સાભાર – લતા હિરાણી
લેખક – કુમારપાળ દેસાઈ
લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.– રવીન્દ્રનાથ ટાગોર
અભિનેતા બલરાજ સહાનીએ પોતાની આત્મકથામાં આ ઘટનાનું હૃદયસ્પર્શી રીતે બયાન કર્યું છે.
1937માં ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ શાંતિનિકેતનમાં હિંદી સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. બલરાજ સહાનીએ અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જન કરવાની શરૂઆત કરી હતી. કવિવર ટાગોરના સંપર્કમાં આવ્યા અને એમણે કવિવરના વિચારો જાણ્યા.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે અંગ્રેજી સાથે આપણો પહેલો પરિચય કરાવનારને નથી આવડતું સારું બંગાળી કે નથી આવડતું સારું અંગ્રેજી. એ લોકોને માત્ર એક જ લાભ મળે છે કે બાળકોને શીખવવા કરતાં તેઓ ભુલાવવાનું કામ કરી શકે છે અને તેમાં તેઓ પૂર્ણ સફળતા મેળવે છે. બાળકને સમજાય તે પહેલાં એને ગોખવાનું શરૂ કરવું પડે છે અને એને કારણે ચાવ્યા વિના ગળી જવા જેવું પરિણામ આવે છે.
આથી જ બંગાળી માતૃભાષા માટેની એ સમયની સ્થિતિનું વર્ણન કરતા કવિવરે લખ્યું છે કે, ‘પાની મેં મીન પિયાસી, સુનત સુનત લાગે હાસી.’ એટલે કે આપણી પાસે પાણી પણ છે અને તરસ પણ છે એ જોઈને દુનિયાના લોકો હસે છે અને આપણી આંખમાં આંસુ આવે છે. માત્ર આપણે એ પાણી પી શકતા નથી.
ગુરુદેવની માતૃભાષા માટેની આવી ઉચ્ચ ભાવના અને બલરાજ સહાનીની માતૃભાષા માટેની સદંતર ઉપેક્ષા. પહેલાં નાટક અને પછી ફિલ્મના સંવેદનશીલ અભિનેતા એવા શાંતિનિકેતનના ચોવીસ વર્ષના યુવાન અધ્યાપક બલરાજ સહાની ગુરુદેવને મળવા માટે જાય છે ત્યારે છોંતેર વર્ષની વયે પણ કવિવર ટાગોર શાંતિનિકેતનમાં ચાલતી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા હતા. એ સમયે કવિવર ટાગોર બલરાજ સહાનીને પૂછતા કે, ‘બંગાળી ભાષા શીખી રહ્યા છો ને?’ અને બલરાજ સહાની બંગાળી શીખતા હતા, પણ સાચા દિલથી નહીં. કવિવરનો આવો પ્રશ્ન સાંભળીને યુવાન સહાનીના મનમાં સવાલ જાગતો કે કવિવર કેવા પ્રાંતિયતાના શિકાર છે! વળી બીજી બાજુ તેઓ ‘વિશ્વભારતી’ના આદર્શોની વાત કરે છે. તેઓ શાંતિનિકેતનને ભારતીય સંસ્કૃતિ જ નહીં, પણ વિશ્વસંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા ચાહે છે, પણ મારા પર તો એ પોતાના પ્રાંતની ભાષા થોપી દેવા માગે છે. આ તે કેવો ઢોંગ?
એક દિવસ શાંતિનિકેતનના વાર્ષિક હિંદી સંમેલનમાં કવિવરને નિમંત્રણ આપવા માટે બલરાજ સહાની ગયા, ત્યારે કવિવરે કહ્યું, ‘તમે તો અહીં માત્ર થોડા મહિના જ રહેવાના હતા અને અત્યારે એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. હવે શા માટે જતા નથી ? કવિવરનો આવો પ્રશ્ન બલરાજ સહાનીના હૃદયને આઘાત કરી ગયો. શાંતિનિકેતનમાં અધ્યાપક તરીકે એમનું કામ સંતોષપ્રદ હતું અને એમના સાથીઓ પણ એમના અધ્યાપનથી પ્રસન્ન હતા. વળી વિદ્યાર્થીઓ પણ એમને ચાહતા હતા. આવું હોવા છતાં શા માટે ગુરુદેવ, અહીંથી જવાનું કહે છે ?
બલરાજ સહાનીએ કહ્યું, ‘હું અહીં ખુશ છું. હું અહીંથી બીજે ક્યાંય જવા ચાહતો નથી.’ ‘પરંતુ આ એવી જગા નથી કે જ્યાં તમે હંમેશને માટે રહી શકો. હવે તમને ખબર પડી હશે કે અમે અહીં શું કરવા માગીએ છીએ. હવે તો તમારે તમારા પ્રાંતમાં જઇને આ સંદર્ભે સર્જનાત્મક કામ કરવું જોઇએ.
‘હું અહીં ઘણો જ સર્જનશીલ છું. એમાં મારે કોઇ બદલાવ લાવવો નથી. હું ખુશ છું અને મારા પત્ની પણ અહીંથી ખુશ છે.’ ગુરુદેવે પૂછ્યું, ‘અધ્યાપન કાર્ય સિવાય બીજુ શું કામ કરો છો ?’
બલરાજ સહાનીએ કહ્યું, ‘હું હિંદીમાં વાર્તાઓ લખું છું અને તે હિંદી સાહિત્યનાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત પણ થાય છે. અહીં રહીને મેં ઘણું લખ્યું છે અને મને સારી એવી પ્રતિષ્ઠા પણ મળી છે.’
ગુરુદેવે વળતો સવાલ પૂછ્યો, ‘પરંતુ તમારી ભાષા હિંદી નથી ને? તમે તો પંજાબી છો. તો પછી પંજાબીમાં કેમ લખતા નથી?’ ગુરુદેવનાં આ શબ્દો સાંભળતાં જ બલરાજ સહાનીને લાગ્યું કે ગુરુદેવ અત્યંત સંકુચિત વિચારો ધરાવતા પ્રાંતિયતાવાદી છે. એ સમયે બલરાજ સહાનીને એની જાણકારી નહોતી કે કલાકાર ત્યારે જ આંતરરાષ્ટ્રીય બની શકે છે, જ્યારે પહેલાં એ સાચા અર્થમાં રાષ્ટ્રીય બને.
બલરાજ સહાનીએ પોતાનું મંતવ્ય સમજાવતાં કહ્યું, ‘પણ હિંદી તો રાષ્ટ્રભાષા છે, સમગ્ર દેશની ભાષા છે. હું કોઈ પ્રાંતીયભાષામાં શા માટે લખું, જ્યારે હું સમગ્ર દેશને માટે લખી શકું છું.’
વયોવૃદ્ધ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું, ‘હું બંગાળીમાં લખું છું, જે પ્રાંતીય ભાષા છે, પરંતુ આખું હિંદુસ્તાન નહીં, આખી દુનિયા એ વાંચે છે.’
બલરાજ સહાનીએ નમ્રતાથી કહ્યું, ‘હું કંઈ આપના જેવો મહાન લેખક નથી. હું તો એક મામૂલી લેખક છું.’
‘જુઓ, આમાં કોઈ મામૂલી કે મોટા લેખકનો સવાલ જ નથી. લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.’
બલરાજ સહાનીએ બચાવમાં કહ્યું, ‘કદાચ આપને મારા પ્રાંતની પરિસ્થિતિની સાચી જાણકારી નહીં હોય. પંજાબમાં અમે કાં તો હિંદીભાષામાં લખીએ છીએ અથવા તો ઉર્દૂમાં. પંજાબીમાં તો કોઈ લખતું નથી. પંજાબી અત્યંત પછાત ભાષા છે અને સાચું પૂછો તો એને ભાષા જ ન કહી શકાય. એ તો હિંદીની એક ઉપ-ભાષા માત્ર છે.’
કવિવરનો ધીરગંભીર અવાજ રણકી ઊઠયો, ‘તમારી વાત સાથે હું સહેજે સહમત નથી. પંજાબી સાહિત્ય બંગાળી સાહિત્ય જેટલું જ પ્રાચીન છે. શું તમે એ ભાષાને પછાત કહી શકો, જેમાં ગુરુ નાનક જેવાં કવિઓએ લખ્યું હોય?’ અને પછી ગુરુદેવે બલરાજ સહાનીને ગુરુ નાનકની કેટલીક પંક્તિઓ સંભળાવી, જેનાથી ખુદ બલરાજ સહાની એ સમયે અજાણ હતા.
એ પંક્તિઓ બોલ્યા પછી ગુરુદેવે કહ્યું, ‘મારે તમને એ કહેવું જોઈએ કે હું ગુરુ નાનકની મહાન કવિતાના કેટલાંક અંશોનો બંગાળીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હું એને પૂરો ન્યાય નહીં આપી શકું. આ તો શીખોની ધાર્મિક વાણી છે.’
ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ પોતાની વાતનો બચાવ કરતાં કહ્યું, ‘ગુરુદેવ, હું એવા સાહિત્યની વાત કરું છું જે ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોથી પર હોય. પંજાબમાં એવું કોઈ સાહિત્ય નથી, આથી જ આધુનિક પંજાબી ઘણી પછાત ભાષા રહી ગઈ છે.’
કવિવર બોલ્યા, ‘અરે! આવી વાતો તો આજથી એકસો વર્ષ પહેલાં અંગ્રેજી ભણેલા-ગણેલા બંગાળી બુદ્ધિવાદીઓ બંગાળી ભાષાને વિશે કરતા હતા. પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવી એ સહેજે કઠિન કાર્ય નથી. બંકિમ બાબુએ (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) બંગાળી ભાષાને વીસ હજાર નવા શબ્દો આપ્યા. ખુદ મેં પણ એંસી હજાર નવા શબ્દો આપ્યા છે. મેં બંગાળી ભાષાને બનાવી છે.’ આટલું બોલ્યા પછી ગુરુદેવે સ્વાભિમાનપૂર્વક કહ્યું, ‘આજે આ ભાષા પોતાની અભિવ્યક્તિની બાબતમાં વિશ્વની કોઈપણ ભાષાથી પાછળ નથી.’
બલરાજ સહાનીએ આનો કશો ઉત્તર આપ્યો નહીં. એનું કારણ એ હતું કે પંજાબના મોટાભાગના લેખકો હિંદુ અને ઉર્દૂમાં લખતા હતા. પંજાબીમાં માત્ર ગુરુમુખી હતી. એ એક એવી લિપિ હતી કે જેનો પ્રયોગ માત્ર શીખો જ કરતા હતા, કારણ કે એ એમની ધાર્મિક ભાષા હતી.
બલરાજ સહાની ખુદ ગુરુમુખી ભાષાને વાંચી-લખી શકતા નહોતા અને બીજી બાજુ હિંદુસ્તાન આઝાદીને માટે ઝઝૂમતો દેશ હોવાથી એને એક રાષ્ટ્રભાષાની જરૂર છે, તેમ માનતા હતા. વળી કોંગ્રેસ રાષ્ટ્રભાષાના વિકાસને પ્રોત્સાહન આપતી હતી, પણ બલરાજ સહાનીએ વિચાર્યું કે ગુરુદેવ સાથે આ વિષય પર ચર્ચા કરવી યોગ્ય નથી. આથી એમણે મૂળ વાત પર આવતા ગુરુદેવને કહ્યું કે, ”હું આપને વાર્ષિક હિંદી સંમેલનમાં નિમંત્રિત કરવા માટે આવ્યું છું. આપ એનો સ્વીકાર કરો.”
ગુરુદેવે નિમંત્રણનો સ્વીકાર કર્યો અને બલરાજ સહાનીએ વિદાય લીધી. પણ હજી એ દરવાજા સુધી પહોંચ્યા નહોતા કે ગુરુદેવે એમને પાછા બોલાવ્યા અને એમણે જે શબ્દો કહ્યા તે કેટલાંય વર્ષો સુધી બલરાજ સહાનીના ચિત્તમાં ઘુમરાતા રહ્યા અને સમય જતાં ખુદ બલરાજ સહાનીએ અહેસાસ કર્યો કે એ શબ્દોમાં કેટલી બધી સચ્ચાઈ હતી.
ગુરુદેવે કહ્યું, ‘એક વેશ્યા સંસારની સઘળી દોલત પામીને પણ ઇજ્જતદાર બની શકતી નથી. તમે પારકી ભાષામાં ભલે આખી જિંદગી લખતા રહો, પરંતુ ન તો તમારા પોતાના લોકો તમને પોતાના સમજશે અને તમે જેમની ભાષામાં લખતા હશો, તેઓ પણ તમને પોતાના નહીં માને. બીજાના બનતાં પહેલાં તમારે તમારા પોતાના લોકોના બનવું જોઈએ.’
કવિવરની વાતચીત કરવાનો અનોખો તરીકો હતો. એ ક્યારેય અકળાતા કે ગુસ્સે થતાં નહીં, પરંતુ એની સાથોસાથ સાચી વાત કહેતાં સહેજે પાછી પાની કરતા નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે એક દિવસ સચ્ચાઈ એના મૂળિયાં દ્રઢ કરીને જરૂર ફૂલે-ફાલશે.
બલરાજ સહાનીએ અનુભવ્યું કે કોઈ લાંબુ ભાષણ આવ્યા વિના કે સહેજે આક્રોશ દાખવ્યા વિના એમણે જે બીજ એમના હૃદયમાં રોપ્યું હતું તે આપોઆપ અંકુરિત થવા લાગ્યું અને ધીરે ધીરે તેઓ ગુરુદેવે બતાવેલા માર્ગ પર ચાલવા લાગ્યા. અંગ્રેજીમાં સર્જનકાર્ય કરતા બલરાજ સહાની સમય જતાં પંજાબી સાહિત્યના એક અગ્રણી સર્જક બન્યા. એમની કૃતિ માટે સેવિયેટ લેન્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો. પંજાબી ભાષાના સામયિકોમાં એમની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી રહી. એમણે આત્મકથા લખી. ૧૯૭૩માં મુંબઈમાં પંજાબી કલાકેન્દ્રની સ્થાપના કરી, જે આજે પણ પ્રતિવર્ષ બલરાજ સહાની એવોર્ડ આપે છે.
આમ અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થનારા અને સર્જનકાર્ય કરનારા તથા હિંદી સાહિત્યમાં કલમ ચલાવનાર સંવેદનશીલ અભિનેતા બલરાજ સહાની ગુરુદેવના એ પ્રસંગને કારણે માતૃભાષા પંજાબીમાં લખનારા અગ્રણી સર્જક બન્યા.
કુમારપાળ દેસાઈ
સૌજન્ય : દૈનિક ગુજરાત સમાચારમાં લેખકની કૉલમ ‘ઈંટ અને ઇમારત’નો તા. 18 ફેબ્રુઆરીનો લેખ (સહેજ ટૂંકાવીને)
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ