ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમાબહેન મહેતા


સાભાર – ચિત્રલેખા ( એ લેખ અહીં )

100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ  જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની  પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

1922માં મુંબઈમાં  જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં  તેમનો ઉછેર થયો.  કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં.  સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!

તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું.  ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!

શોખના વિષયો:

બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું.  બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.

યાદગાર પ્રસંગ :

૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે  અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને  ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?

સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન,  ઘરઘંટી,  ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી.  આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા,  પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં  બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.

સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને  લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય  બહાર નોકરી કરવા જવું નહીં.

One response to “રમાબહેન મહેતા

  1. pragnaju એપ્રિલ 16, 2022 પર 10:06 પી એમ(pm)

    ફરીથી ધન્યવાદ આવા પ્રેરણાદાયક લેખો માટે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: