ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ-૩૯ (શ્રી ગિરીશ ચિતલીયા)


Girish_chitaliya

      ગિરીશભાઈનો જન્મ અમરેલી જીલ્લાના ચલાલા ગામમાં ૧૯૨૯ માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. એમના પિતા શ્રી કમલશી કરશનદાસ ચિતલીયા મુંબઈયુનિવર્સીટીએ શરૂ કરેલા B.Com. ડીગ્રી કોર્સના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. તેઓ મુંબઈના જય ભારત સાપ્તાહિકના માલિક અને તંત્રી હતા.

     ગિરીશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ મુંબઈની પ્રખ્યાત અંગ્રેજી મિડિયમની કબુબાઈ સ્કૂલમાં થયેલું. અહીંથી તેમણે ૧૯૪૭ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી,મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું. વિલ્સન કોલેજમાં ચાર વર્ષ અભ્યાસ કરી, ૧૯૫૧ માં B.A.(Hon.) with Economics and Statistics ની ડીગ્રી મેળવી. શાળાકોલેજના આ વર્ષોમાં સામાજીક અને સાંસ્કૃતિક ઈતર પ્રવૃતિઓમાં ભાગ પણ લીધેલો.

      B.A. ની ડીગ્રી મેળવી એમણે Law College માં એડમીશન લીધું. અહીં એમણે એમના બે મિત્રો સાથે મળીને ૧૯૫૧ માં Rhythm Group ની સ્થપના કરી. આ ગ્રુપે મુંબઈમાંઅનેક સંગીતના અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા, જેમાં એ સમયના અતિ પ્રસિધ્ધ કલાકારોને આમંત્રી સફળ કાર્યક્રમોની હારમાળા આપી. કલાકારોમાંથી જો થોડા નામોગણાવું તો મુકેશ, તલત મહેમુદ, મહમદ રફી, જગમોહન, હેમંતકુમાર, મન્ના ડે, ગીતા દત્ત, અનિલ બિશ્વાસ, સી. એચ. આત્મા, ગુરૂદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, રહેમાન,જોની વોકર અને નુતન. એમની આ પ્રવૃતિ ૧૯૫૫ સુધી અવિરત ચાલતી રહી. આ સમય ગાળા દરમ્યાર એમના પિતાની તબિયત બગડતાં એમણે કાયદાનો અભ્યાસઅધવચ્ચે જ મૂકી દીધો અને પિતાના સાપ્તાહિક જય ભારતના કારોબારમાં જોડાઈ ગયા.

Girish_chitaliya_1

      ૧૯૫૫ માં ગિરીશભાઈના જીવનમાં બે મહત્વના બનાવો બન્યા. ૧૯૫૫ માં એમના arranged marriage ઈન્દુમતીબહેન સાથે થયા અને ૧૯૫૫ માં જ તેઓ મુંબઈનાઅતિપ્રતિષ્ઠીત The Progressive Group માં જોડાયા. બસ અહીંથી ગિરીશભાઈની સામાજીક પ્રતિષ્ઠાએ હરણફાળ ભરવાની શરૂઆત કરી. આ ગ્રુપમાં જોડાવાના બે વર્ષનીઅંદર જ, એટલે કે ૧૯૫૭ માં એમને ગ્રુપના જનરલ સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો જે એમણે ૧૯૬૦ સુધી સંભાળ્યો. ૧૯૬૦ માં એમને ગ્રુપના ઉપ-પ્રમુખ બનાવવામાંઆવ્યા, અને ૧૯૬૫માં એમને ગ્રુપના પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો. The Progrssive Group ના ઇતિહાસમાં ગિરીશભાઈ સૌથી નાની ઉમ્મરના પ્રમુખ હતા. આ હોદ્દો એમણે૧૯૬૭ સુધી એટલે કે બે વર્ષ સુધી સંભાળ્યો. ત્યારબાદ પણ તેઓ આ ગ્રુપના Executive Member તો રહ્યા જ. બધા મળીને પંદર વર્ષ તેઓ આ ગ્રુપના મહત્વના કાર્યકર્તા રહ્યા.

 Girish_chitaliya_2

      યોગાનુયોગ પ્રોગ્રેસીવ ગ્રુપના પ્રમુખ તરીકે નો કાર્યકાળ પૂરો થતાં જ તેઓ The Indo-American Society, Bombay ના સંપર્કમાં આવ્યા. ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી આ સંસ્થાનાઓનરરી સેક્રેટરી અને ટ્રેઝરર રહ્યા  અને ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી એના ઉપ-પ્રમુખ રહ્યા અને ૧૯૭૭-૭૮માં પ્રમુખ પદે નિમાયા. આ સંસ્થાના પણ કાર્યકારી બોર્ડના ૧૪ વર્ષસુધી સભ્ય રહ્યા.

      આ બે સંસ્થાઓમાં એમના કાર્યકાળ દરમ્યાન ગિરીશભાઈ અનેક આગેવાન વ્યક્તિઓના અંગત સંપર્કમાં આવ્યા. અહીં હું વધારે વિગતમાં ન ઉતરતાં માત્ર આ મહાનુભાવોનાનામ જ આપું છું. ડો. માર્ટીન લ્યુથર કીંગ જુનીઅર અને એમના પત્ની કોરેટા કીંગ, વિજ્યાલક્ષમી પંડિત, શ્રી વી.વી. ગિરી, ડો. રાધાકૃષ્ણન, શ્રી સંજીવ રેડ્ડી, શ્રી મોરારજી દેસાઈ,ડો. કરણસિંહ, વી.પી.સિંહ, અર્જુનસિંહ, પી.એ. સંગમા, ટી. ટી. કૃષ્ણમાચારી, તાર્કેશ્વરી સિંહા, મધુ લીમયે, આચાર્ય કૃપલાણી, એમ. સી. ચાગલા, સી. ડી. દેશમુખ, નાનીપાલખીવાલા, મીનુ મસાની, આદિત્ય બિરલા, જે. આર. ડી. તાતા, ટી. એન. શેશન, પ્રણવ મુકરજી, ખુશવંતસિંહ, કે. એમ. મુનસી, એમ. સી. સેટલવાડ અને ડો. સુબ્રમનિયમસ્વામી. આ બધી વ્યક્તિઓનો પરિચય ગિરીશભાઈને આ બે સંસ્થાઓ માટે પ્રવચન આપવા આમંત્રેલા ત્યારે થયો હતો, જો કે આમાની કેટલીક વ્યક્તિઓ સાથે એમને અંગતમિત્રતાના સંબંધો પણ હતા. ગિરીશભાઈના લગભગ બધા જ કાર્યક્રમોની મુંબઈના આગળ પડતા સમાચાર પત્રોમાં નોંધ લેવાતી અને એમની કાર્યકુશળતાના વખાણ થતા.

      આ બધા કામો વચ્ચે એમના પિતા દ્વારા શરૂ કરાયલા સાપ્તાહિક “જય ભારત” ના તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળતા અને મુખ્યત્વે એમના ઈનસ્યુરન્સ કંપનીનાકામકાજને પણ સંભાળતા. ૧૯૭૧ માં એમને ફ્લેગ ડે નિમિત્તે બોક્ષ કલેક્શનના વડા નિમવામાં આવેલા, એ વર્ષે એમણે રેકોર્ડ કલેકશન કરી બતાવેલું. ૧૯૭૧ થી ૧૯૭૮ સુધીએમને ફ્લેગ ડે કમીટીના ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા, અને ૧૯૭૮ માં એમને ચેરમેનનું પદ સોંપેલું.

       ગિરીશભાઈ એટલી બધી સંસ્થાઓ સાથે જોડાયલા હતા કે જેની નોંધ આ નાના સરખા પરિચય લેખમાં લેવાનું શક્ય નથી, એના માટે તો એમણે આત્મકથા જ લખવી જોઈએ.છતાં અહીં હું થોડી વધારે સંસ્થાઓનો ઉલ્લેખ કરીશ.  ૧૯૮૧ માં તેઓ Indo Japanese Association ના ઉપ-પ્રમુખ નિમાયા. ૧૯૮૫ માં પ્રેસ ગિલ્ડ ઓફ ઈંડિયાના માનદખજાનચી નિમાયા. ૧૯૮૭ થી મુંબઈની સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના માનદ સેક્રેટરી અને માનદ ખજાનચીના પદે નિમાયા. ૧૯૮૮ માં તેઓ Urban Development Institude ના ચેરમેનના પદે નિમાયા. ૧૯૯૦ થી ૧૯૯૨ તેઓ ફિલ્મ સેંસર બોર્ડના સભ્ય રહ્યા. આ સિવાય રોટરી કલબમાં વર્ષો સુધી એક યા બીજા પદ ઉપરકાર્યરત હતા. મહારાષ્ટ્ર સરકારે એમને Honorary Executive Magistrate તરીકે પણ નિમેલા. આ સિવાય પણ ભારતીય વિદ્યાભવન અને બીજી અનેક સંસ્થાઓને પોતાનીસેવાઓ ઉપલબ્ધ કરાવેલી. પોપ જોન પોલની ભારતની મુલાકાત વખતે જે સમિતી નિમાયલી તના ગિરીશભાઈ ખજાનચી હતા અને આ પ્રસંગે યોજાયલા કાર્યક્રમમાં ઈન્દીરા ગાંધી પણ હાજર હતા.

    સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના લાભાર્થે એમણે બી. આર. ચોપડાની મદદથી ટી.વી. સિરીયલ મહાભારતનો પાંચ કલાકનો લાઈવ શો, ૨૫૦૦૦ પ્રક્ષકોની હાજરીમાં, મુંબઈના બ્રેબોર્ન સ્ટેડીયમમાં યોજેલો.

     ગિરીશભાઈ આટલી બધી સામાજીક પ્રવૃતિઓ કરી શક્યા એની પાછળ એમના જીવન-સાથી ઈન્દુમતિ બહેનનો ખૂબ જ મોટો ફાળો હતો. ઘરની તમામ જવાબદારીઓ ઉપરાંત બાળકોની દેખભાળ અને એમના ભણતર અને કારકીર્દીના ઘડતરની સંપૂર્ણ જવાબદારી પણ ઈન્દુબેને જ ઉપાડી લીધેલી.

     ગિરીશભાઈના ત્રણે પુત્ર ભણી ગણીને ઠરીઠામ થયા છે. એક પુત્ર ભારતમાં અને બે પુત્રો અમેરિકામાં સ્થાયી થયા છે. ૨૦૦૦ માં ગિરીશભાઈ પણ ભારતમાની એમની બધીજવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ, ગ્રીનકાર્ડ મેળવી અમેરિકા આવ્યા. ૨૦૦૬ માં તેઓ અમેરિકાના નાગરિક થઈ ગયા. હમણાં કેલીફોર્નિયાના Bay Area માં ચાલતી અનેકગુજરાતી સામાજીક અને સાહિત્યીક સંસ્થાઓમાં રસ લઈ નિવૃતિનું જીવન વ્યતિત કરે છે. મારા સદનશીબે મારો એમની સાથે થોડા સમય પહેલા જ પરિચય થયો. હજીસુધીમારૂં આશ્ચર્ય અકબંધ છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન આટલું બધું કઈ રીતે કરી શકે?

     ગિરીશભાઈ માને છે કે કામ એજ ઈશ્વર છે અને સાથે સાથે તેઓ માને છે કે જીવનમાં ઓછી જરૂરિયાતો જ સુખ આપી શકે છે.

-પી. કે. દાવડા

મળવા જેવા માણસ-૩૮ (શ્રી અરવિંદ અડાલજા)


adalaja_1

      અરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી. પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો કરી મળતી આવકમાંથી કુટુંબનો  નિભાવ થતો.

      અરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSC પરીક્ષા પાસ કરી. SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી, ૧૯૬૦ માં  અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર(Political Science) માં B.A. ની ડીગ્રી મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો. અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો ઘડતા શીખવ્યો.”

      B.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી થોડી રાહત મળી.વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું, “WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.

      ૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંત સાદાઈ પુર્વક થયા. આદંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ. ૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા દાંપત્યજીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦ માં કેન્સરની બિમારીથી અવસાન થયું. અરવિંદભાઈ કલ્પનાબહેન વિષે કહે છે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી, સાસરવાસમાં એક અત્યંત સમજદાર,કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”

adalaja_2

      અરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું અવસાન થતાં બહેનઅને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. આ સમયે તેઓજૂનાગઢમાં હતા.આમ એમના કુટુંબના છ અને બહેનના કુટુંબના પાંચ મળી ૧૧ વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની પત્ની કલ્પનાબેને  સિંહનો ફાળો આપ્યો. એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ, કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા, ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને પોતાના પગ ઉપર ઉભા કરી તેમનો સંસાર વસાવી આપ્યો.સંસાર ચલાવવાની તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ” બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”

      અરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી, એમણે સાદાઈથી લગ્ન કર્યા છે.ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું જીવન વ્યતિત કરે છે.

     અરવિંદભાઈ અંધશ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી, શુકન-અપશુકન વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે, “આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી, સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે. પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ પ્રેમથી વાપરે છે, અને ઉનાળાનાચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશી કયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે. આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા કોશિશકરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ -પ્રતિષ્ઠા કરવા છતાંઇશ્વર આવે ખરો? “

      આપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે. જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય, સ્વર્ગ ના મળે અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખાડી લાગણીઓનું બ્લેકમેલીંગ કરવામાં આવે છે,આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી, સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.

      આજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર હોવા છતાં,એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે. એમના બ્લોગ

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચો.

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચો.

     પોતાના વિચારો કોઈપણ જાતના આડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે. એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.

પી. કે. દાવડા

મળવા જેવા માણસ-૩૭ (કેપ્ટન નરેન્દ્ર ફણસે)


clip_image002નરેન્દ્રભાઈનો જન્મ ૧૯૩૪ માં વડોદરામાં એક સમ્પન્ન પરિવારમાં થયો હતો. પિતાએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. માતાનો જન્મ એક જમીનદાર કુટુંબમાંથયો હતો. તે સમયે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા દર્શાવવામાં આવતી હોવાથી માતાનું શિક્ષણ કેવળ ચોથા ધોરણ સુધી જ થયો.

નરેન્દ્રભાઈની ઉમ્મર માત્ર નવ વર્ષની હતી ત્યારે એમના પિતાનું અવસાન થયું. પરિસ્થિતિમાં એવો બદલાવ આવ્યો, રહેવા માટે ફક્ત શહેરમાં એક ઘર રહી ગયું. આજીવીકાનુંઅન્ય કોઈ સાધન ન હોવાથી માતા શહેરનું ઘર ભાડે આપી ગામમાં રહેવા ગયા. ભાડાની અલ્પ આવકમાં પણ માતાએ આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ રીતે ચાર સંતાનોનેઉછેર્યા. નરેન્દ્ર તેમાં સૌથી મોટો. માત્ર ૫૫ વર્ષની  ઉમ્મરે માતાનું પણ અવસાન થયું.

નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્રના અને  બનાસકાંઠાના અલગ અલગ શહેરોમાંથયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે એમના અપહરણનો એક નિષ્ફળ પ્રયત્નથયો હતો. એમના જ નોકરે એમને રાજકોટથી મુંબઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પિતાના એક મિત્ર પોલીસ અમલદાર હોવાથી, તાત્કાલીક કારવાઈ કરી નરેન્દ્રભાઈનેસુરેન્દ્રનગરથી બચાવી લેવામાંઆવ્યા.

માધ્યમિક શાળાનો અભ્યાસ એક વર્ષ ભાવનગર અને છ વર્ષ અમદાવાદમાં થયો. ૧૯૫૧માં ૧૬ વર્ષની વયે એમણે SSC ની પરિક્ષા પસાર કરી. માધ્યમિક શાળાના અભ્યાસદરમ્યાન એમને તેમના એક શિક્ષકે વર્ગમાં લપડાક મારી હતી. આ અપમાન સહન ન થતાં એમણે એજ્યુકેશન ઈન્સપેકટર પાસે ફરિયાદ કરી અને ન્યાય મેળવ્યો હતો. આમઅન્યાય સામે લડી લેવાની વૃતિ એમણે નાનપણથી જ કેળવેલી. આ સમયગાળામાં એમણે શ્રી અરૂણકાન્ત દિવેટિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યમાં રસ કેળવ્યો.

SSC બાદ એમણે ભાવનગરની મંગળદાસ જેશીંગભાઈ કોલેજ ઓફ કોમર્સમાંથી ૧૯૫૮ માં B.Com. ની ડીગ્રી મેળવી. આ અભ્યાસક્રમ દરમ્યાન સંજોગોવશાત ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી અભ્યાસમાં રૂકાવટ પેદા થયેલી. કોલેજના અભ્યાસ દરમ્યાન એમને શ્રી વિજયરાય ક. વૈદ્ય પાસેથી ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો હતો.

B.Com. ની ડિગ્રી મેળવ્યા પછી, ૧૯૬૩ સુધી નરેન્દ્રભાઈએ L.I.C. ના એકાઉન્ટસ અને ક્લેઈમ્સ વિભાગમાં નોકરી કરી.

clip_image004

૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાઇ દુશ્મન સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે આ ગાળા દરમ્યાન ઈમરજ્ન્સીકમીશન્ડ ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ. છ મહિના પૂનામાં જેન્ટલમન કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે રેગ્યુલરઆર્મીમાં જોડાઈ ગયા. આર્મીમાં જોડાવા માટેની પ્રેરણા એમને એમની માતાએ આપેલી. ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં એમને મોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટ સુધીલડવાનો મોકો મળ્યો. ભારતે આ યુધ્ધમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટન તરીકે થઈ. ૧૯૬૮ માં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સમાંકેપ્ટનના સમકક્ષ હોદ્દા સાથે જોડાયા. અહી પણ એમને ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પંજાબમાં મોખરાના મોરચે લડવાનો મોકો મળેલો, અને એમણે દાખવેલા શૌર્યબદલ એમને  રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. એમણે એમના આ બન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તક “જિપ્સીની ડાયરી” માં લખ્યા છે. અમદાવાદનાગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે.

નરેન્દ્રભાઈના લગ્ન ૧૯૬૫ માં ટાન્ઝાનિયાના અનુરાધાબહેન સાથે થયા હતા. આ એક arranged marriage હતા. ૧૯૬૫ માં એમની દિકરી કાશ્મીરાનો જન્મ થયો અને ૧૯૭૦ માં એમના દિકરા રાજેન્દ્રનો જન્મ થયો હતો. ૧૯૭૬ માં કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાંથીરાજીનામું આપી, એમના કુટુંબને લઈને  કાયમી વસવાટ માટે લંડન ગયા. રાજીનામું નામંજૂર થવાથી કેપ્ટન નરેન્દ્રને ત્રણ મહિનામાંજ ભારત પાછા ફરવું પડ્યું. એમનું કુ ટુંબ લંડનમાંજ રોકાયું. પાંચ વર્ષ સુધી અનુરાધા બહેને લંડનમાં નોકરી કરી અને બે બાળકોને ઉછેર્યા.

૧૯૮૧ માં કેપ્ટન નરેન્દ્ર સેનામાંથી નિવૃતિ લઈ લંડન આવ્યા. લંડનમાં નોકરી દરમ્યાન,૧૯૮૭માં લંડનની એક બરો કાઉન્સીલના સમાજ સેવા વિભાગે ચાલુ પગારે બે વર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ કરવા મોકલ્યા. લંડનની સાઉથ બેંક યુનિવર્સિટીમાંથીતેમણે સોશ્યલ સાયન્સીઝમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો.

લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃતિ ફરી શરૂ કરી અને એમના લખાણ અખંડ આનંદમાં ’કૅપ્ટન નરેન્દ્ર’નાતખલ્લુસથી પ્રગટ થવા માંડ્યા. આમ તો એમનો સૌથી પહેલો લેખ ૧૯૫૭માં સ્વ. ચાંપશીભાઈ ઉદેશીના ‘નવચેતન’માં છપાયો હતો અને ત્યાર પછી ૧૯૭૯માં જનસત્તાનીરવિવારની આવૃત્તિમાં ‘નરેન્દ્ર’ના તખલ્લુસથી અવાર નવાર લેખ છપાતા. જો કે લેખનની ખરી કસોટી સ્વ. આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાની રાહબરી નીચે નીકળતા‘અખંડ આનંદ’માં થઈ. તેમાં લગભગ દસેક જેટલા લેખ અને એક એકાંકિ નાટક પ્રસિદ્ધ થયાં, જેમને ઘણો સારો આવકાર મળ્યો હતો.

લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દરઅઠવાડિયે  મોકલવામાં આવે છે.

KiranProjectLondon

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.

નરેન્દ્ર્ભાઈના બન્નેબાળકો બ્રિટનમાંઅભ્યાસ પુરો કરી, આગળની કારકીર્દી માટે અમેરિકા ગયા. ૨૦૦૦ માં  નરેન્દ્રભાઈ અને એમના પત્ની પણ કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. અમેરિકામાં એમની સાહિત્ય પ્રવૃતિ ચાલુ રહી. ૨૦૦૮ માંએમણે જિપ્સીની ડાયરી નામે બ્લોગ શરૂ કર્યો.

captNarendrablog

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.

નરેન્દ્રભાઈના ઘડતરમાંએમની માતાનું યોગદાન અતિશય મહત્વનું છે. આ લખતી વખતે, શિવાજી મહારાજનું વીરમાતા જીજાબાઈએ કરેલું  ઘડતર યાદ આવી જાય છે. આમાતૃૠણ ચૂકવવા નરેન્દ્રભાઈએ “બાઈ” (મા) નામે એક પુસ્તક લખ્યું છે, જે મૂળ એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો અનુવાદ છે.

નરેન્દ્રભાઇ કહે છે, “મહાભારતમાં કર્ણનું વાક્ય: दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरूषम्- ‘કયા કુળમાં જન્મ આપવો તે દૈવનેઆધિન છે; પરંતુ પુરુષાર્થ તો મારે આધિન છે , તેમને બહુ ગમે છે.” આ ઉપરાંત ભાવનગર રાજ્યનો motto – ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ આ કથન પણ એમને ખૂબ પ્રિય છે.

આમ તો આ જીપ્સીનો પ્રવાસ હજી ચાલુ જ છે.

અંતમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેને એક મિલીટરી ઢબની સલામ કરી આ લેખ પૂરો કરૂં છું.

-પી. કે. દાવડા

તરલા દલાલ


નામ
શ્રીમતી તરલા દલાલ

જન્મતારીખ
3 જૂન ૧૯૩૬

જન્મસ્થળ
પૂના (મહારાષ્ટ્ર)

અવસાન
૨૦૧૩

અભ્યાસ
બી.એ ઇકોનોમીક્સ (૧૯૫૬)

વ્યવસાય
પાકશાસ્ત્ર, પાકશાસ્ત્ર લેખક, પાકશાસ્ત્ર શિક્ષક, બીઝનેસ વુમન

જીવન ઝરમર અને અવોર્ડસ
• ૧૨ વરસની ઉંમરથી માતાને રસોઇમાં ઘણી મદદ કરેલી. ત્યારે માત્ર ગુજરાતી વાનગીઓ શીખ્યા.
• લગ્ન બાદ પતિ માટે શોખથી અવનવી રસોઇ બનાવતા. પતિ ખાવાના ખૂબ શોખીન હતા અને તરલાબેનના શોખમાં પૂરો રસ લેતા.
• ૯ વરસ આમ, જ શોખથી દેશી, વિદેશી ઘણી વાનગીઓ પર તરલાબેનનો હાથ બહુ સરસ જામી ગયો.
• મહેમાન એમના માટે ભગવાન સ્વરુપ હતા અને બધા માટે અવનવી વાનગીઓ હોંશથી બનાવતા.
• 1966માં તેમણે ઘરમાં મહેમાનોના આગ્રહથી રસોઇના વર્ગો લેવાનું શરૂ કર્યું હતું.
• તરલા દલાલ વિશ્વના ટોચના 5 બેસ્ટ સેલિંગ કૂકરી રાઇટર પૈકી એક છે.
• તેઓ ટોકિયો, જકાર્તા, હોંગ કોંગ, સિંગાપોર, બ્રુસેલ્સ, એન્ટવર્પ, લિસ્બન, ઝુરિચ, ઝૈરોબી, લંડન, ટોરેન્ટો, ન્યુયોર્ક, ડર્બન વગેરે શહેરોમાં કૂકિંગ ક્લાસ સેશન યોજતા હતા.
• તેમની કૂકિંગ બુક્સ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ઉપરાંત ડચ અને રશિયન ભાષામાં પણ પ્રકાશિત થઇ છે.
• તેમના દ્વારા ચલાવાતી દેશની સૌથી મોટી કૂકિંગ સાઇટ પર 1,50,000થી વધારે રજિસ્ટર્ડ મેમ્બર્સ છે.
• સોની ટીવી પર એમનો ‘તરલા દલાલ શૉ’ અને ‘કૂક ઈટ અપ વિથ તરલા દલાલ’ જાણીતા છે. તેઓ તેમનો તરલા દલાલ બ્લોગસ્પોટ પણ ચલાવતા હતા.
• તરલાબેનને 2007માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.
• ૧૦૦ થી વધારે વેજીટેરીયન રસોઇ(પાકશાસ્ત્ર) સંબંધીત પુસ્તકો

%d bloggers like this: