મનીષા મહેતા અને મિત્રો
આની સાથે જૂની પરંપરાઓ, ભોજન વ્યવસ્થા, અતિથિ સત્કાર, ઘણું સંકળાયેલું મળી આવશે કેમ કે મેં લાઠીની મુલાકાત વખતે એક જુના ઘરમાં કોઠાર રૂમ ભરીને એટલે કે જથ્થાબંધ આ ઢીંચણિયા જોયાં હતા .
ત્રણ ત્રણ દિવસ રોકાતી જાન માટે ગોદડાં જેમ ઘરે ઘરેથી ઉઘરાવી લેવાતાં એવું જ ઢીંચણિયાઓનું પણ હશે. કેમ કે એ દાદાના કહેવા અનુસાર જાન જમવા બેસે કે નાતનો જમણવાર હોય, દરેક વ્યક્તિને ઢીંચણિયા આપવામાં આવતાં.
પાથરણું, પાટલી અથવા બાજોઠ સાથે આ ઢીંચણિયું પણ ગોઠવવામાં આવતું.
પતરાવળી, પડિયો અને પિત્તળનાં પ્યાલાં હોય, કમંડળોમાંથી પડિયામાં દાળ પીરસાતી હોય ત્યારે દાળનાં રેલાં સળંગ પડતાં જાય…એ વરાની દાળની એક અલગ જ સુગંધ જાણે ભૂખ ઉત્તેજિત કરતી…જમનારાનાં હાથ પણ દાળ ભરેલાં જ હોય..કેમ કે ચમચીઓ નહોતી.
આ રીતે માન પૂર્વક બેસાડી ને આગ્રહ પૂર્વક પરિવારનાં સભ્યો દ્વારા જ પીરસીને જમાડવાનાં હતાં અને છેલ્લે વડીલો આગ્રહ કરવા નીકળે, જમનારા અતિથીનું મોઢું ખોલાવીને પરાણે લાડવો કે મોહનથાળ ખવડાવતી વખતે જે વાતાવરણ જામે…એકાદ વ્યક્તિ જમનારાનાં હાથ પકડી લે..”નહિ ખવાય… નહિ ખવાય ..”ના ઉદગારો નીકળે ન નીકળે ત્યાં એનું મોં મોટા મીઠાઈના દડબાંથી ભરી દેવામાં આવે…સામે પક્ષે પણ..”હવે તમારે પણ લેવું જ પડશે..”કહીને યજમાનને પણ એવા જ સ્નેહાગ્રહથી ખવડાવવામાં આવે….અને જો આ આગ્રહની પ્રથામાં બન્ને પાત્રોમાંથી કોઈ કાચાપોચા નીકળ્યાં તો પાછળથી એમની ટીકા પણ થાય..
જમણવાર પતે પછી પાછળથી ઘરે ઘરે મોકલાતાં પીરસણીયામાં જમવા ન આવી શકનારા સભ્યોને પણ સાચવી લેવાની વૃત્તિ હતી. આ સભ્યોમાં વિધવા બહેનો ખાસ હતી કેમ કે એમને જાહેરમાં અવવાવી મનાઈ હતી..આમ સારા અને ખરાબ રિવાજો સમાંતરે ચાલતાં.
કંઈક રિવાજો જોઈ ચૂકેલા આ ઢીંચણિયા હજુ એક પેઢી સુધી આવી યાદો સ્વરૂપે સચવાયેલા રહેશે..હવેની બુફેની જાતે પીરસી, ઊભા ઊભા જમી લેવાની પ્રથામાં આવી વસ્તુઓ અને વાતો ઇતિહાસ બની જશે.
આ ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે.
વધારે કહુ…કાંસાની થાળી બાજોટ ,જમ્યા પહેલા પિત્તળ નો પાણી ભરેલા કરશો સાથે ભોજનની થાળી મા અગ્નિ દેવતા વૈશ્વાનર ની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલી ને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા ….અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ….જોકે આ બધી સંસ્કૃતિઓ તો હવે લુપ્ત થતી જાય છે. આ બધા સંયોજનથી જે વ્યક્તિનું વ્યક્તિત્વ નુ અદ્ભૂત નિર્માણ થાય છે ને ત્યારે સંસ્કૃતિ ને આગળ વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. દૂધપાક, બાસુંદી, લાડુ, વગેરે મિષ્ટાન્ન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય. આવું ક્યાંક વાંચ્યું હતું.
Like this:
Like Loading...
Related
આ ઢીંચણિયું પહેલી વાર સાંભળ્યું અને જોયું! ગુજરાતના ગામડામાં મને જોવા મળેલ નથી, એટલે, આ કાઠીયાવાડ બાજુનો રિવાજ હશે. ત્યાંના ખાનારા પણ ખરા હાં. આભાર લેખ માટે તમને અને મનિષા મહેતાને.
કોરોના વાયરસ વખતે સમય હોવા છતાં આ વાંચનારા અને વાંચીને બે શબ્દો પ્રતિભાવમાં મૂકનારાનાની જાણ મળશે?
ખૂબ રસપ્રદ લેખ. મારા નાનીને ત્યાં હળવદમાં મેં ઢીંચણયુ જોયેલું. પણ સુર્યનાડી, ચંદ્રનાડીની વાત ખબર ન હતી.
વાહ ખુબ સરસ
નેટ મિત્ર શ્રી નંદન શાસ્ત્રીએ વોટ્સ એપ પર મોકલેલ સરસ લેખ ..
મિત્રો, આજે અમે તમને ઢીંચણિયા વિષે જણાવીશું. આ લાકડામાંથી બનાવેલું એક ઉપસ્કરણ છે. વર્ષો પહેલાના આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા હતા. એના વિષે શ્રી જીલુભાઇ ખાચરે કાઠી સંસ્કૃતીમાં પણ નોંધ્યું છે. પહેલાના લોકો જયારે જમવા બેસતા ત્યારે આને પોતાના ઢીંચણ નીચે મુકતા હતા. આ કારણે એને ઢીંચણિયું કહેવાય છે.
ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે. એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય.
આવો તમને કાઠીઓના ભોજનના ઈતિહાસ વિષે જણાવીએ જેથી તમે એમના વિષે થોડી જાણકારી મેળવી શકો.
મિત્રો જણાવી દઈએ કે, આજનું સૌરાષ્ટ્ર જૂના સમયમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું હતું. પહેલાના સમયમાં પંજાબમાં વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં આવ્યા હતા. અને ત્યારબાદ કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા અને હાથમાં હથિયારો રમાડતાં. ઇતિહાસ જણાવે છે કે, મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ ભાગને કાઠેવાડ (કાઠીવાડ) કહયો હતો. કાઠીવાડ એટલે કાઠીનો પ્રદેશ. તેના પરથી સમય જતાં આખા દ્રીપકલ્પનું નામ કાઠીયાવાડ પડ્યું. પછી 16મી સદીથી સૌરાષ્ટ્રમાં કાઠીઓની રાજસતા સ્થપાવા માંડી. આ કાઠી-દરબારોની આગવી અને અનોખી સંસ્ક્રુતિ છે. મહેમાનોને માનપાન આપીને એમની સરભરા કેમ કરવી એ કાઠીઓની કુનેહ ગણાય છે.
તેઓ બપોરે જમવા બેસતા ત્યારે ઓરડામાં આકળિયું નાખવામાં આવતું. એની આગળ વાઘનખના પાયાવાળા પિતળના જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાતા. સાથે પિતળની બશેરની પડઘી મૂકાતી, એની ફરતી ઝામરની પાદંડિયું લાગેલી હોય. પડઘી ઉપર કાંસાની તાસંળી મૂકાય. એ તો તમે જાણો જ છો કે કાંસાનું વાસણ આરોગ્ય માટે કેટલું સારું માનવામાં આવે છે. એટલે તેઓ પણ એનો ઉપયોગ કરતા. અને જમતા હોય ત્યારે કોઈ દુશ્મન આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. અને જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાતું. ઢીંચણયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે જે અમે તમને ઉપર જ જણાવી દીધી છે.
એ સમય જમનાર મહમાનોની જમણી બાજુ એમની નજર સામે જ બધી વસ્તુઓ મુકવામાં આવતી જેથી એમને માંગવામાં કોઈ સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીંનું તપેલું, બે શાક, તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં વગેરે આવે. જમવા માટે બાજોઠ ઉપર થાળ મુકાય, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાડેંલાં મરચાં, મીઠું પણ થાળમાં જ હોય કારણ કે, કાઠીઓના શાક થોડા મીઠાથી બનાવવામાં આવતા. હવે મહેમાનથી તો મીઠું મંગાય નહીં. માંગે તો રસોઈ બનાવનારનું અપમાન ગણાય. એટલે થાળમાં જ મીઠું મુકવામાં આવતું.
એમનું ભોજન બાજરાના રોટલા વિના અધૂરું ગણાય. કાઠીઓના દરબારી રસોડે બાજરાના રોટલા બનાવવા માટે હોંશિલી કાઠીયાણીઓ વાળંદ કે કુંભારની સ્ત્રીઓ પાસે રસોડામાં કાટખુણે અગ્નિખૂણામાં કાળી માટી, રેતી, કુંવળ, ઢુંહા અને લાદના મિશ્રણવાળા ખાસ ચુલા નખાંવતી. આ ચુલા માટે પણ એક કહેવત પ્રચલિત છે કે, ‘ચુલા છીછરાં, આગવોણ ઊંડી એને બેડ બમણી.’ બેડ એટલે ચૂલાનો પાછળનો ભાગ. આ ચૂલાની બનાવટને લીધે ઓરડામાં જો પંદર મહેમાન પણ જમવા બેઠા હોય, તોય બાજરાના રોટલા ગરમ ગરમ જ પીરસાતા.
કાઠીયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચુડાની બડે ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠીયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. આથી જીલુભાઈ ખાચર એના વખાણ કે વર્ણન કરતાં થાકતાં નથી.
જયારે એમના ઘેર મહેમાનો જમવા બેસે એટલે સૌથી પહેલાં તો મિષ્ટાન પીરસાય અને પછી શાક. કોઈ ખાટું શાક ખાતાં હોય, તો કોઈ તીખું શાક ખાતાં હોય, કોઈ દહીં ખાતા હોય, કોઈ દૂધ ખાતાં હોય. કોઈ રોટલા જમતાં હોય, કોઈ રોટલી જમતાં હોય એ બધું જ મેમાનની નજર સામે હાજર હોય. શાક પીરસતાં પહેલાં, ઘીની વાઢીમાંથી ઘી પીરસાય પછી શાક પીરસાય અને ‘અબગાર’ કહે છે. અબગાર પરંપરારૂપે અપાય. કાઠી દરબારો શાકમાં ઘી નાખે છે. શાકમાં ઘી અબગારરૂપે નાખવાથી મરચાં ઘીનું મારણ છે. તેમજ એવી માન્યતા છે કે, શાકમાં ઘી ખાવાથી યાદદાસ્ત સારી રહે છે. ઘી કેરીમાં ખવાય, દૂધપાકમાં ખવાય, ખીરમાં ખવાય, લાપસીમાં ખવાય. કાઠીઓ દૂધ, સાકર અને ચોખામાં ઘી ખાય છે.
જમવાનું પતી ગયા પછી ઘુંગારેલું ઘોળવું આપવામાં આવે. તમે એ એક તાસંળી પી જાવ તો ગમે તેવો ભારે ખોરાક પણ પચી જાય. કાઠી જમવા બેસે ત્યારે થાળમાંનો રોટલો કે રોટલી ડાબા હાથે ભાંગી, જમણા હાથે જ જમે છે. અને કાઠીયાણીના હાથની રસોઈ જમવી એ પણ જીવનનો એક લ્હાવો ગણાય છે.
એમના રસોડાની વાત કરીએ તો આઠથી બાર હાથ લાંબુંપહોળું રસોડું જોવા મળે. જેમાં બે બારણાં તથા જાળિયાં, ભીંત કબાટ, પાણીયારું, ચોકડી તેમ જ નાની પેડલી હોય છે. રસોડાની અંદર ઠામવાસણનો કબાટ તેમ જ જુના જમાનાનું ‘લોકફ્રિઝ’ એટલે મજુડું(માજુત) જેમાં રોટલા, ઘી, દહીં, શાક, માખણ, દૂધ-દહીંના ગોરહડાં મુકવામાં આવે. તેમજ ઉંચા પાયાવાળો, અસલ બર્માટીક સાગનો ત્રણ થરા પાટિયા મારી નાનાં નાનાં ખાનાં કરેલાં હોય, જેથી બહારની હવા, તડકો, ટાઢ કે ભેજ લાગે નહીં. આવા મજૂસ એકેએક કાઠીઓના દરબારગઢમાં રહેતાં.
મિત્રો, બાજરાના લીલછોયા રોટલા ઉપરાંત કાઠી સ્ત્રીઓ શ્રાવણ-ભાદરવા મહિનામાં મકાઈનો વિશિષ્ટ રોટલો બનાવે છે. આ રોટલો બનાવવા માટે કુણાકુણા મકાઈ ડોડા લઈ તેના દાણા કાઢીને વાટી નાખે, અને તેમાં બાજરાનો લોટ મસળીને જે રોટલા બનાવે છે તેનો સ્વાદ તો રોટલો ખાનારને જીવનભર યાદ રહી જાય છે. કાઠીઓ બાજરાને ‘લાખાધાન’ કહે છે.
તેમજ કાઠીઓ આખા દિવસમાં ત્રણ વાર ભોજન લે છે, સવારે ગરમ ગરમ રોટલા, દહીં અને ક્યારેક દૂધ જમે છે જેને શિરામણ કહે છે. બપોરના ભોજનમાં રોટલા, રોટલી, શાક, અથાણાં કે છાશ કે દૂધ લે છે. રાત્રે વાળુમાં દૂધ, કઢી, લાલ મરચાંની ચટણી અને ઘી હોય છે. એમને ત્યાં વર્ષોથી શાક અને કઢીમાં ઘી નાખીને ખાવાનો રિવાજ છે. વર્તમાન સમયમાં તો વાસણોમાં જર્મન સીલ્વર, કાંસુ, તાંબુ અને પિતળનો ઉપયોગ થાય છે. પણ જૂના જમાનામાં તો તેઓ રસોઈ માટે હાડંલા, જાકરિયા, પાટિયા, તાવડી અને માટીના વાટીયા જ વાપરતા. માટીના વાસણમાં રસોઈ ખુબજ સ્વાદીષ્ટ બને છે.
નમસ્તે.લેખકજી, આપે ‘ઢીચણયુ’ શબ્દ સાથે અતીતની યાદ કરાવી દીધી. એક દાયકા પાછળ હટતા સૌરાષ્ટનું આ રાચ યાદ આવી ગયુ. મારા બાપુજીને ઢીંચણીયા વિના ગળે કોળીયો ના ઉતરે!આ સિવાય કેટલાક રાચરચીલા યાદ આવે. સફેદ કે સોનેરી પતરા જડેલા પટારા, ઉપર દિવાલમાં અભરાઇ જેમાં ચકચકિત વધારાના વાસણો ગોઠવેલા હોય. એક ખુણામાં ખાંડણીયો,સાંબેલુ, સુપડુ ને ઘંટી ને ઘંટલો હોય. પાણીયારે પાણીની મોટી તાંબાની ગોળીઓ, બેડા હોય. પાણીની ટાંકી ને બંબો હોય. ગાદલા ગોદડાનો ડામચીયો હોય. ગોદડાની અંદર દાદીમાએ સોયદોરાથી ભાત પાડી હોય. મકાનો મોટે ભાગે કાચા ને ભોયતળીયે છાણમાટીનું લિપણ હોય. છાપરા પર દેશી નળીયા હોય. બેસવા ખાટલા સુતરની પાટી કે કાથાની જાડી દોરડીથી ભરેલા હોય. આ ખાટલામાં પાટી કે વાણ ભરવુ એ પણ એક કળા હતી. એ માટે એવા પારંગતને બોલાવાતા. આ સિવાય દરેક વસવાયા કે કારીગરોને પોતાના ધંધાને અનુરુપ રાચ હોય.
.