સંગીતકાર,નૃત્યકાર અને જાદુગર શ્રી વિઠ્ઠલદાસ હરજીવનદાસ પાંચોટિયા નો જન્મ સને ૧૯૦૪ માં વડનગર માં થયો હતો. તેમના પિતા એક નાટક કંપની ચલાવતા હતા એ કારણે એમને નાટક નો નાદ લાગ્યો હતો. ૧૯૧૪ માં તેઓ કરાંચી માં મોહનલાલ ની નાટક કંપની માં જોડાયા.ત્યાં બિલ્વમંગલ અને કબિરકમાલ નામના નાટકો માં ભાગ લીધો.આ કંપની બંધ થયા બાદ તેઓ મુંબઇ માં પ્લે હાઉસ પર આવેલી ” વિક્ટોરિયા થીએટર”માં ચાલતી “ઘી ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની “માં જોડાયા અને ત્યાં તેમણે નૃત્ય માસ્તર ભોગીલાલ નાયક ના હાથ નીચે નૃત્ય ની તાલીમ લીધી. તે પછી ૧૯૧૭ માં રંગૂન માં એમ્પાયર થીએટ્રિકલ કંપની માં જોડાયા.ત્યાં સંગીત દિગ્દર્શક નાગરદાસ નાયક પાસે સંગીત ની તાલીમ લઈ ને ત્યાં સંગીત શાળા ચલાવી. ૧૯૨૦ થી જ એમણે મૂંગી ફિલ્મો માં અભિનય આપવા માંડ્યો હતો. પ્રોફેસર શર્મા પાસે જાદુ ની કળા શીખી ને જાદુ ના પ્રયોગો પણ કર્યા હતા. લૈલા મજનું, ચંદ્રહાસ અને પતિ-ભક્તિ માં અભિનય આપી ને એમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.પોતે લખેલા નાટકો “બલિદાન” “ગોરક્ષા”રાક્ષશી રમા” અને ઘરવાળી ભજવ્યા..૧૯૨૬ માં કૉમેડી ફિલ્મ”રંગ રાખ્યો”એમણે બનાવી.પોતેજ લખેલ,દિગ્દર્શક કરેલ અને મુખ્ય પાત્ર ભજવેલ “નસીબ ના નખરા” ફિલ્મ રજૂ કરી.ગેબી સવાર અને સખી લુટેરા અને કાયા પલટ ફિલ્મો બનાવી.
બોલતી ફિલ્મો નો યુગ શરૂ થયો ત્યારે કલકત્તા જઈને “મુફલિસ આશિક”નામનું જે ચિત્ર બનાવ્યું તે બોલતી ફિલ્મ ના યુગ માં કોમેડી તરીકે પહેલી ફિલ્મ હતી.૧૯૩૪ માં “ઇન્સાફ કી તોપ”ગેબી ગોલા”અને ગરીબ કી તોપ ફિલ્મો બનાવી. ૧૯૩૬ માં “કર્મવીર”અને ૧૯૩૯ માં “તકદીર કી તોપ’ ફિલ્મ રજૂ કરી. ૧૯૪૦ માં “વાહ બેટે”અને “ધનના ભગત” ચિત્રો બનાવ્યા. ૧૯૪૫ માં “ખુશ નસીબ” ફિલ્મ નું નિર્માણ કર્યું. શ્રી દેવકી બોઝ ના “રામાનુજ”ફિલ્મ માં “લંબકર્ણ ” નું પાત્ર ભજવ્યું. શાંતિ દેવતા અને અલીબાબા નાટક માં ભાગ ભજવ્યો અને ઘર કી નુમાઈશ ફિલ્મ બનાવી. ૧૯૫૪ માં “શ્રીમદ્ ભાગવત મહિમા”અને પ્રભુ કી માયા નામની ફિલ્મ બનાવી. ૧૯૫૧ માં રવીન્દ્રનાથ ટાગોરની લખેલ વાર્તા પર થી ફિલ્મ “ફુલવારી ” ઉતારી. મહાત્મા ગાંધીજી ના જીવનદર્શન વાળુ નાટક “શાંતિ દેવતા” એમણે રજૂ કર્યું. ૧૯૫૮ માં “સર્વોદય કલા મંડળ” ની સ્થાપના કરી ને તેના આશ્રયે “ઘરવાળી”અને “બેઘર” નાટકો રજૂ કર્યા. છેલ્લે છેલ્લે તેમણે દેવાનંદ ની ફિલ્મ “ગાઈડ” માં નાની ભૂમિકા ભજવી.
શ્રી. રજનીકુમાર પંડ્યાનો એક લેખ – દિવ્યભાસ્કરમાંથી …
ગાંધીજી જેવી મુખરેખાઓ ધરાવતા આ આ ભિનેતાને ગાંધીજી થવું હતું
થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં અવિનાશ વ્યાસની શોકસભા હતી. સભા પૂરી થઇ ત્યારે ભીડમાં એક સુપડકન્નાડોસા ડોસાને ડગુમગુ ડગુમગુ એક યુવતીના ખભે હાથ મૂકીને ચાલ્યા આવતા જોયા. ટોપી ન પહેરી હોય તો ફોટોફ્રૅમની બહાર નીકળીને, ગાંધીજી મનુબહેન ગાંધીને ખભે હાથ મૂકીને ચાલ્યા જતા હોય .
જો કે તે સુપડકન્ના ડોસા તે ગાંધીજી નહોતા. એ વખતે એંસી વરસના વિઠ્ઠલદાસ પાંચોટિયા હતા.કે જે એક જમાનામાં નાટકોના મશહુર અભિનેતા માસ્ટર વિઠ્ઠલ તરીક ઓળખાતા હતા. જે બહેનના ખભે હાથ હતો તે તેમનાં પુત્રી શ્રદ્ધા પાંચોટિયા હતાં.
આટલી જાણકારીને આધારે તે પછી મેં અમદાવાદમાં તેમની મુલાકાત લીધી ત્યારે વિઠ્ઠલદાસ પાંચોટિયા અને શ્રદ્ધા બેઉ ફર્શ ઉપર પોતાની ઢગલાબંધ તસવીરો, ઓપેરાબુક્સ અને છાપાનાં કટિંગો પાથરીને બેઠેલાં. પચાસ પેમ્ફલેટ નાટકનાં, તો બસો ચોપાનિયાં અને ફિલ્મોનાસ્ટીલ ફોટોગ્રાફસ .એમાં એક તો વળી ‘વિઠ્ઠલ મેજિકલ કંપની’ના નામનું ચોપાનિયું છેક 1927 ની સાલનું. અમદાવાદ ઘીકાંટાના ભારતભુવન થિયેટરમાં એમનો ખેલ. ઊંચામાં ઊંચી ટિકિટ એક રૂપિયો અને બે આનાની તથા ખાડામાં બેસીને જાદુના ખેલ જોવાના ત્રણ આના. ચોપાનિયાને મથાળે લખેલું :
“જોઈ લ્યો જાદુના ખેલ, ઉત્તમ ખરી આ તક મળી; જોવાને ચૂક્યા જો તમે, ખીલશે નહિ દિલની કળી.”
ને બીજું એક ચોપાનિયું છેક 1960 ની સાલનું. ને એમાં ‘સ્ત્રીશક્તિ’ નાટક માટે ભાંગવાડી થિયેટર, મુંબઈનું સરનામું. આ તરફ તસતસતા ચહેરાવાળા જુવાનજોધ માસ્ટર વિઠ્ઠલ, અને આ તરફ જોબનવંતા માયાદેવી. નાટક હિન્દી ભાષામાં. છેલ્લે લખેલું કે, ‘પછી એમ ન કહેશો કે અમે રહી ગયા.’
ત્યાં વળી કલકત્તાની માદન થિયેટર્સ કંપનીના ‘ગેબી ગોળા’ ફિલ્મના સાલ 1935 ના રંગીન ચોપાનિયા પર નજર પડી. એમાં એક નર્તકીએ બિકિનીમાં બાંકી અદા દાખવેલી. આ ઉપરાંત મીસ બેલ, નર્મદાશંકર, શીલા અને ખલીલ એહમદનાં ચિત્રો નીચે લખેલું કે, ‘જો આજ તક નહીં દેખા વો ગયબી ગોલે મેં દેખિયેં ઔર દેખિયે વિઠ્ઠલદાસ પાંચોટિયાકા ડબલ રોલ ઔર અખાડે કો ભી માત કરનેવાલે દિલકશ નાચગાન. લેખક એવં ડાયરેક્ટર વિઠ્ઠલદાસ પાંચોટિયા.’ એમણે કહેવા માંડ્યું“ અમે વડનગરનાં. 1906 માં મારો જન્મ. મારા બાપા હરજીવનદાસ પાંચોટિયા, નાટકનો ધંધો લઈને બેઠેલા, તે છેક કંપની લઈને મોરિશિયસ સુધી ખેલ નાખી આવતા. સાડાચાર ચોપડી ભણ્યો, ત્યાં બાપા ગુજરી ગયા. એટલે 1914 ની સાલથી, આઠ વર્ષની કાચી ઉંમરથી જ મોહનલાલાની નાટક કંપનીમાં જોડાઈ ગયેલો. પણ બહુ જલ્દી એ કંપની ડૂલ થઈ ગઈ. હું નોધારો થઈ ગયો.. તે વળી મુંબઈ તરફ નજર દોડાવી. ત્યાં પીલ-હાઉસ પર આવેલી ‘ઓલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપની’ એટલે કે ‘વિકટોરિયા થિયેટર’માં ઍકટર તરીકે જોડાયો.બરેલી, લખનૌ, અલીગઢ, કાનપુર, બુલંદશહેર, આગ્રા, દિલ્હી, જબલપુર ફર્યા. અરે. જમ્મુના મહારાજાએ કુંવરનાં લગ્ન વખતે અમારી આખી કંપની બોલાવેલી અને ત્યાં ‘અલાઉદ્દીન’ નામનું નાટક ભજવ્યું. પણ ત્યાંથી આવીને મેં એ કંપની છોડી દીધી. કારણ કે મારા બા મેનામા.એક વાર મારું નાટક જોવા આવેલાં. નાટકમાં તો મારે ડાન્સ પણ કરવાનો આવે.
બા એક રિહર્સલમાં હાજર અને ત્યાં એમણે જોયું કે ડાન્સના તાલમાં જરા પણ પગ ચૂકે એટલે ડાન્સ માસ્ટર ભોગીલાલ સટાક કરતી પગમાં નેતરની સોટી મને ફટકારે. બા તો આ જુએ, આંખમાંથી પીલુડાં પાડ્યે જાય. તરત ઊભાં થઈ ગયાં. “અલ્યા ભોગિયા, તારી આ હિંમત ?” કહીને ભોગીલાલને જ ગળચીથી પકડ્યો. માંડ એની ગળચી છૂટી ને સાથે મારી નોકરી પણ છૂટી. હું વડનગર ભેગો થઈ ગયો. પડોશી શિવલાલભાઈ મને એમની એમ્પાયર થિયટ્રિકલ કંપનીમાં રંગૂન લઈ ગયા. મારી બાએ શરત કરેલી કે આને કદિ મારવો તો નહિ જ. રંગૂનમાં ‘અસ્તરે હિંદ’ ઉર્દૂ નાટક અને ‘નરસિંહ મહેતા’ ‘કવિ કાળીદાસ’ જેવાં નાટકો ભજવ્યાં. પણ માનો જીવ ઝાલ્યો ન રહ્યો. છેક રંગૂન આવીને મને તેડી ગયાં. આ વાત 1916ની . એ વખતે હું માસ્ટર વિઠ્ઠલ તરીકે ઓળખાતો .1920 સુધી હું નકરો નાટકિયો રહ્યો. પણ પછી મને કલકત્તાના ‘માદન થિયેટર્સ લિમિટેડ’માં ચાન્સ મળી ગયો. હું કલકત્તા ગયો. એ કંપની નાટક ઉપરાંત મૂંગી ફિલ્મો પણ બનાવે. મારો પગાર રૂપિયા પાંત્રીસ, રહેવા-જમવાનું કંપની તરફથી. દિવસે ફિલ્મોમાં કામ કરું ને રાતે નાટકમાં ઊતરું. મહિનાનો મારો ખર્ચ સાત રૂપિયા. બાકીના રૂપિયા માને વતનમાં મોકલાવું. મૂંગી ફિલ્મોમ્નાં ય મઝા આવતી હતી. .‘ધ્રુવચરિત’માં નારદનો પાઠ, તો ‘જહાંગીર’ ફિલ્મમાં એક ભલા, નેકદિલ મુસલમાનનો પાઠ કર્યો હતો.
લોકપ્રિયતા વધતી ચાલી એટલે 1932 માં મારી પોતાની ‘ધી ન્યુ બોમ્બે થિયેટ્રિકલ કંપની’ કાઢીને ‘બલિદાન’ નાટક ભજવવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. રિહર્સલ પણ થઈ ગયું. ત્યાં રાતે ખેલ વખતે જ માદન થિયેટર્સવાળા મારા બે કલાકારોને ભગાડી ગયા. શું કરું ? એ બંને પાઠ વેશપલટા કરી કરીને મેં પોતે ભજવ્યા, છેવટે મુંબઈ આવીને ઍક્ટર રતનશા સિનોરવાળી રામદાસ શેઠની ‘પારસી ઈમ્પીરિયલ કંપની’માં જોડાયો અને એમાં ‘ગાફિલ મુસાફર,’ ‘શેર કાબુલ’ ‘નૂરે વતન,’ ‘નૂરે મેનાર’ જેવાં ભારે સફળ થયેલાં નાટકોમાં કર્યા. નાટક અને ફિલ્મ વચ્ચે સેન્ડવિચ થતો રહ્યો. કંપની ગોધરામાં નાટક કરતી હોય તો શો પતાવી રાતે પાછો ગાડીમાં અમદાવાદ આવીને ફિલ્મનું શૂટિંગ કરું.. આમ ને આમ મેં 1926 માં હિન્દી મૂંગી ફિલ્મ ‘રંગ રખ્ખા હૈ’ વડોદરામાં શૂટિંગ કરીને બનાવી.
હિન્દીની આ સૌથી પહેલી સળંગ કૉમેડી ફિલ્મ! . પછી 1931 સુધીમાં આઠ મૂંગી ફિલ્મો બનાવી. એમાં કામ પણ કર્યું અને એનું દિગ્દર્શન પણ કર્યું. એની સફળતા જોઈને કલકત્તાની માદન થિયેટ્રિકલ કંપનીએ મને પાછો માનપૂર્વક બોલાવ્યો અને એમના માટે મેં ભારતની પ્રથમ સળંગ બોલતી કૉમેડી ફિલ્મ ‘મુફલિસ આશક’ બનાવી. એમાં હીરોનો પાઠ ભજવવા ઉપરાંત કથા, પટકથા, સંવાદ, ઍકટિંગ, સંગીત અને ગીતો બધાં જ મારાં હતાં. ને છતાં ફિલ્મ સુપરહિટ ગઈ. આ પછી હું કલકત્તાની જ ફિલ્મ કંપની ‘લક્ષ્મી સ્ટુડિયો’માં જોડાયો અને એમાં ‘ઇન્સાફ કી તોપ’, ‘ગરીબ કી તોપ’ અને ‘તકદીર કી તોપ’ જેવી ફિલ્મો બનાવી અને એમાં રૉલ પણ અને દિગ્દર્શન કર્યા.”
પછી ભૂતકાળની વાતો કરતા જે થોડો થાક વરતાતો હતો તે વર્તમાનની વાત કરતા કરતા ઉડી ગયો…એ બોલ્યા: “ ગાંધીજીના છેક બાલ્યકાળથી અવસાન સુધીના ગાંધીજીના ચરિત્રનું ચિત્રણ કરતી ફિલ્મની યોજના બગલથેલામાં ભરાવીને હજુ હું ઠેર ઠેર ફરું છું..મારે રિચાર્ડ એટનબરોની જેમ કરોડો રૂપિયા,નહિ પણ થોડા લાખ જોઈએ છે. જિંદગીમાં આ એક ઝંખના છે”
આ વિઠ્ઠલદાસે ત્રણ ત્રણ જુવાન કંધોતર પુત્રોને કાંધ આપીને સ્મશાને મોકલ્યા. તેજસ્વી પુત્ર રાજેન્દ્ર બેતાલીસ વરસની વયે બ્રેઈન ટ્યુમરથી ગયો. એના પછી ત્રણ જ મહિને પુત્ર ભગવાનદાસને કિડનીની બીમારીમાં ખોયો. આ પહેલાં 1952 માં પુત્ર જયશંકરનું અકાળ અવસાન વિસનગરમાં થયું, ત્યારે વિઠ્ઠલદાસ પાસે મુંબઈથી વિસનગર પહોંચવાના રૂપિયાનાં ફાંફાં હતાં. લેખરાજ ભાખરીને વાર્તા સંભળાવીને એમની પાસેથી પચીસ રૂપિયા લઈને માંડ વિસનગર પહોંચ્યા હતા. 1960 ના દાયકામાં વિઠ્ઠલદાસ ગોરેગાંવના આરે રોડ પર ગોગરી નિવાસમાં રહેતા હતા ત્યારે શ્રીમદ ભાગવત મહાત્મ્ય પર તેમણે બનાવેલી ફિલ્મ “પ્રભુકી માયા”ના મફત શૉ પોતાની સોસાયટીના નિવાસીઓ માટે ગોઠવતા હતા તે હકીક્ત આજે પણ એક વયસ્ક વાચક મિત્ર લાભશંકર ઓઝાને યાદ છે.
“હવે” મારી મૂલાકાતના અંતે એ બોલ્યા હતા “ગાંધીસંગ્રામ” ફિલ્મની તૈયારી કરું છું. એના માટે જ જીવું છું. એના વિચારમાત્રથી આયુષ્ય લંબાયા કરે છે.બાકી તો પૈસા મળે એટલી જ વાર !”
પણ પૈસા કદિ ના મળ્યા, ફિલ્મ પૂરી તો ના થઈ,અરે, શરુ જ ના થઇ .પણ પાંચોટિયાજી પૂરા થઈ ગયા..થોડા સમય પહેલા શ્રદ્ધા પાંચોટિયા પણ મુંબઇમાં લોકલ ટ્રેનના અકસ્માતમા માર્યા ગયાં,તેમની પુત્રી દીપશીખા હવે ગુજરાતી ફિલ્મોની બહુ સારી હિરોઇન ગણાય છે.અને હવે તો ફિલ્મ નિર્દેશિકા-નિર્માત્રી બની ગયાં છે. તેમનાં માસી એટલે કે સ્વ, વિઠ્ઠલદાસનાં બીજાં પુત્રી જ્યોત્સ્નાબહેન વ્યાસ તો એક વિદુષી સન્નારી છે અને મુંબઇ વસે છે.તેઓ પી ડી લાયન્સ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સના વાઇસ પ્રિન્સિપાલ હતાં અને હાલ બોરિવલી એજ્યુકેશન સોસાયટીના માનદ સંયુક્ત મંત્રી છે, લેખક્સંપર્ક-ઇ મેલ-rajnikumarp@gmail.com બ્લૉગ-http:/zabkar9.blogspot.com
”તમે ગુજરાતી વિશે મહેણાં મારો છો, પણ લખી રાખજો કે, એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે તેમાં સર્વોપરી બને છે. અને તે વાત હું સાબિત કરીને બતાવીશ.”
– 1947, કલકત્તા, જાદુગરોના અધિવેશનમાં 22 વર્ષની ઉમ્મરે
વાચકોના પ્રતિભાવ