100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
1922માં મુંબઈમાં જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં તેમનો ઉછેર થયો. કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!
તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું. ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!
શોખના વિષયો:
બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું. બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.
યાદગાર પ્રસંગ :
૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?
કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?
સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન, ઘરઘંટી, ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી. આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.
સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય બહાર નોકરી કરવા જવું નહીં.
ભૂમિપુત્રની વાર્તા હું પણ રસપૂર્વક વાંચું છું. હમણાંની ‘જિજીવિષા’ વાર્તા સરસ છે. કાશીમાનું ચિત્ર તેમાં સારું ઊપજ્યું છે.
– ઉમાશંકર જોશી
—————————————————————————
એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી – ગુલાબદાસ બ્રોકર
‘હરિશ્ચન્દ્ર’ એક નહિ પણ બે વ્યક્તિઓ છે. બન્ને સ્ત્રીઓ. એકનું નામ ચન્દ્રકાંતા , બીજીનું હરવિલાસ. બન્ને વિનોબાની માત્ર શિષ્યાઓ નહિ. તેમના સેવાયજ્ઞમાં સક્રિય રીતે આજીવન કાર્ય કરનારી વ્રતધારિણીઓ. અને સાહિત્યના રસને ઘૂંટી ઘૂંટીને પીનારીઓ…… મારો , મિલન પછીના ઉપચાર પછીનો, કદાચ પહેલો પ્રશ્ન જ એ કે….. આમાં ગુજરાતી વાર્તાઓ કેમ નહીં. તેમનો સરસ અને સર્વથા યોગ્ય ઉત્તર એ કે ગુજરાતના વાચકો ગુજરાતી વાર્તાઓ તો જાણે, પઁ ભારતના આ ખજાનાની તેમને ક્યાંથી જાણ હોય?
…. સમાજને, લક્ષમાં રાખી કાર્ય કરનારી સજાગ બહેનો છે એટલે પોતાના સામાજિક ક્ષેત્રના ધ્યેયને અનુરૂપ હોય તેવી જ સામગ્રીભર્યા સર્જનો તેઓ પોતાના રૂપાંતરો માટે પસંદ કરે છે. અને એ દ્વારા વાચકો સમક્ષ સમાજનું જેટલું જીવંત તેટલું જ , ક્યાંક ક્યાંક કરુણ, વાસ્તવિકતાભર્યું ચિત્ર રજૂ કરે છે.
“…. નાની સિમ્મી નાનપણથી માતાપિતાને ઝઘડતાં જુએ છે. ને તેના અંતરથી એ સહ્યું જાતું નથી. લગ્ન એટલે આ જ. રાત દિવસના ઝઘડા. …. એતલે એક દિવસ ઊંઘમાં ને ઊંઘમાં એ ચીસ પાડી ઊઠે છે : “નહીં ….. નહીં…. હું… હું … નહીં પરણું …મારે નથી પરણવું …” તેનાં મમ્મી – પપ્પાની આંખો મળે છે અને નીચે ઢળી જાય છે. “
“ વૃધ્ધ માતા મરી જાય છે. કમાયેલ દીકરો એની પાછળ બે લાખ રૂપિયાનું દાન કરે છે. પણ એ મા જીવતી હતી ત્યારે? માત્ર પગાર વગરની ઘરકામ કરનાર નોકરડી. કોઇ એની સામે જુએ નહિ, કે એની સગવડ અગવડ પૂછે નહિ. એક માત્ર નાના પૌત્ર સિવાય. “
આવી અનેક વાતો આમાં છે. આપણી આંખો ભીની કરી દે તેવી. ….. જીવનનું મંગળ પણ આમાં છે. જાપાન અને અમેરિકા વચ્ચેનું યુધ્ધ ચાલતું હતું સ્ત્યારે એક જાપાની ડોક્ટર દુશ્મન ગણાય તેવા અમેરિકન સૈનિકને તેના જખમની ભયંકર યાતનામાંથી કેવો બચાવી લે છે તેની હૃદયસ્પર્શી વાત પણ છે.
આ જગતમાં ….. બધાં – બધાં જ માત્ર મનુષ્યો જ છે. અને બધાં – બધાં જ મનુષ્ય રાગો દ્વેષો , ભાવનાઓ, અને વેદનાઓથી ભરેલાં હોય છે. સર્જકનું કાર્ય એ બધામાંથી માનવ- સમસ્યા, માનવ સુખ દુઃખ , ગમા- અણગમા , રાગદ્વેષ વગેરેને કલાત્મક રીતે ચીતરીને આખર જતાં માનવ – જીવનને તના સાચા રૂપમાં ભાવકો સમક્ષ સ્પષ્ટ કરી દેવાનું છે.
આ સંગ્રહની વાર્તાઓ એ કાર્ય સુપેરે કરી આપે છે.
————————————————–
બીજી એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી – મનુભાઇ પંચોળી = ‘દર્શક’
આ વિલક્ષણ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે. …….કેવી કેવી વાર્તાઓ સંસારના ખૂણે ખૂણેથી શોધી કાઢી છે ! જીવનનાં કેટકેટલા પ્રદેશો, કેટકેટલી અવસ્થાઓનાં ચિત્રો આપણને સાંપડે છે! બાળકો, પરિણીત સ્ત્રીઓ, પરણવા ઇચ્છતી સ્ત્રીઓ , નોકરિયાતો, ગર્ભશ્રીમંતો, અથડાતો કૂટાતો મધ્યમ વર્ગ, નવા નવા વિચાર પ્રવાહો…… સંસારમાં રહેલી મધુરતા- કટુતા , નિષ્ઠૂરતા- દંભ, ઉચ્ચાભિલાષા, સંસારની ગૂંચવણોની જાલ – ગૂંથણી …..
…. આંગળી જ ચીંધે છે. આક્રોષ-રોષ- ઠપકો નથી….. કલાની મર્યાદા છે. સીધા ઉપદેશનો અભાવ. તેનું ઉલ્લંઘન ભાગ્યે જ થયું છે. અને છતાં દરેક વાર્તા હેતુલક્ષી જ છે.
વાચકોના પ્રતિભાવ