ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai


સાભાર – ડો. કનક રાવળ, સંદેશ

લેખક – શ્રી. દેવેન્દ્ર પટેલ

વિકિપિડિયા પર

આજથી ૧૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ગર્ભશ્રાીમંતો અને શ્રોષ્ઠીઓમાં જેમની આગવી પ્રતિષ્ઠા અને મોભો હતો એવા પરિવારોમાં અંબાલાલ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, બિહારી કનૈયાલાલ, બેચરદાસ લશ્કરી, કસ્તુરભાઈ લાલભાઈ જેવાં અનેક નામોનો સમાવેશ થાય છે. આવાં પરિવારો પૈકી અંબાલાલ સારાભાઈ પરિવારનું છેલ્લું સંતાન એવા ગીરાબહેન સારાભાઈએ ૯૮ વર્ષની વયની વયે થોડા દિવસ પહેલાં દેહત્યાગ કર્યો. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇન’ની સ્થાપનામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. ૧૯૨૩માં જન્મેલા ગીરા સારાભાઈ કોઈ સ્કૂલમાં નહીં પરંતુ ઘરશાળામાં ભણ્યાં હતા. ૧૯૪૭થી ૧૯૫૧ દરમિયાન તેઓ પરિવાર સાથે ન્યૂયોર્ક ગયા અને સ્થાપત્ય અને ડિઝાઇનના વિષયમાં અભ્યાસ કર્યો. ‘કેલિકો ડોમ’ની સ્થાપનામાં તેમણે તેમના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. અંબાલાલ સારાભાઈના પરિવારની કથા સમજવા માટે ફલૅશ બેકમાં જવું પડશે. વાતની શરૂઆત ગીરા સારાભાઈના દાદાથી કરીએ. એ વખતે અમદાવાદ શહેરની વસતી માંડ દોઢેક લાખની હશે.
શહેરમાં કોઈનીયે પાસે મોટરકાર નહોતી. ઇ.સ. ૧૮૮૦ની આસપાસનો સમય હતો. શહેરના શ્રાીમંતો ભાતભાતની બગીઓ અને ઘોડાઓ રાખતા હતા. એ વખતે અમદાવાદમાં મગનભાઈ શેઠના ઘરમાં ભારે જાહોજલાલી હતી. તેમના પૂર્વજો ચીન-ભારત વચ્ચેના અફીણના અને રેશમના વેપારમાં ખૂબ પૈસા કમાયા હતા. મગનભાઈ શેઠ ગળામાં મોટો કંઠો પહેરીને પાલખીમાં નીકળતા ત્યારે છડી પોકારવામાં આવતી. પૈસા ઉછાળવામાં આવતાં. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરને ઇલ્કાબ આપ્યો હતો. મગનભાઈ શેઠ રાયપુરની હવેલીમાં રહેતા. તેમને સંતાન નહોતું. તેથી દોહિત્ર સારાભાઈને ખોળે લીધા.
એક દિવસ તેમની હવેલીને આગ લાગી. આગને બુઝાવતાં ત્રણ દિવસ થયા હતા. કહેવાય છે કે હવેલીના પાટડા બળીને તૂટી પડયા ત્યારે તેમાંથી ઝવેરાત નીકળ્યું હતું. એ ઝવેરાત આજે પણ સારાભાઈ પરિવાર પાસે મોજૂદ છે.
મગનભાઈ શેઠના અવસાન પછી સારાભાઈ શેઠ બધી મિલકતના વારસદાર બન્યા હતા. સારાભાઈ શેઠનું લગ્ન ગોદાવરીબહેન સાથે થયું છે. એવી દંતકથા છે કે ગોદાવરીબહેન નાગરવેલનું ુપાન આરોગતાં તો ગળામાં ઊતરતું જોઈ શકાતું એટલાં તો તેઓ ઔર ગુલાબી અને રૂપાળા હતા. ઘરમાં પુષ્ટિમાર્ગી જેવો મરજાદ પાળતાં. પૂજામાં હોય ત્યારે બાળકો પણ અડી ના શકે. બપોરે તેમના પતિ સારાભાઈ શેઠ સ્પર્શ કરવા જાય તો પણ ખસી જઈને બોલતાં ઃ ‘અરે જોતા નથી, અંબાલાલ જાગે છે.’
ગોદાવરીબહેન અંબા માતાની પૂજા કરતાં. પુત્ર થશે તો ‘તેનું નામ અંબાલાલ રાખીશ.’ તેવી બાધા લીધી હતી, તેથી જ પુત્રજન્મ પછી દીકરાનું નામ અંબાલાલ રાખ્યું હતું. અંબાજીના દર્શને તેઓ નિયમિત જતાં હતાં. ગોદાવરી એ જમાનામાં અંગ્રેજી સાહિત્ય વાંચતા. તેમના ઓશીકા નીચે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ રાખતાં.
કમનસીબ ઘટના એ બની કે સારાભાઈ શેઠનું ૨૮ વર્ષની વયે અવસાન થયું. ગોદાવરીબહેનને એટલો આઘાત લાગ્યો અને છ માસ બાદ તેઓ પણ મૃત્યુ પામ્યાં.
સારાભાઈ શેઠ ગુજરી ગયા તે વખતે અંબાલાલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. એમના કુટુંબની એ ટ્રેજેડી હતી કે અગાઉ કોઈ ૫૦ વર્ષથી વધુ જીવતું નહીં. અંબાલાલને એક બહેન હતાં ઃ અનસૂયા. અનસૂયાબહેન અંબાલાલથી ચાર વર્ષ મોટા. માતાપિતાવિહોણાં અંબાલાલ હવે અઢળક સંપત્તિના માલિક હતા. તેમના કાકા ચીમનભાઈ નગીનદાસે ભત્રીજીને જીવની જેમ સાચવી મોટાં કર્યા અને મિલકત પણ થાપણની જેમ સાચવી. ચીમનભાઈ નગીનદાસ એટલે આજે આંબાવાડીમાં સી.એન.વિદ્યાવિહાર તરીકે ઓળખાય છે તે સંસ્થા તેમના નામે છે.
બાળક અંબાલાલને પશુ-પક્ષી ને ઝાડ-પાનનો શોખ હતો. પરીક્ષાના ઉદ્દેશથી ઓછું વાંચતા. મેટ્રિક છેક ત્રીજા પ્રયાસે પાસ કરી. મેટ્રિક પછી કૉલેજનું ભણવા ગુજરાત કૉલેજમાં ગયા. રોજ બગીમાં બેસીને ભણવા જતા. એ જમાનામાં એમના પરિવારમાં ઘરની સ્ત્રીઓ ઘોડેસવારી કરતી. સ્ત્રીઓને ઘરમાં અંગ્રેજી શીખવવા પારસી અને યુરોપિયન બાનુઓ આવતી.
રાયપુરની હવેલી એ એમનું પહેલું ઘર. પછી ઘીકાંટા વાડી. ત્યાર પછી ખાનપુરના ચાંદા સૂરજમહેલમાં બધાં રહેવાં ગયાં હતા. પછી મિરજાપુરનો શાંતિસદન આલીશાન બંગલો. છેવટે શાહીબાગનું નિવાસસ્થાન ‘રિટ્રીટ’ બંગલો. ‘રિટ્રીટ’ બંગલામાં વેનિસની બનાવટનાં ભવ્ય ઝુંમરો આજે પણ જોઈ શકાય છે. આઝાદીનાં ૩૦-૪૦ વર્ષ પહેલાં પણ એ પરિવારમાં ટેનિસ રમાતું. ઉનાળામાં આખો પરિવાર આબુ જતો. પરિવારની મહિલાઓ ખાસ્સા જાજરમાન ઠસ્સાથી રહેતી.
અંબાલાલ ૧૮ વર્ષના થયા ત્યારે કાકા ચીમનભાઈ નગીનદાસે કન્યા શોધવા વિચાર કર્યો. અંબાલાલ ગર્ભશ્રાીમંત, કીર્તિમાન, રૂપાળા નવયુવક હતા. દેહ ગોરો હતો. તેઓ હવે અમદાવાદની સુપ્રસિદ્ધ કેલિકો અને જ્યુબિલી મિલના માલિક પણ હતા. ઢગલાબંધ હવેલીઓ, વાડીઓ અને બાગબગીચાના માલિક હતા. ઘરમાં ઘોડાગાડીઓ અને બગીઓ હતી. શાહીબાગમાં હાલના અંડર ગ્રાઉન્ડ પાસે એ વખતે ૨૧ એકર જમીનમાં ‘રિટ્રીટ’ બંગલો બન્યો તે પહેલાંનું મકાન હતું. એ વખતે શાહીબાગમાં ગણ્યાંગાંઠયાં જ ઘર હતાં. થોડે જ દૂર સર ચીનુભાઈ બેરોનેટનો શાંતિકુંજ બંગલો અને બાજુમાં શાહજહાંનો બંગલો (જૂનું રાજભવન) હતાં. અંબાલાલના ૨૧ એકરના કંપાઉન્ડવાળા મકાનમાં વીજળીના દીવા માટે જનરેટર ચાલતું. દિવસે આખો પરિવાર મિરઝાપુર રહે અને રાત્રે બધાં શાહીબાગ રહેવા જતાં. ૧૯૧૮નો એ સમય હતો.
આવા ગર્ભશ્રાીમંત અંબાલાલ માટે કન્યા શોધવાનું કામ ચીમનલાલે મિલના મૅનેજર જમનાદાસને સોંપ્યું. અંબાલાલનો પરિવાર દશાશ્રાીમાળી જૈન હતો. એ વખતે અમદાવાદના શાહપુર વિસ્તારના મૂળ રાજકોટના એડવોકેટ હરિલાલ ગોસલિયા રહેતા હતા. તેમને પાંચ દીકરીઓ, તે પ્રત્યેની એકનું નામ રેવા.
તે બધાં રાજકોટમાં સુખેદુઃખે જીવન વિતાવતાં. સાડલાંની કોર ઉતારે અને દોરા સાચવીને કાઢે. ફરીથી વાપરે. નાનકડી રેવા તેની બા સાથે નદીએ કપડાં ધોવા જાય, સ્કૂલે જાય પણ ઉઘાડા પગે. પરંતુ ઘર સુઘડ અને સાફ રાખે. કરકસરથી ઘર ચલાવે પિતા હરિલાલે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. પરંતુ પત્નીનું મૃત્યુ થતાં દસ વર્ષની રેવા પર ઘરની જવાબદારી આવી પડી. બહેનોને નવરાવે, ધોવરાવે, વાળ ઓળી આપે. ગોસલિયા પરિવાર જૈન છતાં રેવા રોજ રામાયણ વાંચે, રેવાનો વર્ણ સહેજ શ્યામ પણ નયન તેમાં કોઈ ખોવાય જેવા તેવાં. વાળ ખૂબ લાંબા.
કોઈકની ભલામણથી મિલ મૅનેજર જમાનદાસ યુવાન અંબાલાલ માટે કન્યા શોધવા હરિલાલને ઘેર આવ્યા. હરિલાલના ઘરની સંસ્કારિતા અને રહેણીકરણી જોઈ તેઓ પ્રભાવિત થયા. ઘરમાં રેવાની બીજી બહેન તારા. હરિલાલે ફોટા પાડયા. ઘરમાં એક જ સાળુ એટલે કે જરી ભરેલી ભારે સાડી. બંને બહેનોએ વારાફરતી સાળુ પહેરી ફોટો પડાવ્યા.
મિલ મેનેજર અંબાલાલને તથા કાકાને ફોટા બતાવ્યા. અંબાલાલની પસંદગી રેવા પર ઊતરી. મુલાકાત ગોઠવાઈ. અંબાલાલ અઢાર વર્ષના અને રેવા ચૌદ વર્ષની. અંબાલાલે પ્રશ્ન પૂછયો ઃ ‘તમારી પોતાની ઇચ્છાથી સંબંધ કરવા ચાહો છો કે કોઈના દબાણથી ?’
રેવાએ મુગ્ધભાવે કહ્યું ઃ ‘મારી ઇચ્છાથી.’
આ વાતને મહિનાઓ વીતી ગયા. કાકા ચીમનલાલનું ૪૫ વર્ષની વયે અવસાન થયું. અંબાલાલે મિલો અને મિલકતનો વહીવટ ઉપાડી લીધો. મિલમાં ઘણી ખટપટો ચાલતી હતી. અંબાલાલે અચાનક વિઝિટો કરી કરતૂતો પકડી પાડયાં. કેલિકો અને જ્યુબિલી મિલ બરાબર ચાલવા લાગી. લગ્નની વાત વિસારે પડી ગઈ હતી. અંબાલાલની ખ્યાતિ હવે વધવા માંડી હતી. તેમની મિલમાં બનતું કાપડ મુંબઈમાં ધનાઢય લોકોમાં પણ વખણાવા માંડયું હતું. છેક કલકત્તા સુધી અંબાલાલની ખ્યાતિ પ્રસરી ગઈ હતી. રેવાએ એક દિવસ કાગળ લખ્યો ઃ ‘તમે શું વિચાર કર્યો ?’
વ્યસ્ત અંબાલાલને અચાનક લગ્નની વાત યાદ આવી ગઈ. તેમણે હા ભણી. અંબાલાલ અને રેવાનાં લગ્ન નક્કી થયાં. સસરા હરિલાલને ત્યાં મુંબઈથી દરજી મોકલ્યા. ભરતવાળાએ નવી ફેશનની સાડીઓ અને બ્લાઉઝ બનાવ્યા. એ લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા શાનદાર હતા. જેઓ એ લગ્નમાં હાજર હતાં તેઓ વર્ષો સુધી કહેતાં ઃ ‘અમે અંબાલાલ શેઠનો વરઘોડો જોયો હતો.’
રેવાના પિતા હરિલાલને મૂંઝવણ હતી ઃ ‘આવડા મોટા ઘરમાં દીકરીને વિદાય વખતે શું આપું ?’ કરિયાવરમાં સોનાની મોહનમાળા આપી. પતિએ તો ભારે કિંમતી વસ્ત્રો સીવડાવ્યા હતા. પરંતુ એક ગર્ભશ્રાીમંતના ઘેર આવેલી નવવધૂ પાસે સાદાં કપડાંની એક જોડ પણ નહોતી. પતિના ઘેર આવ્યા પછી રેવા લજ્જા પામી. પ્રથમ દિવસે તેણે નંદણનાં કપડાં પહેર્યાં. તેમ કરવામાં તેણે ક્ષોભ અનુભવ્યો.
રેવાનું નામ બદલવામાં આવ્યું. અંબાલાલે રેવાને ‘સરલાદેવી’ નામ આપ્યું. તદ્દન સાધારણ પરિવારની યુવતીને માત્ર સંસ્કારિતાના બળ પર જ પરણીને ઘરમાં લાવેલા અંબાલાલ શેઠની આ પ્રથમ ક્રાંતિ હતી. ઘર આલીશાન હતું. બાગ-બગીચા અને ઘોડા. નવી ફેશનના કેશ અને વસ્ત્રપરિધાન એ બધું જ હોવા છતાં સરલાદેવીએ સરળ બાળા જ બની રહેવાનું પસંદ કર્યું. આ બધી અબજોની સંપત્તિની હું માલિકણ છું એવા ભાવને બદલે તેને સાચવવા હું રખેવાળ છું- ટ્રસ્ટી છું એવી ઉદાત્ત ભાવના તેમણે સ્વીકારી.
અઢાર વર્ષના અંબાલાલને લોકો ‘શેઠ સાહેબ’ અને પંદર વર્ષના સરલાદેવીને ‘બાઈ સાહેબ’ કહીને બોલાવવા માંડયા. એક તરફ તેમનો ઘરસંસાર શરૂ થયો તો બીજી બાજુ એક નાનકડી વયે અંબાલાલે કેલિકો અને જ્યુબિલી એ બે મિલો. કરમચંદ પ્રેમચંદની શરાફી પેઢી અને ઘણી બધી મિલકતોનો કારોબાર સંભાળી લીધો.
અંબાલાલ હવે પિતાના નામને જ અટકમાં પરિવર્તિત કર્યું. તેઓ અંબાલાલ શેઠને બદલે ‘અંબાલાલ સારાભાઈ’ તરીકે ઓળખાવા લાગ્યા અને ટૂુંક સમયમાં ‘અંબાલાલ સારાભાઈ’ પરિવારની ખ્યાતિ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચી.

Source:- http://sandesh.com/

2 responses to “અંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai

  1. amulvyas ઓગસ્ટ 15, 2021 પર 9:57 એ એમ (am)

    Beautiful and very interesting information regarding the family history of Shri Ambalal Sarabhai

  2. pragnaju ઓગસ્ટ 15, 2021 પર 5:20 પી એમ(pm)

    માઅંબાલાલ સારાભાઈ
    સુંદર માહિતી
    વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: