ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જગદીશ શાહ, Jagdish Shah


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

પ્રખર પત્રકાર  સ્વ શ્રી ચીમનલાલ વાડીલાલ શાહ ના પુત્ર શ્રી જગદીશ ભાઈ નો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૩૭ માં થયો હતો.૧૯૬૬ માં એમણે “પત્તા ની જોડ”ના નિર્માણ થી પોતાની નાટ્ય કારકિર્દી નો પ્રારંભ કર્યો.તેમાં તેમણે ૧૮ વર્ષ ની વયે ૮૦ વર્ષ ના દાદા નું પાત્ર ભજવ્યું.પછી પણ જ્યારે પત્તાની જોડ નાટક ભજવાતું ત્યારે દાદાજી નું પાત્ર પોતે જ ભજવતા.

૧૯૫૯ ની ૨૫ ડિસેમ્બરે પોતાનું લખેલું નાટક “જાગી ને જોઉં તો”તારક મહેતા ના દિગ્દર્શક નીચે શો પીપલ સંસ્થા સ્થાપી ને તેના નેજા નીચે એમણે ભજવ્યું. તે નાટક ની રજત જયંતિ ૧૯૬૦ માં ઉજવી.સાથે સાથે પત્તા ની જોડ ના પ્રયોગો પણ ચાલુ રાખ્યા.અને તરત જ “બાર વર્ષે બાવો બોલ્યો”નાટક રજુ કર્યું.તેમાં નિરંજન મેહતા,ઇલા મેહતા,દીના પટેલ વગેરે એ કામ કર્યું હતું.તેના ૫૦ પ્રયોગો થયા હતા.

૧૯૬૧ માં તેઓ એ બીજા ત્રણ નાટકો લખ્યા હતા.’એક મૂરખ ને એવી ટેવ, “બાંધી મુઠ્ઠી લાખની”અને ને પાત્રી નાટક “હૂતો ને હુતી”હૂતો ને હુતી માં એમણે નીલા ઠાકોર સાથે કામ કરેલું.

૧૯૬૧ માં રાજ્ય નાટ્ય સ્પર્ધા માં જાગી ને જોઉં તો માં ચાલુ નાટકે નીલા ઠાકોર ને અચાનક હૃદય ના હુમલાના ભોગ બનવું પડ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું.

૧૯૬૨ માં “પત્તા ની જોડ” ની રજત જયંતિ ઉજવી અને નાટ્ય મહોત્સવ કર્યો.જુલાઈ મહિના માં બીજા ત્રણ નાટકો રજૂ કર્યા.”છેડાછેડી”, “છાયા  પડછાયા “અને” અચક મચકો કારેલી”

૧૯૬૪ માં નીલા ઠાકોર ની સ્મૃતિ માં તેમણે નીલા થિયેટરની સ્થાપના કરી અને પોતાનું લખેલું નાટક “સોહાગણ” રજૂ કર્યું. તે નાટક માં ખલનાયક અને કોમિક માં સાળા ની ભૂમિકા ભજવી.

૧૯૬૬ માં “હું પ્રધાન બન્યો” રજૂ કર્યું.તેના ૧૫૦ પ્રયોગો રજૂ થયા હતા. ૧૯૬૭ માં “રાધિકા રજૂ કર્યું.એમાં માસીબા ની ભૂમિકા એમણે ભજવી હતી. બે માસ બાદ” વ્હાલા ના વાંકે “અને” હું મુંબઇ નો રહેવાસી” રજૂ કર્યું.

૧૯૬૮ માં “પ્રેમ નો મારગ છે શૂરાનો””અજવાળી પણ રાત” “અડપલું” “પાપી””આટાપાટા “અને “પાંદડું લીલું ને રંગ રાતો ” રજૂ કર્યાં.

૧૯૭૦ માં “પ્લીઝ યોર ઓનર” , “બૈરી સાસુ તોબા તોબા” અને છેલ્લે ” પકડદાવ” રજૂ કર્યું.

૧૯૭૧ અને ૧૯૭૨ માં તેઓ સર્વાનુમત્તે ગુજરાતી ડ્રામા પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ના સેક્રેટરી નિમાયા હતા.

મુંબઈ સમાચારમાંથી
જગદીશ શાહ: માહોલના સર્જનહાર
નાટક, પ્રેક્ષક અને હું -સુરેશ રાજડા

આજે નીલા થિયેટર્સના નિર્માતા અને કર્તાહર્તા જગદીશ શાહને યાદ કરવાનું મન થયું છે… હું પ્રધાન બન્યો, પ્લીઝ યોર ઓનર, પકડદાવ, અજવાળી પણ રાત, બહાર આવ તારી બૈરી બતાવું જેવા ગુજરાતી તખ્તા ઉપર સીમાચિહ્નરૂપ નાટકો બનાવનારા જગદીશભાઈ… ખૂબ બધું વાચનાર! ભણેલાગણેલા અને તખતાની બારીકીઓથી સારી પેઠે માહિતગાર એવા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા હતા. તરલા મહેતા સાથે એમણે બનાવેલા નાટક પ્લીઝ યોર ઓનરની એમની પ્રથમ એન્ટ્રીનું દૃશ્ય આજેય મારા દિમાગમાં અકબંધ સચવાઈને પડ્યું છે. એમની એ એન્ટ્રી સાથે કોર્ટમાં મચી જતી હલચલ, છવાઈ જતી સ્તબ્ધતા, ઓર્ડર ઓર્ડર જેવા ન્યાયાધીશના ગળામાંથી નીકળેલા અવાજો વચ્ચે શરૂ થતી એમની દલીલો એક એવા માહોલને સર્જી આપતા હતા કે શરૂઆતની પાંચ મિનિટમાં પ્રેક્ષકોને અંદાજ આવી જતો કે તેઓ જબરદસ્ત નાટક ભજવણીના સાક્ષી બની જવાના છે. સારા નાટકના એંધાણ પડદો ઊઘડતાની પાંચ મિનિટમાં મળી જતા હોય છે (આ વાત નાટક, સિનેમા, સંગીતનો જલસો, મુશાયરો, નૃત્યનાટિકા, સિરિયલ્સ જેવી અનેક કલાઓને લાગુ પડે છે… સારી નવલકથાનું શરૂઆતનું લખાણ કે સુંદર કવિતાની પ્રથમ પંક્તિઓ પણ નવલકથા કે કવિતામાં રહેલા ડેપ્થનો પરિચય કરાવી દે છે.)

આવા મેધાવી સર્જક જગદીશભાઈએ એક સરસ નાટક વાંચ્યું. ‘બ્રીચ ઑફ મેરેજ’ નામના એ નાટકનું સશક્ત કથાનક જોઈ એમને થયું કે સુરેશ આઈ.એન.ટી. માટે આ નાટક બનાવે તો યોગ્ય થશે… એમણે મને મળવા બોલાવ્યો અને નાટકની પ્રત મને વાંચવા આપી. નાટક વાંચતાવેંત હું નાટકના પ્રેમમાં પડી ગયો… દામુ ઝવેરી, બાબુભાઈ ભૂખણવાલા આઈ.એન.ટી.ના બંને વડીલોને પણ આ નાટક ખૂબ પસંદ પડ્યું. એમણે મને આ નાટક બનાવવાની અનુમતિ આપી દીધી. જગદીશભાઈ નાટકનું રૂપાંતર કરે, હું નાટકનો દિગ્દર્શક અને આઈ.એન.ટી. નાટકનું નિર્માણ કરે એવી મૌખિક વ્યાવહારિક વાતો પતાવી… જગદીશભાઈએ નાટકનું રૂપાંતરકાર્ય શરૂ કરી દીધું અને હું નાટકોના વિવિધ પાત્રોમાં બંધબેસતા કલાકારોની વરણી કરવામાં ગૂંથાઈ ગયો. ડેઈઝી ઈરાની, ઈંદિરા મહેતા, અરવિંદ રાઠોડ, રાજેશ મહેતા અને મારે નાટકમાં અગત્યની ભૂમિકાઓ ભજવવાની હતી, નાટકના હીરો હતા દર્શન જરીવાલા.

ગોઝારા અકસ્માતને કારણે પૌરુષત્વ ગુમાવી ચૂકેલા તાજા પરણેલા પતિને એ નપુંસક થઈ ગયો છે એ વાતનો એને આઘાત ન લાગે તે કારણથી ઘરના સભ્યો ખબર નથી પડવા દેતા… અને એની જાણ બહાર એક અજાણ્યા ડૉક્ટરના વીર્યથી પત્નીને ગર્ભધારણ કરાવે છે… બાળકના અવતરવાથી જીવન થાળે પડી જશે અને પતિ માનસિક રીતે સ્વસ્થ થઈ જશે એવું સમજીને કરાયેલા આ કાર્યની જાણ અંધારામાં રહેલા પતિને થતાવેંત એ ચોંકી ઊઠે છે, મારી પત્નીને થનારું બાળક અન્યના વીર્યદાનથી થવાનું છે એ વાતની ખબર પડતાવેંત કુટુંબમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે, આવો વિષય પસંદ કરવો તે પણ પંદર-વીસ વર્ષ પહેલા… ખરેખર જોખમભર્યું કાર્ય હતું, પણ નાટકને સમજદાર પ્રેક્ષકો તરફથી સારો આવકાર મળ્યો… અને આઈ.એન.ટી.ની મરાઠી વિંગ સંભાળતા સપ્રેએ આ નાટક મરાઠીમાં કરવાનું વિચારી મધુકર તોરડમલ, ભાવના રમેશ ભાટકર જેવા પ્રસિદ્ધ કલાકારોની વરણી કરી, દિગ્દર્શકનું સુકાન મને સોંપ્યું…

ગુજરાતી નાટક ‘કૂંપળ ફૂટ્યાની વાત’ને નામે ભજવાયું અને મરાઠી નાટક ‘બીજાંકુર’ના નામે… ગુજરાતીમાં જગદીશભાઈએ કરેલું રૂપાંતર મને પસંદ ન પડતાં… મેં મારી રીતે નાટકમાં તળિયાઝાટક ફેરફારો કરી નાખ્યા. તે પણ એમને પૂછ્યા કે જણાવ્યા વિના. (આ મારી ભૂલ હતી) મારે જગદીશભાઈને વિશ્ર્વાસમાં લઈ મારા ઈચ્છિત ફેરફારો એમને કરવા દીધા હોત તો એ યોગ્ય હતું… પરંતુ એમના જેવા સિનિયર માણસની ઉપેક્ષા કરી સંપૂર્ણ રૂપાંતર કરી નાખ્યું. ને મારી ધૃષ્ટતા સમગ્ર રૂપાંતર મેં કર્યું હોવાથી રૂપાંતરકાર તરીકે મારું નામ આવે તેમાં તમને વાંધો છે? જગદીશભાઈ એવા છંછેડાયા, એવા ગુસ્સે થયા કે એમણે કાયદાકીય પગલાં લઈ નાટકની રજૂઆતને અટકાવી દેવા પેરવી કરી… દામુ ઝવેરી વચ્ચે પડ્યા ને મેં મારેલી ફિશિયારી બદલ ને જગદીશભાઈ જેવા પીઢ કલાકારનું અપમાન કરવા બદલ મને ખખડાવી નાખ્યો – ‘નાટક તો જ રજૂ થઈ શકશે જો સુરેશ રાજડા મારી લેખિત માફી માગે…’ જેવી જગદીશભાઈની શરત મારે માનવી પડી… મેં જાતે કરેલા રૂપાંતર બાબત મેં લેખિતમાં એમની માફી માગી… રૂપાંતરકાર તરીકે મારું નામ આવવું જોઈએ જેવી મારી ઘૃણાસ્પદ માગણી માટેય લેખિત મારે માફી માગવી પડી.

મૂળ વાત હવે આવે છે. આઈ.એન.ટી. ઓફિસમાં આવી મારો માફીપત્ર વાંચી એમણે બીજી સેકંડે ફાડી નાખ્યો. એમના કહેલા શબ્દો, એમણે દેખાડેલી ખેલદિલીનો જવાબ નથી. સુરેશ હું ઈચ્છું છું કે અમુક રૂપાંતરકારોને કારણે તને નાટકને તારા ઢંગથી સજાવવાની જે ટેવ પડી છે, એ ટેવને તું છોડી દે. મારે તને એ વાતનું ભાન કરાવવું હતું દોસ્ત કે મારા જેવા સક્ષમ માણસ પાસે નાટકને તું તારી રીતે લખાવી શક્યો હોત. કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો… કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી. ભૂલ મેં કરી હોવાથી શાંતિથી એમનું કહેવું, શિખામણ મેં સાંભળી લીધાં… ત્યાર બાદ દેખાડાયેલી ખેલદિલી જીવનપર્યંત ભુલાય તેમ નથી. ‘સુરેશ, સચ્ચાઈના રણકા સાથે જગદીશભાઈ બોલ્યા… દોસ્ત તેં નાટકનું અત્યંત સુંદર રૂપાંતર કર્યું છે… મારાથી પણ વધુ ઉત્તમ અને સરસ રૂપાંતર થયું છે… તું તારી રીતે આગળ વધ. રૂપાંતરકાર તરીકે તારું નામ આવે તેમાં મને કશો છોછ નથી’… આવી ખેલદિલી, પ્રામાણિકતા અને અન્યના કામની સરાહના કરવાની રીત આ પહેલા મેં ક્યાંય જોઈ નહોતી. દિગ્મૂઢ બની એમને જોયા કરતા મને જોઈ એમણે આગળ ચલાવ્યું. મારી પાસેથી કામ લેવાની તને ફાવટ ન આવે તેમાં તારા કરેલા સરસ કામને હું બિરદાવી ન શકું એ વાત બરાબર નથી. નીચી મુંડી રાખીને હું બોલ્યો જગદીશભાઈ તમારું રૂપાંતર ભજવાશે એવું લેખિતમાં હું આપી ચૂક્યો છું. મને વધુ શરમમાં ન નાંખો… તમારા જેવા સિનિયર સાથે મેં કરેલા વર્તનનો મને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે… હું સાચા દિલથી તમારી માફી માગું છું… પ્રત્યુત્તર આપતા તેઓ બોલ્યા. મેં આપણા બંનેનું લખાણ વાંચ્યું છે તેં આમેજ કરેલી ઘટનાઓ અને ઊભી કરેલી સિચ્યુએશનો લાજવાબ છે, વર્બોસપણાનો તેં સદંતર છેદ ઉડાડી દીધો છે – આટલું બોલ્યા પછી તેમણે જે કહ્યું તે સાંભળીને હું રીતસર તેમના પગમાં પડી ગયો હતો… મારું રૂપાંતરિત નાટક ભજવીશ તો નાટક નહીં ચાલે, તારું રૂપાંતરિત નાટક ભજવાશે તો પ્રેક્ષકોને ગમશે અને નાટક ચાલશે… આવી મહાનતા, આવી ખેલદિલી, આવી પ્રામાણિકતા, સામેવાળાના કામને બિરદાવવાની આ હિંમત (તે પણ પોતે કરેલા કામ સામે….) ક્યાં જોવા મળે?

‘કૂંપળ ફૂટ્યાની વાત’ નાટક ભજવાયું એમના જ નામે. મારા આગ્રહને કારણે મેં કરેલા ફેરફારો, યોગ્ય જગ્યાએ ગોઠવેલા નવા પ્રસંગો, એમના દ્વારા ફરીથી લખાયા… સમજોે નાટકનું એમણે નવસંસ્કરણ કરી આપ્યું મારી રીતે. એમને આનંદ હતો એમને ગમતી રૂપાંતરિત કૃતિના નવસંસ્કરણ કરવાનો, મને આનંદ હતો… મને ગમતી વ્યક્તિ પાસેથી ઈચ્છા મુજબ કામ લઈ શકવાનો… જગદીશભાઈએ ફરીથી લખેલા નાટકના રૂપાંતરને ભજવવા એમણે કહેલી એક વાત મારા કાન ઉપર હંમેશાં અથડાયા કરતી હતી ‘સુરેશ કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી…!’ એમની વાત સો ટકા સાચી હતી. આજેય મેં જેમની જેમની પાસે નાટકના રૂપાંતરો કરાવ્યાં છે એ તમામ નાટકો નવેસરથી મારે લખવા પડ્યાં છે… કારણ કે કાં તો તેઓ સક્ષમ લેખકો નથી કાં તો તેમની પાસેથી કામ લેવાની મારામાં આવડત નથી…!

One response to “જગદીશ શાહ, Jagdish Shah

  1. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: