આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને મીનુ દેસાઈ જેવા કવિઓએ પણ દેખતા દીકરાના જવાબની રચના કરી હતી. એ રચનાઓએ પણ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું – આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ એ બંને રચનાઓ એક સમયે ભલે દૂર્લભ ગણાતી હોય, પણ હવે ઈન્ટરનેટના કારણે આ બન્ને રચનાઓ સુલભ બની છે.
વહાલપની વાદળી વરસાવનારી માતાને માટે ધર્મપુરાણે માતા, ધરિત્રી, જનની, દયાર્દ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠ, દેવી, ભિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહન્ત્રી જેવા ૨૧ શબ્દો પ્રયોજયા છે. ઇશ્વરની એલચી સમી મા માટે મનુસ્મૃતિ કહે છે કે ઉપાધ્યાયથી આચાર્ય દસ ગણા, આચાર્યથી પિતા સો ગણા અને પિતાથી માતા હજાર ગણી પૂજનીય છે. ઘોડિયાઘરમાં ઉછરનારા સંતાનોને માતાનું મૂલ્ય શી રીતે સમજાય ? એક ગરીબ માની ઝૂંપડી માં સાત દીકરા સમાય છે પણ સાત દીકરાની મજાની મહેલાતોમાં એક લાચાર- વૃદ્ધ મા નથી સમાતી.
ઊર્મિશીલ માનવીનું કાળજું કંપાવી જતી આંધળીમાના અંતરની વેદનાને ઇન્દુલાલ ગાંધીએ કાવ્યમાં સુપેરે કુંડારી છે. એ એક મા કે દીકરાની જ વાત નથી પણ સુખી ગામડું છોડીને મોટા શહેરોમાં રૂપિયા રળવા ગયેલા હીરાઘસુ દીકરાઓના તમામ માબાપોની વ્યથાકથા કાઠિયાવાડના એકએક ગામડે હાંફતી પડી છે. સુખી થવાના સ્વપ્ના જોઇને શહેરભણી દોડનારા દીકરાઓ કાળી મજૂરી પછી પૈસો તો કમાય છે પણ એની સુખશાંતિ હણાઇ જાય છે. લાચાર દીકરાની આ પરિસ્થિતિનો ચિતાર આંધળી માના કાગળમાં કવિ આપણને આપે છે.
આંધળી માનો કાગળ પછી ઈન્દુલાલ ગાંધીએ જ દેખતા દીકરાનો જવાબ પણ રચ્યો હતો. જોકે, મીનુ દેસાઇની દેખતા દીકરાની રચના પણ ઘણી લોકપ્રિય થઈ હતી. બેય રચનાઓ, સને ૧૯૬૯માં દસમાં ધોરણના પાઠયપુસ્તક ‘સાહિત્યલહરી’ ભા.૩માં છપાઇ હતી. પાઠયપુસ્તક બદલાઇ ગયું. સને ૧૯૮૬માં કવિનું અવસાન થયું. રતિકુમાર વ્યાસે ગાયેલું ગીત સ્મૃતિમાં સળવળાટ કરતું બેઠું થાય છે.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા, મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર, હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.
-ઈન્દુલાલ ગાંધી
આ રચનાનો જવાબ પણ ઈન્દુલાલ ગાંધીએ જ આપ્યો હતો. જોકે, તેના પ્રત્યુત્તર રૃપે અન્ય કવિઓએ પણ દેખતા દીકરાનો જવાબ રચ્યો છે. જેમાં મુંબઇના કવિ મીનુ દેસાઇ અને મોહનલાલ નાથાલાલની રચનાને મહત્ત્વની ગણી શકાય.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’ બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ, એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ? ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ, રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ, રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ, બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ? મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ, શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ, નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ, તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ, હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.
-ઇંદુલાલ ગાંધી
મીનુ દેસાઈએ દેખતા દીકરાનો જવાબ કાવ્ય રચ્યું એમાં દેખતા દીકરાની શહેરી જીવનની આપવીતી વર્ણવી છે. માનો પત્ર વાંચી દુઃખિયા દીકરાનું હૈયું વલોવાઇ જાય છે. પૈસા કરતાં પ્રેમને અને ધન કરતાં ધર્મને વધુ સમજનારો કહ્યાગરો દીકરો આશ્વાસન આપી માને કહે છે –
હું ને મારા જેવા અનેક સંશોધકો હજુ હમણા લગી માનતા કે આ કોઇ જૂનું લોકગીત છે. આ વાતને ઉજાગર કરતાં નીતીન વડગામા કહે છે કે લોકગીતનો દરજ્જો પામેલા આ ગીતના કવિ ૮ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ મોરબી પાસેના મકનસર મુકામે જન્મેલા અને લોકહૈયે બિરાજતા કવિ ઇન્દુલાલ ગાંધી છે. (પાઠયપુસ્તકમાં જન્મ તારીખ- ૮-૧૨-૧૯૦૫ દર્શાવી છે.)
આજ કવિની એક બહુ જ જાણીતી અને હૃદયસ્પર્શી રચના છે ‘આંધળીમાનો કાગળ.’ સને ૧૯૫૯માં ૧૫મી વાર પુનઃ મુદ્રણ પામેલી ‘સાહિત્યલહરી’ ભાગ-૩માં દસમી શ્રેણીમાં લાખો વિદ્યાર્થીઓ આ કાવ્ય ભણી ગયા છે.
આજથી ચાર સાડાચાર દાયકામોર્ય આંધળીમાની વેદનાને વાચા આપતું કારુણ્ય સભર ગીત ‘આંધળી માનો કાગળ’ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન આયોજિત ડાયરામાં રતિકુમાર વ્યાસના અષાઢી કંઠે સાંભળ્યું ત્યારે અનેક શ્રોતાઓની આંખ્યુમાંથી શ્રાવણ- ભાદરવો વરસતો નજરે નિહાળ્યો છે.
ઇન્દુલાલ ગાંધીનું તખલ્લુસ- ઉપનામ ‘પિનાકપાણિ’. એમના પિતાનું નામ ફૂલચંદ ગાંધી. ઇન્દુલાલનું પ્રાથમિક શિક્ષણ મોરબીમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. જીવનસંઘર્ષ નાનપણથી એમના નસીબમાં લખાયો હતો. પિતાની પાનબીડીની દુકાન. આ દુકાન ચલાવવા માટે બે દાયકા લગી તેઓ કરાંચીમાં જઇને રહ્યા. દેશના ભાગલા પડતાં ૧૯૪૭માં તેઓ મોરબીમાં આવ્યા. અહીં પણ મુસીબત એમની પાછળ પડી હતી.. મોરબીની પૂર હોનારતમાં એમનું સર્વસ્વ હોમાઇ ગયું. કવિ પહેર્યે કપડે રાજકોટ આવ્યા. પ્રારંભમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’માં જોડાયા. એ પછી આકાશવાણી રાજકોટમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકે જોડાયા અને સને ૧૯૭૩માં પ્રોડયુસર પદેથી નિવૃત્ત થયા. એમણે બાળસાહિત્ય અને નાટયસર્જનની સાથોસાથ ગુજરાતી સાહિત્યજગતને ત્રણ હજાર ઉપરાંત કાવ્યો સંપડાવ્યાં છે. એમના ઘણા કાવ્યોમાં માનવવેદના ટપકે છે તો ‘માળો ચૂંથાણો, ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી, એંઠી કૂંડી અને આંધળી માના કાગળમાં સાચુકલી સંવેદનાનું ઝીણું ઝીણું જંતર વાગતું સંભળાય છે. આ એક જ ગીતે કવિને લોકહૈયાના સિંહાસન પર બેસાડી દીધા છે.
સાહિત્યમાં બે પ્રવાહો સમાન્તરે વહેતા નજરે પડે છે. એક પ્રવાહ શિષ્ટકવિઓએ રચેલાં કાવ્યો ને ગીતોનો અને બીજો સેકડો વર્ષોથી લોકજીભે રમતાં આવેલાં લોકગીતોનો. શિષ્ટ કાવ્યોમાં કવિના નામાચરણ સાથે એના કર્તૃત્વની છાપ લાગે છે. જ્યારે લોકગીતોનો રચયિતા લોકસમાજમાં અંધારપછેડો ઓઢીને બેઠો હોય છે. કોપીરાઇટ શબ્દથી એ આજેય સાવ જ અજાણ છે. ગામડાગામના અભણ બાઇ કે ભાઇને અંતરમાં ઊર્મિ જાગે ને ગીત રચાઇ જાય તેને સમાજમાં વહેતું મૂકી દે છે. એ ગીત લોકકંઠે ફરતું ફરતું અવનવા ઘાટ ધારણ કરતું લોકગીતનું સંઘેડાઉતાર સ્વરૂપ પામે છે. એમાં પ્રાદેશિક રંગો ઉમેરાતા જાય. પ્રદેશે પ્રદેશે એના પાઠાન્તરો પણ મળતાં જાય. એક ત્રીજો પ્રવાહ લોકની વચ્ચે રહીને લોકઢાળના લોકપ્રિય ગીતોનું સર્જન કરનારા કવિઓનો છે. ઉદાહરણ તરીકે સ્વ.ઝવેચંદ મેઘાણીના અનેક ગીતો, ભક્ત કવિ દુલાભાઇ કાગના ‘કાગવાણી’ના કાવ્યો, ગીતોને ભજનો- વડલો કહે છે વનરાયું સળગી મૂકી દિયોને જૂના માળા, ઊડી જાઓ પંખી પાંખોવાળાં, પગ મને ધોવાદ્યો રઘુરાય મને શક પડયો મનમાંય. કવિ ‘દાદ’- દાદુદાન ગઢવીના ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો. મમતા રૂવે જેમ વેળુંમાં વીરડો ફૂટી ગ્યો. જેવા કવિઓના લોકઢાળના ગીતો લોકસમાજમાં અત્યંત લોકપ્રિય બનીને લોકકંઠે ફરતાં તરતાં થયા છે. આંધળી માનો કાગળ અને મેંદી તે વાવી માળવે એવા જ એક લોકપ્રિય ગીતો છે.
આ કવિની માનવીય બાજુ અને જીંદગીની બેહાલી જાણીને જીવ બળી જાય એવું છે.
પણ આ અમર ગીતોનો વારસો તેમની યાદ જીવંત રાખશે
સà«àª¨à«àª¦àª° .àªàªµàª¾ પરિàªàª¯ àªàªªàª¨àª¾ ઠનૠવિષà«àª£à« àªàª¾àª àªà«àªµàª¾ ધà«àª³àª§à«àª¯àª¾ ઠàªàª°àª¾àªµà« શàªà«.હારà«àª¦àª¿àª ઠàªàª¿àª¨àªàª¦àª¨.
જૂની યાદ તાજી થઇ, આપણાં માનસપટ પર અમીટ છાપ મૂકી ગઈ હોય એ ભલા કેમ ભુલાય? પણ તેને સજીવ કરવા માટે ખૂબ આભાર. વાંચીને આનંદ થયો🙏