– ‘સૈફ’ સાહેબના શબ્દોમાં એમના જીવનના મુશાએરાના સંસ્મરણો –
મુંબઇમાં તે વખતે જાહેર મુશાએરા ભાગ્યે જ થતા. ખાનગી બેઠકો થતી. મને યાદ છે કે મહમદઅલી રોડ પરના એક મુસ્લિમ શ્રીમંતે પોતાને ત્યાં આવી એક ખાનગી બેઠક રાખી હતી. શહેરમાં રમખાણને કારણે પરિસ્થિતિ જોખમકારક હતી. રાતનો રંગીન સમય વિતાવવા માટે એ ભાઇ અમુક ચોક્કસ વિસ્તારોમાં જઇ શકતા ન હતા. શયદા સાહેબના એ મિત્ર હતા એટલે આવા પ્રકારની ખાનગી બેઠકો રાખીને તેઓ પોતાનો સમય પસાર કરતા હતા. મને બરાબર યાદ છે કે એમને ત્યાંની આ ખાનગી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, “સાત શાએરો છે. પહેલાં ત્રણ, મજા નહીં આવે એવા શાએરોને પતાવી નાંખીએ. પછી ઇન્ટરવલ રાખીશું – ચા પાણી-છાંટો પાણી અને પછી બાકીના ચાર શાએરોની ‘કવ્વાલી’ આખી રાત સાંભળીશું.”
ત્રણ, મજા નહીં આવે, એવા શાએરોમાં એક તો હું – બીજા બરકતભાઇ (બરકત વીરાણી “બેફામ”) અને ત્રીજા મરીઝ-ગુજરાતના ગાલિબ- અને બન્યું પણ એવું જ. અમને ત્રણને ગઝલના એક-બે શે’રો બોલીને ફરજિયાત બેસી જવું પડ્યું. અમને એનો કોઇ હરખશોક તો નથી જ. માત્ર ગઝલ પ્રત્યે એ વખતે કેવો ભાવ પ્રવર્તી રહ્યો હતો એ દર્શાવવા માટે જ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.
* * *
અમદાવાદમાં એલિસબ્રિજ પાસે એક મોટા મેદાનમાં એક પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદનાં એક ખૂબ જ જાણીતા પત્રકારે એ પ્રદર્શનમાં એક મુશાએરો રાખ્યો. … મારા શાએર મિત્ર શેખાદમ આબુવાલા દ્રારા અમારા ‘ગુજરાતી ગઝલ મંડળ’ ને એ મુશાએરામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. … મુશાએરામાં ભાગ લેવા માટે પાલનપુરથી ‘શૂન્ય’ ભાઇ આવ્યા હતા. સુરતથી મુ. ‘ગની’ દહીંવાલા, શ્રી રતિલાલ ‘અનિલ’ અને રાજકોટથી ‘ઘાયલ’ ભાઇ આવ્યા હતા. ભાઇ શેખાદમ આબુવાલાએ પેલા જાણીતા પત્રકાર સાથે મારો પરિચય કરાવ્યો. વિવેક ખાતર એ મહાશયે મારી સાથે હાથ મિલાવ્યા, પણ મેં જોયું તો એમના ચહેરા પર ખૂબ જ નિરાશા છવાયેલી હતી. એનું એક કારણ એ હતું કે મુંબઇથી એમને જાણીતાં નામોની અપેક્ષા રાખી હતી અને મને જોઇને એમને મારામાં કોઇ ખાસ વિશ્વાસ ન બેઠો. બીજું કારણ એ હતું કે મુશાએરો સાંભળવા માટે જે લોકો ખાસ મંચની સામે ગોઠવાયા હતા – એમાંના મોટી સંખ્યામાં મસ્તીખોર કિશોરો હતા. … મુશાએરો શરૂ થયો. ‘શૂન્ય’ ભાઇના નામની જાહેરાત થઇ. એમની પોતાની આગવી શાન સાથે ‘શૂન્ય’ ભાઇ માઈક પર પહોંચી ગયા … ‘શૂન્ય’ ભાઇએ ખૂબ જ મીઠાશ ભર્યા તરન્નમમાં, એમની એક ખૂબ જ જાજવલ્યમાન ગઝલ રજૂ કરી:
અમ પ્રેમીઓના જીવનમાં વસી છે
આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી.
આ મત્લઅ હજી તો પૂરો થાય એ પહેલાં એક વિચિત્ર ધમાલ મચી ગઇ. એકી સાથે અનેક ‘નાના મોટા’ કિશોરોએ બાળકોની જેમ રડવાનું શરૂ કરી દીધું. ફુગ્ગાઓ બુલંદ થયા. મૌખિક અને યાંત્રિક સિસોટીઓ શરૂ થઇ ગઇ. શ્રોતાઓમાં હંગામી રીતે સ્થપાઇ ગયેલાં જુદાં જુદાં ગ્રુપોએ તત્કાલીન ફિલ્મી ગીતો શરૂ કરી દીધાં, અર્થ-ઘનત્વ ધરાવનારા, તેમ જ ‘એબ્સ્ટ્રેક્ટ’ કહી શકાય એવા હાથના ઇશારાઓ અને સ્લોગનો પોકારાયા. બહેનો પણ એમાં સામેલ રહી.
‘શૂન્ય’ ભાઇના સ્વમાની મિજાજનો ગુસ્સો પણ એમની કવિતા જેટલો જ પ્રતિભાવંત છે. મત્લઅ પૂરો કર્યા વગર એઓ માઈક પાસેથી ખસી ગયા.
મંચ પર બેઠેલા શાએરો, અન્ય સાહિત્યકારો, પત્રકારો અને મહેમાનો – બધા જ સ્તબ્ધ બની ગયા.
… બીજા બે-ત્રણ શાએરો રજૂ થયા. શ્રોતાઓએ બધાને એકસરખો ‘આવકાર’ આપ્યો. કોઇ શાએર પોતાની સંપૂર્ણ કૃતિ રજૂ કરી ન શક્યા. … શાએરોની વિકેટો ટપોટપ પડતી જઇ રહી હતી અને પછી મારું નામ માઈક પરથી બોલાયું. .. ગઝલનાં એક બે શે’ર બોલી નાંખવાનો નિર્ણય કરીને હું ઊભો થયો. પણ હજી ગઝલ બોલવાની શરૂઆત કરું, એ પહેલાં જ મુશાએરોનાં આયોજકોમાંના એક ભાઇ આવ્યા અને મને બોલતો અટકાવ્યો. તેઓ કોઇ અગત્યની જાહેરાત કરવા માંગતા હતા. મારી દુર્દશા તો નક્કી જ હતી. પણ થોડીક મિનિટો માટે એ લંબાઇ ગઇ. પેલા ભાઇએ જાહેરાત કરી કે “પ્રદર્શનમાં એક નાનો છોકરો ખોવાઇ ગયો છે … જે કોઇ ભાઇ કે બહેનનો હોય એ ઑફિસમાં આવીને લઇ જાવ.”
આ જાહેરાત કરીને પેલા ખસ્યા અને મને કોણ જાણે શું મને સૂઝ્યું કે મેં ગઝલ રજૂ કરવાને બદલે મારું એક મુક્તક રજૂ કર્યું.
વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે.
મુક્તકની આ પહેલી પંક્તિ મેં રજૂ કરી અને મને લાગ્યું કે શ્રોતાઓમાં થોડુંક કુતુહલ જાગી ગયું છે. સિસોટીઓ તો રાબેતા મુજબ શરૂ થઇ ચૂકી હતી. પણ એમાં હવે બહુ ઉગ્રતા ન હતી. એટલે મેં હિંમતભેર આખું મુક્તક રજૂ કર્યું.
વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે,
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઇ ગયો.
જાણે ફાડો કોઇ તારીખનાં બબ્બે પાનાં,
તારા હૈયાથી હું એ રીતથી વિસરાઇ ગયો.
થોડીક ચુપકીદી અને પછી એકદમ વાહવાહના અવાજો બુલંદ થયા. શ્રોતાઓને થયું કે હું ખૂબ જ શીઘ્ર શાએર છું. જેવું વાતાવરણ હોય એવી કવિતા તરત જ લખી નાંખતો હોઉં છું. આ બધામાં એમને હું એક જ “સમજદાર” શાએર લાગ્યો અને એ લોકોએ મને હાથોહાથ અપનાવી લીધો. મારી જિંદગીમાં કદી કોઇ મુશાએરામાં બન્યું ન હતું એવું બન્યું. મારી પાસે જેટલી કૃતિઓ હતી (તે વખતે પચીસથી ત્રીસ કૃતિઓ માંડ હતી) એટલી બધી મારે સંભળાવવી પડી. મુશાએરાનો દોર જામી ગયો અને પછી તો બધા જ શાએર-મિત્રો રંગમાં આવી ગયા. શ્રોતાઓએ બધાને ખૂબ જ ભાવભેર સાંભળ્યા અને પ્રદર્શનનો એ મુશાએરો ખૂબ જ કામયાબ રહ્યો, એ પછે તો પત્રકાર મહાશય મને ભેટી પડ્યા. … કહેવાનો આશય એ છે કે મુશાએરો એક એવી બાબત છે કે જેમાં ‘શાએરી’ કરતાં ‘સફળતા’ની વધુ કદર થતી હોય છે.
(‘એજ ઝરૂખો એજ હીંચકો’ પુસ્તકમાંથી)
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ