ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021
**
‘આંસુ વહાવી દેજે મારા મોત પર તું એકાંતમાં,
આ ‘બદનસીબ’ની લાશ પર આપમેળે જ કફન ચડી જશે.’

મૂળ નામ

રમેશભાઈ પીરભાઈ રજ્યા.

જન્મ

૩ , ફેબ્રુઆરી – ઝેરડા ગામે ( જિ. બનાસકાંઠાના, તા . ડીસા )

કુટુંબ

માતા – જેબરબેન. ; પિતા – પીરાભાઈ

સંપર્ક

‘ઈશ્ક’ પાલનપુરી 45,રજ્યાવાસ, મુ. પો .ઝેરડા તા. ડીસા જિ. બનાસકાંઠા
મો.+91 99240 02999

         દસમા ધોરણમાં ભણતા રમેશને સાથે ભણતા મિત્ર દશરથના અવસાનનો આઘાત એવો લાગ્યો કે દુઃખ કવિતા સ્વરૂપે બહાર આવ્યું. પ્રથમ કવિતા સ્કૂલના નોટીસબોર્ડ પર લગાડી. રમેશની આ કાવ્યાંજલિ બધાને ખૂબ ગમી. મિત્રના મૃત્યુના આઘાત અને નિરાશામાં પ્રથમ કવિતા ફાડી નાખી. પણ આ શોકકાવ્ય દ્વારા કવિતાની કૂંપળ ફૂટી ચૂકી હતી એ ધીમે ધીમે વિસ્તરતી જતી હતી. પોતાની જાતને બદનસીબ માનતો આ વિદ્યાર્થી હૃદયમાં ઉભરાતી લાગણીને ‘બદનસીબ’ ના ઉપનામે કાગળ પર ઉતારવા લાગ્યો.

  તે લખે છે.

“જિંદગીમાં હવે કોઈ તમન્ના બાકી નથી,

તારું નામ રટવું એ જ ‘બદનસીબ’નું કામ હોય.”

                                              જોડકણાં તો જોડકણાં પણ ભાવજગત મજબૂત હતું. જિંદગીની કોઈક પીડા કે અભાવની અભિવ્યક્તિ આમ જ કાગળ પર ઉતરતી રહી, લખાતું ગયું. વિધાર્થી અવસ્થાએ રચાતી રચનાઓ સાચા કાવ્યસ્વરૂપે ભલે ન રચાઈ હોય પણ કાવ્યત્વ અને સાહિત્યની સાચી દિશા પકડવાની મથામણ શરુ થઇ ચૂકી હતી, કવિતા રસનો વિષય થઇ પડી,  વાંચન વધ્યું કવિતા અને કવિ પ્રત્યે આકર્ષણ વધ્યું. બનાસકાંઠાના એક કવિને પત્રવ્યવહારથી કવિતા-ગઝલ વિશે જાણવાની ઈચ્છા બતાવી એ કવિએ વળતી ટપાલે પ્રોત્સાહિત કર્યા સૌ પ્રથમ તો ‘બદનસીબ’ ઉપનામ રદ્દ કરીને બે તખલ્લુસ આપ્યા એમાંથી એક તખલ્લુસ પસંદ કર્યું. એ તખલ્લુસ સૂચવનાર કવિ હતા શરદ ત્રિવેદી અને રમેશે તખલ્લુસ ધારણ કર્યું એ પાલનપુરી ગઝલ ઘરાનાની ધરોહર જાળવતું, સૌને લાડકવાયું બની રહ્યું એ તખલ્લુસ એટલે ‘ઈશ્ક’.

     અભિયાન ડીસેમ્બર-૨૦૧૭ના અંકમાં નરેશ મકવાણા દ્વારા કરેલ કવર સ્ટોરીમાં પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ‘ઈશ્ક’ પાલનપુરીની નોંધ લેવાઈ. એ બાબતે તેઓ કહે છે.કે “હું કચ્છમાં ભણતો ત્યારે પાલનપુર બાજુના વિધાર્થીઓને પાલનપુરીયા કે પાલનપુરી કહેતા. હું પાલનપુર ભણેલો છું અને પાલનપુરી તરીકે શૂન્ય, સૈફ, ઓજસ પાલનપુરીના વારસ તરીકે ઓળખાવવું એ મારા માટે ગૌરવપ્રદ છે”.

‘ઈશ્ક’ પાલનપુરીના ઉપનામે ઓળખાતા આ સર્જકનું મૂળ નામ રમેશભાઈ પીરભાઈ રજ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામે તા- ૦૩-૦૨-૧૯૮૧માં જન્મ. પિતાનું નામ પીરાભાઈ, માતાનું નામ જેબરબેન. પિતાજીનું જીવન સંઘર્ષમય રહ્યું. સાત ફાઈનલ નપાસ, ૧૯૭૭ની આસપાસ મુંબઈ ધંધાર્થે ગયા. હીરા બજારમાં નોકરી કરી, મોરારજીની સરકારમાં નોટબંધી વખતે વતન પાછા ફર્યા અને ઘરે ખેતી કરી. તમાકુની એક કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરી. પરિવારમાં ચાર દીકરાઓને ભણાવવામાં કોઈ કસર ન રાખી, આજે ત્રણ દિકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે. એક મેડીકલ સ્ટોર સંભાળે છે. સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી બીજા નંબરના દીકરા એમનું પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ ગામ ઝેરડામાં જ પૂર્ણ થયું. ૧૯૯૮ના વર્ષમાં બાર સાયન્સ પૂર્ણ કર્યુ.  બી.એસ.સી.ના ચાર મહિનાના અભ્યાસ દરમિયાન જ ફાર્મસીમાં એડમિશન મળતાં આદિપુર કચ્છથી ૨૦૦૨માં ફાર્મસી પૂર્ણ કરી પોતાના ગામમાં વૈભવ મેડીકલ સ્ટોર ચાલુ કરી અને ત્યારબાદ અચાનક કોર્ટ કલાર્કની ( આસીસ્ટન્ટ પ્રિન્સી.સીની સીવીલ કોર્ટ ડીસા) નોકરી મળતા કવિ દવામાંથી દાવામાં આવી ગયા એમ કહેવાય ! પ્રાથમિક શાળાથી વાંચનનો શોખ હતો મેડીકલ નોકરી સાથે સમય મળતા પુષ્કળ વાચન થયું. ટેકનોલોજીની મદદથી બ્લોગ વાંચ્યા અને ખુદના બ્લોગ તરફ પણ પ્રયાણ કર્યું . બ્લોગ દ્વારા પોતાની રચનાઓ લોકો દ્વારા વાંચતી ગઈ, ટીકા ટીપ્પણી થતી રહી. સુરતના ખ્યાતનામ બ્લોગર અને કવિશ્રી વિવેક ટેલરે લખ્યું  

“કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તો આ આખા કામનો અર્થ સરે. છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યને ચોરે બેસી ન શકે.”

      બસ પછી સર્જકને મનમાં થયું આ જોડકણાંનો કોઈ અર્થ નથી. એવામાં ગુજરાત સરકાર દ્વારા ગઝલ શિબિરની જાહેરાત થઈ પોતાના જ ગામના કવયિત્રી અને ઉમદા વાર્તાકાર ‘વર્ષા બારોટ’ તથા બીજા ઘણા નવોદિત સાહિત્યકાર સાથે 2008માં કિલ્લા પારડીની ગઝલ શિબિર કરી ગઝલ ગુરુ નયન હ. દેસાઈના માર્ગદર્શનમાં ગઝલના સાચા સ્વરૂપની દિશા મળી અને પ્રથમ છંદોબદ્ધ રચના રચાઈ

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,

ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

          એ પછી ગઝલને વેગ મળ્યો, વાંચન વધ્યું ગામની સ્વ. વાલાભાઈ વિસાભાઇ લાયબ્રેરીના ઘણા પુસ્તકો વંચાયા, કવિતાનો નાતો બંધાતો ગયો. ‘રખેવાળ’ દૈનિકમાં છપાતી રચનાઓથી પ્રેરણા મળતી રહી. ફાર્મસીના અભ્યાસ દરમિયાન દૂરદર્શનના કાર્યક્રમ માટે આ સર્જક પહેલીવાર ટી.વી. પર કાર્યક્રમ આપવા પરિવારની જાણ બહાર આખીરાત બસમાં ઉભા રહીને મુસાફરી વેઠીને પાલનપુર આવ્યા,  બેંકમાં ખાતું પણ ન ધરાવતા આ સર્જકને પ્રથમ વાર ૨૫૦ રૂ.નો કવિતા પઠન પુરસ્કાર મળ્યો હતો જે પ્રેરકબળ પૂરું પાડ્યું

કારણ કે એમનો જન્મ એવા  સમાજમાં થયો કે એવું જ માને કે સાહિત્ય સાથે આપણે કશું લેવા દેવા નથી .

‘ઈશ્ક’ પાલનપુરી  લખે છે કે,

‘સો સો સલામી એ રબારી ભાઇને ,

જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

    આપણે તો માલધારી અને ખેડૂતની જાત ઢોરઢાંખર અને ખેતર  સાથે જીવન જોડાયેલું રહે છે એને વળી કવિતાયું શેની? આમાં શું મળે?

અને  આજ પર્યંત એનો વિરોધ ચાલું જ છે, પણ આ તો

કવિજીવ  પોતાનું ઢોર રેઢું ન મૂકે એ કંઈ એમ સાહિત્ય  થોડું રેઢું મૂકે ?

 પછી 2010માં શબ્દસાધના પરિવાર દ્વારા યોજાયેલ મુશાયરામાં પ્રથમવાર અનિલ ચાવડા, પ્રશાંત કેદાર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા શાયરો સાથે ગઝલપઠન કરવાની તક સાંપડી ‘મિસ્કીન’ સાહેબે સર્જકના ગાલે ટપલી મારી ‘ગઝલ સરસ લખે છે’ કહી ઉત્સાહ વધાર્યો હતો.તો

ડો. શરદ ઠાકર લિખીત રણમાં ખીલ્યું ગુલાબ’ કોલમમાં તેમની પંક્તિઓનો અને

મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ‘કૂંપળ ફૂટ્યાની વાત’ માં શુભેચ્છા સંદેશ, તથા મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત ‘કૂંપળની મહેફિલ’ ગઝલ સંગ્રહમાં પાંચ ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.લોક ડાઉનમાં ‘પાલનપુર રેડીયો’ દ્વારા આયોજિત ટેલિફોનિક  મુશાયરાના કાર્યક્રમ ‘ફોનાયરો’માં ગઝલો રજુ કરવાની તક મળી હતી.

  સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી ગુણવત્તાને ધ્યાને રાખી ઉમદા સાહિત્યની નેમ ધારણ કરી આગળ વધતા આ સર્જક  ‘શબ્દ સાધના પરિવાર’  નામે બનાસકાંઠાની સાહિત્યિક સંસ્થા ઉભી કરવામાં સહયોગી રહયા છે. તો નવોદિતો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નોકરી મળ્યા પછી બાર-તેર વર્ષ પછી ગુજરાતી વિષયપર એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની રચનાઓ “બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે” બે પુસ્તકોમાં સમાવેશ થઇ છે. અભ્યાસ, નોકરી અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાથે આસ્વાદ, કવિ પરિચય વગેરે પણ લખી રહ્યા છે. ટૂંકીવાર્તા પણ લખવાની ઈચ્છા ધરાવતા આ સર્જક હાલ ‘ઝરુખો’ ઈ -મેગેઝિનમાં પરામર્શક તરીકે કાર્યરત છે. જી.ટી.પી.એલ.ના કાવ્યરસ કાર્યક્રમ હોય કે વિવિધ મુશાયરાઓમાં ભાગ લઇ પોતાની સર્જકતા ને સતત ગતિશીલ રાખી રહ્યા છે.

       ચાલો એમની ગઝલના શેરની મજા માણીએ.

**

 હું મારાથી વધારે ધ્યાન રાખું છુ,

 હદયમાં જેમનું પણ સ્થાન રાખું છુ.

*

  એ રીતે બધી યાદને સચાવી ને,

  અહી જેમ વિધવા રકમ સાચવે છે.

*

 આજ મારી ગઝલ સાંભળીને પછી,

 દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

**  

આંખોને કોરુંકટ તારે,

મારે કાયમ શ્રાવણ જેવું.

*

  આ ગઝલ લખવી સરળ ક્યાં  છે દોસ્તો,

  રક્તને પણ બાળવાનું હોય છે.  

*

તમારે ખભો આપવાનો છે દોસ્તો,

કફન ઓળખે છે કબર ઓળખે છે.

**

  અમે માપવાને તળિયું નયનનું

   બધા આંસુઓને વહાવી જોશું.

**

 હો ભલેને સરળ આકરી બોલશે,

  એ નહિ ‘ઈશ્ક’ની શાયરી બોલશે.

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,
ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

‘સો સો સલામી એ રબારી ભાઇને ,
જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

રચનાઓ

“બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે”

2 responses to “‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri

 1. pragnaju ફેબ્રુવારી 3, 2021 પર 10:44 એ એમ (am)

  યાદ પ્રસંગ

  ૧૪ મી ફેબ્રુઆરીનૂં સાંજનું ગીત

  બે હોઠો માં તમારુ મલકાઇ જવુ યાદ છે મને
  મલકાઇ ને પાછુ શરમાઇ જવુ યાદ છે મને
  લાગણી ના પુર માં તણાઇ જવુ યાદ છે મને
  પહેલી નજર મા દિલ નુ ચોરાઇ જવુ યાદ છે મને.

  પરંતુ ૧૫મી ફેબ્રુઆરીનું ગીત બદલાઈ ગયું (એક જ દિવસમાં)

  ના જાણે,કેટલીય રાતો જાગ્યો છુ ,તારા વિરહમાં.
  જમાના ને સાવ પાગલ લાગ્યો છુ, તારા વિરહમાં.
  ખબર-અંતર ક્યાં પુછ્યા’તા તમે જુદા થયા પછી,
  આ’તો હુ ગઝલ વડે સચવાયો છુ,તારા વિરહમાં.

  આ વાત હતી ૨૦૦૮ ની અને ત્યાર પછી આ ભગ્ન હ્રદયી પ્રેમીએ એ ‘ગમ’ ને પોતાની આગવી મૂડી બનાવી અને જોઈ લીધુ “પાલનપુરી” બનવાનું સપનુ.
  ‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
  આ બધા આજથી ટળવળે તો લખુ.
  ’ઈશ્ક’પાલનપુરી
  આ મિજાજ અને આ અનુભૂતિનાં શબ્દો સદા જીવંત રાખશો તો રમેશભાઈ, “પાલનપુરી” નહીં “સવાયા પાલનપુરી” થશો

 2. chaman ફેબ્રુવારી 3, 2021 પર 11:27 એ એમ (am)

  સરસ સહકાર સુરેશભાઈ. ભૂતકાળમાં મને પણ મળ્યો હતો એ યાદ આવી ગયું. ઉગતા છોડને પાણીરુપી પ્રેરણાની ખુબ જરુર છે. મોટાઓનેતો મળી રહે છે માનવ સમુહદાયથી!

  આપનો આભાર મને આ મોકલવા માટે.

  ‘ચમન’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: