આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને મીનુ દેસાઈ જેવા કવિઓએ પણ દેખતા દીકરાના જવાબની રચના કરી હતી. એ રચનાઓએ પણ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું – આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ એ બંને રચનાઓ એક સમયે ભલે દૂર્લભ ગણાતી હોય, પણ હવે ઈન્ટરનેટના કારણે આ બન્ને રચનાઓ સુલભ બની છે.
વહાલપની વાદળી વરસાવનારી માતાને માટે ધર્મપુરાણે માતા, ધરિત્રી, જનની, દયાર્દ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠ, દેવી, ભિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહન્ત્રી જેવા ૨૧ શબ્દો પ્રયોજયા છે. ઇશ્વરની એલચી સમી મા માટે મનુસ્મૃતિ કહે છે કે ઉપાધ્યાયથી આચાર્ય દસ ગણા, આચાર્યથી પિતા સો ગણા અને પિતાથી માતા હજાર ગણી પૂજનીય છે. ઘોડિયાઘરમાં ઉછરનારા સંતાનોને માતાનું મૂલ્ય શી રીતે સમજાય ? એક ગરીબ માની ઝૂંપડી માં સાત દીકરા સમાય છે પણ સાત દીકરાની મજાની મહેલાતોમાં એક લાચાર- વૃદ્ધ મા નથી સમાતી.
ઊર્મિશીલ માનવીનું કાળજું કંપાવી જતી આંધળીમાના અંતરની વેદનાને ઇન્દુલાલ ગાંધીએ કાવ્યમાં સુપેરે કુંડારી છે. એ એક મા કે દીકરાની જ વાત નથી પણ સુખી ગામડું છોડીને મોટા શહેરોમાં રૂપિયા રળવા ગયેલા હીરાઘસુ દીકરાઓના તમામ માબાપોની વ્યથાકથા કાઠિયાવાડના એકએક ગામડે હાંફતી પડી છે. સુખી થવાના સ્વપ્ના જોઇને શહેરભણી દોડનારા દીકરાઓ કાળી મજૂરી પછી પૈસો તો કમાય છે પણ એની સુખશાંતિ હણાઇ જાય છે. લાચાર દીકરાની આ પરિસ્થિતિનો ચિતાર આંધળી માના કાગળમાં કવિ આપણને આપે છે.
આંધળી માનો કાગળ પછી ઈન્દુલાલ ગાંધીએ જ દેખતા દીકરાનો જવાબ પણ રચ્યો હતો. જોકે, મીનુ દેસાઇની દેખતા દીકરાની રચના પણ ઘણી લોકપ્રિય થઈ હતી. બેય રચનાઓ, સને ૧૯૬૯માં દસમાં ધોરણના પાઠયપુસ્તક ‘સાહિત્યલહરી’ ભા.૩માં છપાઇ હતી. પાઠયપુસ્તક બદલાઇ ગયું. સને ૧૯૮૬માં કવિનું અવસાન થયું. રતિકુમાર વ્યાસે ગાયેલું ગીત સ્મૃતિમાં સળવળાટ કરતું બેઠું થાય છે.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા, મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર, હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.
-ઈન્દુલાલ ગાંધી
આ રચનાનો જવાબ પણ ઈન્દુલાલ ગાંધીએ જ આપ્યો હતો. જોકે, તેના પ્રત્યુત્તર રૃપે અન્ય કવિઓએ પણ દેખતા દીકરાનો જવાબ રચ્યો છે. જેમાં મુંબઇના કવિ મીનુ દેસાઇ અને મોહનલાલ નાથાલાલની રચનાને મહત્ત્વની ગણી શકાય.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’ બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ, એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ? ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ, રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ, રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ, બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ? મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ, શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ, નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ, તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ, હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.
-ઇંદુલાલ ગાંધી
મીનુ દેસાઈએ દેખતા દીકરાનો જવાબ કાવ્ય રચ્યું એમાં દેખતા દીકરાની શહેરી જીવનની આપવીતી વર્ણવી છે. માનો પત્ર વાંચી દુઃખિયા દીકરાનું હૈયું વલોવાઇ જાય છે. પૈસા કરતાં પ્રેમને અને ધન કરતાં ધર્મને વધુ સમજનારો કહ્યાગરો દીકરો આશ્વાસન આપી માને કહે છે –
હું ને મારા જેવા અનેક સંશોધકો હજુ હમણા લગી માનતા કે આ કોઇ જૂનું લોકગીત છે. આ વાતને ઉજાગર કરતાં નીતીન વડગામા કહે છે કે લોકગીતનો દરજ્જો પામેલા આ ગીતના કવિ ૮ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ મોરબી પાસેના મકનસર મુકામે જન્મેલા અને લોકહૈયે બિરાજતા કવિ ઇન્દુલાલ ગાંધી છે. (પાઠયપુસ્તકમાં જન્મ તારીખ- ૮-૧૨-૧૯૦૫ દર્શાવી છે.)
આજ કવિની એક બહુ જ જાણીતી અને હૃદયસ્પર્શી રચના છે ‘આંધળીમાનો કાગળ.’ સને ૧૯૫૯માં ૧૫મી વાર પુનઃ મુદ્રણ પામેલી ‘સાહિત્યલહરી’ ભાગ-૩માં દસમી શ્રેણીમાં લાખો વિદ્યાર્થીઓ આ કાવ્ય ભણી ગયા છે.
આજથી ચાર સાડાચાર દાયકામોર્ય આંધળીમાની વેદનાને વાચા આપતું કારુણ્ય સભર ગીત ‘આંધળી માનો કાગળ’ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન આયોજિત ડાયરામાં રતિકુમાર વ્યાસના અષાઢી કંઠે સાંભળ્યું ત્યારે અનેક શ્રોતાઓની આંખ્યુમાંથી શ્રાવણ- ભાદરવો વરસતો નજરે નિહાળ્યો છે.
ઇન્દુલાલ ગાંધીનું તખલ્લુસ- ઉપનામ ‘પિનાકપાણિ’. એમના પિતાનું નામ ફૂલચંદ ગાંધી. ઇન્દુલાલનું પ્રાથમિક શિક્ષણ મોરબીમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. જીવનસંઘર્ષ નાનપણથી એમના નસીબમાં લખાયો હતો. પિતાની પાનબીડીની દુકાન. આ દુકાન ચલાવવા માટે બે દાયકા લગી તેઓ કરાંચીમાં જઇને રહ્યા. દેશના ભાગલા પડતાં ૧૯૪૭માં તેઓ મોરબીમાં આવ્યા. અહીં પણ મુસીબત એમની પાછળ પડી હતી.. મોરબીની પૂર હોનારતમાં એમનું સર્વસ્વ હોમાઇ ગયું. કવિ પહેર્યે કપડે રાજકોટ આવ્યા. પ્રારંભમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’માં જોડાયા. એ પછી આકાશવાણી રાજકોટમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકે જોડાયા અને સને ૧૯૭૩માં પ્રોડયુસર પદેથી નિવૃત્ત થયા. એમણે બાળસાહિત્ય અને નાટયસર્જનની સાથોસાથ ગુજરાતી સાહિત્યજગતને ત્રણ હજાર ઉપરાંત કાવ્યો સંપડાવ્યાં છે. એમના ઘણા કાવ્યોમાં માનવવેદના ટપકે છે તો ‘માળો ચૂંથાણો, ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી, એંઠી કૂંડી અને આંધળી માના કાગળમાં સાચુકલી સંવેદનાનું ઝીણું ઝીણું જંતર વાગતું સંભળાય છે. આ એક જ ગીતે કવિને લોકહૈયાના સિંહાસન પર બેસાડી દીધા છે.
સાહિત્યમાં બે પ્રવાહો સમાન્તરે વહેતા નજરે પડે છે. એક પ્રવાહ શિષ્ટકવિઓએ રચેલાં કાવ્યો ને ગીતોનો અને બીજો સેકડો વર્ષોથી લોકજીભે રમતાં આવેલાં લોકગીતોનો. શિષ્ટ કાવ્યોમાં કવિના નામાચરણ સાથે એના કર્તૃત્વની છાપ લાગે છે. જ્યારે લોકગીતોનો રચયિતા લોકસમાજમાં અંધારપછેડો ઓઢીને બેઠો હોય છે. કોપીરાઇટ શબ્દથી એ આજેય સાવ જ અજાણ છે. ગામડાગામના અભણ બાઇ કે ભાઇને અંતરમાં ઊર્મિ જાગે ને ગીત રચાઇ જાય તેને સમાજમાં વહેતું મૂકી દે છે. એ ગીત લોકકંઠે ફરતું ફરતું અવનવા ઘાટ ધારણ કરતું લોકગીતનું સંઘેડાઉતાર સ્વરૂપ પામે છે. એમાં પ્રાદેશિક રંગો ઉમેરાતા જાય. પ્રદેશે પ્રદેશે એના પાઠાન્તરો પણ મળતાં જાય. એક ત્રીજો પ્રવાહ લોકની વચ્ચે રહીને લોકઢાળના લોકપ્રિય ગીતોનું સર્જન કરનારા કવિઓનો છે. ઉદાહરણ તરીકે સ્વ.ઝવેચંદ મેઘાણીના અનેક ગીતો, ભક્ત કવિ દુલાભાઇ કાગના ‘કાગવાણી’ના કાવ્યો, ગીતોને ભજનો- વડલો કહે છે વનરાયું સળગી મૂકી દિયોને જૂના માળા, ઊડી જાઓ પંખી પાંખોવાળાં, પગ મને ધોવાદ્યો રઘુરાય મને શક પડયો મનમાંય. કવિ ‘દાદ’- દાદુદાન ગઢવીના ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો. મમતા રૂવે જેમ વેળુંમાં વીરડો ફૂટી ગ્યો. જેવા કવિઓના લોકઢાળના ગીતો લોકસમાજમાં અત્યંત લોકપ્રિય બનીને લોકકંઠે ફરતાં તરતાં થયા છે. આંધળી માનો કાગળ અને મેંદી તે વાવી માળવે એવા જ એક લોકપ્રિય ગીતો છે.
માધવનાં ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. માધવની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે , ગાશે ને પ્રમાણશે.
કશું થતું ન હોય એવા સમયમાં પણ ભીતરમાં તો લયની એક અખંડ રટણા-રમણા ચાલતી જ રહે છે. વળી થાય છે કે વિશ્વને પરસ્પર નજીક લાવી રહેલી વિજ્ઞાનયાત્રાના આ યુગમાં – આજની આ ક્ષણમાં આપણું કોઈ ટહુકાની રીતે હોવું એ કેટલું મોટું સદ્ભાગ્ય છે ! આ બ્રહ્માંડથી અભિભૂત થવાનું મળ્યું એ પણ કાંઈ નાનીસૂની વાત તો નથી જ.. આ બ્રહ્માંડ આ સૃષ્ટિ – સેંકડો પ્રકાશવર્ષના અંતરે ઊભેલા તારાઓને પોતાનામાં સમાવતું વિસ્તીર્ણ આકાશ અને એ અનંત આકાશમાં-અવકાશમાં વહેતું અનંત મૌન…એ મૌનમાં તરતી-સરતી આપણી આ પૃથ્વી અને એ પૃથ્વી પર રમતારામની રીતે આપણું હોવું ….આ કંઈ ઓછી ધન્યતા છે ? આ ધરતીની ધૂળના સ્પર્ષનું સૌભાગ્ય…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુકનમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…
આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…
અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.
અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…
–કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે !
ગુજરાતી સાહિત્યમાં પૂર્ણ-પ્રફુલ્લ ચન્દ્રરાજ
‘પ્રેમ-ભક્તિ’નો મહાકવિ ન્હાનાલાલ.
કવિ કાન્ત દ્વારા સ્વાગત
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ એક કાવ્ય પંક્તિ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ કહીને આવકાર્યા હતા. અને એ રીતે તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક મહાકવિના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ વખતના એ તરુણ કવિએ બહુ જલદી પોતાના વિષેની આગાહીને સાચી પાડી હતી.
તેમના જીવન વિશે
તા.16-3-1877ના રોજ જન્મેલા મૂળ વઢવાણના કુટુંબના ન્હાનાલાલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ દલપતરામના પુત્ર હતા. કવિ ન્હાનાલાલને 15 વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ ખૂબ જ તોફાની એવા આ પુત્રને તેમણે સાધુચરિત કાશીરામ દવે પાસે ભણવા મૂક્યા હતા.જેમણે જ્ઞાનસંસ્કારો આપીને એમની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. સદ્ ગુણી અને પ્રેમમૂર્તિ પત્ની માણેકબાએ પણ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
1901માં તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ કેટલીક માનભરી નોકરી કરીને વીસ જ વર્ષ પછી નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર પછી તો તેઓ સંપૂર્ણ રીતે ‘શારદોપાસના’માં જ પ્રવૃત્ત રહ્યા હતા. ભારતના અસહકાર આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા, પરંતુ ગાંધીજી સાથે ન ફાવતાં પાછલાં પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા હતા.
એમની સૌ પ્રથમ કૃતિ ‘કેટલાંક કાવ્યો’ ભાગ-1 1903માં પ્રગટ થઈ હતી, જ્યારે 1946માં ‘હરિસંહિતા’ લખતાં લખતાં જ તેઓ ચિર વિદાય પામ્યા હતા. 43 વર્ષની આ શારદોપાસના કે શબ્દસાધનામાં તેમણે 60 પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધરી દીધાં હતાં !!
1845માં પિતા દલપતરામે પોતાની સૌ પ્રથમ કૃતિ ‘બાપાની પીપર’ રચના પ્રગટ કરી. અને પુત્ર ન્હાનાલાલે 1946માં પોતાની અંતિમ કૃતિ ‘હરિસંહિતા'(અપૂર્ણ) આપી. આમ પૂરાં એકસો એક વરસના વિશાળ પટમાં પિતા-પુત્રની આ વિરલ જોડીએ ગુજરાતી સાહિત્યને પોતાની આગવી શૈલી અને વિપુલ સર્જનોથી ભર્યું ભર્યું કરી દીધું હતું !
કવિ ન્હાનાલાલના પુરોગામીઓ એવા ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. છતાં મઝાની વાત એ હતી કે કવિએ જે સર્જન કર્યું તે આ સૌ પુરોગામીઓ કરતાં ઘણું ચડિયાતું સાબિત થયું હતું.
એમનાં સમગ્ર સર્જનને અત્યંત સંક્ષેપમાં જોઈએ તો –
કવિતા
એમના વિપુલ કવિતાસર્જનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે, ઊર્મિકાવ્યો. ઊર્મિકાવ્યોમાં અનેક પ્રકારો તેમણે અજમાવ્યા છે, જેમાં આત્મલક્ષી કાવ્યો, ગીતો, ભજનો, બાળકાવ્યો, રાસડા, હાલરડાં, લગ્નગીતો, કરુણ-પ્રશસ્તિ, વીરરસનાં કાવ્યો, અંજલિઓ વગેરેનો સમાવેશ થાય છે.
દીર્ઘકાવ્યો-ખંડકાવ્યો તેમણે આપ્યાં છે પણ તે કાન્તનાં ખંડકાવ્યોની કક્ષાનાં નથી. એને ‘પ્રસંગકાવ્યો’ કહેવાયાં છે.
મહાકાવ્યો-વિરાટકાવ્યો કહી શકાય એવાં એપિક સ્વરૂપનાં મહાકાવ્યોનો પ્રશસ્ય પ્રયત્ન તેમણે કર્યો છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓ બહુમૂલ્ય ગણાયાં છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જાણીતાં છે.
નાટકો
તેમણે 14 જેટલાં ભાવપૂર્ણ નાટકો આપ્યાં છે. તેમાંની ડોલનશૈલી અને નાટકોની અંદર આવતાં ઊર્મિકાવ્યો કવિની વિશેષતા દર્શાવે છે. તેમાંની ડોલનશૈલી પાત્રોના વાચિક અભિનયને ઉપકારક બની રહી હતી.
ગદ્યગ્રંથો
નવલકથા, નવલિકા, નિબંધ, રેખાચિત્રો, જીવનચરિત્રો, વ્યાખ્યાનો, ભાષાન્તરો અને વિવેચન વગેરે પ્રકારે તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. અને એટલે જ
અપદ્યાગદ્ય/ ડોલનશૈલી
છંદો, પરંપરાવાળી લયમેળ રચનાઓ, ગઝલ, કવ્વાલી વગેરેના પ્રયોગો બાદ કવિએ પદ્યમુક્ત ડોલનશૈલી અપનાવી. પ્રથમ તો તેનો ઉપયોગ તેમણે ફક્ત નાટકોમાં જ કર્યો પરંતુ પછીથી તો કવિતામાં પણ એ શૈલી સફળતાથી અપનાવી. કેટલાંક ચિત્રકાવ્યો, વસંતોત્સવ, ઓજ અને અગાર, દ્વારિકા પ્રલય, જેવાં કથાકાવ્યો અને કુરુક્ષેત્ર જેવું મહાકાવ્ય વગેરે ડોલનશૈલીમાં છે. કવિશ્રી દ્વારા જ સર્જાયેલી અને અપનાવાયેલી આ વિશિષ્ટ શૈલી કવિ પછી કોઈએ અપનાવી નહીં એને શૈલીની અપ્રસ્તુતતા કહેવી તે તો ઉપયુક્ત નથી જ; પણ પછીના કવિઓની એ માટેની અતત્પરતા ગણાવવી રહી. ‘અપદ્યાગદ્ય’તરીકે ઓળખાયેલી આ શૈલીને પ્રા.બ.ક.ઠાકોરે “આંદોલરચના” કહીને ઓળખાવી છે.
દોષો
આટલું વિપુલ અને ઉત્તમ કક્ષાનું સર્જન કરનાર કવિના સર્જનમાં કેટલાક દોષો પણ વિવેચકોએ ગણાવ્યા છે. જેમાં એકવિધતા, શબ્દાળુતા, અલંકાર પ્રાચુર્ય,ઉપરાંત સપાટી ઉપર દેખાતી ભભક અને અંજાવી નાખનાર તેજસ્વિતાના પ્રમાણમાં ક્યારેક ગહનતાનો અભાવ જોવા મળે છે તેમ કહીને એમને તટસ્થતાથી મૂલવવાનો પ્રયન કર્યો છે.
મહ્ત્વના ઉદ્ ગારો :
રા.વિ.પાઠક
આગળના કવિઓ પછી ન્હાનાલાલને વાંચતાં જાણે નવી જ સૃષ્ટિ, નવું જ વાતાવરણ લાગે છે.
વિજયરાય ક. વૈદ્ય
ગુજરાતની વાડીમાં અનુત્તમ એવી નદી એક, નર્મદા છે. એ જ રીતે ગુજરાતીના સમગ્ર સાહિત્યમાં અનુત્તમ એવા વસ્તુગત (ઓબ્જેક્ટિવ)સાહિત્યકાર ગોવર્ધનરામ અને અનુત્તમ આત્મરત (સબ્જેક્ટિવ) એવા કોઈ હોય તો તે ન્હાનાલાલ છે…બીજી રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં એક હજાર વરસના કવિતા ક્ષેત્રના ઇતિહાસમાં અનુત્તમ વસ્તુગત પ્રેમાનંદ અને અનુત્તમ આત્મરત એવા ન્હાનાલાલ છે !!
સુંદરમ્
કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે તો કાન્તની પાછળપાછળ ચાલ્યા આવતા ન્હાનાલાલની કવિતા એ કળાવસંતના ઉત્સવ જેવી છે. ન્હાનાલાલનું કાવ્ય શબ્દ અર્થ અને ભાવનાઓ, સૌંદર્ય અને રસના કોક નવીન સત્વવાળી ફોરમથી મઘમઘી ઊઠે છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ
ગુજરાતી ગદ્યને સર્જનાત્મક ઓપ આપીને વૈભવશાળી બનાવવામાં ન્હાનાલાલનો ફાળો ઉલ્લેખનીય છે.
ગુજરાત ને ગુજરાતી ભાષાના સાહિત્યમાં રસ ધરાવનારા માનવો કવિ ન્હાનાલાલના નામથી પરિચીત ના હોય એવું ભાગ્યે જ બને. ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલનો ફાળો અજોડ છે. તેમની મહત્તાનો ખ્યાલ તો એટલા પરથી જ આવી શકે છે કે તેમના નામથી ગુજરાતી સાહિત્યમાં ન્હાનાલાલ યુગ ચાલે છે. અમદાવાદમાં મને તેમના પરિચયનો લાભ સહેજે મળી ગયો. હું જેમને ત્યાં થોડા દિવસ રોકાયો હતો તે ભાઇને ત્યાં ખાસ આમંત્રણથી તે એક દિવસ સાંજે આવી પહોંચ્યા…….. બે ચાર દિવસ પછી તેમના આમંત્રણથી અમે તેમની વળતી મુલાકાત લીધી. એલિસબ્રીજ પરના તેમના મકાનમાં અમારું સ્વાગત તેમણે ખૂબ જ ભાવપૂર્વક કર્યું. તેમનો પ્રેમ ભારે હતો. તે વખતે તેમણે હાથમાં તંબૂરો લઇને ત્રણ-ચાર ભજનો ગાયાં તે પ્રસંગ સદા માટે યાદ રહેશે. તે વખતના ન્હાનાલાલ જાણે જુદા જ હતા. તેમના હૃદયનો ભક્તિભાવ તેમના સુમધુર સ્વરમાં ઠલવાયા કરતો. એ મહાન સાહિત્ય સ્વામીનું આર્થિક જીવન સારું ન હતું એવું મેં સાંભળેલું. પણ તેમના મંગલ મન પર તેની કોઇ ખાસ અસર ના દેખાતી. તેમના પ્રેમાળ પત્ની કુશળતાપૂર્વક ઘર ચલાવ્યા કરતાં ને તે નવી નવી કૃતિની રચનાના કામમાં મશગુલ રહેતા. સાદા સંકટમય જીવનમાં પણ તે સંતોષ અને આત્માનંદને જાળવી રાખતા. તેમને આનંદમગ્ન દશામાં તંબૂરા પર ભજન ગાતા જોઇને મને કવિ બાલાશંકરની પેલી પ્રસિદ્ધ પંક્તિ યાદ આવી : કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ, નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે !
સુરેશ દલાલ
આ કવિનું નામ પડે અને તરત જ આપણને થાય કે ગુજરાતી ભાષાનું લાલિત્ય અને લાવણ્ય જોવું હોય તો એમનાં ગીતો પાસે જવું જોઇએ. વાણીનાં વૈભવી કવિ છે. કવિએ નાટકો લખ્યાં. અને એ દ્વારા સ્નેહલગ્ન અને લગ્નસ્નેહની મીમાંસા પણ કરી. મહાકાવ્ય લખવાનો મનોરથ પૂરતો સફળ ન થયો. કરુણ પ્રશસ્તિ પણ આપણને એમની પાસે મળી. ડોલનશૈલીનો પ્રાદુર્ભાવ પણ એમને કારણે થયો. દલપતરામ અને ન્હાનાલાલે – પિતા પુત્રની આ જોડીએ ગુજરાતી કવિતાને મબલક સમૃદ્ધિ આપી.
નિરંજન ભગત
ન્હાનાલાલમાં લોકગીતોના ઢાળને અને એના લય અને સૂરની સૂઝ હતી, એના સ્વરૂપની સમજ હતી; એમાં પરિવર્તન દ્વારા નવીનતા સિદ્ધ કરવાની સર્જકતા અને સંવેદનશીલતા હતી…ન્હાનાલાલના રાસમાં સ્ત્રીહ્રદયની ક્યારેક મધુર, ક્યારેક કરુણ પણ સદાય સૂકુમાર ઊર્મિઓ પ્રગટ થાય છે. એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૃહજીવન, ગ્રામજીવન, કુટુંબજીવન અને એનું વાતાવરણ સુરેખ અને સજીવપણે વ્યક્ત થાય છે…ન્હાનાલાલે એમનાં ગીતમાં ગુજરાતી ભાષાનું માધુર્ય શું છે એનું રહસ્ય પ્રગટ કર્યું છે. એમણે અને પ્રયોગો દ્વારા, નવી નવી શક્યતાઓનાં સુચનો દ્વારા ગીતસ્વરૂપની સીમાઓનો વિસ્તાર કર્યો છે…ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં જો સમગ્ર ગુજરાતી ઊર્મિકવિતામાં કંઈ એકમેવ – અદ્વિતીયમ જેવું હોય, જો કંઈ ન્હાનાલાલીય હોય તો તે એમના શબ્દો, ‘તેજે ઘડ્યા’ શબ્દો…આ શબ્દોને કારણે જ ન્હાનાલાલની ઊર્મિકવિતામાં અન્યત્ર ક્યાંય જેનો અનુભવ ન થાય એવી હવા, આબોહવાનો, એવા વાતાવરણનો અનુભવ થાય છે. આ શબ્દોને કારણે જ ન્હાનાલાલના ઊર્મિકાવ્યો પ્રથમ પંક્તિથી જ અદ્ધર ઊંચકાય છે અને અંત લગીમાં તો કોઈ ઊર્ધ્વલોકના અસીમ અને અનંત પ્રકાશમાં ઝગમગે છે.
ભાલચંદ્ર પરીખ
કવિવર ન્હાનાલાલની કાવ્યપ્રતિભા વિવિધ સ્વરૂપે સ્ફૂરાયમાન થતી એની અદમ્ય સિસૃક્ષાની પરિતૃપ્તિ અર્થે માનવતા અને વિશ્વનાં વિશાળ ક્ષેત્રોમાં વિહરે છે છતાં જે ભવ્ય સિંહાસન પર કવિશ્રીનું સર્વતોવ્યાપી જીવનદર્શન આરૂઢ થયું છે, તેની અચળ પીઠિકા છેવટે પ્રેમ જ છે એ સ્વીકાર્યા વિના તેના અંતરંગ સૌંદર્યનું દર્શન ભાગ્યે જ થઇ શકે. પ્રેમ એ ન્હાનાલાલના વિશ્વદર્શનની કેન્દ્રશિલા છે. પાર્થિવ તેમ જ લોકોત્તર, દિવ્ય યા માનુષી સ્વરૂપે જીવન અને સંસ્કૃતિનાં બળોને તે અવિરત પોષે જાય છે. માનવઆત્માને તે સદા પ્રફ્ફુલ્લિત રાખે છે. જગતના આદર્શોમાં એકતાનું પ્રેરણાબળ સીંચી, શાશ્વત કુસુમિતતાની સૌરભ અર્પી, ચિરકાળ પર્યંત તેમને સજીવન રાખે છે – એ મધ્યવર્તી અનુભૂતિના સાક્ષાત્કાર પર કવિશ્રીના સમગ્ર સાહિત્યસર્જનની ઈમારત ચણાઈ છે.”
પારંપરિક પદ્ય અને રોજિંદા ગદ્યથી દૂર રહીને ગુજરાતિ સાહિત્યક્ષેત્રે કવિ ન્હાનાલાલે નીપજાવેલી કાવ્યશૈલી.
એ રાગયુક્ત ગદ્ય પણ છે. ચુસ્ત છંદોબદ્ધ પ્રાસ અનુપ્રાસના પિંગળનાં બંધનોને અવગણીને એમણે માત્ર નૈસર્ગિક સૌંદર્યબંધનોને સ્વીકારેલાં. તેઓ માનતા કે કાવ્યનું શરીર તત્વ છંદ નહીં પણ ડોલન છે. એ અપદ્ય છે,અગદ્ય છે, અપદ્યાગદ્ય છે. તેઓને એમ પણ પ્રતીતિ હતી કે છંદશિસ્ત વગર વિના સુકાન, વિના હોકાયંત્ર ડોલનશૈલીના પટવિસ્તાર ઉપર કાવ્યનૌકા ખેડી શકાય નહીં. છંદોના ગુણાકાર, ભાગાકાર, નિયમબદ્ધ વૃત્તો, અભ્યસ્ત પ્રયોગો, મિશ્રણો, રૂપાંતરોને અંતે ન્હાનાલાલે પદ્યમુક્તિનું સાહસ કરેલું. એમણે આ ડોલનશૈલીમાં પ્રતિભાવ લય (Affective Rhydhm)નો ઉપયોગ કર્યો. એમાં વાગ્મિતાનું કૌવત ઉમેર્યું. વાગ્મિતાને કારણે અલંકારપ્રચૂરતા અને સમાસપ્રચૂરતાને દાખલ કર્યા. વિશેષણો અને લાડવાચકો-લઘુતાવાચકો વિશેષ માત્રામાં કાર્યરત બન્યાં. આ શૈલીમાં વારંવાર નિયમભંગ થતો રહે છે, તો વારંવાર સમાંતરતાઓ દ્વારા અને પુનરાવૃત્તિઓ દ્વારા અતિનિયમિતતાનો પણ પુરસ્કાર થાય છે. કોઈનું પણ અનુકરણ કર્યા વગરની પોતાની અનનુકરણીય શૈલીને ન્હાનાલાલે ‘ અબોધ આત્માની ઉચ્ચારણશૈલી’ તરીકે ઓળખાવી છે.
એમના કાળમાં છંદબધ્ધ રચનાને બહુ જ અગત્ય અપાતી. તેમની ડોલન શૈલીનો ઘ્ણો વિરોધ પણ થયો હતો. એક સજ્જને તો જાહેરમાં નીચેનું જોડકણું વાંચી તેમની ઠેકડી ઉડાવી હતી !! –
“ડાહ્યાના એ દીકરા, ડાહ્યા દલપતરામ.
તેનો પાક્યો નાનીયો, બોળ્યું બાપનું નામ.”
વાચકોના પ્રતિભાવ