ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’


તેમનો બ્લોગ [અહીં ક્લિક કરો ]

દૈનિકપત્ર ‘ગાધીનગર મેટ્રો’માં પ્રકાશિત વ્યક્તિવિશેષ પરિચય:

દીવડી બની દીવાદાંડી

નામ પ્રમાણે જ એનું સમગ્ર જીવન કંઈક નૂતન જ પડકારો લઈને આવ્યું. મૂળ વતન સૌરાષ્ટ્રનું ટાણા ગામ. ૨૭/૦૨/૧૯૬૨, જન્મદિન. જન્મસ્થળ ભાવનગર અને ઉછેર તથા શિક્ષણ વલસાડમાં થયાં. જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી જે. પી. શ્રૉફ આર્ટ્સ કૉલેજ, આ બંને મુખ્ય શિક્ષણધામો. સગા ચાર ભાઈ બહેનોમાંથી એક માત્ર જીવિત સંતાન તે નૂતન અને પાંચ ભાઈ-બહેન પપ્પાની પહેલી પત્નીના સંતાનો. નૂતનની માતા સવિતાબહેન ત્રીજીવારના પત્ની હતાં.
સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં વાચનશોખ સૌને હતો અને એના કારણે બાળમંદિર જતાં પહેલાં જ અખબારના નામ અને મુખ્ય હેડલાઈન વાંચતા શીખી ગયેલી નૂતનના જીવનમાં જ્ઞાનની જ્યોત તો ઝળહળી ઉઠી પણ નેત્રજ્યોત જન્મથી જ કમ હતી એને કોઈ ન પારખી શક્યું. એની યાદશક્તિ અને સમજશક્તિ અદ્ભુત હતી. એક વખત વાંચીને પોતાના શબ્દોમાં વ્યવસ્થિત રજૂઆત કરી શકતી હતી. વાચન અને સંગીત બે મુખ્ય શોખ બાળપણથી જ હતા.જે સારું વાંચવાનું જ્યાંથી મળે ત્યાંથી વાંચી જ લેવુ. પુસ્તકો અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો સદાના સાથી. દસ વર્ષની ઉંમરથી જ નવલકથાઓ વાંચવાનું આરંભી દીધેલું. એ સમયના (૭૦ના દાયકાના) મોટાભાગના લેખકને વાંચ્યા છે. પાંચમા ધોરણથી જ પોતાના નિબંધો સ્વરચિત રહેતા. નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાની સ્પીચ પોતે જ તૈયાર કરે. અનેક સ્પર્ધાઓમાં વિજેતા બનીને સર્ટિફિકેટ્સ ને ટ્રોફીઓ મેળવ્યા. ધાર્મિક અભ્યાસમાં પણ અવ્વલ! પણ… આ બધામાં એની આંખોનું નૂર હણાતું ગયું એ વાતનો ખ્યાલ બહુ મોડેથી આવ્યો ચૌદ વર્ષની ઉંમરે શાળાના આચાર્યાએ આ વાત નૂતનના પિતા જગજીવનદાસ શાહને જણાવી ને આંખના ડોક્ટરને કન્સલ્ટ કરવા જણાવ્યું.
અને એક સુંદર, ગોરી તરૂણીને કદરૂપી બનાવતા -17 અને -14 નંબરના જાડા કાચના ચશ્મા અનેક ઠેકડીઓ અને ઉપાલંભો સાથે લઈને આવ્યા. આ બધું જ મન કઠણ રાખીને સહ્યું અને દ્રઢ આત્મવિશ્વાસ કેળવ્યો. પિતા ધંધામાંથી અને માતા ગૃહસ્થીની અનેક ફરજોમાંથી સમય ફાળવી શકતાં નહિ. નૂતન પોતે જ પોતાની રીતે માનસિક સંઘર્ષોનો સામનો કરતી રહી. એણે સમગ્ર ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું અને સદા પ્રથમ આવતી એ વિદ્યાર્થિની ઉચ્તર માધ્યમિક એક્ઝામમાં બૉર્ડમાં ‘સેન્ટર ફર્સ્ટ’ આવી – જેનું કોઈ જ મહત્વ એના ઘરના જાણતા ન હતા. ‘હવે અભ્યાસ બંધ અને ઘરનાં કામ શીખો’ પપ્પાએ કહી દીધું પણ નૂતનને તો ભણવું હતું. એણે એનો પણ રસ્તો શોધી કાઢ્યો. શાળાના શિક્ષકો અને આચાર્યાશ્રી એને અભિનંદન આપવા એના ઘરે આવ્યા ત્યારે કૉલેજના એક વર્ષના અભ્યાસની મંજૂરી મેળવી આપી.
કૉલેજમાં તો છોકરાઓ પણ હોય અને એમનો સામનો કરવો એ કન્યાશાળાની છાત્રા માટે મુશ્કેલ હતું, ખાસ કરીને નૂતન માટે. લોકોને તો કોઈકની નબળી કડી પકડીને એની ઠેકડી ઉડાડવામાં વિકૃત આનંદ મળતો હોય છે અને આ તો ‘ટીન એજર્સ’, એમને તો કૉલેજમાં, બસમાં જતાં-આવતાં જાણે કે એક મનોરંજનનું સાધન મળી ગયું. આ વાત ઘરમાં કરે તો તો કૉલેજ છોડાવી દેવાનું એક બહાનું મળી જાય તેથી નૂતને વિચાર કરીને એના પપ્પાને ‘કૉન્ટેક્ટ લેન્સ’ બનાવડાવવાની વાત કરી. એ સમયે ‘કૉન્ટેક્ટ લેન્સ’નો કૉન્સેપ્ટ નવો હતો. પહેલાં તો વિરોધ થયો આખરે લેન્સ બન્યા અને પછી તો મન ખરેખર કડવાશથી ભરાઈ જાય ને એવી વાત બની. જે યુવાનો અને પ્રોફેસર ઠેકડી ઉડાવતા હતા એ જ હવે એનાં સૌંદર્યના ચાહક બની ગયા. નૂતનને છોકરાઓથી નફરત થઈ ગઈ તે એટલે સુધી કે છોકરાને હરાવવા તે કૉલેજના ઈલેક્શનમાં ‘લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ’ માટે નહીં પણ ‘ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ’ માટે ઊભી રહી. જોરદાર કેમ્પેઈન કરીને જીતીને જ રહી. એ જમાનામાં છોકરાઓ જ
C. R. બનતા. આમ, સંજોગો સામે ઝૂકી જવાના બદલે લડી લેવાની મનોવૃત્તિ કેળવીને હતાશાના દોરને સદૈવ દૂર રાખ્યો.
એક વર્ષના બદલે કૉલેજનો અભ્યાસ તો પૂરો કર્યો મુખ્ય વિષય ઈંગ્લિશ લિટરેચર અને ગૌણ વિષય ગુજરાતી સાથે. હવે? એણે બિલિમોરા માસીના ઘરે જઈને ‘રંગશિક્ષણ મહાવિદ્યાલય’નું બી. એડ્.નું ફૉર્મ ભરી દીધું. એડ્મિશન લેટર પણ આવી ગયો પણ એ પ્રારબ્ધમાં હાલમાં નહોતું એટલે ઘરના સભ્યોના ઈનકાર વચ્ચે ભવિષ્યની ગર્તામાં ધકેલાઈ ગયું. (જો ત્યારે જ ભણી લીધું હોત તો જીવન કંઈક અલગ હોત.)
હવે લગ્નની વાત ચાલી. જે છોકરો ગમતો એને નૂતનની આંખની કમજોરી નડતી અને મન મારીને ન ગમતા છોકરા જોડે બઃધાવા નૂતન તૈયાર નહોતી. એણે તો દ્રઢ નિશ્ચય જાહેર કરી દીધો કે લગ્ન કરવા ખાતર એ કોઈ બાંધછોડ નહીં કરે, આમ પણ પરણવાની ઈચ્છા છે જ નહીં પણ.માની એકમાત્ર સંતાન હોવાના કારણે પોતાના લીધે માને બે બોલ સાંભળવા ન પડે એટલે તૈયાર થઈ હતી પણ હવે ‘પોતે નોકરી કરશે અને કુંવારી રહીને માબાપની સેવા કરશે’ આ વાતથી ઘરમાં સોપો પડી ગયો. એક છોકરી થઈને આટલી બેશરમીથી વાત કરે છે? હદ થઈ ગઈ આ તો. આખરે એક છોકરો મળ્યો અને નૂતને પણ માતાએ આપેલાં સોગંદ સામે હથિયાર હેઠાં મૂકી દીધાં. તુષાર સારો છોકરો, વલસાડથી નજીક વાપીમાં. આર્થિક પરિસ્થિતિ નિમ્ન મધ્યમ વર્ગ. એ સિવાય પણ ઘણી બધી ચેલેન્જ હતી અને પાનેતરમાં પરોવાઈને, ચૂંદડીની ભાત જેવા અનેક ભાતના નૂતન પડકારો ઝીલવા સાસરે પગ મૂક્યો. કુટુંબના આંતરિક સંઘર્ષો અને સંબંધોની વાતોને બાજુએ મૂકીએ પણ અહીં આર્થિક ક્ષેત્રે નસીબ તુષારને યારી નહોતું આપતું. બે પુત્રીઓ સાથે જીવન દુષ્કર બની રહ્યું હતું. તુષારને પગમાં એક્સિડન્ટ થતાં દુકાન બંધ પડી ગઈ. વલસાડમાં પપ્પાના મૃત્યુ પછી નૂતને મમ્મીની જવાબદારી પણ માથે લીધી હતી. ‘સહારા ઈન્ડિયા’માં કૉ-ઑર્ડિનેટરનું કામ કર્યું. મુંબઈના ‘મનિષ માર્કેટ’ માંથી સામાન લાવીને ઘરે ઘરે ફરીને વેચ્યો. ફરસાણ લાવીને વેચ્યું. બે નાની દીકરીઓને ઘરમાં મૂકીને બહારથી તાળું મારીને કામ માટે નીકળતાં. આખરે 2002માં સ્કૂલમાં નોકરી મળી 1800/ નો પગાર. પણ મનગમતું કામ હતું એટલે ભણાવવાનો આનંદ આવતો. પરંતુ ત્યાં પણ જાહેર ન કરી શકાય એવા કારણે એ હેરાન થતી રહી. દર વર્ષે મે મહિનામાં છૂટા કરી દે પછી જૂનમાં બોલાવે તો જવાનું. વધુ પડતો વર્ક લૉડ. અરે! ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવા હાલ થતાં પણ નોકરી એ જરૂરિયાત હતી. એને સ્કૂલમાંથી હટાવવા માટેનું એક બહાનું મળી ગયું: “બી. એડ્. નથી કર્યું.” આખરે પેલું ભવિષ્યની રાહ જોતું બી. એડ્., 2009માં કુટુંબીની સહાયથી એડમિશન તો લેવાઈ ગયું પણ છેક ઉમરગામમાં મળ્યું. સવારે નોકરી ત્યાંથી ખાધા-પીધા વગર સીધું ઉમરગામ બી. એડ્ કૉલેજ તુષાર સ્કૂટર પર મૂકવા જાય. સાંજે પાંચ-સવાપાંચે લૉકલ પકડીને, ઢગલો હોમવર્ક લઈને ઘરે આવે પછી બધા ભેગાં મળીને રસોઈ બનાવે. મોટી દીકરી બારમા ધોરણમાં, એની મા પથારીમાં, નાની દીકરી આઠમા ધોરણમાં. અડધી રાત જાગીને લેસન તૈયાર કરે. એક મહિનો આમ પસાર કરતાં એ જીવનમાં પહેલી વખત તૂટી ગઈ. કૉલેજની એસેમ્બલીમાં પ્રાર્થના કરતાં ચોધાર આંસુ વહેવા લાગ્યાં. કૉલેજના પ્રોફેસર જીતેન્દ્રભાઈ પટેલે પાસે બોલાવીને શાંતિથી કારણ પૂછ્યું. અને જાણે ભગવાને આંસુનો પ્રક્ષાલ સ્વીકાર્યો હોય નહીં એમ રી-સફલિંગ આવતાં પ્રોફેસર જીતુભાઈએ નૂતનને જાણ કરી કે વાપીની બી. એડ્. કૉલેજમાં સીટ ખાલી છે, નૂતનબહેન. તમે પ્રયત્ન કરો. મારાં માટે તો જાણે ભગવાન ઉતર્યાં. તરત જ પ્રોસિજર પતાવીને વાપીની બી. એડ્. કૉલેજમાં ટ્રાન્સફર લીધી પણ એમ શાંતિ મળે તો એ નૂતનની જિંદગી થોડી કહેવાય? કૉલેજના પ્રિન્સીપાલ, બધા પ્રોફેસર્સ ખૂબ જ સપૉર્ટીવ હતા પણ સ્ટેટેસ્ટીક્સે નૂતનને રડાવી પણ પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલના ખૂબ જ પ્રોત્સાહનથી બી. એડ. ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું પણ મોટી દીકરીની બૉર્ડ એક્ઝામ અને બી. એડ્ની એક્ઝામ સાથે આવતાં દીકરીના વર્ષનું બલિદાન લેવાઈ ગયું જેની એના પર માનસિક અસર એવી થઈ કે એણે ભણવાનું છોડી દેવાનું નક્કી કર્યું. આ તો નૂતનના માથે વજ્રાઘાત હતો. શાળાના શિક્ષકોની મદદથી દીકરીને ખૂબ પ્રોત્સાહિત કરી અને આખરે બૉર્ડ પાસ કરાવ્યું પણ એ દીકરીની સંઘર્ષયાત્રા તો પાછી અલગ જ છે, મમ્મી કરતાં ચાર ચાસણી ચડે એવી છે! પુત્ર માને કાંધ દેવા ન આવ્યો તો નૂતને પોતાની માને કાંધ અને અગ્નિદાહ આપ્યાં.
બી. એડ્. પછી ગવર્નમેન્ટ સ્કૂલમાં નોકરી મળવાની આશા પર પાણી ફેરવી દીધું સરકારના એક નિર્ણયે: આઠમા ધોરણને પ્રાથમિક શાળામાં ખસેડવાનો નિર્ણય! એ પછી ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ગયાં તો ત્યાં પણ બીજા શિક્ષકો કરતાં સાવ ઓછા પગારે નોકરી મળી. નૂતનબહેન પાછાં સ્ટ્રેટફૉરવર્ડ. કામ બધું જ નિષ્ઠાપૂર્વક કરે પણ ખોટું સાંખી ન લે. આ શાળામાં એમણે પોતાની મૌલિક શૈક્ષણિક રીત અપનાવી. cbse બૉર્ડના શ્રીમતી કલ્પનાબહેન ચૌધરી તાલીમ આપવા આવ્યા હતાં. એ તાલીમ વર્ગમાં એમણે એક લેસન તૈયાર કરવા કહ્યું. તો એ લેસન માટે નૂતને એક શીઘ્ર બાળકાવ્ય રચી કાઢ્યું. કૉલેજકાળ પછી સુષુપ્તાવસ્થામાં સરી ગયેલો સર્જક કીડો સળવળ્યો! એ કાવ્ય વાંચીને કલ્પનાબહેને એના ખૂબ જ વખાણ કર્યા અને નૂતનનો ભરપૂર લાભ ઉઠાવવા જણાવ્યું. પરંતુ એનો ફક્ત લાભ જ ઉઠાવાયો કદર કાંઈ જ ન કરી. બીજી સ્કૂલમાં સારા પગારે મળતી નોકરી તો ન સ્વીકારવા દીધી પણ ‘આ શાળામાં પણ એટલો પગાર થઈ જશે’ કહ્યા પછી નિવૃત્તિ સુધી એટલો પગાર ન થયો અને cbse બૉર્ડની સ્કૂલમાં બે વર્ષનો વધારો આપવાની વાતને ફગાવીને નિવૃત્ત કરી દેવાયા.
નિવૃત્તિ પછી એમણે સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે: નવલિકા, લઘુ નાટક, હાસ્યકથા, માઈક્રોફિકસન, હાઈકુ, દીર્ઘકાવ્ય, અછાંદસ, હાસ્ય-વ્યંગ્ય કાવ્ય, ગઝલ, લેખ, નિબંધ, પત્રલેખન પર હાથ અજમાવ્યો છે અને અજમાવી રહ્યાં છે.
તેઓ ‘ વર્તમાન ન્યુઝ.કૉમ’ પર સત્યઘટનાઓ લખે છે. લોકો પૂરા વિશ્વાસથી દિલ ખોલીને પોતાની વાત એમની સમક્ષ રજૂ કરે છે, એટલું જ નહીં સમસ્યાનું માર્ગદર્શન પણ માંગે છે.એમની આ કૉલમ ખૂબ જ લોકપ્રિય છે અને લાખો વાચકો મેળવ્યા છે અને પ્રશંસાના ફૉન તથા પ્રતિભાવોનો વરસાદ વરસે છે. સૌપ્રથમ તેમણે 2019માં ‘પ્રતિલિપિ એપ’ પર વાર્તાલેખન દ્વારા પદાર્પણ કર્યું. એ પછી અનેક વૉટ્સએપ ગ્રુપના એડમીન તરીકે કામ કર્યું, વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું, નિર્ણાયક તરીકે ફરજ બજાવી અને હજુ બજાવી રહ્યાં છે. પણ એમની આ પ્રવૃત્તિને પણ સ્વજનો ‘બિન આર્થિક પ્રવૃત્તિ’ કહીને ઉપેક્ષા કરતા હતા. અરે! શા માટે આંખ બગાડે છે? એવું કહેતાં સગાંઓને નોકરીના આટલાં વર્ષોમાં કેમ એ યાદ ન આવ્યું? શું ત્યારે આંખ નહોતી વપરાતી? અલગ અલગ વિદ્યાર્થીઓના અલગ અલગ અક્ષરો ઓળ ખવાના ને ચેક કરવાના. પણ સ્પર્ધાઓમાં જીતીને ઈનામ મેળવતા થયા પછી કંઈક કૂણાં પડ્યાં છે. તેઓ શૉપિઝેન એપ’, ‘પ્રતિલિપિ એપ’ , ‘વઢિયારી મંચ’, ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ જેવી અનેક આયોજીત સ્પર્ધાઓ જીત્યાં છે. અનેક સર્ટિફિકેટ્સ મેળવ્યાં છે. હાલ, તેઓ ‘સહિયારું સર્જન ગુગમ’ ગ્રુપમાં સાહિત્યિક શબ્દરમતો યોજે છે. ‘Words of heart’ ગ્રુપમાં નિર્ણાયકની ફરજ બજાવે છે. ‘આવો, ગઝલ માણીએ’ અને ‘કાવ્ય અમૃત’ ગ્રુપની ગઝલ રચનાનું સંકલન કરીને ‘વર્તમાન ન્યુઝ.કૉમ’માં પબ્લિશ કરે છે.
‘વર્તમાન ન્યુઝ.કૉમ’ ના ઑનરનો પરિચય એમને આવા એક સાહિત્યિક ગ્રુપમાંથી જ થયો હતો. તેમની રચનાઓથી પ્રભાવિત થઈને એમણે નૂતનને પોતાના અખબારમાં જોડાવાનું કહ્યું. તેઓ ‘વર્તમાન ન્યુઝ.કૉમ’ ના એક્ઝેક્યુટીવ એડિટર છે.
આ ઉપરાંત, નૂતન starMaker app પર ઑગષ્ટ મહિનાથી એક્ટિવ છે. ત્યાં મોજથી ફિલ્મી ગીતો ગાય છે અને ત્યાં પણ તેઓ ‘Popular singer; Party Guru’ નું ટેગ મેળવી ચૂક્યાં છે.
આટલી નબળી દ્રષ્ટિમાં વળી વધુ એક ઝાટકો! તેઓ ફક્ત એક જ આંખે વાંચી શકે છે. જોઈ શકે છે બંને આંખે પણ વાંચવાનું કામ ફક્ત એક જ આંખ કરે છે.

સહિયારાં પુસ્તકો:
” હૈયાની રજૂઆત” અને “અહેસાસ”

સખીઓ, આજે જમાનો પલટાયો છે તો પણ સ્ત્રીની હાલત ખાસ બદલાઈ નથી. તો સૌથી પહેલાં તો દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવો. યાદ રાખો, આપણાં આંસુઓ પ્રત્યે હમદર્દી કરતાં વધુ પંચાતનો ભાવ રાખનારાં અને પછી એને મસાલેદાર વાનગી બનાવીને પીરસનારાં છે. સ્પષ્ટ ‘ના’ પાડતાં શીખી જશો તો પછી પસ્તાવાનો વારો નહીં આવે. આપણે આપણી જિંદગી આપણાં માટે પણ જીવવાની છે. ખાસ તો હવે 50ની ઉપર પહોંચેલી મારી બહેનો, જીવનનો મોટો ભાગ આપણે પરિવાર અને પરિવારજનોની જરૂરતો પૂરી કરવામાં, એમની ખુશી બરકરાર રાખવામાં પસાર કર્યો છે. એના માટે આપણે આપણાં શોખ, આપણાં શમણાં, આપણાં વિચારો – સઘળું દબાવી દીધું છે. પણ હવે થોડો સમય મનગમતી પ્રવૃત્તિ કરવામાં વાવશો તો એ નૂતન ઊર્જા સ્વરૂપે ઊગી નીકળશે. જીવન ભર્યું ભર્યું લાગશે. એકલતા તો ક્યાંય દૂર ભાગી જશે અને ચહેરો ખુશીથી ઝળકી ઉઠશે. લખો, ગાવ, બાગકામ કરો, આપની અંદર જે કળા હોય એને બહાર આવવા દો, જે શોખ ધરબાયેલો હોય એને થોડો પણ પૂરો કરવાની માત્ર કોશિશ કરો. જીવન જીવ્યાનો એક સંતોષ મળશે.

3 responses to “મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’

  1. pragnaju જાન્યુઆરી 1, 2021 પર 2:39 પી એમ(pm)

    ધન્ય જીવન

    ‘લખો, ગાવ, બાગકામ કરો, આપની અંદર જે કળા હોય એને બહાર આવવા દો, જે શોખ ધરબાયેલો હોય એને થોડો પણ પૂરો કરવાની માત્ર કોશિશ કરો. જીવન જીવ્યાનો એક સંતોષ મળશે.’પ્રેરણાદાયી વાત

  2. prakash J. Shukla જાન્યુઆરી 1, 2021 પર 4:13 પી એમ(pm)

    Please excuse me for writing in English. it is just because I do not know Gujarati Typing.
    after reading about the struggle of Nutan ben, I understand that Nutan ben, is just one example but actually, she is just one of the thousands of boys and girls, who do not get proper support of the family to make a bright career in spite of their capabilities. We need to create a permanent platform for them at school and college levels, so that they can approach them easily and get necessary counseling and support. financial support also can be arranged for deserving candidates. banks have special provisions for loan to students. working professionals in the area and ex-students can be of great help, for relevant information about various options.
    I shall only be happy, to be a part of this movement, in my limited capacity.
    Prakash Shukla

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: