતો. ઉપરાંત સૌરાષ્ટ્રનું અત્યંત રૂઢિચુસ્ત વાતાવરણ. એણે પપ્પાને બીતાં બીતાં પૂછ્યું. પપ્પાનો જવાબ એ જ જે એ સમયે રહેતો.

       ‘તારે હવે ભણીને કરવું છે શું ?’

      પણ મમ્મીએ રિકવેસ્ટ ચાલુ રાખી. પપ્પા માન્યા. – “તું પહોંચી વળતી હોય તો સારું, ભણ. “

     પપ્પાએ એટલી સગવડ જરૂર કરી કે મમ્મીને નવી ચોપડીઓ, નોટો અપાવી દીધાં. મમ્મી રોજ ગિરધરભાઈની સાથે સાહેબ પાસે ભણે ને ઘરમાંથી સમય કાઢીને વાંચે. પપ્પા મામલતદાર એટલે ઘરે સાહ્યબી ખરી. અમારી પોતાની ઘોડાગાડી હતી ! એ જમાનામાં એ મોટી વાત હતી. આજે કાર પણ સામાન્ય લાગે. ગીરધરભાઈને આ ઘોડાગાડીમાં ફરવાની બહુ મજા પડી ગઈ. અંતે પરિણામ આવ્યું ત્યારે ભાઈ ફેઈલ થયા ને મમ્મી ફર્સ્ટ કલાસ પાસ થઈ ! એ જમાનામાં મેટ્રિકનું રિઝલ્ટ છાપામાં આવતું જેમાં ફર્સ્ટ કલાસની નાની કોલમ હોય ને થર્ડ કલાસનું પાનું ભર્યું હોય ! ચાર બાળકોની મા, નિશાળે ગયા વગર ઘર ને ચાર બાળકો સંભાળતા ફર્સ્ટ કલાસ મેટ્રિક પાસ થઈ ! પપ્પા સહિત બધા ખુશ ખુશ થઈ ગયા. ત્યારે હું ચોથા કે પાંચમામાં હોઈશ. કદાચ 1963ની આ વાત.

        જીવન ફરી એમ જ ચાલ્યું. વર્ષો વીત્યા ને હું મેટ્રિકમાં આવી. (મને હાયર સેકન્ડ કલાસ મળેલો) ત્યારે મમ્મીએ છાપામાં જાહેરાત વાંચી, – એક્સ્ટર્નલ બી.એ. કરી શકાય એ અંગેની. એનો જીવ ફરી સળવળ્યો.
અરે વાહ, કોલેજે ગયા વગર બી.એ. થવાય એ તો કેવું સારું ! એને મૂળે રોજ કોલેજ જવું ન પોસાય. બાકી ઘરમાં તો એ બધા જંગ જીતી લે !

        ફરી એ જ સવાલ-જવાબ – ‘તારે બી.એ. થઈને હવે કરવું છે શું ?’

       પણ એણે પોતાની વાત પકડી રાખી. એકવાર ભણીને સાબિત પણ કરી દીધું તું. હવે અમે પાંચ ભાઈબહેન થયા તા અને બધા ભણતા હતા. પરીક્ષા પણ બધાની સાથે હોય ! એણે છાપાની જાહેરખબરમાંથી જ રસ્તો શોધી લીધો હતો.

       ‘હું ઓક્ટોબર ટુ ઓક્ટોબર પરિક્ષા આપીશ જેથી લતા ને છોકરાવની પરીક્ષા માર્ચમાં હોય તો વાંધો ન આવે!’

       પપ્પા પાસે હા કહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આમેય એમનો સ્વભાવ હંમેંશા સૌને સાથ આપવાનો. શિક્ષણ માટે એમને પ્રેમ. ને મમ્મીનું કોલેજનું ભણવાનું શરૂ થયું. અમે મા દીકરી સાથે સાથે ભણ્યા. હું માર્ચમાં પરીક્ષા આપું ને એ ઓક્ટોબરમાં. કોલેજના અભ્યાસમાં એ મારા કરતાં માત્ર એક વરસ આગળ. મારા કરતાં સારા માર્ક્સ લાવે ! એમ મેં SYBA પાસ કર્યું.

        જોવાની વાત એ કે પોતે આટલી ભણવાની હોંશ ધરાવે તોય સારો છોકરો મળતાં મને SYBA પછી પરણાવી દીધી..જવાબ એક જ – “‘લગન પછીયે ભણાય, ભણવું હોય તો ! આ મને જુઓને, હું નથી ભણતી ?”

       લો બોલો… જો કે આ તો એણે બીજા લોકોને આપેલો જવાબ. મેં કાંઈ દલીલ નહોતી કરી હો, હું તો મજાની હરખે હરખે પરણી ગઇ તી…મને ‘એ’ બહુ ગમતા તા… (એરેન્જડ મેરેજ) મારા લગ્ન નિમિત્તે એણે એક વર્ષનો ડ્રોપ લઈ લીધો ! બસ આટલું જ. મને પરણાવીને પાછી ફાઇનલ BA માટે મંડી પડી …

       B.A. એ થઈ ગઈ. ત્યારે પપ્પા ડેપ્યુટી કલેકટર, મેજિસ્ટ્રેટ બની ગયા હતા. એ પછી એણે પપ્પાને પૂછ્યું,

     ‘તમે રિટાયર્ડ થશો પછી શું કરશો ?’

     ‘પછી વકીલાત કરીશ’

        (હવે આ દરમિયાન એણે ક્યાંકથી જાણકારી મેળવી લીધી હતી કે LL B તો ઘરે બેસીને ય કરી શકાય..ખાલી કોલેજમાં એડમિશન લઈ લેવાનું. કોલેજે જવાની જરૂર નહીં. એ પેલા સવાલ જવાબનું રહસ્ય.)

       પપ્પાનો એ જ જવાબ પણ મોળો;  કેમ કે એમને ખબર, ‘આ હવે છોડશે નહીં.’
વળી મમ્મીની એય દલીલ કે,

     “મારે ક્યાં નોકરી કરવી છે ? હું તો તમારી સાથે ઓફિસમાં બેસીશ. શીખીશ ને તમને મદદ કરીશ. એ બધું LL B કરી લઉં તો જ થાય ને !”

      મૂળ વાત એ કે કૈંક કરી બતાવવાની, શીખવાની એની ધગશને કોઈ સીમા જ નહોતી. ભણવાનું એનું કટકે કટકે ચાલ્યું કેમ કે અચાનક પપ્પાની બદલી થાય ને અનુકૂળ ન હોય તો બંધ રાખવું પડે. પણ એ નવરી તો બેસે જ નહીં. વચ્ચેના ભણવાના વિરામો દરમિયાન એ સીવણ એમ્બ્રોઇડરી શીખી. વિસાવદરમાં ઘર પાસે અંધશાળા હતી તો એક શિક્ષકને ઘરે રાખીને સંગીત શીખવાનું શરૂ કરી દીધું. ગાયનની બે વર્ષની પરિક્ષા આપી. હારમોનિયમ શીખી. વાયોલિન જેવું વાદય ! એ સમયે કદાચ સ્ત્રીઓ શીખવાનું વિચારે ય નહીં ! મારી મા વાયોલિન શીખી જ એટલું નહીં વાયોલિન વાદનમાં વિશારદ થઈ !! હવે એણે આમ જ LL. B ના ત્રણ વર્ષ કરી સનદ પણ લઈ લીધી !!એ LL. B નું ભણતી હતી ત્યારે હું બે બચ્ચાની મા બની ગઈ હતી. એટલે વચ્ચે વચ્ચે મારી સુવાવડો પણ એણે કરી.

      આખરે એના છેલ્લું સપનું (જો કે છેલ્લું નહોતું) પણ પુરૂ થયું. અમદાવાદમાં રિલીફ રોડ પર પપ્પાની ઓફિસમાં એમની સાથે બેસીને થોડો સમય વકીલાત પણ કરી. એ દરમિયાન એણે મનેય વટલાવી નાખી. મારે MA કરવું તું. “MA કરીને શુ કરીશ ? ક્યાંય નોકરો નહીં મળે ! એના કરતા કરતા મારી જેમ LL. B કરી નાખ. અમારી સાથે બેસીને પ્રેક્ટિસ કરજે.” હું ભોળવાઈ ગઈ. જો કે વાત એની કાંઈ ખોટી નહોતી. પપ્પા કામ શીખવે. મેં એમ જ કર્યું. પણ કમનસીબે મેં ત્રણ વર્ષ પુરા કર્યા, સનદ લીધી ને પપ્પાનો સ્વર્ગવાસ થયો. મમ્મીની ઓફીસ બંધ થઈ. કદાચ અમે બધાએ પ્રોત્સાહન આપ્યું હોત તો એણે ચાલુ પણ રાખ્યું હોત ! પણ અમારા કોઈમાં એના જેટલું જોશ નહોતું અને પપ્પાના અચાનક અવસાન (હાર્ટ એટેક)થી એ થોડી ઢીલી પડી ગઈ હતી.  મારો તો કોઈ સવાલ જ નહોતો. મારા માટે તો એ સારું જ થયું. કેમ કે હું વકીલાતનું માંડ ઢસડાતા, પરાણે જ ભણી તી. મને એમાં જરાય મજા નહોતી આવતી.

      થોડા વર્ષો એ શાંત રહી. ઘરમાં સ્કૂટર જોઈ એકવાર એને થયું કે હું સ્કૂટર શીખી જાઉં તો કેટલું સારું ! આ રીક્ષાની ઝંઝટ નહીં. અમે સમજાવ્યું કે, – તમને સાયકલ આવડતી નથી, સ્કૂટર ક્યાંથી ચલાવશો ? બેલેન્સ રાખતા શીખવું પડે ને હવે આ ઉંમરે જોખમ ન લેવાય. હાડકા ભાંગે તો અઘરું પડે ! ત્યારે તો એ ચૂપ થઈ ગઈ પણ એમાં એક દિવસ એને રસ્તામાં સાઈડકારવાળું સ્કૂટર દેખાયું. ઓહ, એને ઉપાય મળી ગયો ! આમાં તો બેલેન્સ રાખતા શીખવાની જરૂર જ નહીં. બસ ચલાવતા જ શીખવાનું ! કોઈની દલીલ સાંભળ્યા વગર એણે સાઈડકાર નખાવી દીધું ને ડ્રાઈવર પાસે ચલાવતા શીખી પણ ગઈ ! પછી તો સાઈડકારવાળું સ્કૂટર લઈને રોજ લો ગાર્ડનમાં લાફિંગ ક્લબમાં એ પહોંચી જાય.

      આમ જ એ ગાડી શીખી ગઈ. ઘરમાં કાર હોય ને મને ચલાવતા ન આવડે એ કેમ ચાલે ? અમે બધાએ કહ્યું કે ડ્રાઈવર રાખી લઈએ. જવાબ એક જ “ના, હું શીખી જઈશ” એ શીખી ગઈ. સ્કૂટર ને બદલે ગાડી લઈને ફરવા માંડી.

    એના મનમાં બસ એકવાર વિચાર આવવો જોઈએ પછી એ કરીને જ રહે.

      જો કે એકવાર એનાથી નાનો અકસ્માત થઈ ગયો અને ભાઈએ મમ્મીને ગાડી ચલાવવાની ના પાડી દીધી. મમ્મીને મનાવવા મુશ્કેલ એટલે એણે ગાડી વેચી નાખી. પપ્પાની ગેરહાજરીમાં એને મમ્મીની વધારે ચિંતા રહેતી.

       જોવાની વાત એ છે કે 1940માં સૌરાષ્ટ્રના રૂઢિચુસ્ત વાતાવરણમાં જન્મેલી આ સ્ત્રીએ કેવી કેવી ઈચ્છાઓ સેવી અને એણે પોતાની જાતે જ બધા રસ્તાઓ શોધી લીધા ! અમને ખબર નથી એ કેવી રીતે ભણી ! એણે કેવી રીતે ઘર ને બાળકો અને અમારા સોએક માણસના કુટુંબમા વારે વારે આવતા સામાજિક વ્યવહારો નિભાવતા કેવી રીતે ભણી !! ક્યાં જઈને સાઈડકાર નખાવ્યું ને કેવી રીતે શીખી ! કાર વેચી નાખી પછી ફરી એ એના સ્કૂટર પર આવી ગઈ ! એ ભલી ને એનું સાઈડકાર ભલું ! જ્યા મન થાય ત્યાં પહોંચી જાય.

       આખી જિંદગી જે સ્ત્રી આટલી જબરદસ્ત ખુમારીથી જીવી એને અંતે અલઝાઇમર થયો અને ત્રણ વરસ ખાટલામાં કોઈ હલનચલન કે અવાજ વગર પડી રહી. એમની વાચા પણ હણાઈ ગઈ હતી. આટલી શાંત એ જીવનમાં એક દિવસ પણ નહીં રહી હોય !! ખબર નથી કે છેલ્લે છેલ્લે એ અમને ઓળખતી પણ હતી કે નહીં ! એ જાણે કોઈ જુદી જ દુનિયામાં કશુંક નવું શીખવા જતી રહી હતી ને એમ જ એણે આંખો મીંચી દીધી 7 ઓક્ટોબર 2016…….

     મને અનેકવાર થતું કે એ સમયે ભાગ્યે જ જોવા મળે એવી આ અદભુત સ્ત્રી હતી. આજના સમય પ્રમાણે તો એની આ વાત જાણીને ટીવી મીડિયા એનો ઇન્ટરવ્યૂ લેવા માટે પડાપડી કરતા હોત. છાપાઓ અને મેગેઝીનોમાં એના વિશે લખીને કેટલાય પત્રકારો લેખકો રાજી થયા હોત.. એને અનેક એવોર્ડ પુરસ્કારો સન્માનો ખિતાબો મળ્યા હોત. એ જબરદસ્ત જીવી અને સાવ ગુમનામીમાં જતી રહી. 1938માં જન્મેલી મારી માનું નામ ચંદ્રિકા. પપ્પા ધીરજલાલ. હું લતા, ભાઈ હરેશ અને ડૉ. દિપક, બહેન સાધના લેસ્ટરમાં છે. એક બહેન કાશ્મીરા નાની વયે અવસાન પામી.

     હું લેખક! મેંય એને ન્યાય ન આપ્યો. હશે… કુદરત પાસે ઘણા રહસ્યો હોય છે. હું એમાં નિમિત્ત બની! જે હોય તે… આજે આટલું લખીને થોડો સંતોષ લઉં છું…

       મને એય ખબર છે કે આ સાવ સપાટ લખાણ છે, બસ હકીકતોનું બયાન પણ અત્યારે અહીં અલમોડામાં બેઠી છું. મધર્સ ડે ના FB પર લખાણો વાંચ્યા ને શરમ આવી કે આવી અદભુત મા પર મેં ક્યારેય લખ્યું નહીં ! આજે વરસાદ છે. લાઈટ નથી..મોબાઈલમાં આખો લેખ લખ્યો છે ને FB પર પોસ્ટ કર્યો છે. હવે લખવામાં બેટરીનુંય વિચારવું પડે એમ છે…બહુ ઓછી બેટરી બચી છે અને લાઈટ નથી. આને ફરી મઠારીને લખીશ.

પ્રણામ મા તને.

લતા બહેનનો પરિચય અહીં –

6 responses to “વાત એક અસાધારણ સ્ત્રીની

  1. chandubhai જૂન 14, 2019 પર 12:53 પી એમ(pm)

    સરસ લેખ જાની સર

  2. વિનોદ પટેલ જૂન 14, 2019 પર 1:15 પી એમ(pm)

    પૂજ્ય ચન્દ્રિકાબેન ને સાદર વંદન. લતાબેને આ લેખમાં પ્રિય માતાને જે સુંદર શબ્દાંજલિ આપી છે એ વાંચી મારાં પૂજ્ય માતુશ્રી શાંતાબેન ની યાદ તાજી થઇ આવી.!

  3. Ishwarbhai Parekh જૂન 14, 2019 પર 3:16 પી એમ(pm)

    lata ben stree shu n kari shke ? Aabha na tara todi lave .kashuk karvu ane temay bhanvu selute to chndrika ben

  4. kalpana desai જૂન 15, 2019 પર 12:16 એ એમ (am)

    પ્રિય લતાબહેન, ભલે તમને સરળ ને સપાટ લાગી હોય પણ રજુઆત એકદમ દિલમાં ઊંડે ઊતરીને ઝકઝોરી દે એવી. મને પણ સતત મારી મા દેખાયા કરી ને આપણે એને કરેલો અન્યાય? આપણે જાતે પણ આપણને માફ નથી કરી શકતાં પણ માએ તો વગર બોલ્યે બધું માફ કરેલું!

  5. readsetu જૂન 18, 2019 પર 2:47 એ એમ (am)

    ચંદુભાઈ, ઇશ્વરભાઇ, વિનોદભાઇ, કલ્પનાબહેન અને જેમને આ ગમ્યું હોય એ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વાત તમારી સામે મૂકનાર પ્રિય સુરેશભાઇ તો આભારના અધિકારી ખરા જ !

  6. Raksha Shukla જુલાઇ 5, 2019 પર 11:33 પી એમ(pm)

    અદ્ભુત વ્યક્તિત્વ..નતમસ્તક …વંદન જ. આદરણીય લતાબેનના મુખે હમણા જ એમના માની થોડી વાતો સંભાળવાનો લ્હાવો તાજેતરમાં જ મળ્યો ત્યારે ઈચ્છ્યું હતું કે પૂરી વાતો વાચીશ..ને અચાનક જ એ મુલ્યવાન લેખ અહી સામે આવ્યો..what a co-incident..આવી માને વંદન જ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: