સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા
(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021
જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી!
જન્મ
૪ , ફેબ્રુઆરી – ૧૯૫૫ , મહુવા
કુટુંબ
માતા – કસ્તુરબેન. ; પિતા – મૂળજીભાઈ
શિક્ષણ
જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી
સંપર્ક
142/સર્વોદયનગર,
સેકટર 30, ગાંધીનગર, 382030
મોઃ 9879475130
તેમના વિશે વિશેષ
ચાર ભાઈ અને પાંચ બહેનોનો બહોળો પરિવાર. પિતાજીનો ખેતીનો વ્યવસાય, પણ કાળક્રમે ખેતી નષ્ટ થતાં, ઓઈલ એન્જિન સમારકામ કારીગર તરીકે નોકરી કરતા હતા. સર્જકના જન્મના પાંચ જ મહિનામાં, કુટુંબનિર્વાહ માટે પરિવાર સાથે પરિવારે મહુવાથી જાફરાબાદ મુકામે મજબૂરીથી સ્થળાંતર કરવું પડ્યું. 1955ને ના જૂન માસથી ઓઈલ મિલમાં પિતાજીએ ઓઈલ એન્જિન મિકેનિક તરીકે જીવનની બીજી ઈનિંગ શરૂ કરી. માતા પિતા અભણ હતા પણ પોતાના સંતાનોને શિક્ષણ અપાવવાના સંકલ્પમાં મક્કમ.હતા એટલે શિક્ષણ અને સંસ્કારનો વારસો મળ્યો. સંતાનોએ પણ માબાપના આ સંકલ્પને સાકાર કરતાં,મા શારદાની કૃપાથી બધાં જ ભાઈ-બહેનોએ જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી જ્વલંત કારકિર્દી સાથે (લગભગ બધાં જ ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ ) પસાર કર્યાં. પરિવારના ઘણા સભ્યોમાં શિક્ષણ ઉપરાંત સંગીત, લેખન, ચિત્ર, ગાયન, વાદન વગેરે જેવી વિશિષ્ટ સિદ્ધિઓને કારણે જાફરાબાદના ઉચ્ચ અધિકારીઓ અને શ્રેષ્ઠીઓનો પ્રીતિપાત્ર પરિવાર બન્યો. તેમના માતાને તે સમયે રત્નગર્ભાનું બહુમાન મળેલું. બહોળો પરિવાર તથા સીમિત આવકના કારણે શૈશવ અત્યંત ગરીબાઈમાં તથા અભાવમાં વીત્યું. ધોરણઃ પાંચથી એસ. એસ. સી. સુધી સ્કોલરશિપ મળી. ક્યારેક એ સ્કોલરશિપના બાળકિશોરે જમા કરેલા રૂપિયામાંથી મહિનાની આખર તારીખમાં ઘરના રોટલા માટે બાજરો ખરીદાતો એવી નાજુક પરિસ્થિતિ. ધોરણ દસમાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ તરફથી રૂ. 60 નું ઈનામ મળતું. તેમના સહિત લગભગ બધાં ભાઈબહેનોને ઈનામ મળ્યાં હતાં. જૂની એસ.એસ.સી. પછી તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ખાતેની સર ભાવસિંહજી પાૅલિટેકનિકમાં ઓટોમોબાઈલ ડિપ્લોમા કોર્સ પસંદ કર્યો. બે સેમેસ્ટરની જ્વલંત સફળતા સાથે પસાર કર્યા બાદ પરિવારની આર્થિક મર્યાદાઓને કારણે અભ્યાસ છોડીને હીરા ઘસવાના વ્યવસાયમાં અનિચ્છાએ જોતરાવું પડ્યું.જોકે લોહીમાં જ કારીગરી વારસાગત ઊતરી આવી હોવાના લીધે આ કામમાં પણ પ્રવીણતા આવી.પછી હીરા ઘસવાનું છોડી,અટકેલો ઉચ્ચ અભ્યાસ એક વર્ષ બાદ પુનઃ ચાલુ કર્યો. આ દરમિયાન ગામે ગામ વીજળી આવી જતાં, ઓઈલ એન્જિનનો ઉપયોગ બંધ થતાં પિતાજીને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી. આર્થિક સંકડામણનો સંઘર્ષ અતિ તીવ્ર બન્યો.બહેનોના હાથ પીળા કરવાનો સમય આવતાં ભણવાને બદલે કમાવવાનું દબાણ વધ્યું.
જૂના મેટ્રિક્યુલેશન પછી લઘુલિપિક (સ્ટેનોગ્રાફર)ની સરકારી નોકરી મળતી. ગુજરી બજારમાંથી નવ રૂપિયાનું સેકન્ડહેન્ડ ‘મહેર લઘુલિપિ’ શીખવા માટેનું પુસ્તક ખરીદ્યું. જાતે લઘુલિપિ/.ગુજરાતી ટાઇપિંગ પણ શીખ્યા. ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર ની લઘુલિપિની પરીક્ષા, એસ. એસ. સી. લેવલની ગુજરાતીની પરીક્ષા અને ટાઇપિંગની પરીક્ષાઓ પાસ કરી.નિયામક, આયુર્વેદના અંગત મદદનીશ (પી.એ.) તરીકે સને 1980ના એપ્રિલ માસમાં સરકારી સેવામાં જોડાયા.આ સમય દરમિયાન માથા પરથી માતાપિતાનું છત્ર ઊડી ગયું. કૌટુંબિક જવાબદારી નિભાવતાં સળંગ ચોવીસ વર્ષની એક જ જગ્યાએ નોકરી કરી, ને 2004ના એપ્રિલમાં નવ વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી.
સર્જકના જીવન ઘડતરમાં જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંતમાધ્યમિક શાળાનાં શિક્ષિકા સુશ્રી રક્ષાબહેન દવેની માતૃભાષાની કેળવણીએ તેમના ચિત્તપ્રદેશ પર ઊંડી છાપ છોડી હતી સાહિત્ય સર્જનની શરૂઆત ધોરણ નવથી જ થયેલી પ્રથમ કવિતા એ સમયે લખાયેલી. લેખન ,અને વક્તૃત્વ કૌશલ્યના કારણે તેઓ શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી હતા. પ્રૂફ વાંચન, ભાષાન્તર શોખની પ્રવૃતિ રહી છે.
લેખનબીજ તો વરસો પૂર્વે વવાઈ ચૂક્યું હતું. જીવનના કેટકેટલાય અભાવો અને ઉપેક્ષાએ સંવેદનશીલ હૃદયને અધિક કોમળ અને શાયરાના બનાવ્યું. સ્વૈચ્છિક નિવૃત્તિનાં ત્રણેક વર્ષ અગાઉ એટલે કે 2001આસપાસ તેમાંથી કૂંપળો ફૂટી. નિજાનંદ માટે ગુજરાતી ગીત, ગઝલ લખવાનું શરૂ થયું. ભાષા નિયામકના રાજભાષા, ગુજરાત સમાચારની સ્થાનિક પૂર્તિ અને સ્થાનિક અખબાર ગાંધીનગર સમાચારમાં પ્રકાશિત થવા લાગ્યાં.
તેઓ ગાંધીનગર સાહિત્યસભાનો પૂર્વ કોષાધ્યક્ષ, પૂર્વ મંત્રીપદે,હાલ ગાંધીનગર સાહિત્યસભાના સલાહકાર, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના સેવામંત્રી તરીકે, અને પૂર્વ પોલીસ મિત્ર, પૂર્વ પૅરાલિગલ વૉલેન્ટિયર, સમાજસેવક,રક્તદાતા, માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણના હેતુ માટે સ્થપાયેલા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સાત ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી તરીકે સતત કાર્યરત રહ્યા છે.
‘કલાવિમર્શ’ ત્રૈમાસિકના કાવ્ય વિભાગના સંપાદક તરીકે પ્રત્યેક કામમાં પરફેક્શનના આગ્રહી શોખ અને વારસાને કારણે લગભગ ઘણીખરી ક્રાફ્ટમાં પણ બહુમુખી પ્રતિભા છે. ‘પાંપણ વચ્ચે’ ની એક ગઝલ ‘સમજાવટથી’ નો તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટીના એફ. વાય. બી.એ. ના ગુજરાતી વિષયના સંદર્ભ અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. આ ગઝલ અંગે લયસ્તરો. કોમ ઉપર લખવામાં આવ્યું છે કે “નવરત્ન જેવા નવ શેઅર! એકેએક શેઅર પર સમરકંદ બુખારા ઓવારી દેવાનું મન થાય એવા.. ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબની કરામત કરી છે.” આ ગઝલ અગાઉ અખંડાનંદમાં સને 2018 માં પ્રકાશિત થઈ હતી.
રચનાઓ
અભિવ્યક્તિ, પાંપણ વચ્ચે’ હૈયાસરસું
થોડાક શેર
તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી!
આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી!
કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?
સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી!
અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી!
તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાનો રાખું છું હિસાબ ચીવટથી!
વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો ‘તો, તે દિવસે ઝીણી વાછટથી!
ડાળી પરથી પાન ખર્યું તો તેનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછી, એ જ જગ્યાએ કાલ ઊલટથી!
Like this:
Like Loading...
Related
કવિશ્રી કિશોર જિકાદરાની ગમતી વાત
પાગલોની જેમ ઓલ્યાં ચાહનારાં ક્યાં ગયાં? હોય જો તમને ખબર તો આપવા અનુરોધ છે, હોય તૈયારી તમારી રોજ એને સિંચવાની, એ જ શરતે લાગણીને વાવવા અનુરોધ છે. –
સંબંધોને સુખનો આધાર ગણવામાં આવે છે. જેના સંબંધો સજીવન છે એ માણસ નસીબદાર છે. માણસ સંબંધ વગર જીવી ન શકે. માણસને માણસની જરૂર પડે છે. માણસને બધા વગર ચાલે, પણ માણસ વગર ચાલતું નથી. આપણને સૌને કોઇક જોઇતું હોય છે. વાત કરવા માટે, વ્યક્ત થવા માટે, હળવા થવા માટે, ખાલી થવા માટે, ઊભરો ઠાલવવા માટે! આપણે ક્યારેક ભરાઇ જઇએ છીએ, માણસે પણ ખાલી થવું પડતું હોય છે