
“નાના લોકોમાં વિશાળ દિલ વધારે જોવા મળ્યા છે.”
– તેમના પુસ્તકમાંથી
જીવનમંત્ર
“ આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો મમતા બતાવી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીંથી ફરી નીકળવાનો નથી.” – થોપર કાર્લા
“ પ્રફુલ્લભાઇ – ઇન્દીરાબેન અનેક લોકોનાં મા-બાપ, દાદા, દાદી અને પૂજનીય છે.”
– સુરેશ શાહ – કુમાર : માર્ચ, 2002
“ ભારતની સામાન્ય પ્રજા સાથે પોતાના જીવનકાર્યને જોડનાર ડોક્ટર શુષ્ક બુદ્ધિવાદી બની ન શકે. પ્રફુલ્લભાઇ ઝવેરચંદ મેઘાણીની પરંપરાનું ખુલ્લાપણું ધરાવે છે…… ગ્રામવિસ્તારમાં કામ કરવાનું સાહસ ધરાવતા નવી પેઢીના ડોક્ટરો આવાં પુસ્તકો વાંચીને પોતાની આચારસંહિતા ઘડી શકે.”
– રઘુવીર ચૌધરી
“ માનવી જો મળી જાય તો બીજું શું જોઇએ?
દાતાર હો કે દાસ, મને સહુ પસંદ છે,”
– રુસ્વા મઝલૂમીની તેમને અંજલી
# સત્યકથાઓ : – 1 – : – 2 –
# ઇન્દીરાબેન વિશે એક સરસ લેખ
_____________________________________________________________

આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
જન્મ
30, સપ્ટેમ્બર- 1932; લીંબડી
કુટુમ્બ
પિતા – શાંતિલાલ ગીરધરલાલ ; ભાઇઓ – હસમુખ, દિલીપ; બહેનો – બે
પત્ની– ઇંદીરાબેન ( તે પણ સેવાના ભેખધારી) ; પુત્રો – રાજ, સંજય, વિવેક ; પુત્રી – સ્વ. સોનલ
અભ્યાસ
1958 – એમ.બી.બી.એસ. ( વડોદરા)
વ્યવસાય
પ્રારંભમાં છ સાર્વજનિક દવાખાનામાં કામ કર્યું
32 વર્ષની ઉમ્મરે સાવરકુંડલામાં ખાનગી દવાખાનું શરુ કર્યું

તેમના વિશે વિશેષ
ગાંધીવાદી પિતાના ઉચ્ચ સંસ્કારોનો વારસો સાચવ્યો છે. પિતાને પ્રથમ વર્ગની ટિકીટ કરાવી આપી હતી તે રદ કરાવી તેમને ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવાનું મુનાસીબ માન્યું હતું. પિતાએ આરઝી હકૂમતમાં ચૂડા રાજ્યના વહીવટદાર તરીકે કામ કર્યું હતું. કદી અંગત કામ માટે સરકારી સાધનસામગ્રી કે વાહન ન વાપરતા.
27 વર્ષની ઉમ્મરે માનવસેવાનો મંત્ર આત્મસાત્ કરી અનેકો માટે સેવાપરાયણ ડોક્ટર બની રહ્યા.
દીકરી સોનલ અભ્યાસ કરતી ત્યારથીજ કરૂણામૂર્તિ હતી. કોઇનું દુઃખ જોઇ ન શકે. પછાત વિસ્તારોમાં અને માછીમારોની વસ્તીમાં બાળકોની સેવા કરવા પહોંચી જાય. ( 24 વર્ષની ઉમ્મરે જીપ અકસ્માતમાં મૃત્યુ) . તેની યાદમાં ‘સોનલ ફાઉન્ડેશન’ની સ્થાપના.
વ્યવસાયની સાથે બાળ પુસ્તકાલય, ક્ષય-નિવારણ, વૃક્ષ ઉછેર, કલા અને હુન્નરની તાલીમ આપતી અનેક પ્રવૃત્તિઓ
તેમના પુસ્તકમાં નાના માણસની, માનવતા મહોરી ઉઠે તેવી અનેક સત્યકથાઓ છે.
ખાટકી અને વાઘરી જાતિઓના ઉત્કર્ષ માટે અથાક અને નિસ્વાર્થ પ્રયત્નો કરેલા છે. આવા સાવ સામાન્ય લોકોની વિનામૂલ્યે સેવા કરતાં, તે લોકો છાનામાના શાકભાજી જેવી નાની નાની વસ્તુઓ આભારના પ્રતીક રૂપે મુકી જતા.
એક વાર ડોક્ટર માંદા પડ્યા ત્યારે દરદીઓએ તેઓ સાજા થઇ જાય તે માટે બાધા આખડીઓ રાખેલી. તે વખતે ડોક્ટરે બૌધ્ધિક વિશ્લેષણ કરવાને બદલે ‘મારાં દર્દીઓની દુઆ અને માનતા ફળી’ એમ તેમનો ઋણસ્વીકાર કરેલો.
સાર્વજનિક છાત્રાલયનું સંચાલન પણ સંભાળે છે.
‘અખંડ આનંદ’ માં તેમની સત્યકથાઓ પ્રકાશિત થતી રહે છે.
એક સાજા થયેલા દરદીએ રામદેવ પીરની બાધા ઉતારવા ડોક્ટરને સાથે લઇ જવાની હઠ પકડેલી અને ડોકટર પોતાની અંગત માન્યતાઓ બાજુએ મુકી ગયેલા પણ ખરા! ( ‘આ ભોળિયા જીવોને હું શું કહું? ઇશ્વરને પ્રાર્થના કરી કે, આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ટકી રહે એવું કરજે !” )
શોખ
ટેનિસ, કવિતા, ગરબા, ગાર્ડનીંગ, પક્ષીઓળખ
પ્રદાન
ઇન્દીરાબેને 2100 બહેનોને સીવણ શીખવાડી, 350ને સીવણ મશીનો આપી પગભર કરી.
પોલીયો અને રક્તપિત્ત નિવારણ માટે રક્તપિત્ત કેન્દ્ર- 214 થી વધુ દરદીઓને સમ્પૂર્ણ સારા કર્યા, અને પુનર્વસિત કર્યા
891 ક્ષયના દરદીઓની વિનામૂલ્યે સારવાર.
કેન્સર નિદાન-કેન્દ્ર શરુ કર્યું
1997 – સાવરકુડલામાં પિતાના સ્મરણાર્થે બાળ –પુસ્તકાલય, તેમાં બાળકોને ઉત્સાહિત કરવા દર વર્ષે સૌથી વધુ પુસ્તકો વાંચનારને ઇનામ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન વિ. અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.
ઉચ્ચ સિક્ષણ માટે સહાય
પૂનામાં અનેક ગુલમહોરનાં વૃક્ષો જોઇ સાવરકુંડલાની આજુબાજુના ગામોમાં હરિયાળી કરાવી- 1 લાખ રોપાઓનું વિતરણ અને માવજત.
કચ્છમાં ધરતીકંપ પછી રાહતકાર્ય અને મકાનો બાંધવામાં મદદ.
રચનાઓ
‘મનેખ નાનું, મન મોટું’ ( સ્વાનુભવની સત્યકથાઓ)
રક્તપિત્ત, ડાયાબીટીસ, વૃક્ષ- છોડમાં રણછોડ જેવી પરિચય પુસ્તિકાઓ
સન્માન
અશોક ગોંદિયા એવોર્ડ
સાભાર
- શ્રી. વિજયભાઇ શાહ – હ્યુસ્ટન
- શ્રી. ગોપાળ પારેખ
———————————————————————————–
તેમના પિતા શ્રી. શાંતિલાલ શાહની શીખ
“ ભલે તમે સંધ્યા કરો, સંયમ સાધો, ધોળાં વસ્ત્રો પહેરો, વ્રત લ્યો કે મંદિરમાં નિયમિત દર્શન કરવા જાઓ , જાત્રા કરવા જાઓ, સંતસેવા, સત્સમાગમ કે ભક્તિ આદરો; પણ જ્યાં સુધી જીવન ઉચ્ચ અને નીતિમય બનાવ્યું નથી, અસત્યનો ત્યાગ કરીને સત્યનું પાલન કરવાનું વ્રત લીધું નથી ત્યાં સુધી ઇશ્વર દૂર જ છે…. પરોપકારવૃત્તિ રાખવી. દુઃખીનાં દુઃખ દૂર કરવા બનતું તો કરજો જ.”
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ