ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: દિગ્દર્શક

ગિરીશ નાકર , Girsish Nakar


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

શ્રી ગીરીશભાઈ એમ નાકર નો જન્મ ૧૭/૧૨/૧૯૩૯ ના રોજ સોડલસા જિ.જામનગર માં થયો હતો. બી. એ.એલ .એલ.બી. અને વર્ધા ની કોવિદ ઉપાધિ મેળવી હતી. ચૌદ વર્ષ ની ઉંમરે ‘ દગાબાજ દુનિયા નામ નું નાટક લખી ને મિત્રોના સહકાર થી પડદા બાંધી ને ભજવ્યું..૧૯૬૨ માં ‘મૉડર્ન કલ્ચરલ એસોસિયેશન ‘ ની સ્થાપના કરી અને ” તમે મારા વર છો ” નામનું નાટક લખી ને ભજવ્યું. ૧૯૬૫ માં ” રાતે વહેલા આવજો” નાટક લખ્યું. બાદ ‘ પ્રીત પિયુ ને પોપટલાલ ‘ જે અનેક નામે ભજવાયું. જે.એમ.શાહ ના સહકાર થી ‘ રાજ – જ્યોતિ થીયેટર્સ ‘ ની સ્થાપના કરી અને પોતે લખેલું નાટક ‘ છૂટો છેડો છાયલ નો ‘ તે સંસ્થા ના આશ્રયે ભજવ્યું. ૧૯૬૯ માં ‘ સત ના પારખાં ‘ લખ્યું. ” મારે નથી પરણવું , ઈશ્વરે ઘર બદલ્યું , મોટા ઘર ની વહુ , કવિ દયારામ , એક ને ટકોરે , તમે મારા વર છો , અને જીવન ઝંઝાવાત માં કામ કર્યું. વ્યવસાયે તેઓ વકીલાત કરતા હતા.

કેશવલાલ નાયક, Keshavlal Naik


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

પ્રખ્યાત હાસ્ય નટ શ્રી કેશવલાલ પ્રેમચંદ નાયક નો જન્મ મહેસાણા જિલ્લા ના ઊંઢાઈ ગામે  ૧૯૦૫ માં થયો હતો. નાયક કોમ એટલે કળા નો વારસો. સને ૧૯૧૫ થી એમણે અભિનય આપવા ની શરૂઆત કરી. પ્રથમ તેઓ ” મોરબી આર્ય સુબોધ નાટક મંડળી” માં જોડાયા.તેમાં તેમણે ‘બુધ્ધદેવ ‘

નાટક માં કામ કર્યું.આ નાટક મુંબઇ ની ભાંગવાડી (પ્રિન્સેસ થીએટર)માં ભજવાયું. ત્રણ વર્ષ બાદ તેઓ  “વાંકાનેર કંપની “માં જોડાયા. ત્યાર બાદ તેમણે ગુજરાતી નાટક મંડળી માં ‘ મધુ બંસરી ‘ માં દુલારી ની ભૂમિકા ભજવી.’ સૌભાગ્ય સુંદરી ‘માં સુંદરી ની ભૂમિકા પણ ભજવી હતી.

આ રીતે એમણે અનેક ભૂમિકા ઓ ભજવ્યા બાદ વીસ વર્ષ ની વયે ખલ નાયક ની ભૂમિકા ભજવવા લાગ્યા. વીસ વર્ષ સુધી એકધારી કામગીરી બાદ તેઓ ‘ આર્ય નૈતિક નાટક કંપની ‘ માં જોડાયા અને હાસ્યનટ તરીકે ની જવાબદારી સ્વીકારી.ત્યાં બાર વર્ષ સુધી કામ કર્યા બાદ તેઓ ” દેશી નાટક સમાજ” માં જોડાયા.ત્યાં પહેલા નાટક ‘ સામેપાર ‘ માં રામા પટેલ ની ભૂમિકા ભજવી.ત્યાર બાદ હાસ્ય નટ તરીકે ને ભૂમિકા ઓ ભજવવા નું તેમણે જારી રાખ્યું. સ્વ.જયશંકર સુંદરી ની ખોટ તેમણે જણાવા દીધી નહોતી.

કચરાલાલ શિવલાલ નાયક, Kacharalal Naik


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

તેમનો જન્મ ૧૯૨૦ માં ઉત્તર ગુજરાત ના મહેસાણા તાલુકા ના આખજ ગામે થયો હતો. એમના કુટુંબ નો ધંધો જ રંગભૂમિ ના ક્ષેત્ર માં કાર્ય કરવા નો હોવા થી , નાનપણ થી જ એટલે કે આઠ વર્ષ ની ઉંમરે જ એમણે રંગભૂમિ માં ઝંપલાવ્યું.  પ્રથમ તેઓ ઓ ‘ મુંબઇ ગુજરાતી નાટક મંડળી ‘ માં જોડાયા બાદ’ વિદ્યા વિનોદ ‘ ‘ વિજય નોતમ ‘ ‘ દેશી નાટક સમાજ ” દુર્ગાદાસ નાટક સમાજ ‘ ‘ નવીન સરોજ સમાજ ‘ વગેરે માં તેમણે કામ કર્યું . છેવટે તેઓ ‘ દેશી નાટક સમાજ ‘ માં જોડાયા અને ત્યાં જ સ્થાયી થયા. આ સમાજ માં દિગ્દર્શક ની જવાબદારી તેમણે ઉપાડી લીધી.

ઉપરાંત તેમણે બીજી કેટલીક કંપની ઓ માં પણ દિગ્દર્શન કરેલ છે. પ્રકાશ પિકચર્સ વાળા શ્રી વિજય ભટ્ટ ના ‘ લાખો ફુલાણી ‘ નાટક નું દિગ્દર્શન તેમણે કરેલું.’ માલતી માધવ ‘ માં નાનકડી નાજુક નાર, ‘ સંતાનો ના વાંકે ‘ માં ધનવંત રાય ‘ સર્વોદય ‘ માં શ્યામલાલ ,અને ‘ વડીલો ના વાંકે’ માં ગોપાલ શેઠ ની ભૂમિકાઓ કરી. ” માલતી માધવ ” માં એમની સ્ત્રી ભૂમિકા થી  અંજાઈ ને  મર્હુમ શેઠ શ્રી ચુનીભાઈ માધવલાલે એમને મખમલ નો પોષાક ભેટ આપ્યો હતો.

પોતે સારા કલાકાર અને દિગ્દર્શક હોઈ  તેમણે કાયમ માટે ” દેશી નાટક સમાજ ” માં દિગ્દર્શક ની ભૂમિકા અદા કરી હતી.

ઉત્તમલક્ષ્મી શાહ, Uttamalaxmi Shah


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

શ્રી દેશી નાટક સમાજનું ૨૬ વર્ષ થી સફળતાપૂર્વક સુકાન સાચવનાર તરીકે શ્રીમતી ઉત્તમલક્ષ્મી બહેનનું નામ ,ગુજરાતી રંગભૂમિના ઇતિહાસ માં એક વિક્રમ સર્જક તરીકે હંમેશા ઉલ્લેખપાત્ર રહેશે. એમના પતિ શ્રી હરગોવિંદ દાસ જેઠાલાલ શાહ જેઓ ૧૯૨૪ થી પોતાના અવસાન પર્યંત ઍટલે કે ૧૯૩૮ પર્યંત સમાજના માલિક હતા. તેમના પાછળ સમાજના વહીવટનું સૂત્ર ઉત્તમલક્ષ્મી બહેને પોતાના હાથમાં લીધું અને સાંભળ્યું.

તેમણે સમાજની માલિકી તેમના પતિના હસ્તક આવી ત્યારથી તેની વ્યવસ્થામાં રસ લેવા માંડ્યો હતો અને સંચાલન સંબંધી સારો અનુભવ મેળવ્યો હતો. પતિના અવસાન પછી તો તેમને માટે એક માત્ર જીવન ધ્યેય ” સમાજ ” જ બની રહ્યું.

એને ઉપક્રમે એમણે એક પછી એક સુંદર, શિષ્ટ,હેતુલક્ષી,સમાજોપયોગી નાટકો રજૂ કરવા માંડ્યા. એમણે  રજૂ કરેલા નાટ્યકારો માં સર્વશ્રી પ્રભુલાલ દ્વિવેદી, જી. એ. વેરાટી ,પ્રફુલ્લ દેસાઈ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, જીવણ લાલ બ્રહ્મભટ્ટ, રમણલાલ,નંદલાલ નકુભાઇ શાહ, કવિ શ્રી મણીલાલ ‘પાગલ ‘ વગેરે નોંધપાત્ર છે. આ લેખકો દ્વારા રજૂ થયેલા નાટકો શત પ્રયોગો ની સીમા વટાવી ગયા છે. આમ આજે પશ્ચિમ ભારત માં આ સંસ્થા એક અગ્રગણ્ય વ્યવસાયી નાટ્ય સંસ્થા તરીકે અડીખમ ઊભી હતી. પોતે સ્વતંત્ર માલિક થયા પછી કેટલીક સંસ્થા ઓ ને , રેલ કે દુષ્કાળ જેવા સંકટ સમયે નાટકો દ્વારા ઉદારતા થી મદદ કરેલી. પોતાના ગામ નાગેશ્રી માં સ્વ હરગોવિંદ દાસ ભાઈ ની સ્મૃતિ માં પોતાનું મકાન અને રોકડ રકમ આપી ને એક કન્યા શાળા સ્થાપી છે.

એક ગુર્જર સન્નારી ની નાટક કંપની ના માલિક તરીકે ની આ યશસ્વી કારકિર્દી પ્રશંશનીય ગણાય.

ચાંપસી ભાઈ નાગડા, Champashi Nagda


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

“બાપુ” ના નામે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા શ્રી ચાંપસી ભાઈ ભારમલ  નાગડા નો જન્મ ૨૨/૧૧/૧૯૨૦ કચ્છ રાપર માં થયો હતો. અભ્યાસ સાતમી સુધી,પણ શાળા છોડતી વખતે એમણે બે ભિન્ન ભૂમિકા ઓ ભજવી એક યુધિષ્ઠિર ની અને બીજી ગામડા ના માસ્તર ની.

એમણે “જોગીદાસ ખુમાણ” અને “મુળુ માણેક”જેવા સફળ ગુજરાતી ચિત્રો બનાવ્યા. પ્રકાશ પિકચર્સ ના ‘ ભક્ત સુરદાસમાં નગરશેઠ,'”જમાઈરાજ “માં પિતા અને “કહ્યાગરા કંથ” માં ભૂમિકાઓ કરી.”મળેલા જીવ” નામે ચિત્ર તૈયાર કર્યું. “પુનરાવર્તન” નાટક માં પ્રો. સત્યમૂર્તી ની ભૂમિકા , વાણી ની ગંભીરતા અને મર્યાદિત હલન ચલન સાથે ભજવી હતી.”અલ્લાબેલી”માં મૂળવાની ભૂમિકા ભજવી ને ગુજરાતી રંગભૂમિ ને સજીવન બનાવી દીધી. ઇન્સ્પેક્ટર સાહેબ માં અનંતરાય,દુનિયા શું કહેશે માં સામ્યવાદી પિતા ,સાષ્ટાંગ નમસ્કાર માં ખેલદિલ શિકારી,સમય ના વહેણ માં ધરમદાસ , પરણ્યા પહેલા માં ગામડિયા પિતા,ભાડૂતી પતિ માં મણિશંકર,નાગાબાવા માં ઘમંડી મહંત,”સુમંગલા” માં સુજ્ઞ રાય ની ભૂમિકા માટે દેવકરણ નાનજી નું પ્રથમ પારિતોષિક મળેલું.

તેરસિંહ ઉદેશી, Tersinh Udeshi


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

“સો ટચ નું સોનું”ના જાણીતા લેખક શ્રી તેરસિંહ નો જન્મ ૧૭ મે ૧૯૧૬ ના રોજ મુંબઈ માં થયેલો.મૂળ વતન કચ્છ. સ્વભાવે મિલનસાર છતાં સ્વાભિમાની સારા લેખક અને અભિનયકાર હતા.નાનપણ થી જ એમને લેખન અને અભિનય નો શોખ.

“બંકીમચંદ્ર” નાટક માં એમણે અછૂત બાળક ની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે ભજવેલી.એમની કારકિર્દી “ગ્રામોફોન રેકોર્ડ” અને “ઓલ ઇન્ડિયા રેડિયો ” થી શરૂ થઈ ત્યારે તેઓ માસ્તર શંભુના નામે નામી કલાકાર હતા. પણ ધીરે ધીરે તેઓ રંગભૂમિ તરફ આગળ વધ્યા.રંગભૂમિ ના મહાન કલાધરિત્રી શ્રી હીરા બાઈ એમને સારા કલાકાર તરીકે બહાર લાવ્યા.

એમણે લખેલું નાટક “જાગૃતિ”માં મુખ્ય પાત્ર એમણે સારીરીતે ભજેવેલું.”શરાબી”નાટક પણ એમનું જ લખેલું હતુ. તેમણે “નવયુગ નાટક સમાજ”માં પોતાનું નાટક ” મૃગજળ” માં મુખ્ય  ભૂમિકા ભજવી જે નાટક માં પ્રસિદ્ધ અભિનેત્રી સંધ્યા,કૃષ્ણરાવ ચોનકર,શ્રી અશરફખાન ,અબ્દુલ રહેમાન કાબુલી,પ્રાણસુખ (એડીપોલો),લલ્લુભાઈ કોમિક વગેરે કલાકારો નો સાથ હતો.

કહેવાય છે કે એમની નાટક કંપની જ્યાં જતી ત્યાં સિનેમા ગૃહો ને અસર થતી.”દિલ્હી દરબાર” ૧૯૫૫ માં કચકડે મઢાઈ હતી.એક અબળા માં “બિહારી” સજ્જન કોણ માં “કિરીટ”હંસા કુમારી માં “અરવિંદ”અને મૃગજળ માં “વિનાયક” તરીકે ખુબ જ સરસ અભિનય આપ્યો હતો. ૧૯૬૩ માં “સો ટચ નું સોનુ”ભજવવા ની શરૂઆત કરી.તેમાં મુખ્ય અભિનેત્રી તરીકે “બિંદુ”ના પાત્ર માં રાધિકા રાણી ને લીધા.આ નાટક માં ભાઈ એ બેવડી ભૂમિકા પણ ભજવી દા. ત છગનલાલ અને પોપટલાલ.છગનલાલ અને મોહન,

૧૯૬૫ માં “છોગાળા છગનલાલ નો વરઘોડો” નામ નું  ગુજરાતી ચિત્ર બનાવ્યું.પછી એમણે હીરા માણેક નાટક લખ્યું અને એમાં ” માણેક”ની મુખ્ય ભૂમિકા ભજવી .

૧૯૬૭ માં “સો ટચ નું સોનું “ઉર્દૂ માં રૂપાંતર કરાવ્યું અને નામ રાખ્યું “શરિકે હયાત” તેમાં તેમણે”સલીમ” અને “બુલ બુલ” એમ બેવડી ભૂમિકા ભજવી.

કચ્છ માંડવી ના પ્રવાસ માં લેખક તરીકે અને કલાકાર તરીકે શંભુભાઈ એમ એમણે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.

વિઠ્ઠલદાસ પાંચોટિયા, Vithaldas Panchotia


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

સંગીતકાર,નૃત્યકાર અને જાદુગર શ્રી વિઠ્ઠલદાસ હરજીવનદાસ પાંચોટિયા નો જન્મ સને ૧૯૦૪ માં વડનગર માં થયો હતો. તેમના પિતા એક નાટક કંપની ચલાવતા હતા એ કારણે એમને નાટક નો નાદ લાગ્યો હતો.
૧૯૧૪ માં તેઓ કરાંચી માં મોહનલાલ ની નાટક કંપની માં જોડાયા.ત્યાં બિલ્વમંગલ અને કબિરકમાલ નામના નાટકો માં ભાગ લીધો.આ કંપની બંધ થયા બાદ તેઓ મુંબઇ માં પ્લે હાઉસ પર આવેલી ” વિક્ટોરિયા થીએટર”માં ચાલતી “ઘી ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની “માં જોડાયા અને ત્યાં તેમણે નૃત્ય માસ્તર ભોગીલાલ નાયક ના હાથ નીચે નૃત્ય ની તાલીમ લીધી.
તે પછી ૧૯૧૭ માં રંગૂન માં એમ્પાયર થીએટ્રિકલ કંપની માં જોડાયા.ત્યાં સંગીત દિગ્દર્શક નાગરદાસ નાયક પાસે સંગીત ની તાલીમ લઈ ને ત્યાં સંગીત શાળા ચલાવી.
૧૯૨૦ થી જ એમણે મૂંગી ફિલ્મો માં અભિનય આપવા માંડ્યો હતો.
પ્રોફેસર શર્મા પાસે જાદુ ની કળા શીખી ને જાદુ ના પ્રયોગો પણ કર્યા હતા.
લૈલા મજનું, ચંદ્રહાસ અને પતિ-ભક્તિ માં અભિનય આપી ને એમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.પોતે લખેલા  નાટકો  “બલિદાન” “ગોરક્ષા”રાક્ષશી  રમા” અને ઘરવાળી ભજવ્યા..૧૯૨૬ માં કૉમેડી ફિલ્મ”રંગ રાખ્યો”એમણે બનાવી.પોતેજ લખેલ,દિગ્દર્શક કરેલ અને મુખ્ય પાત્ર ભજવેલ “નસીબ ના નખરા” ફિલ્મ રજૂ કરી.ગેબી સવાર અને સખી લુટેરા અને કાયા પલટ ફિલ્મો બનાવી.

બોલતી ફિલ્મો નો યુગ શરૂ થયો ત્યારે કલકત્તા જઈને “મુફલિસ આશિક”નામનું જે ચિત્ર બનાવ્યું તે બોલતી ફિલ્મ ના યુગ માં કોમેડી તરીકે પહેલી ફિલ્મ હતી.૧૯૩૪ માં “ઇન્સાફ કી તોપ”ગેબી ગોલા”અને ગરીબ કી તોપ ફિલ્મો બનાવી. ૧૯૩૬ માં “કર્મવીર”અને ૧૯૩૯ માં “તકદીર કી તોપ’ ફિલ્મ રજૂ કરી. ૧૯૪૦ માં “વાહ બેટે”અને “ધનના ભગત” ચિત્રો બનાવ્યા. ૧૯૪૫ માં “ખુશ નસીબ” ફિલ્મ નું નિર્માણ કર્યું. શ્રી દેવકી બોઝ ના “રામાનુજ”ફિલ્મ માં “લંબકર્ણ ” નું પાત્ર ભજવ્યું. શાંતિ દેવતા અને અલીબાબા  નાટક માં ભાગ ભજવ્યો અને ઘર કી નુમાઈશ ફિલ્મ બનાવી.
૧૯૫૪ માં “શ્રીમદ્ ભાગવત મહિમા”અને પ્રભુ કી માયા નામની ફિલ્મ બનાવી. ૧૯૫૧ માં રવીન્દ્રનાથ ટાગોરની લખેલ વાર્તા પર થી ફિલ્મ “ફુલવારી ” ઉતારી. મહાત્મા ગાંધીજી ના જીવનદર્શન વાળુ નાટક “શાંતિ દેવતા” એમણે રજૂ કર્યું.
૧૯૫૮ માં “સર્વોદય કલા મંડળ” ની સ્થાપના કરી ને તેના આશ્રયે “ઘરવાળી”અને “બેઘર” નાટકો રજૂ કર્યા. છેલ્લે છેલ્લે તેમણે દેવાનંદ ની ફિલ્મ “ગાઈડ” માં નાની ભૂમિકા ભજવી.

શ્રી. રજનીકુમાર પંડ્યાનો એક લેખ – દિવ્યભાસ્કરમાંથી …

ગાંધીજી જેવી મુખરેખાઓ ધરાવતા આ આ ભિનેતાને ગાંધીજી થવું હતું

થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં અવિનાશ વ્યાસની શોકસભા હતી. સભા પૂરી થઇ ત્યારે ભીડમાં એક સુપડકન્નાડોસા ડોસાને ડગુમગુ ડગુમગુ એક યુવતીના ખભે હાથ મૂકીને ચાલ્યા આવતા જોયા. ટોપી ન પહેરી હોય તો ફોટોફ્રૅમની બહાર નીકળીને, ગાંધીજી મનુબહેન ગાંધીને ખભે હાથ મૂકીને ચાલ્યા જતા હોય .

જો કે તે સુપડકન્ના ડોસા તે ગાંધીજી નહોતા. એ વખતે એંસી વરસના વિઠ્ઠલદાસ પાંચોટિયા હતા.કે જે એક જમાનામાં નાટકોના મશહુર અભિનેતા માસ્ટર વિઠ્ઠલ તરીક ઓળખાતા હતા. જે બહેનના ખભે હાથ હતો તે તેમનાં પુત્રી શ્રદ્ધા પાંચોટિયા હતાં.

આટલી જાણકારીને આધારે તે પછી મેં અમદાવાદમાં તેમની મુલાકાત લીધી ત્યારે વિઠ્ઠલદાસ પાંચોટિયા અને શ્રદ્ધા બેઉ ફર્શ ઉપર પોતાની ઢગલાબંધ તસવીરો, ઓપેરાબુક્સ અને છાપાનાં કટિંગો પાથરીને બેઠેલાં. પચાસ પેમ્ફલેટ નાટકનાં, તો બસો ચોપાનિયાં અને ફિલ્મોનાસ્ટીલ ફોટોગ્રાફસ .એમાં એક તો વળી ‘વિઠ્ઠલ મેજિકલ કંપની’ના નામનું ચોપાનિયું છેક 1927 ની સાલનું. અમદાવાદ ઘીકાંટાના ભારતભુવન થિયેટરમાં એમનો ખેલ. ઊંચામાં ઊંચી ટિકિટ એક રૂપિયો અને બે આનાની તથા ખાડામાં બેસીને જાદુના ખેલ જોવાના ત્રણ આના. ચોપાનિયાને મથાળે લખેલું :

“જોઈ લ્યો જાદુના ખેલ, ઉત્તમ ખરી આ તક મળી; જોવાને ચૂક્યા જો તમે, ખીલશે નહિ દિલની કળી.”

ને બીજું એક ચોપાનિયું છેક 1960 ની સાલનું. ને એમાં ‘સ્ત્રીશક્તિ’ નાટક માટે ભાંગવાડી થિયેટર, મુંબઈનું સરનામું. આ તરફ તસતસતા ચહેરાવાળા જુવાનજોધ માસ્ટર વિઠ્ઠલ, અને આ તરફ જોબનવંતા માયાદેવી. નાટક હિન્દી ભાષામાં. છેલ્લે લખેલું કે, ‘પછી એમ ન કહેશો કે અમે રહી ગયા.’

ત્યાં વળી કલકત્તાની માદન થિયેટર્સ કંપનીના ‘ગેબી ગોળા’ ફિલ્મના સાલ 1935 ના રંગીન ચોપાનિયા પર નજર પડી. એમાં એક નર્તકીએ બિકિનીમાં બાંકી અદા દાખવેલી. આ ઉપરાંત મીસ બેલ, નર્મદાશંકર, શીલા અને ખલીલ એહમદનાં ચિત્રો નીચે લખેલું કે, ‘જો આજ તક નહીં દેખા વો ગયબી ગોલે મેં દેખિયેં ઔર દેખિયે વિઠ્ઠલદાસ પાંચોટિયાકા ડબલ રોલ ઔર અખાડે કો ભી માત કરનેવાલે દિલકશ નાચગાન. લેખક એવં ડાયરેક્ટર વિઠ્ઠલદાસ પાંચોટિયા.’ એમણે કહેવા માંડ્યું“ અમે વડનગરનાં. 1906 માં મારો જન્મ. મારા બાપા હરજીવનદાસ પાંચોટિયા, નાટકનો ધંધો લઈને બેઠેલા, તે છેક કંપની લઈને મોરિશિયસ સુધી ખેલ નાખી આવતા. સાડાચાર ચોપડી ભણ્યો, ત્યાં બાપા ગુજરી ગયા. એટલે 1914 ની સાલથી, આઠ વર્ષની કાચી ઉંમરથી જ મોહનલાલાની નાટક કંપનીમાં જોડાઈ ગયેલો. પણ બહુ જલ્દી એ કંપની ડૂલ થઈ ગઈ. હું નોધારો થઈ ગયો.. તે વળી મુંબઈ તરફ નજર દોડાવી. ત્યાં પીલ-હાઉસ પર આવેલી ‘ઓલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપની’ એટલે કે ‘વિકટોરિયા થિયેટર’માં ઍકટર તરીકે જોડાયો.બરેલી, લખનૌ, અલીગઢ, કાનપુર, બુલંદશહેર, આગ્રા, દિલ્હી, જબલપુર ફર્યા. અરે. જમ્મુના મહારાજાએ કુંવરનાં લગ્ન વખતે અમારી આખી કંપની બોલાવેલી અને ત્યાં ‘અલાઉદ્દીન’ નામનું નાટક ભજવ્યું. પણ ત્યાંથી આવીને મેં એ કંપની છોડી દીધી. કારણ કે મારા બા મેનામા.એક વાર મારું નાટક જોવા આવેલાં. નાટકમાં તો મારે ડાન્સ પણ કરવાનો આવે.

બા એક રિહર્સલમાં હાજર અને ત્યાં એમણે જોયું કે ડાન્સના તાલમાં જરા પણ પગ ચૂકે એટલે ડાન્સ માસ્ટર ભોગીલાલ સટાક કરતી પગમાં નેતરની સોટી મને ફટકારે. બા તો આ જુએ, આંખમાંથી પીલુડાં પાડ્યે જાય. તરત ઊભાં થઈ ગયાં. “અલ્યા ભોગિયા, તારી આ હિંમત ?” કહીને ભોગીલાલને જ ગળચીથી પકડ્યો. માંડ એની ગળચી છૂટી ને સાથે મારી નોકરી પણ છૂટી. હું વડનગર ભેગો થઈ ગયો. પડોશી શિવલાલભાઈ મને એમની એમ્પાયર થિયટ્રિકલ કંપનીમાં રંગૂન લઈ ગયા. મારી બાએ શરત કરેલી કે આને કદિ મારવો તો નહિ જ. રંગૂનમાં ‘અસ્તરે હિંદ’ ઉર્દૂ નાટક અને ‘નરસિંહ મહેતા’ ‘કવિ કાળીદાસ’ જેવાં નાટકો ભજવ્યાં. પણ માનો જીવ ઝાલ્યો ન રહ્યો. છેક રંગૂન આવીને મને તેડી ગયાં. આ વાત 1916ની . એ વખતે હું માસ્ટર વિઠ્ઠલ તરીકે ઓળખાતો .1920 સુધી હું નકરો નાટકિયો રહ્યો. પણ પછી મને કલકત્તાના ‘માદન થિયેટર્સ લિમિટેડ’માં ચાન્સ મળી ગયો. હું કલકત્તા ગયો. એ કંપની નાટક ઉપરાંત મૂંગી ફિલ્મો પણ બનાવે. મારો પગાર રૂપિયા પાંત્રીસ, રહેવા-જમવાનું કંપની તરફથી. દિવસે ફિલ્મોમાં કામ કરું ને રાતે નાટકમાં ઊતરું. મહિનાનો મારો ખર્ચ સાત રૂપિયા. બાકીના રૂપિયા માને વતનમાં મોકલાવું. મૂંગી ફિલ્મોમ્નાં ય મઝા આવતી હતી. .‘ધ્રુવચરિત’માં નારદનો પાઠ, તો ‘જહાંગીર’ ફિલ્મમાં એક ભલા, નેકદિલ મુસલમાનનો પાઠ કર્યો હતો.

લોકપ્રિયતા વધતી ચાલી એટલે 1932 માં મારી પોતાની ‘ધી ન્યુ બોમ્બે થિયેટ્રિકલ કંપની’ કાઢીને ‘બલિદાન’ નાટક ભજવવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. રિહર્સલ પણ થઈ ગયું. ત્યાં રાતે ખેલ વખતે જ માદન થિયેટર્સવાળા મારા બે કલાકારોને ભગાડી ગયા. શું કરું ? એ બંને પાઠ વેશપલટા કરી કરીને મેં પોતે ભજવ્યા, છેવટે મુંબઈ આવીને ઍક્ટર રતનશા સિનોરવાળી રામદાસ શેઠની ‘પારસી ઈમ્પીરિયલ કંપની’માં જોડાયો અને એમાં ‘ગાફિલ મુસાફર,’ ‘શેર કાબુલ’ ‘નૂરે વતન,’ ‘નૂરે મેનાર’ જેવાં ભારે સફળ થયેલાં નાટકોમાં કર્યા. નાટક અને ફિલ્મ વચ્ચે સેન્ડવિચ થતો રહ્યો. કંપની ગોધરામાં નાટક કરતી હોય તો શો પતાવી રાતે પાછો ગાડીમાં અમદાવાદ આવીને ફિલ્મનું શૂટિંગ કરું.. આમ ને આમ મેં 1926 માં હિન્દી મૂંગી ફિલ્મ ‘રંગ રખ્ખા હૈ’ વડોદરામાં શૂટિંગ કરીને બનાવી.

હિન્દીની આ સૌથી પહેલી સળંગ કૉમેડી ફિલ્મ! . પછી 1931 સુધીમાં આઠ મૂંગી ફિલ્મો બનાવી. એમાં કામ પણ કર્યું અને એનું દિગ્દર્શન પણ કર્યું. એની સફળતા જોઈને કલકત્તાની માદન થિયેટ્રિકલ કંપનીએ મને પાછો માનપૂર્વક બોલાવ્યો અને એમના માટે મેં ભારતની પ્રથમ સળંગ બોલતી કૉમેડી ફિલ્મ ‘મુફલિસ આશક’ બનાવી. એમાં હીરોનો પાઠ ભજવવા ઉપરાંત કથા, પટકથા, સંવાદ, ઍકટિંગ, સંગીત અને ગીતો બધાં જ મારાં હતાં. ને છતાં ફિલ્મ સુપરહિટ ગઈ. આ પછી હું કલકત્તાની જ ફિલ્મ કંપની ‘લક્ષ્મી સ્ટુડિયો’માં જોડાયો અને એમાં ‘ઇન્સાફ કી તોપ’, ‘ગરીબ કી તોપ’ અને ‘તકદીર કી તોપ’ જેવી ફિલ્મો બનાવી અને એમાં રૉલ પણ અને દિગ્દર્શન કર્યા.”

પછી ભૂતકાળની વાતો કરતા જે થોડો થાક વરતાતો હતો તે વર્તમાનની વાત કરતા કરતા ઉડી ગયો…એ બોલ્યા: “ ગાંધીજીના છેક બાલ્યકાળથી અવસાન સુધીના ગાંધીજીના ચરિત્રનું ચિત્રણ કરતી ફિલ્મની યોજના બગલથેલામાં ભરાવીને હજુ હું ઠેર ઠેર ફરું છું..મારે રિચાર્ડ એટનબરોની જેમ કરોડો રૂપિયા,નહિ પણ થોડા લાખ જોઈએ છે. જિંદગીમાં આ એક ઝંખના છે”

આ વિઠ્ઠલદાસે ત્રણ ત્રણ જુવાન કંધોતર પુત્રોને કાંધ આપીને સ્મશાને મોકલ્યા. તેજસ્વી પુત્ર રાજેન્દ્ર બેતાલીસ વરસની વયે બ્રેઈન ટ્યુમરથી ગયો. એના પછી ત્રણ જ મહિને પુત્ર ભગવાનદાસને કિડનીની બીમારીમાં ખોયો. આ પહેલાં 1952 માં પુત્ર જયશંકરનું અકાળ અવસાન વિસનગરમાં થયું, ત્યારે વિઠ્ઠલદાસ પાસે મુંબઈથી વિસનગર પહોંચવાના રૂપિયાનાં ફાંફાં હતાં. લેખરાજ ભાખરીને વાર્તા સંભળાવીને એમની પાસેથી પચીસ રૂપિયા લઈને માંડ વિસનગર પહોંચ્યા હતા. 1960 ના દાયકામાં વિઠ્ઠલદાસ ગોરેગાંવના આરે રોડ પર ગોગરી નિવાસમાં રહેતા હતા ત્યારે શ્રીમદ ભાગવત મહાત્મ્ય પર તેમણે બનાવેલી ફિલ્મ “પ્રભુકી માયા”ના મફત શૉ પોતાની સોસાયટીના નિવાસીઓ માટે ગોઠવતા હતા તે હકીક્ત આજે પણ એક વયસ્ક વાચક મિત્ર લાભશંકર ઓઝાને યાદ છે.

“હવે” મારી મૂલાકાતના અંતે એ બોલ્યા હતા “ગાંધીસંગ્રામ” ફિલ્મની તૈયારી કરું છું. એના માટે જ જીવું છું. એના વિચારમાત્રથી આયુષ્ય લંબાયા કરે છે.બાકી તો પૈસા મળે એટલી જ વાર !”

પણ પૈસા કદિ ના મળ્યા, ફિલ્મ પૂરી તો ના થઈ,અરે, શરુ જ ના થઇ .પણ પાંચોટિયાજી પૂરા થઈ ગયા..થોડા સમય પહેલા શ્રદ્ધા પાંચોટિયા પણ મુંબઇમાં લોકલ ટ્રેનના અકસ્માતમા માર્યા ગયાં,તેમની પુત્રી દીપશીખા હવે ગુજરાતી ફિલ્મોની બહુ સારી હિરોઇન ગણાય છે.અને હવે તો ફિલ્મ નિર્દેશિકા-નિર્માત્રી બની ગયાં છે. તેમનાં માસી એટલે કે સ્વ, વિઠ્ઠલદાસનાં બીજાં પુત્રી જ્યોત્સ્નાબહેન વ્યાસ તો એક વિદુષી સન્નારી છે અને મુંબઇ વસે છે.તેઓ પી ડી લાયન્સ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સના વાઇસ પ્રિન્સિપાલ હતાં અને હાલ બોરિવલી એજ્યુકેશન સોસાયટીના માનદ સંયુક્ત મંત્રી છે,
લેખક્સંપર્ક-ઇ મેલ-rajnikumarp@gmail.com બ્લૉગ-http:/zabkar9.blogspot.com

જગદીશ શાહ, Jagdish Shah


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

પ્રખર પત્રકાર  સ્વ શ્રી ચીમનલાલ વાડીલાલ શાહ ના પુત્ર શ્રી જગદીશ ભાઈ નો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૩૭ માં થયો હતો.૧૯૬૬ માં એમણે “પત્તા ની જોડ”ના નિર્માણ થી પોતાની નાટ્ય કારકિર્દી નો પ્રારંભ કર્યો.તેમાં તેમણે ૧૮ વર્ષ ની વયે ૮૦ વર્ષ ના દાદા નું પાત્ર ભજવ્યું.પછી પણ જ્યારે પત્તાની જોડ નાટક ભજવાતું ત્યારે દાદાજી નું પાત્ર પોતે જ ભજવતા.

૧૯૫૯ ની ૨૫ ડિસેમ્બરે પોતાનું લખેલું નાટક “જાગી ને જોઉં તો”તારક મહેતા ના દિગ્દર્શક નીચે શો પીપલ સંસ્થા સ્થાપી ને તેના નેજા નીચે એમણે ભજવ્યું. તે નાટક ની રજત જયંતિ ૧૯૬૦ માં ઉજવી.સાથે સાથે પત્તા ની જોડ ના પ્રયોગો પણ ચાલુ રાખ્યા.અને તરત જ “બાર વર્ષે બાવો બોલ્યો”નાટક રજુ કર્યું.તેમાં નિરંજન મેહતા,ઇલા મેહતા,દીના પટેલ વગેરે એ કામ કર્યું હતું.તેના ૫૦ પ્રયોગો થયા હતા.

૧૯૬૧ માં તેઓ એ બીજા ત્રણ નાટકો લખ્યા હતા.’એક મૂરખ ને એવી ટેવ, “બાંધી મુઠ્ઠી લાખની”અને ને પાત્રી નાટક “હૂતો ને હુતી”હૂતો ને હુતી માં એમણે નીલા ઠાકોર સાથે કામ કરેલું.

૧૯૬૧ માં રાજ્ય નાટ્ય સ્પર્ધા માં જાગી ને જોઉં તો માં ચાલુ નાટકે નીલા ઠાકોર ને અચાનક હૃદય ના હુમલાના ભોગ બનવું પડ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું.

૧૯૬૨ માં “પત્તા ની જોડ” ની રજત જયંતિ ઉજવી અને નાટ્ય મહોત્સવ કર્યો.જુલાઈ મહિના માં બીજા ત્રણ નાટકો રજૂ કર્યા.”છેડાછેડી”, “છાયા  પડછાયા “અને” અચક મચકો કારેલી”

૧૯૬૪ માં નીલા ઠાકોર ની સ્મૃતિ માં તેમણે નીલા થિયેટરની સ્થાપના કરી અને પોતાનું લખેલું નાટક “સોહાગણ” રજૂ કર્યું. તે નાટક માં ખલનાયક અને કોમિક માં સાળા ની ભૂમિકા ભજવી.

૧૯૬૬ માં “હું પ્રધાન બન્યો” રજૂ કર્યું.તેના ૧૫૦ પ્રયોગો રજૂ થયા હતા. ૧૯૬૭ માં “રાધિકા રજૂ કર્યું.એમાં માસીબા ની ભૂમિકા એમણે ભજવી હતી. બે માસ બાદ” વ્હાલા ના વાંકે “અને” હું મુંબઇ નો રહેવાસી” રજૂ કર્યું.

૧૯૬૮ માં “પ્રેમ નો મારગ છે શૂરાનો””અજવાળી પણ રાત” “અડપલું” “પાપી””આટાપાટા “અને “પાંદડું લીલું ને રંગ રાતો ” રજૂ કર્યાં.

૧૯૭૦ માં “પ્લીઝ યોર ઓનર” , “બૈરી સાસુ તોબા તોબા” અને છેલ્લે ” પકડદાવ” રજૂ કર્યું.

૧૯૭૧ અને ૧૯૭૨ માં તેઓ સર્વાનુમત્તે ગુજરાતી ડ્રામા પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ના સેક્રેટરી નિમાયા હતા.

મુંબઈ સમાચારમાંથી
જગદીશ શાહ: માહોલના સર્જનહાર
નાટક, પ્રેક્ષક અને હું -સુરેશ રાજડા

આજે નીલા થિયેટર્સના નિર્માતા અને કર્તાહર્તા જગદીશ શાહને યાદ કરવાનું મન થયું છે… હું પ્રધાન બન્યો, પ્લીઝ યોર ઓનર, પકડદાવ, અજવાળી પણ રાત, બહાર આવ તારી બૈરી બતાવું જેવા ગુજરાતી તખ્તા ઉપર સીમાચિહ્નરૂપ નાટકો બનાવનારા જગદીશભાઈ… ખૂબ બધું વાચનાર! ભણેલાગણેલા અને તખતાની બારીકીઓથી સારી પેઠે માહિતગાર એવા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા હતા. તરલા મહેતા સાથે એમણે બનાવેલા નાટક પ્લીઝ યોર ઓનરની એમની પ્રથમ એન્ટ્રીનું દૃશ્ય આજેય મારા દિમાગમાં અકબંધ સચવાઈને પડ્યું છે. એમની એ એન્ટ્રી સાથે કોર્ટમાં મચી જતી હલચલ, છવાઈ જતી સ્તબ્ધતા, ઓર્ડર ઓર્ડર જેવા ન્યાયાધીશના ગળામાંથી નીકળેલા અવાજો વચ્ચે શરૂ થતી એમની દલીલો એક એવા માહોલને સર્જી આપતા હતા કે શરૂઆતની પાંચ મિનિટમાં પ્રેક્ષકોને અંદાજ આવી જતો કે તેઓ જબરદસ્ત નાટક ભજવણીના સાક્ષી બની જવાના છે. સારા નાટકના એંધાણ પડદો ઊઘડતાની પાંચ મિનિટમાં મળી જતા હોય છે (આ વાત નાટક, સિનેમા, સંગીતનો જલસો, મુશાયરો, નૃત્યનાટિકા, સિરિયલ્સ જેવી અનેક કલાઓને લાગુ પડે છે… સારી નવલકથાનું શરૂઆતનું લખાણ કે સુંદર કવિતાની પ્રથમ પંક્તિઓ પણ નવલકથા કે કવિતામાં રહેલા ડેપ્થનો પરિચય કરાવી દે છે.)

આવા મેધાવી સર્જક જગદીશભાઈએ એક સરસ નાટક વાંચ્યું. ‘બ્રીચ ઑફ મેરેજ’ નામના એ નાટકનું સશક્ત કથાનક જોઈ એમને થયું કે સુરેશ આઈ.એન.ટી. માટે આ નાટક બનાવે તો યોગ્ય થશે… એમણે મને મળવા બોલાવ્યો અને નાટકની પ્રત મને વાંચવા આપી. નાટક વાંચતાવેંત હું નાટકના પ્રેમમાં પડી ગયો… દામુ ઝવેરી, બાબુભાઈ ભૂખણવાલા આઈ.એન.ટી.ના બંને વડીલોને પણ આ નાટક ખૂબ પસંદ પડ્યું. એમણે મને આ નાટક બનાવવાની અનુમતિ આપી દીધી. જગદીશભાઈ નાટકનું રૂપાંતર કરે, હું નાટકનો દિગ્દર્શક અને આઈ.એન.ટી. નાટકનું નિર્માણ કરે એવી મૌખિક વ્યાવહારિક વાતો પતાવી… જગદીશભાઈએ નાટકનું રૂપાંતરકાર્ય શરૂ કરી દીધું અને હું નાટકોના વિવિધ પાત્રોમાં બંધબેસતા કલાકારોની વરણી કરવામાં ગૂંથાઈ ગયો. ડેઈઝી ઈરાની, ઈંદિરા મહેતા, અરવિંદ રાઠોડ, રાજેશ મહેતા અને મારે નાટકમાં અગત્યની ભૂમિકાઓ ભજવવાની હતી, નાટકના હીરો હતા દર્શન જરીવાલા.

ગોઝારા અકસ્માતને કારણે પૌરુષત્વ ગુમાવી ચૂકેલા તાજા પરણેલા પતિને એ નપુંસક થઈ ગયો છે એ વાતનો એને આઘાત ન લાગે તે કારણથી ઘરના સભ્યો ખબર નથી પડવા દેતા… અને એની જાણ બહાર એક અજાણ્યા ડૉક્ટરના વીર્યથી પત્નીને ગર્ભધારણ કરાવે છે… બાળકના અવતરવાથી જીવન થાળે પડી જશે અને પતિ માનસિક રીતે સ્વસ્થ થઈ જશે એવું સમજીને કરાયેલા આ કાર્યની જાણ અંધારામાં રહેલા પતિને થતાવેંત એ ચોંકી ઊઠે છે, મારી પત્નીને થનારું બાળક અન્યના વીર્યદાનથી થવાનું છે એ વાતની ખબર પડતાવેંત કુટુંબમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે, આવો વિષય પસંદ કરવો તે પણ પંદર-વીસ વર્ષ પહેલા… ખરેખર જોખમભર્યું કાર્ય હતું, પણ નાટકને સમજદાર પ્રેક્ષકો તરફથી સારો આવકાર મળ્યો… અને આઈ.એન.ટી.ની મરાઠી વિંગ સંભાળતા સપ્રેએ આ નાટક મરાઠીમાં કરવાનું વિચારી મધુકર તોરડમલ, ભાવના રમેશ ભાટકર જેવા પ્રસિદ્ધ કલાકારોની વરણી કરી, દિગ્દર્શકનું સુકાન મને સોંપ્યું…

ગુજરાતી નાટક ‘કૂંપળ ફૂટ્યાની વાત’ને નામે ભજવાયું અને મરાઠી નાટક ‘બીજાંકુર’ના નામે… ગુજરાતીમાં જગદીશભાઈએ કરેલું રૂપાંતર મને પસંદ ન પડતાં… મેં મારી રીતે નાટકમાં તળિયાઝાટક ફેરફારો કરી નાખ્યા. તે પણ એમને પૂછ્યા કે જણાવ્યા વિના. (આ મારી ભૂલ હતી) મારે જગદીશભાઈને વિશ્ર્વાસમાં લઈ મારા ઈચ્છિત ફેરફારો એમને કરવા દીધા હોત તો એ યોગ્ય હતું… પરંતુ એમના જેવા સિનિયર માણસની ઉપેક્ષા કરી સંપૂર્ણ રૂપાંતર કરી નાખ્યું. ને મારી ધૃષ્ટતા સમગ્ર રૂપાંતર મેં કર્યું હોવાથી રૂપાંતરકાર તરીકે મારું નામ આવે તેમાં તમને વાંધો છે? જગદીશભાઈ એવા છંછેડાયા, એવા ગુસ્સે થયા કે એમણે કાયદાકીય પગલાં લઈ નાટકની રજૂઆતને અટકાવી દેવા પેરવી કરી… દામુ ઝવેરી વચ્ચે પડ્યા ને મેં મારેલી ફિશિયારી બદલ ને જગદીશભાઈ જેવા પીઢ કલાકારનું અપમાન કરવા બદલ મને ખખડાવી નાખ્યો – ‘નાટક તો જ રજૂ થઈ શકશે જો સુરેશ રાજડા મારી લેખિત માફી માગે…’ જેવી જગદીશભાઈની શરત મારે માનવી પડી… મેં જાતે કરેલા રૂપાંતર બાબત મેં લેખિતમાં એમની માફી માગી… રૂપાંતરકાર તરીકે મારું નામ આવવું જોઈએ જેવી મારી ઘૃણાસ્પદ માગણી માટેય લેખિત મારે માફી માગવી પડી.

મૂળ વાત હવે આવે છે. આઈ.એન.ટી. ઓફિસમાં આવી મારો માફીપત્ર વાંચી એમણે બીજી સેકંડે ફાડી નાખ્યો. એમના કહેલા શબ્દો, એમણે દેખાડેલી ખેલદિલીનો જવાબ નથી. સુરેશ હું ઈચ્છું છું કે અમુક રૂપાંતરકારોને કારણે તને નાટકને તારા ઢંગથી સજાવવાની જે ટેવ પડી છે, એ ટેવને તું છોડી દે. મારે તને એ વાતનું ભાન કરાવવું હતું દોસ્ત કે મારા જેવા સક્ષમ માણસ પાસે નાટકને તું તારી રીતે લખાવી શક્યો હોત. કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો… કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી. ભૂલ મેં કરી હોવાથી શાંતિથી એમનું કહેવું, શિખામણ મેં સાંભળી લીધાં… ત્યાર બાદ દેખાડાયેલી ખેલદિલી જીવનપર્યંત ભુલાય તેમ નથી. ‘સુરેશ, સચ્ચાઈના રણકા સાથે જગદીશભાઈ બોલ્યા… દોસ્ત તેં નાટકનું અત્યંત સુંદર રૂપાંતર કર્યું છે… મારાથી પણ વધુ ઉત્તમ અને સરસ રૂપાંતર થયું છે… તું તારી રીતે આગળ વધ. રૂપાંતરકાર તરીકે તારું નામ આવે તેમાં મને કશો છોછ નથી’… આવી ખેલદિલી, પ્રામાણિકતા અને અન્યના કામની સરાહના કરવાની રીત આ પહેલા મેં ક્યાંય જોઈ નહોતી. દિગ્મૂઢ બની એમને જોયા કરતા મને જોઈ એમણે આગળ ચલાવ્યું. મારી પાસેથી કામ લેવાની તને ફાવટ ન આવે તેમાં તારા કરેલા સરસ કામને હું બિરદાવી ન શકું એ વાત બરાબર નથી. નીચી મુંડી રાખીને હું બોલ્યો જગદીશભાઈ તમારું રૂપાંતર ભજવાશે એવું લેખિતમાં હું આપી ચૂક્યો છું. મને વધુ શરમમાં ન નાંખો… તમારા જેવા સિનિયર સાથે મેં કરેલા વર્તનનો મને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે… હું સાચા દિલથી તમારી માફી માગું છું… પ્રત્યુત્તર આપતા તેઓ બોલ્યા. મેં આપણા બંનેનું લખાણ વાંચ્યું છે તેં આમેજ કરેલી ઘટનાઓ અને ઊભી કરેલી સિચ્યુએશનો લાજવાબ છે, વર્બોસપણાનો તેં સદંતર છેદ ઉડાડી દીધો છે – આટલું બોલ્યા પછી તેમણે જે કહ્યું તે સાંભળીને હું રીતસર તેમના પગમાં પડી ગયો હતો… મારું રૂપાંતરિત નાટક ભજવીશ તો નાટક નહીં ચાલે, તારું રૂપાંતરિત નાટક ભજવાશે તો પ્રેક્ષકોને ગમશે અને નાટક ચાલશે… આવી મહાનતા, આવી ખેલદિલી, આવી પ્રામાણિકતા, સામેવાળાના કામને બિરદાવવાની આ હિંમત (તે પણ પોતે કરેલા કામ સામે….) ક્યાં જોવા મળે?

‘કૂંપળ ફૂટ્યાની વાત’ નાટક ભજવાયું એમના જ નામે. મારા આગ્રહને કારણે મેં કરેલા ફેરફારો, યોગ્ય જગ્યાએ ગોઠવેલા નવા પ્રસંગો, એમના દ્વારા ફરીથી લખાયા… સમજોે નાટકનું એમણે નવસંસ્કરણ કરી આપ્યું મારી રીતે. એમને આનંદ હતો એમને ગમતી રૂપાંતરિત કૃતિના નવસંસ્કરણ કરવાનો, મને આનંદ હતો… મને ગમતી વ્યક્તિ પાસેથી ઈચ્છા મુજબ કામ લઈ શકવાનો… જગદીશભાઈએ ફરીથી લખેલા નાટકના રૂપાંતરને ભજવવા એમણે કહેલી એક વાત મારા કાન ઉપર હંમેશાં અથડાયા કરતી હતી ‘સુરેશ કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી…!’ એમની વાત સો ટકા સાચી હતી. આજેય મેં જેમની જેમની પાસે નાટકના રૂપાંતરો કરાવ્યાં છે એ તમામ નાટકો નવેસરથી મારે લખવા પડ્યાં છે… કારણ કે કાં તો તેઓ સક્ષમ લેખકો નથી કાં તો તેમની પાસેથી કામ લેવાની મારામાં આવડત નથી…!

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak


Amrit Keshav Nayak_2
એક પરિચય

 

—————————————————

જન્મ

  • ૧૮૭૭, અમદાવાદ

અવસાન

  • ૨૯, જૂન-૧૯૦૬

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

Amrit Keshav Nayak_1

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
  • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
  • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
  • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
  • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
  • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.

રચનાઓ

  • નાટક – ભારત દુર્દશા
  • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
  • અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ

સાભાર

  • ડો. કનક રાવળ
  • ગુજરાતી સાહિત્ય કોશ

 

જયંતિ પટેલ, JAYANTI PATEL


Jayanti_Patelરેડિયો કલાકાર, નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક

બાળમિત્ર શ્રી. કનક રાવળનાં સંસ્મરણો
( ‘ગુર્જરી ડાયજેસ્ટ’માંથી )

– ‘ગુજરાત મિત્ર’માં તેમનો ઈન્ટરવ્યુ


 

જન્મ 

  • ૨૪, મે-૧૯૨૪; અમદાવાદ

અવસાન 

  • ૨૬, મે – ૨૦૧૯

rangalo

પરિવાર જનો સાથે

કુટુમ્બ

  • માતા– જશીબેન ; પિતા – કાલીદાસ
  • પત્ની – શારદાબેન ( પ્રાથમિક શાળામાં  શિક્ષિકા અને નાટ્ય કળાકાર)
  • પુત્રીઓ– નિવેદિતા, વર્ષા; પુત્ર – નીલેશ

શિક્ષણ

  • ૧૯૪૮ – બી.એ.(ગુજરાત કોલેજ,  અમદાવાદ)
  • ૧૯૮૧– પી.એચ.ડી. ( નાટ્ય) – ભારતીય વિધ્યાભવન

ઉપનામ 

  • રંગલો

ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમનું વ્યાખ્યાન

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • ૧૯૪૨– સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં પગે ઘવાયા; અને બે વર્ષ પથારીવશ રહ્યા.
  • ૧૯૬૭ – પુલિત્ઝર ઈનામ વિજેતા નાટકનું ગુજરાતી રૂપાંતર કરવા માટે  જેીફ.કે. સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.
  • ૧૯૭૬ – ‘ ઓલ્ટર્નેટિવ થિયેટર’ સ્કોલરશીપ મળી.
  • ૧૯૮૨ – બ્રહ્માનંદ સરસ્વતી સ્વામીના મનરો – ન્યુયોર્ક ખાતેના આનંદ આશ્રમમાં જોડાયા.
  • શરૂઆતમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિમાં રંગમંડળની સ્થાપના,
  • નાટકના રૂપમાં ભવાઈને અદ્યતન સ્વરૂપ આપવા પ્રયોગો કર્યા.
  • ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ હાથ અજમાવી જોયો છે.
  • મિનરલ્સનો વેપાર
  • ‘અખંડ આનંદ’માં ‘રંગલાની રામલીલા’ શિર્ષક નીચે તેમના નાટક અંગેના લેખો છપાયા છે. “મારા અસત્યના પ્રયોગો “ તેમનું ખૂબ પ્રચલિત નાટક હતું.
  • તેમણે રંગીલો રાજા,આ મુંબઈનો માળો,સરવાળે બાદબાકી,નેતા અભિનેતા,સપનાના સાથી,મસ્તરામ,સુણ બે ગાફેલ બંદા જેવા નાટકો લખ્યા અને ભજવ્યા.
  • હું ગાંધી અને ચાર્લી ચેપ્લીન જેવું વિવેચન પુસ્તક લખ્યું.
  • તે ચાર્લી ચેપ્લીનનાં ઘેર પણ રહી આવ્યા હતા.
  • તેઓ ખૂબ ઊંચા ગજાના કાર્ટુનિસ્ટ હતા.
  • ભવાઈ અને કાર્ટુનની કથા તેમના પરિચય – પુસ્તક હતા.
  • અમેરિકામાં પચ્ચીસ વર્ષ રહીને અહીં પણ તેમણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી.
  • જીવનના પાછલા વર્ષો તેમણે ભારતમાં રહી પસાર કર્યા.

અન્ય શોખ 

  • વ્યંગચિત્રો બનાવવાનો

rangalorangalo1

રચનાઓ 

  • ભજવેલાં/ દિગ્દર્શન કરેલાં નાટકો – રંગીલો રાજા, આ મુંબાઈનો માળો, સરવાળે બાદબાકી, નેતા અભિનેતા, સપનાના સાથી, મારા અસત્યના પ્રયોગો, મસ્તરામ
  • પરિચય પુસ્તિકાઓ – ભવાઈ, કાર્ટૂનની કળા
  • નાટકો – સરવાળે બાદબાકી, રંગલાની રામલીલા, નેતા અભિનેતા, મારા અસત્યના પ્રયોગો,સુણ બે ગાફિલ બન્દા
  • ધાર્મિક – સાત પ્રાર્થનાઓ
  • વિવેચન– ગાંધી, ચેપ્લિન અને હું

સન્માન

  • ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાત મિત્ર
  • શ્રી.ઉત્તમ ગજ્જર, શ્રીમતિ વર્ષા પટેલ, કનક રાવળ
%d bloggers like this: