માધવનાં ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. માધવની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે , ગાશે ને પ્રમાણશે.
ગુજરાતની પ્રશસ્ત ગીતપરંપરામાં – અને તેમાંયે સ્વાતંત્ર્યોત્તર ગાળાની પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર, સુરેશ દલાલ, પ્રદ્યુમ્ન તન્ના, રમેશ પારેખ, અનિલ જોષી, હરિકૃષ્ણ પાઠક વગેરેની રમણીય ગીતપરંપરામાં માધવની રચનાઓનો અવાજ પણ અત્રતત્ર સતત ગુંજરતો – ઘૂમરાતો રહ્યો છે.
—————————————————
પોતાને વિષે માધવ રામાનુજ :
કશું થતું ન હોય એવા સમયમાં પણ ભીતરમાં તો લયની એક અખંડ રટણા-રમણા ચાલતી જ રહે છે. વળી થાય છે કે વિશ્વને પરસ્પર નજીક લાવી રહેલી વિજ્ઞાનયાત્રાના આ યુગમાં – આજની આ ક્ષણમાં આપણું કોઈ ટહુકાની રીતે હોવું એ કેટલું મોટું સદ્ભાગ્ય છે ! આ બ્રહ્માંડથી અભિભૂત થવાનું મળ્યું એ પણ કાંઈ નાનીસૂની વાત તો નથી જ.. આ બ્રહ્માંડ આ સૃષ્ટિ – સેંકડો પ્રકાશવર્ષના અંતરે ઊભેલા તારાઓને પોતાનામાં સમાવતું વિસ્તીર્ણ આકાશ અને એ અનંત આકાશમાં-અવકાશમાં વહેતું અનંત મૌન…એ મૌનમાં તરતી-સરતી આપણી આ પૃથ્વી અને એ પૃથ્વી પર રમતારામની રીતે આપણું હોવું ….આ કંઈ ઓછી ધન્યતા છે ? આ ધરતીની ધૂળના સ્પર્ષનું સૌભાગ્ય…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુકનમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…
આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…
અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.
અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…
–કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે !
– અક્ષરનું એકાન્ત’ની પ્રસ્તાવના માંથી )
—————————————————————–
તેમની કેટલીક પ્રતિનિધી રચનાઓ
ચીલા
આપણે તો સીમના ચીલા હતા
પંથ તેથી આપણો ખૂટ્યો નહીં;
એકસરખા અંતરે ચાલ્યા કર્યું,
સાથ તેથી આપણો છૂટ્યો નહીં !
—————————————-
હાઈકુ
ગલ સંગાથે
રમે માછલી એક;
સ્તબ્ધ પોયણાં.
———————————————————
વહાલાં
વેરી હતા તે ક્યારના પાછા વળી ગયા –
વહાલાં હજી ઊભાં છે મૂકીને ચિતામાં આગ !
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ