વ્યવસાયે એન્જિનિયર એવા સુધીર ભાઈનો જન્મ રાજકોટમાં ૧૨, ફેબ્રુઆરી – ૧૯૪૩ ના દિવસે થયો હતો. પણ તેમનો અભ્યાસકાળ અમદાવાદમાં અને વ્યવસાય કાળ વડોદરામાં પસાર થયો છે. આમ તેઓ થોડાક વધારે ગુજરાતી છે! તેમના પિતાશ્રી રમણલાલ પણ એન્જિનિયર હતા. બનારસ હિન્દુ યુનિ.માંથી સ્નાતક થયેલા રમણલાલ અમદાવાદની અરવિંદ મિલમાં ચીફ એન્જિનિયરના હોદ્દા સુધી પહોચ્યા હતા. તેમનાં માતુશ્રી શાંતાબહેન ગ્રુહિણી હતાં.
સુધીરભાઈએ શાળા શિક્ષણ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વિસ્તારમાં આવેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં મેળવ્યું હતું. અમદાવાદની એલ.ડી. એન્જિ. કોલેજમાંથી ૧૯૬૪ની સાલમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે બહાર પડેલા સુધીરભાઈએ ત્યાર બાદ અમેરિકાની ઓક્લોહામા યુનિમાંથી એ જ વિષયમાં એમ.એસ. ની ડીગ્રી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેમણે ૧૯૮૪ – ૮૫માં વડોદરામાંથી Post graduate diploma in Business Management (PGDBM) નો અભ્યાસ પણ કર્યો છે.
બે વર્ષ અમેરિકામાં ગાળી, જરૂરી વ્યાવસાયિક તાલીમ મેળવી, અમેરિકાના બાવીસ રાજ્યોમાં પ્રવાસ કરી, તેઓ વડોદરામાં આવેલી SME fabrication company માં પ્રોડક્શન એન્જિનિયર તરીકે જોડાયા હતા. ત્યાં જાતજાતની મશીનરી – ખાસ કરીને પ્રેશર વેસલ વિ. ના ફેબ્રિકેશનમાં તેમણે પ્રવીણતા હાંસલ કરી હતી અને એ કંપનીના ડિરેક્ટર પદ સુધી પહોંચ્યા હતા. ૨૦૧૨ની સાલમાં નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો કન્સલ્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે આજની તારીખ સુધી ચાલુ છે.
આ ગાળામાં વ્યવસાયના સબબે તેમ જ અંગત રસથી તેમણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત પણ લીધેલી છે. આમ સુધીર ભાઈ વિશ્વપ્રવાસી પણ છે. વ્યવસાય ઉપરાંત સુધીરભાઈના રસના વિષયો વાંચન, લેખન અને ક્રિકેટ છે.
તેમનાં પત્ની – વર્ષા ગ્રુહિણી છે. તેમનો મોટો દીકરો ઉમંગ વડોદરામાં ડોક્ટર છે, અને નાનો દીકરો ઉજ્વલ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર છે.
પણ, મળવા જેવા માણસ તરીકે તેમની ઓળખ ઊગતા એન્જિનિયરો અને યુવાન વાચકો માટે તેમણે લખેલ પુસ્તકોનાં કારણે છે. તેમણે ઊગતા એન્જિનિયરો માટે લખેલાં બે પુસ્તકો ખાસ કરીને નાની કક્ષાના ઉદ્યોગોમાં કામ કરતા એન્જિનિયરોમાં બહુ પ્રચલિત થયાં છે.
નિવૃત્ત થયા બાદ બાળપણમાં વાંચનની ટેવના કારણે થયેલા પોતાના વિકાસ પર તેમની નજર ગઈ. પોતાની ત્રીજી પેઢીનાં બાળકોને વાર્તાઓ કહેતાં, તે બધી વાર્તાઓને શબ્દદેહ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આના કારણે તેમની આ બાબતમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. આગળ જતાં તે માત્ર બાળકો પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે વયસ્ક વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે.
તેમણે લખેલ એક પુસ્તક “Vishisht- A Robo-kid” નો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. આધુનિક ટેક્નોલોજી યુગને અનુરૂપ આ કથામાં એક અનાથ બાળક્ના વિકાસની વાત આપણા ચિત્ત પર સચોટ અસર કરી જાય છે.
આ ઉપરાંત સુધીરભાઈને ઈશ્વર ઉપર અનુપમ શ્રદ્ધા છે. પોતે હાંસલ કરેલી સિદ્ધિઓ માટે પોતાની આવડત કરતાં પરમ તત્વની કૃપાનો સ્વીકાર કરવા જેવી નમ્રતા ધરાવતા સુધીર ભાઈ સાચા અર્થમાં ‘મળવા જેવા માણસ’ છે.
તેમનાં સર્જનો
એમેઝોન પરથી 1. VISISHTA 2. GEN-NEXT 3. ROOLER COASTER 4. FUN TONIC 5. TEILIGHT TALES 6. AT THE TWILIGHT HOUR 7. FABRICATION INDUSTRY AT A GLANCE 8. FABRICATION PROCESSES
વાચકોને વિનંતી દાઉદભાઈના જીવન અને કવન વિશે ટૂંક પરિચય અહીં પ્રકાશિત કરવો છે. વિગતો મેળવી આપશો તો ખૂબ ગમશે.
દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.
દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !
એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.
નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.
“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’
દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’
દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.
અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.
વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં.
પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’
આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.
“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.
ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.
દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.
ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.
“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.
વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.
સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.
આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.
આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’
આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:
‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’
100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
1922માં મુંબઈમાં જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં તેમનો ઉછેર થયો. કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!
તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું. ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!
શોખના વિષયો:
બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું. બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.
યાદગાર પ્રસંગ :
૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?
કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?
સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન, ઘરઘંટી, ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી. આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.
સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય બહાર નોકરી કરવા જવું નહીં.
નામ પ્રમાણે જ એનું સમગ્ર જીવન કંઈક નૂતન જ પડકારો લઈને આવ્યું. મૂળ વતન સૌરાષ્ટ્રનું ટાણા ગામ. ૨૭/૦૨/૧૯૬૨, જન્મદિન. જન્મસ્થળ ભાવનગર અને ઉછેર તથા શિક્ષણ વલસાડમાં થયાં. જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી જે. પી. શ્રૉફ આર્ટ્સ કૉલેજ, આ બંને મુખ્ય શિક્ષણધામો. સગા ચાર ભાઈ બહેનોમાંથી એક માત્ર જીવિત સંતાન તે નૂતન અને પાંચ ભાઈ-બહેન પપ્પાની પહેલી પત્નીના સંતાનો. નૂતનની માતા સવિતાબહેન ત્રીજીવારના પત્ની હતાં. સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં વાચનશોખ સૌને હતો અને એના કારણે બાળમંદિર જતાં પહેલાં જ અખબારના નામ અને મુખ્ય હેડલાઈન વાંચતા શીખી ગયેલી નૂતનના જીવનમાં જ્ઞાનની જ્યોત તો ઝળહળી ઉઠી પણ નેત્રજ્યોત જન્મથી જ કમ હતી એને કોઈ ન પારખી શક્યું. એની યાદશક્તિ અને સમજશક્તિ અદ્ભુત હતી. એક વખત વાંચીને પોતાના શબ્દોમાં વ્યવસ્થિત રજૂઆત કરી શકતી હતી. વાચન અને સંગીત બે મુખ્ય શોખ બાળપણથી જ હતા.જે સારું વાંચવાનું જ્યાંથી મળે ત્યાંથી વાંચી જ લેવુ. પુસ્તકો અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો સદાના સાથી. દસ વર્ષની ઉંમરથી જ નવલકથાઓ વાંચવાનું આરંભી દીધેલું. એ સમયના (૭૦ના દાયકાના) મોટાભાગના લેખકને વાંચ્યા છે. પાંચમા ધોરણથી જ પોતાના નિબંધો સ્વરચિત રહેતા. નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાની સ્પીચ પોતે જ તૈયાર કરે. અનેક સ્પર્ધાઓમાં વિજેતા બનીને સર્ટિફિકેટ્સ ને ટ્રોફીઓ મેળવ્યા. ધાર્મિક અભ્યાસમાં પણ અવ્વલ! પણ… આ બધામાં એની આંખોનું નૂર હણાતું ગયું એ વાતનો ખ્યાલ બહુ મોડેથી આવ્યો ચૌદ વર્ષની ઉંમરે શાળાના આચાર્યાએ આ વાત નૂતનના પિતા જગજીવનદાસ શાહને જણાવી ને આંખના ડોક્ટરને કન્સલ્ટ કરવા જણાવ્યું. અને એક સુંદર, ગોરી તરૂણીને કદરૂપી બનાવતા -17 અને -14 નંબરના જાડા કાચના ચશ્મા અનેક ઠેકડીઓ અને ઉપાલંભો સાથે લઈને આવ્યા. આ બધું જ મન કઠણ રાખીને સહ્યું અને દ્રઢ આત્મવિશ્વાસ કેળવ્યો. પિતા ધંધામાંથી અને માતા ગૃહસ્થીની અનેક ફરજોમાંથી સમય ફાળવી શકતાં નહિ. નૂતન પોતે જ પોતાની રીતે માનસિક સંઘર્ષોનો સામનો કરતી રહી. એણે સમગ્ર ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું અને સદા પ્રથમ આવતી એ વિદ્યાર્થિની ઉચ્તર માધ્યમિક એક્ઝામમાં બૉર્ડમાં ‘સેન્ટર ફર્સ્ટ’ આવી – જેનું કોઈ જ મહત્વ એના ઘરના જાણતા ન હતા. ‘હવે અભ્યાસ બંધ અને ઘરનાં કામ શીખો’ પપ્પાએ કહી દીધું પણ નૂતનને તો ભણવું હતું. એણે એનો પણ રસ્તો શોધી કાઢ્યો. શાળાના શિક્ષકો અને આચાર્યાશ્રી એને અભિનંદન આપવા એના ઘરે આવ્યા ત્યારે કૉલેજના એક વર્ષના અભ્યાસની મંજૂરી મેળવી આપી. કૉલેજમાં તો છોકરાઓ પણ હોય અને એમનો સામનો કરવો એ કન્યાશાળાની છાત્રા માટે મુશ્કેલ હતું, ખાસ કરીને નૂતન માટે. લોકોને તો કોઈકની નબળી કડી પકડીને એની ઠેકડી ઉડાડવામાં વિકૃત આનંદ મળતો હોય છે અને આ તો ‘ટીન એજર્સ’, એમને તો કૉલેજમાં, બસમાં જતાં-આવતાં જાણે કે એક મનોરંજનનું સાધન મળી ગયું. આ વાત ઘરમાં કરે તો તો કૉલેજ છોડાવી દેવાનું એક બહાનું મળી જાય તેથી નૂતને વિચાર કરીને એના પપ્પાને ‘કૉન્ટેક્ટ લેન્સ’ બનાવડાવવાની વાત કરી. એ સમયે ‘કૉન્ટેક્ટ લેન્સ’નો કૉન્સેપ્ટ નવો હતો. પહેલાં તો વિરોધ થયો આખરે લેન્સ બન્યા અને પછી તો મન ખરેખર કડવાશથી ભરાઈ જાય ને એવી વાત બની. જે યુવાનો અને પ્રોફેસર ઠેકડી ઉડાવતા હતા એ જ હવે એનાં સૌંદર્યના ચાહક બની ગયા. નૂતનને છોકરાઓથી નફરત થઈ ગઈ તે એટલે સુધી કે છોકરાને હરાવવા તે કૉલેજના ઈલેક્શનમાં ‘લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ’ માટે નહીં પણ ‘ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ’ માટે ઊભી રહી. જોરદાર કેમ્પેઈન કરીને જીતીને જ રહી. એ જમાનામાં છોકરાઓ જ C. R. બનતા. આમ, સંજોગો સામે ઝૂકી જવાના બદલે લડી લેવાની મનોવૃત્તિ કેળવીને હતાશાના દોરને સદૈવ દૂર રાખ્યો. એક વર્ષના બદલે કૉલેજનો અભ્યાસ તો પૂરો કર્યો મુખ્ય વિષય ઈંગ્લિશ લિટરેચર અને ગૌણ વિષય ગુજરાતી સાથે. હવે? એણે બિલિમોરા માસીના ઘરે જઈને ‘રંગશિક્ષણ મહાવિદ્યાલય’નું બી. એડ્.નું ફૉર્મ ભરી દીધું. એડ્મિશન લેટર પણ આવી ગયો પણ એ પ્રારબ્ધમાં હાલમાં નહોતું એટલે ઘરના સભ્યોના ઈનકાર વચ્ચે ભવિષ્યની ગર્તામાં ધકેલાઈ ગયું. (જો ત્યારે જ ભણી લીધું હોત તો જીવન કંઈક અલગ હોત.) હવે લગ્નની વાત ચાલી. જે છોકરો ગમતો એને નૂતનની આંખની કમજોરી નડતી અને મન મારીને ન ગમતા છોકરા જોડે બઃધાવા નૂતન તૈયાર નહોતી. એણે તો દ્રઢ નિશ્ચય જાહેર કરી દીધો કે લગ્ન કરવા ખાતર એ કોઈ બાંધછોડ નહીં કરે, આમ પણ પરણવાની ઈચ્છા છે જ નહીં પણ.માની એકમાત્ર સંતાન હોવાના કારણે પોતાના લીધે માને બે બોલ સાંભળવા ન પડે એટલે તૈયાર થઈ હતી પણ હવે ‘પોતે નોકરી કરશે અને કુંવારી રહીને માબાપની સેવા કરશે’ આ વાતથી ઘરમાં સોપો પડી ગયો. એક છોકરી થઈને આટલી બેશરમીથી વાત કરે છે? હદ થઈ ગઈ આ તો. આખરે એક છોકરો મળ્યો અને નૂતને પણ માતાએ આપેલાં સોગંદ સામે હથિયાર હેઠાં મૂકી દીધાં. તુષાર સારો છોકરો, વલસાડથી નજીક વાપીમાં. આર્થિક પરિસ્થિતિ નિમ્ન મધ્યમ વર્ગ. એ સિવાય પણ ઘણી બધી ચેલેન્જ હતી અને પાનેતરમાં પરોવાઈને, ચૂંદડીની ભાત જેવા અનેક ભાતના નૂતન પડકારો ઝીલવા સાસરે પગ મૂક્યો. કુટુંબના આંતરિક સંઘર્ષો અને સંબંધોની વાતોને બાજુએ મૂકીએ પણ અહીં આર્થિક ક્ષેત્રે નસીબ તુષારને યારી નહોતું આપતું. બે પુત્રીઓ સાથે જીવન દુષ્કર બની રહ્યું હતું. તુષારને પગમાં એક્સિડન્ટ થતાં દુકાન બંધ પડી ગઈ. વલસાડમાં પપ્પાના મૃત્યુ પછી નૂતને મમ્મીની જવાબદારી પણ માથે લીધી હતી. ‘સહારા ઈન્ડિયા’માં કૉ-ઑર્ડિનેટરનું કામ કર્યું. મુંબઈના ‘મનિષ માર્કેટ’ માંથી સામાન લાવીને ઘરે ઘરે ફરીને વેચ્યો. ફરસાણ લાવીને વેચ્યું. બે નાની દીકરીઓને ઘરમાં મૂકીને બહારથી તાળું મારીને કામ માટે નીકળતાં. આખરે 2002માં સ્કૂલમાં નોકરી મળી 1800/ નો પગાર. પણ મનગમતું કામ હતું એટલે ભણાવવાનો આનંદ આવતો. પરંતુ ત્યાં પણ જાહેર ન કરી શકાય એવા કારણે એ હેરાન થતી રહી. દર વર્ષે મે મહિનામાં છૂટા કરી દે પછી જૂનમાં બોલાવે તો જવાનું. વધુ પડતો વર્ક લૉડ. અરે! ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવા હાલ થતાં પણ નોકરી એ જરૂરિયાત હતી. એને સ્કૂલમાંથી હટાવવા માટેનું એક બહાનું મળી ગયું: “બી. એડ્. નથી કર્યું.” આખરે પેલું ભવિષ્યની રાહ જોતું બી. એડ્., 2009માં કુટુંબીની સહાયથી એડમિશન તો લેવાઈ ગયું પણ છેક ઉમરગામમાં મળ્યું. સવારે નોકરી ત્યાંથી ખાધા-પીધા વગર સીધું ઉમરગામ બી. એડ્ કૉલેજ તુષાર સ્કૂટર પર મૂકવા જાય. સાંજે પાંચ-સવાપાંચે લૉકલ પકડીને, ઢગલો હોમવર્ક લઈને ઘરે આવે પછી બધા ભેગાં મળીને રસોઈ બનાવે. મોટી દીકરી બારમા ધોરણમાં, એની મા પથારીમાં, નાની દીકરી આઠમા ધોરણમાં. અડધી રાત જાગીને લેસન તૈયાર કરે. એક મહિનો આમ પસાર કરતાં એ જીવનમાં પહેલી વખત તૂટી ગઈ. કૉલેજની એસેમ્બલીમાં પ્રાર્થના કરતાં ચોધાર આંસુ વહેવા લાગ્યાં. કૉલેજના પ્રોફેસર જીતેન્દ્રભાઈ પટેલે પાસે બોલાવીને શાંતિથી કારણ પૂછ્યું. અને જાણે ભગવાને આંસુનો પ્રક્ષાલ સ્વીકાર્યો હોય નહીં એમ રી-સફલિંગ આવતાં પ્રોફેસર જીતુભાઈએ નૂતનને જાણ કરી કે વાપીની બી. એડ્. કૉલેજમાં સીટ ખાલી છે, નૂતનબહેન. તમે પ્રયત્ન કરો. મારાં માટે તો જાણે ભગવાન ઉતર્યાં. તરત જ પ્રોસિજર પતાવીને વાપીની બી. એડ્. કૉલેજમાં ટ્રાન્સફર લીધી પણ એમ શાંતિ મળે તો એ નૂતનની જિંદગી થોડી કહેવાય? કૉલેજના પ્રિન્સીપાલ, બધા પ્રોફેસર્સ ખૂબ જ સપૉર્ટીવ હતા પણ સ્ટેટેસ્ટીક્સે નૂતનને રડાવી પણ પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલના ખૂબ જ પ્રોત્સાહનથી બી. એડ. ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું પણ મોટી દીકરીની બૉર્ડ એક્ઝામ અને બી. એડ્ની એક્ઝામ સાથે આવતાં દીકરીના વર્ષનું બલિદાન લેવાઈ ગયું જેની એના પર માનસિક અસર એવી થઈ કે એણે ભણવાનું છોડી દેવાનું નક્કી કર્યું. આ તો નૂતનના માથે વજ્રાઘાત હતો. શાળાના શિક્ષકોની મદદથી દીકરીને ખૂબ પ્રોત્સાહિત કરી અને આખરે બૉર્ડ પાસ કરાવ્યું પણ એ દીકરીની સંઘર્ષયાત્રા તો પાછી અલગ જ છે, મમ્મી કરતાં ચાર ચાસણી ચડે એવી છે! પુત્ર માને કાંધ દેવા ન આવ્યો તો નૂતને પોતાની માને કાંધ અને અગ્નિદાહ આપ્યાં. બી. એડ્. પછી ગવર્નમેન્ટ સ્કૂલમાં નોકરી મળવાની આશા પર પાણી ફેરવી દીધું સરકારના એક નિર્ણયે: આઠમા ધોરણને પ્રાથમિક શાળામાં ખસેડવાનો નિર્ણય! એ પછી ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ગયાં તો ત્યાં પણ બીજા શિક્ષકો કરતાં સાવ ઓછા પગારે નોકરી મળી. નૂતનબહેન પાછાં સ્ટ્રેટફૉરવર્ડ. કામ બધું જ નિષ્ઠાપૂર્વક કરે પણ ખોટું સાંખી ન લે. આ શાળામાં એમણે પોતાની મૌલિક શૈક્ષણિક રીત અપનાવી. cbse બૉર્ડના શ્રીમતી કલ્પનાબહેન ચૌધરી તાલીમ આપવા આવ્યા હતાં. એ તાલીમ વર્ગમાં એમણે એક લેસન તૈયાર કરવા કહ્યું. તો એ લેસન માટે નૂતને એક શીઘ્ર બાળકાવ્ય રચી કાઢ્યું. કૉલેજકાળ પછી સુષુપ્તાવસ્થામાં સરી ગયેલો સર્જક કીડો સળવળ્યો! એ કાવ્ય વાંચીને કલ્પનાબહેને એના ખૂબ જ વખાણ કર્યા અને નૂતનનો ભરપૂર લાભ ઉઠાવવા જણાવ્યું. પરંતુ એનો ફક્ત લાભ જ ઉઠાવાયો કદર કાંઈ જ ન કરી. બીજી સ્કૂલમાં સારા પગારે મળતી નોકરી તો ન સ્વીકારવા દીધી પણ ‘આ શાળામાં પણ એટલો પગાર થઈ જશે’ કહ્યા પછી નિવૃત્તિ સુધી એટલો પગાર ન થયો અને cbse બૉર્ડની સ્કૂલમાં બે વર્ષનો વધારો આપવાની વાતને ફગાવીને નિવૃત્ત કરી દેવાયા. નિવૃત્તિ પછી એમણે સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે: નવલિકા, લઘુ નાટક, હાસ્યકથા, માઈક્રોફિકસન, હાઈકુ, દીર્ઘકાવ્ય, અછાંદસ, હાસ્ય-વ્યંગ્ય કાવ્ય, ગઝલ, લેખ, નિબંધ, પત્રલેખન પર હાથ અજમાવ્યો છે અને અજમાવી રહ્યાં છે. તેઓ ‘ વર્તમાન ન્યુઝ.કૉમ’ પર સત્યઘટનાઓ લખે છે. લોકો પૂરા વિશ્વાસથી દિલ ખોલીને પોતાની વાત એમની સમક્ષ રજૂ કરે છે, એટલું જ નહીં સમસ્યાનું માર્ગદર્શન પણ માંગે છે.એમની આ કૉલમ ખૂબ જ લોકપ્રિય છે અને લાખો વાચકો મેળવ્યા છે અને પ્રશંસાના ફૉન તથા પ્રતિભાવોનો વરસાદ વરસે છે. સૌપ્રથમ તેમણે 2019માં ‘પ્રતિલિપિ એપ’ પર વાર્તાલેખન દ્વારા પદાર્પણ કર્યું. એ પછી અનેક વૉટ્સએપ ગ્રુપના એડમીન તરીકે કામ કર્યું, વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું, નિર્ણાયક તરીકે ફરજ બજાવી અને હજુ બજાવી રહ્યાં છે. પણ એમની આ પ્રવૃત્તિને પણ સ્વજનો ‘બિન આર્થિક પ્રવૃત્તિ’ કહીને ઉપેક્ષા કરતા હતા. અરે! શા માટે આંખ બગાડે છે? એવું કહેતાં સગાંઓને નોકરીના આટલાં વર્ષોમાં કેમ એ યાદ ન આવ્યું? શું ત્યારે આંખ નહોતી વપરાતી? અલગ અલગ વિદ્યાર્થીઓના અલગ અલગ અક્ષરો ઓળ ખવાના ને ચેક કરવાના. પણ સ્પર્ધાઓમાં જીતીને ઈનામ મેળવતા થયા પછી કંઈક કૂણાં પડ્યાં છે. તેઓ શૉપિઝેન એપ’, ‘પ્રતિલિપિ એપ’ , ‘વઢિયારી મંચ’, ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ જેવી અનેક આયોજીત સ્પર્ધાઓ જીત્યાં છે. અનેક સર્ટિફિકેટ્સ મેળવ્યાં છે. હાલ, તેઓ ‘સહિયારું સર્જન ગુગમ’ ગ્રુપમાં સાહિત્યિક શબ્દરમતો યોજે છે. ‘Words of heart’ ગ્રુપમાં નિર્ણાયકની ફરજ બજાવે છે. ‘આવો, ગઝલ માણીએ’ અને ‘કાવ્ય અમૃત’ ગ્રુપની ગઝલ રચનાનું સંકલન કરીને ‘વર્તમાન ન્યુઝ.કૉમ’માં પબ્લિશ કરે છે. ‘વર્તમાન ન્યુઝ.કૉમ’ ના ઑનરનો પરિચય એમને આવા એક સાહિત્યિક ગ્રુપમાંથી જ થયો હતો. તેમની રચનાઓથી પ્રભાવિત થઈને એમણે નૂતનને પોતાના અખબારમાં જોડાવાનું કહ્યું. તેઓ ‘વર્તમાન ન્યુઝ.કૉમ’ ના એક્ઝેક્યુટીવ એડિટર છે. આ ઉપરાંત, નૂતન starMaker app પર ઑગષ્ટ મહિનાથી એક્ટિવ છે. ત્યાં મોજથી ફિલ્મી ગીતો ગાય છે અને ત્યાં પણ તેઓ ‘Popular singer; Party Guru’ નું ટેગ મેળવી ચૂક્યાં છે. આટલી નબળી દ્રષ્ટિમાં વળી વધુ એક ઝાટકો! તેઓ ફક્ત એક જ આંખે વાંચી શકે છે. જોઈ શકે છે બંને આંખે પણ વાંચવાનું કામ ફક્ત એક જ આંખ કરે છે.
સહિયારાં પુસ્તકો: ” હૈયાની રજૂઆત” અને “અહેસાસ”
સખીઓ, આજે જમાનો પલટાયો છે તો પણ સ્ત્રીની હાલત ખાસ બદલાઈ નથી. તો સૌથી પહેલાં તો દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવો. યાદ રાખો, આપણાં આંસુઓ પ્રત્યે હમદર્દી કરતાં વધુ પંચાતનો ભાવ રાખનારાં અને પછી એને મસાલેદાર વાનગી બનાવીને પીરસનારાં છે. સ્પષ્ટ ‘ના’ પાડતાં શીખી જશો તો પછી પસ્તાવાનો વારો નહીં આવે. આપણે આપણી જિંદગી આપણાં માટે પણ જીવવાની છે. ખાસ તો હવે 50ની ઉપર પહોંચેલી મારી બહેનો, જીવનનો મોટો ભાગ આપણે પરિવાર અને પરિવારજનોની જરૂરતો પૂરી કરવામાં, એમની ખુશી બરકરાર રાખવામાં પસાર કર્યો છે. એના માટે આપણે આપણાં શોખ, આપણાં શમણાં, આપણાં વિચારો – સઘળું દબાવી દીધું છે. પણ હવે થોડો સમય મનગમતી પ્રવૃત્તિ કરવામાં વાવશો તો એ નૂતન ઊર્જા સ્વરૂપે ઊગી નીકળશે. જીવન ભર્યું ભર્યું લાગશે. એકલતા તો ક્યાંય દૂર ભાગી જશે અને ચહેરો ખુશીથી ઝળકી ઉઠશે. લખો, ગાવ, બાગકામ કરો, આપની અંદર જે કળા હોય એને બહાર આવવા દો, જે શોખ ધરબાયેલો હોય એને થોડો પણ પૂરો કરવાની માત્ર કોશિશ કરો. જીવન જીવ્યાનો એક સંતોષ મળશે.
6 વર્ષની ઉંમરે આ તેજસ્વી વિદ્યાર્થીએ શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ભારતનું ગૌરવ વધાર્યું
અમે એક અત્યંત તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ, સ્કૂલ માટે ગૌરવની ક્ષણઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી
અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બીજા ધોરણમાં ભણતા અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23મી જાન્યુઆરી, 2020ના રોજ માઈક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વૂ ટેસ્ટ સેન્ટર ખાતે યોજાઈ હતી. ઘણા એન્જિનિયરો માટે પણ અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કમ્પ્યૂટર પ્રોગ્રામનું બિરૂદ મેળવ્યું છે.
અર્હમે પાકિસ્તાની મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમઝા શેહઝાદનો અગાઉના ગિનેસ રેકોર્ડ તોડ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારે 1,000માંથી 700 માર્ક્સ મેળવવાના હોય છે. અર્હમ હાલ સાત વર્ષનો છે અને તેણે જ્યારે પરીક્ષા આપી ત્યારે 6 વર્ષનો હતો. તેણે પરીક્ષામાં 1,000માંથી 900 માર્ક્સ મેળવીને ‘માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી અસોસિયેટ’ તરીકે ઓળખ મેળવી છે.
ફર્સ્ટ પર્સન – અર્હમ તલસાણિયા, ઉદગમ સ્કૂલનો ધોરણ-2નો વિદ્યાર્થી માતા-પિતા આઇટી ફિલ્ડમાં હોવાથી નાનપણથી જ હું વિવિધ ગેજેટ્સ સાથે રમતો હતો. હું બે વર્ષનો હતો ત્યારે પપ્પા કે મમ્મી કામ કરતા હોય ત્યારે લેપટોપ કે ટેબ્લેટ શીખ્યો હતો. મને વિવિધ ગેજેટ્સમાં ખૂબ રસ પડતો હતો. પાંચ વર્ષે હું બ્લોક બેઇઝ્ડ પ્રોગ્રામ શીખ્યો. એક દિવસ પપ્પા ઘરે કામ કરી રહ્યાં હતા, મેં પૂછ્યંુ કે તેઓ શું કરી રહ્યાં છે? તેમણે મને કમ્પ્યૂટરની પાયથન લેંગ્વેજમાં કામ કરી રહ્યાં હોવાનું જણાવ્યું. મને રસ પડ્યો તો મેં પૂછ્યંુ કે મને શીખવશો? પાયથન શીખવાની મારી જર્ની ત્યાંથી શરૂ થઇ. પપ્પા રવિવારે મને શીખવતા.
‘IQ ચેક કરવા અટપટા પ્રશ્નો પૂછાય છે’ પાયથન શીખવાની સાથે સાથે હું મારી નાની ગેમ પણ બનાવતો હતો. હાં, તે કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ પર નથી. પરંતુ એ પઝલ, અંકોની પસંદગી, કેલ્ક્યુલેટર વગેરે ઇન્ટરેક્ટિવ ગેમ હતી. પરંતુ એ મેં બનાવી હતી. પાયથન મને બહું સરળ લાગવા લાગી. જ્યાં પણ અટકાતો ત્યાં મમ્મી કે પપ્પા તો હતા જ. અમે માઇક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસીએટની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પરીક્ષા આઇટી ફિલ્ડનું ભણેલા લોકો માટે ઘણી અઘરી હોય છે. કારણ કે આ પરીક્ષામાં પ્રોગ્રામના કોડિંગની સાથે તમારું આઇ.ક્યુ ચેક કરવા માટે અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે. 23 જાન્યુઆરી-2020એ માઇક્રોસોફ્ટે નક્કી કરેલા સેન્ટર પર મેં પરીક્ષા આપી. મેં પરીક્ષામાં 1000 ગુણમાંથી 900 ગુણ મેળવ્યા અને વિશ્વમાં સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામર બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
દર છ મહિને આંખોનું ચેકઅપ કરાવતોઃ અર્હમ આ પહેલા આ રેકોર્ડ મૂળ પાકિસ્તાનના અને હાલ બ્રિટનમાં રહેતા મહંમદ હમઝાના નામે હતો. આજકાલ માતા-પિતાને ડર હોય છે કે જો બાળક નાનપણથી જ ટેબ્લેટ કે લેપટોપ પર કામ કરશે તો તેની આંખો ખરાબ થઇ થશે. પરંતુ મારા પેરેન્ટ્સ ગેજેટ્સ સાથે કામ કરતા હોવાથી તેઓને ખ્યાલ હતો કે મારે કેટલો સમય કામ કરવાનું છે, દર છ મહિને મારી આંખોની તપાસ કરાવતા હતા. હું ક્યારેય ટાઇમ પાસ કરવા કે એમ જ લેપટોપ પર નહોતો બેસતો. મને ખબર હોય છે કે મારે શું કરવું છે.
દુનિયામાં પાયથન લેંગવેજનો ઉપયોગ વિદ્યાર્થીની સફળતા અંગે સ્કૂલને ગૌરવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટીક્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગમાં પાયથન લૅન્ગવેજનો ઉપયોગ થાય છે. હાલ આખું વિશ્વ વર્ચ્યુઅલ દિશામાં જઈ રહ્યું છે. ધોરણ 8 અને 9ની એનસીઈઆરટીની બુકમાં પણ સમાવેશ કરાયો છે. અર્હમ આટલી નાની ઉંમરે કોડિંગ પર પકડ ધરાવે છે તે અત્યંત પ્રેરણાદાયી છે. – મનન ચોકસી, સંચાલક ઉદ્દગમ સ્કૂલ
અર્હમના માતા-પિતા સોફ્ટવેર એન્જિનિયર છે અર્હમના માતા-પિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. અર્હમને નાનપણથી જ કમ્પ્યૂટર્સ અને ટેબ્લેટ્સમાં ખૂબ જ રૂચિ હતી. તે હજુ બે વર્ષનો પણ નહોતો થયો ત્યારથી તેણે ટેબ્લેટ વાપરવાનું શરૂ કરી દીધું હતું. અલગ અલગ કમ્પ્યૂટિંગ ડિવાઈસીસ પર હાથ અજમાવવામાં તેને ખૂબ જ રસ હતો અને ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈઓએસ એમ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ્સ વાપરતો થઈ ગયો હતો. પાંચ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ શીખે છે તે સ્ક્રેચ અને ટિન્કર જેવી તમામ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ એપ્સ જાણતો હતો. તેને વીડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વીડિયો ગેમ બનાવવા માંગતો હતો પરંતુ આ શીખી ચૂકેલી એપ્સ તેના માટે પૂરતી નહોતી એટલે તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું.
અર્હમ પિતાને આદર્શ માને છે આ નાનકડો કમ્પ્યૂટર પ્રોગ્રામર તેના પિતાને પોતાનો આદર્શ માને છે. તેના પિતા ઓમ તલસાણિયા હાલ અમેરિકા સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના ટેક્નોલોજી હેડ છે. અર્હમની આ સિદ્ધિને વર્ણવતા તેઓ કહે છે “તેને વીડિયો ગેમ્સ રમવી ખૂબ ગમે છે અને તે પોતાની વીડિયો ગેમ બનાવવા માંગતો હતો. મેં તેને મારા પોતાના કેટલાક કોડ્સ બતાવ્યા અને તેને પાયથનની મદદથી પોતાની ગેમ બનાવવાની પ્રેરણા મળી. મેં તેને પાયથન પ્રોગ્રામિંગની પાયાની તાલીમ આપવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં તે ઝડપથી શીખવા લાગ્યો. પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજથી ગેમ્સ કેવી રીતે બનાવાય તે શીખવાનું તેણે શરૂ કરી દીધું.
માતા-પિતા અર્હમ વિશે શું કહે છે? તેના માતાપિતાનું કહેવું છે કે અર્હમે જ્યારે કેટલીક નાની ગેમ્સ બનાવી લીધી ત્યારે અમને લાગ્યું કે તેના આ જ્ઞાનને પ્રોફેશનલ્સે પણ તેમની દ્રષ્ટિએ મૂલવવું જોઈએ. એટલે અમે પ્રોફેશનલ સર્ટિફિકેશન માટે અરજી કરી જેમાં તેને માઈક્રોસોફ્ટ ઓથોરાઈઝ્ડ ટેસ્ટ સેન્ટરમાં એક પરીક્ષામાં બેસીને પોતાને આ લેંગ્વેજનું કેટલું જ્ઞાન છે તે દર્શાવવાનું હતું. આ પરીક્ષા તેણે સફળતાપૂર્વક પાર પાડી અને ‘માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી અસોસિયેટ’ તરીકે ઓળખ મેળવી જે ખૂબ જ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાનું પ્રોફેશનલ સ્તરનું સર્ટિફિકેશન છે. સામાન્ય રીતે આઈટી કે કમ્પ્યૂટર એન્જિનિયર જે સર્ટિફિકેશન મેળવતા હોય છે તે અર્હમે માત્ર છ વર્ષની ઉંમરે જ મેળવી લીધું હતું.”
સ્કૂલે એ ભજવેલી ભૂમિકા અંગે અર્હમના પિતાઓમ તલસાણિયા કહે છે “ટેક્નોલોજીની બાબતમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન પહેલેથી જ બીજી સ્કૂલો કરતાં ઘણી આગળ રહી છે. તેઓ કેજીના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર અને આઈપેડથી ક્લાસીસ ચલાવે છે. ટેક્નોલોજી ખાલી મોજમજા માટે જ નથી, તેમાં તાર્કિક ગણતરીઓનું પણ ઘણું મહત્વ છે. સ્કૂલમાં લોજિક્વિડ્સ જેવા પ્રોગ્રામ્સ છે જે સિનિયર કેજીના વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે. ઉદગમ સ્કૂલ એક્સ્ટ્રામાર્ક્સ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. ખાસ કરીને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેનો મોટાભાગે આઈટી ઉદ્યોગમાં કોર્પોરેટ સ્તરે ઉપયોગ થતો હોય છે. પહેલા ધોરણના વિદ્યાર્થી માટે આ પ્રકારની સિસ્ટમ ઊભી કરવાથી બાળકને આઈટી ઉદ્યોગના સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ પર શીખવા મળે છે. આના પગલે વિદ્યાર્થીઓને બાળપણથી જ કોડિંગ અને ટેક્નોલોજીની દુનિયામાં આગળ આવવા માટે મદદ મળી શકે છે.”
અર્હમે પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરી? શરૂઆતમાં અડધા કલાકથી એક કલાક સુધી ગમ્મત કરતાં-કરતાં કોડિંગની શરૂઆત થઈ. અર્હમ તેના પિતા સાથે શનિવારે અને રવિવારે થોડા સમય પસાર કરતો અને નાના પ્રોગ્રામ્સ બનાવતા શીખતો. એક વખત તેણે પૂરતું પાયાનું જ્ઞાન મેળવી લીધું પછી બંને જણા તેમાં વધુને વધુ સમય આપતા ગયા. એડવાન્સ લેવલે શીખતાં અર્હમને એટલો બધો રસ પડવા લાગ્યો કે આખું વીકેન્ડ પિતા-પુત્ર તેમાં જ રચ્યાપચ્યા રહેતા. પ્રોફેશનલ એન્જિનિયર્સ જેને હેકાથોન કહે છે તે મુજબ અર્હમ અને તેના પિતા આખું વીકેન્ડ ટેક્સ્ડ બેઝ્ડ ગેમ્સ બનાવવામાં જ વીતાવતા. અર્હમની માતા તેને પ્રોત્સાહિત કરતી અને આ સમગ્ર સફર દરમિયાન તેને ખૂબ જ મદદ કરી.
સ્કૂલ માટે ગૌરવની ક્ષણઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી પોતાની શાળાના વિદ્યાર્થીએ મેળવેલી જ્વલંત સફળતા અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે “અમારા માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટિક્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો મોટાપાયે ઉપયોગ થાય છે. વાસ્તવમાં NCERTએ ધોરણ આઠ અને નવના અભ્યાસક્રમમાં AI અને પાયથન લેંગ્વેજનો સમાવેશ કરેલો છે. છ વર્ષની ઉંમરે અર્હમ જે લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઈઝ ધરાવે છે તે અભૂતપૂર્વ છે. અમે એક અત્યંત તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”
અર્હમ ટુંક સમયમાં વીડિયો ગેમ લૉન્ચ કરશે હાલ અર્હમ તેની પોતાની વીડિયો ગેમ બનાવી રહ્યો છે. તે એક જ સમયે ગેમના ટુડી અને થ્રીડી વર્ઝન પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં આ ગેમ લોન્ચ કરશે. તે મોટો થઈને ટેક્નોલોજીના ક્ષેત્રે ઉદ્યોગસાહસિક બનવા માંગે છે. તે પોતાની ગેમ્સ, સોફ્ટવેર અને રોબોટ્સ પણ બનાવવા માંગે છે. તે ઈચ્છે છે કે ટેક્નોલોજી આપણા જીવનમાં પરિવર્તન લાવે અને આપણને ભવિષ્યની દુનિયામાં લઈ જાય.
….સમાજ માં ઘણાં પાત્રો એવાં હોય છે, જે કોઈ નવલકથા ના #કિરદાર ની જિંદગી જીવતાં હોય છે.
….આ વ્યક્તિ નાં હાથમાં જે ડોલ છે, તે પ્લાસ્ટિકની ડોલ તેની પોતાની નથી. તેણે દ્રાક્ષ ભરવા આ ડોલ કોઈ પાસેથી, થોડાં કલાકો પૂરતી ઉછીની લીધી છે ! ડોલમાં ૬ કિલો દ્રાક્ષ છે.
… પહેલાં દ્રાક્ષ ની વાત: ધોમધખતા તાપમાં, જામનગર ના સેન્ટ્રલ બેંક રોડ પર જઈ રહેલી દ્રાક્ષ ની લારીને આ શખ્સે ઉભી રખાવી, દ્રાક્ષ નો ભાવ પૂછ્યો. લારીવાળો કહે: છેલ્લી ૬ કિલો જેટલી છે, છેલ્લો ભાવ કિલોના ૩૦…લઈ લ્યો બધી.
…. દ્રાક્ષવાળા મેમણ લારીધારક ને આ શખ્સે કહ્યું: હું આ દ્રાક્ષ ચાખું તો ગાયની માટી બરાબર, ગરીબોને ખવડાવવી છે, દોઢસો માં આપી દે. લારીવાળા એ આપી દીધી.
…મને કુતૂહલ થયું: લારીવાળો જતો રહ્યો પછી, મેં આ મહાશય ને રસ્તા વચ્ચે તડકામાં ઉભાં રાખ્યા. મને ગરમીમાં અકળામણ થતી હતી તો પણ, મેં આ મહાશય ને પૂછ્યું: તમે પોતે કોઈ ની દુકાન ના ઓટલે જિંદગી ખેંચો છો…૬ કિલો દ્રાક્ષ, ગરીબો માટે ?! ….મામલો સમજાવશો ?!
…એક ઓશિકું..બે ચાદર… ઓશિકાં પાસે પડેલો સફેદ શર્ટ અને, જૂનાં ગીતો સાંભળવા એક પોકેટ રેડિયો…આટલો અસબાબ ધરાવતાં આ મહાશય એ, એ ઓટલા પાસે, પોતાની પથારી નજીક ઉભાં ઉભાં કહ્યું: સામે દેખાય છે એ બે માળનું રોડટચ મકાન, મારાં બાપનું છે. હું ઓટલે રહું છું. મકાન ૨૦૧૨ માં ૩ કરોડ માં મંગાયેલુ. વેચ્યું નથી. જ્ઞાતિની વાડી બનાવવા દાનમાં આપી દીધું ! અમે ત્રણ ભાઇઓ. ત્રણેય જુદાં જુદાં ઓટલા ના નવાબ. મારી ઉંમર ૬૫, મારાં થી મોટો ૭૦ નો, એક નાનકડો છે, તે રખડતાં રામ. અમે ત્રણેય વાંઢા. વરસો સુધી પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્યા, પછી દાનમાં આપી દીધી.
… અત્યારે લોકડાઉન છે.. રોજ.. બસ્સો રુપિયાની #ચા કીટલામા ભરી… જુદાં જુદાં વિસ્તારમાં ગરીબોને ચા પિવડાવુ છું… આજે એ ગરીબોને ચા ઉપરાંત દ્રાક્ષ પણ આપીશ !
…૨૨ મી માર્ચે, સાત કિલો બટેટાં અને સાત કિલો તેલ સાથે, રાહત રસોડું શરૂ કર્યું હતું ગરીબો માટે, દાતા મળતાં ગયાં, લોકો ને ખવડાવ્યું..પછી કેટલાક સાથીદારો એ રસોડું #ટેકઓવર કરી લીધું ! મને સેવા ગ્રુપ માં થી કાઢી મૂક્યો ! આજે એ રસોડું ૬૦ હજાર નાં પગારદાર બેંક કર્મચારીઓ ને લોકડાઉન ને કારણે, ટિફીનો વેંચે છે ! નામ સેવાનું !!
… હું અગાઉ લોજ માં ખાતો, લોકડાઉન માં લોજ બંધ છે અને, એક રાવલ પરિવાર બે ટાઇમ ખવડાવે છે. હું અનાજ- કરિયાણું- શાકભાજી મારી મરજી મુજબ, એ પરિવાર ને પહોંચાડું. બસ, મોજ.
…આ ઉંમરે, ઉઘાડા શરીરે તેને #લૂ નથી લાગતી…એ વિચાર કરતાં કરતાં… મેં એને આવક નું સાધન પૂછ્યું: તેણે કહ્યું…મન પડે ત્યારે, સેન્ટ્રલ બેંક નજીક ફરાળી કચોરી ની રેંકડી કાઢું !!
… વાતવાતમાં, વચ્ચે તેણે જણાવ્યું: ખિસ્સામાં દસ પંદર હજાર જમા થાય એટલે જૂનાગઢ ના જંગલો માં જાઉં. સાધુઓને હાથે રસોઈ બનાવી જમાડું. સેવા કરૂં.. બદલામાં ગાંજો પીઉં….બસ, મોજ.
…. મારૂં નામ યોગેશ શિવશંકર જોષી. એક જમાનામાં હું પણ, અખબાર સાથે જોડાયેલો, મશીન નો કારીગર હતો….એમ તેણે વાતચીતમાં જણાવ્યું.
…વાત પૂરી થયાં પછી, તેણે કહ્યું: થોડીવાર જૂનાં ગીતો સાંભળીશ, પછી ચા નો કીટલો.. દ્રાક્ષ…ને ગરીબગુરબાની સેવા….બસ , આ જિંદગી !!
નોંધઃ આ મકાન નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ ની વાડી માટે આ ત્રણેય ભાઈઓએ દાન માં આપ્યું છે. અંદરોઅંદર પૈતૃક સંપત્તિ માટે ઝઘડ્નાર આ ભાઇઓ ની ઈચ્છા છે, #બાપ શિવશંકર નું નામ, વાડીનાં મુખ્ય દાતા તરીકે લખાય, જિંદગી માં બસ, બીજી કોઈ તમન્ના નથી.
એક આડવાત:
આ શખ્સ ની માતા સવિતાબેન નું આઠ વર્ષ પહેલાં, સવારે અવસાન થયું તે બપોરે, શોભનાબેન નામનાં ૭૦ વર્ષ નાં વૃધ્ધા ક્યાંક થી, અહીં આવી ચડ્યા. આટલાં વર્ષો થી આ ડોશીમા બાજુના ઓટલા પર રહે છે, બારેમાસ ! યોગેશ ભાઈ નામના આ પ્રૌઢ…. શોભનાબેન માં માતા જૂએ છે… બધું જ પૂરૂં પાડે છે… દાંત પર ઘસવાની #બજર પણ…..
… પંદરેક મિનિટ, તડકામાં ઉભો, રોડ પર, પરસેવે રેબઝેબ થયો. પણ, આનંદ એ થયો કે, યોગેશભાઈ ને સાંભળનાર કોઈ વર્ષો પછી મળ્યું…એની ખુશી એની આંખોમાં ડોકાતી હતી…. પછી, હું મારાં ઘર તરફ જતો રહ્યો, યોગેશ જોષી નો આ ફોટો ખેંચી.
શ્રીમતિ લતા હીરાણીના સ્વમુખે એમનાં માતાની કથની સાંભળી, ત્યારથી એ પ્રતિભાને સાદર, સાષ્ટાંગ પ્રણામ સાથે અહીં સ્થાન આપવા મન હતું. ફેસબુક પરના લતાબહેનના લેખ સાથે આજે એ માનતા પૂરી થાય છે –
ચન્દ્રિકા પરીખ
આ આખું વાંચશો તો તમને થશે કે આવી સરસ વાત તમે અત્યાર સુધી કેમ ન લખી ? મને ય એમ લાગે છે પણ નથી લખી… બસ નથી લખાઈ ! તો સાંભળો એટલે કે વાંચો…વાહ પોકારી જશો એની ગેરંટી.. પૂરું વાંચશો તો…
હું જન્મી 1955 માં (હવે તો ઉંમર કહેવામાં કાંઈ વાંધો નહીં !) મારું જન્મ વર્ષ એટલે લખું છું કે તમને એ સમયનો ખ્યાલ આવે. ત્યારે મારી મા 16 વરસની. એ પરણી ત્યારે નવ ધોરણ પાસ હતી અને મારા પપ્પા B.A. LLB. સરકારી નોકરી કરતા પપ્પા મામલતદાર બન્યા. સૌરાષ્ટ્રના નાના તાલુકાઓમાં અમારી બદલી થયા કરે. એટલી હદે કે મેં 11 ધોરણ સુધીમાં 11 સ્કૂલો બદલી. (ને BA ના ચાર વર્ષમાં ચાર કોલેજ) ગામમાં કન્યાશાળા હોય તો જ ભણવાનું નહીંતર પપ્પા મામાને ત્યાં ભણવા મોકલી દે. વળી કન્યાશાળા હોય એવું ગામ મળે તો બોલાવી લે ! વરસમાં બબ્બે વાર સ્કુલ બદલી છે એટલે મારે કોઈ બહેનપણી હોય જ નહીં ! મને મારા કોઈ શિક્ષકોય યાદ નથી ! આવા ભૂતકાળનો બહુ અફસોસ છે.
ચાલો એ તો આડવાત થઈ. મૂળ વાત મારી માની. અમે ત્રણ ભાઈબહેન પછી મારા ચોથા નંબરના ભાઈ દીપકનો જન્મ સૌરાષ્ટ્રના માંગરોળ ગામે થયો. એ વર્ષે મારા કાકાના દીકરાને પપ્પાએ અમારી સાથે બોલાવી લીધેલા. એમને મેટ્રિકનું વર્ષ હતું. આખા કુટુંબમાં પપ્પા એક જ આટલું ભણેલા એટલે એમને થયું કે ગિરધર અહીં મારી સાથે રહીને ભણે તો ધ્યાન રહે. ટ્યુશન રખાવી દઉં. મેટ્રિકમાં સારું રિઝલ્ટ આવે તો આગળ ભણાવું ને એની જિંદગી સુધારી જાય ! આમ ગિરધરભાઈ અમારા ઘરે આવ્યા ને સ્કૂલમાં દાખલ થયા. ત્યારે એડમિશનની આટલી બબાલો નહોતી. સરકારી સ્કૂલોમાં જ ભણવાનું રહેતું. એમના માટે નવી ચોપડીઓ ને નોટો આવી. ઘરે ટ્યુશનના સાહેબ ભણાવવા આવવા માંડયા. મમ્મીને થયું, ગિરધરની ચોપડીઓ, એ નહીં વાંચતો હોય ત્યારે હું વાંચું ને એને સાહેબ ભણાવે ત્યારે હું બાજુમાં બેસીને શીખું તો સ્કૂલે ગયા વગર મેટ્રિકની પરિક્ષા આપી શકું !
મિત્રો, એ વખતે એ ચાર બાળકોની મા હતી ને મારો સૌથી નાનો ભાઈ દિપક લગભગ છ કે આઠ મહિનાનો હતો. ઉપરાંત સૌરાષ્ટ્રનું અત્યંત રૂઢિચુસ્ત વાતાવરણ. એણે પપ્પાને બીતાં બીતાં પૂછ્યું. પપ્પાનો જવાબ એ જ જે એ સમયે રહેતો.
‘તારે હવે ભણીને કરવું છે શું ?’
પણ મમ્મીએ રિકવેસ્ટ ચાલુ રાખી. પપ્પા માન્યા. – “તું પહોંચી વળતી હોય તો સારું, ભણ. “
પપ્પાએ એટલી સગવડ જરૂર કરી કે મમ્મીને નવી ચોપડીઓ, નોટો અપાવી દીધાં. મમ્મી રોજ ગિરધરભાઈની સાથે સાહેબ પાસે ભણે ને ઘરમાંથી સમય કાઢીને વાંચે. પપ્પા મામલતદાર એટલે ઘરે સાહ્યબી ખરી. અમારી પોતાની ઘોડાગાડી હતી ! એ જમાનામાં એ મોટી વાત હતી. આજે કાર પણ સામાન્ય લાગે. ગીરધરભાઈને આ ઘોડાગાડીમાં ફરવાની બહુ મજા પડી ગઈ. અંતે પરિણામ આવ્યું ત્યારે ભાઈ ફેઈલ થયા ને મમ્મી ફર્સ્ટ કલાસ પાસ થઈ ! એ જમાનામાં મેટ્રિકનું રિઝલ્ટ છાપામાં આવતું જેમાં ફર્સ્ટ કલાસની નાની કોલમ હોય ને થર્ડ કલાસનું પાનું ભર્યું હોય ! ચાર બાળકોની મા, નિશાળે ગયા વગર ઘર ને ચાર બાળકો સંભાળતા ફર્સ્ટ કલાસ મેટ્રિક પાસ થઈ ! પપ્પા સહિત બધા ખુશ ખુશ થઈ ગયા. ત્યારે હું ચોથા કે પાંચમામાં હોઈશ. કદાચ 1963ની આ વાત.
જીવન ફરી એમ જ ચાલ્યું. વર્ષો વીત્યા ને હું મેટ્રિકમાં આવી. (મને હાયર સેકન્ડ કલાસ મળેલો) ત્યારે મમ્મીએ છાપામાં જાહેરાત વાંચી, – એક્સ્ટર્નલ બી.એ. કરી શકાય એ અંગેની. એનો જીવ ફરી સળવળ્યો.
અરે વાહ, કોલેજે ગયા વગર બી.એ. થવાય એ તો કેવું સારું ! એને મૂળે રોજ કોલેજ જવું ન પોસાય. બાકી ઘરમાં તો એ બધા જંગ જીતી લે !
ફરી એ જ સવાલ-જવાબ – ‘તારે બી.એ. થઈને હવે કરવું છે શું ?’
પણ એણે પોતાની વાત પકડી રાખી. એકવાર ભણીને સાબિત પણ કરી દીધું તું. હવે અમે પાંચ ભાઈબહેન થયા તા અને બધા ભણતા હતા. પરીક્ષા પણ બધાની સાથે હોય ! એણે છાપાની જાહેરખબરમાંથી જ રસ્તો શોધી લીધો હતો.
‘હું ઓક્ટોબર ટુ ઓક્ટોબર પરિક્ષા આપીશ જેથી લતા ને છોકરાવની પરીક્ષા માર્ચમાં હોય તો વાંધો ન આવે!’
પપ્પા પાસે હા કહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આમેય એમનો સ્વભાવ હંમેંશા સૌને સાથ આપવાનો. શિક્ષણ માટે એમને પ્રેમ. ને મમ્મીનું કોલેજનું ભણવાનું શરૂ થયું. અમે મા દીકરી સાથે સાથે ભણ્યા. હું માર્ચમાં પરીક્ષા આપું ને એ ઓક્ટોબરમાં. કોલેજના અભ્યાસમાં એ મારા કરતાં માત્ર એક વરસ આગળ. મારા કરતાં સારા માર્ક્સ લાવે ! એમ મેં SYBA પાસ કર્યું.
જોવાની વાત એ કે પોતે આટલી ભણવાની હોંશ ધરાવે તોય સારો છોકરો મળતાં મને SYBA પછી પરણાવી દીધી..જવાબ એક જ – “‘લગન પછીયે ભણાય, ભણવું હોય તો ! આ મને જુઓને, હું નથી ભણતી ?”
લો બોલો… જો કે આ તો એણે બીજા લોકોને આપેલો જવાબ. મેં કાંઈ દલીલ નહોતી કરી હો, હું તો મજાની હરખે હરખે પરણી ગઇ તી…મને ‘એ’ બહુ ગમતા તા… (એરેન્જડ મેરેજ) મારા લગ્ન નિમિત્તે એણે એક વર્ષનો ડ્રોપ લઈ લીધો ! બસ આટલું જ. મને પરણાવીને પાછી ફાઇનલ BA માટે મંડી પડી …
B.A. એ થઈ ગઈ. ત્યારે પપ્પા ડેપ્યુટી કલેકટર, મેજિસ્ટ્રેટ બની ગયા હતા. એ પછી એણે પપ્પાને પૂછ્યું,
‘તમે રિટાયર્ડ થશો પછી શું કરશો ?’
‘પછી વકીલાત કરીશ’
(હવે આ દરમિયાન એણે ક્યાંકથી જાણકારી મેળવી લીધી હતી કે LL B તો ઘરે બેસીને ય કરી શકાય..ખાલી કોલેજમાં એડમિશન લઈ લેવાનું. કોલેજે જવાની જરૂર નહીં. એ પેલા સવાલ જવાબનું રહસ્ય.)
પપ્પાનો એ જ જવાબ પણ મોળો; કેમ કે એમને ખબર, ‘આ હવે છોડશે નહીં.’
વળી મમ્મીની એય દલીલ કે,
“મારે ક્યાં નોકરી કરવી છે ? હું તો તમારી સાથે ઓફિસમાં બેસીશ. શીખીશ ને તમને મદદ કરીશ. એ બધું LL B કરી લઉં તો જ થાય ને !”
મૂળ વાત એ કે કૈંક કરી બતાવવાની, શીખવાની એની ધગશને કોઈ સીમા જ નહોતી. ભણવાનું એનું કટકે કટકે ચાલ્યું કેમ કે અચાનક પપ્પાની બદલી થાય ને અનુકૂળ ન હોય તો બંધ રાખવું પડે. પણ એ નવરી તો બેસે જ નહીં. વચ્ચેના ભણવાના વિરામો દરમિયાન એ સીવણ એમ્બ્રોઇડરી શીખી. વિસાવદરમાં ઘર પાસે અંધશાળા હતી તો એક શિક્ષકને ઘરે રાખીને સંગીત શીખવાનું શરૂ કરી દીધું. ગાયનની બે વર્ષની પરિક્ષા આપી. હારમોનિયમ શીખી. વાયોલિન જેવું વાદય ! એ સમયે કદાચ સ્ત્રીઓ શીખવાનું વિચારે ય નહીં ! મારી મા વાયોલિન શીખી જ એટલું નહીં વાયોલિન વાદનમાં વિશારદ થઈ !! હવે એણે આમ જ LL. B ના ત્રણ વર્ષ કરી સનદ પણ લઈ લીધી !!એ LL. B નું ભણતી હતી ત્યારે હું બે બચ્ચાની મા બની ગઈ હતી. એટલે વચ્ચે વચ્ચે મારી સુવાવડો પણ એણે કરી.
આખરે એના છેલ્લું સપનું (જો કે છેલ્લું નહોતું) પણ પુરૂ થયું. અમદાવાદમાં રિલીફ રોડ પર પપ્પાની ઓફિસમાં એમની સાથે બેસીને થોડો સમય વકીલાત પણ કરી. એ દરમિયાન એણે મનેય વટલાવી નાખી. મારે MA કરવું તું. “MA કરીને શુ કરીશ ? ક્યાંય નોકરો નહીં મળે ! એના કરતા કરતા મારી જેમ LL. B કરી નાખ. અમારી સાથે બેસીને પ્રેક્ટિસ કરજે.” હું ભોળવાઈ ગઈ. જો કે વાત એની કાંઈ ખોટી નહોતી. પપ્પા કામ શીખવે. મેં એમ જ કર્યું. પણ કમનસીબે મેં ત્રણ વર્ષ પુરા કર્યા, સનદ લીધી ને પપ્પાનો સ્વર્ગવાસ થયો. મમ્મીની ઓફીસ બંધ થઈ. કદાચ અમે બધાએ પ્રોત્સાહન આપ્યું હોત તો એણે ચાલુ પણ રાખ્યું હોત ! પણ અમારા કોઈમાં એના જેટલું જોશ નહોતું અને પપ્પાના અચાનક અવસાન (હાર્ટ એટેક)થી એ થોડી ઢીલી પડી ગઈ હતી. મારો તો કોઈ સવાલ જ નહોતો. મારા માટે તો એ સારું જ થયું. કેમ કે હું વકીલાતનું માંડ ઢસડાતા, પરાણે જ ભણી તી. મને એમાં જરાય મજા નહોતી આવતી.
થોડા વર્ષો એ શાંત રહી. ઘરમાં સ્કૂટર જોઈ એકવાર એને થયું કે હું સ્કૂટર શીખી જાઉં તો કેટલું સારું ! આ રીક્ષાની ઝંઝટ નહીં. અમે સમજાવ્યું કે, – તમને સાયકલ આવડતી નથી, સ્કૂટર ક્યાંથી ચલાવશો ? બેલેન્સ રાખતા શીખવું પડે ને હવે આ ઉંમરે જોખમ ન લેવાય. હાડકા ભાંગે તો અઘરું પડે ! ત્યારે તો એ ચૂપ થઈ ગઈ પણ એમાં એક દિવસ એને રસ્તામાં સાઈડકારવાળું સ્કૂટર દેખાયું. ઓહ, એને ઉપાય મળી ગયો ! આમાં તો બેલેન્સ રાખતા શીખવાની જરૂર જ નહીં. બસ ચલાવતા જ શીખવાનું ! કોઈની દલીલ સાંભળ્યા વગર એણે સાઈડકાર નખાવી દીધું ને ડ્રાઈવર પાસે ચલાવતા શીખી પણ ગઈ ! પછી તો સાઈડકારવાળું સ્કૂટર લઈને રોજ લો ગાર્ડનમાં લાફિંગ ક્લબમાં એ પહોંચી જાય.
આમ જ એ ગાડી શીખી ગઈ. ઘરમાં કાર હોય ને મને ચલાવતા ન આવડે એ કેમ ચાલે ? અમે બધાએ કહ્યું કે ડ્રાઈવર રાખી લઈએ. જવાબ એક જ “ના, હું શીખી જઈશ” એ શીખી ગઈ. સ્કૂટર ને બદલે ગાડી લઈને ફરવા માંડી.
એના મનમાં બસ એકવાર વિચાર આવવો જોઈએ પછી એ કરીને જ રહે.
જો કે એકવાર એનાથી નાનો અકસ્માત થઈ ગયો અને ભાઈએ મમ્મીને ગાડી ચલાવવાની ના પાડી દીધી. મમ્મીને મનાવવા મુશ્કેલ એટલે એણે ગાડી વેચી નાખી. પપ્પાની ગેરહાજરીમાં એને મમ્મીની વધારે ચિંતા રહેતી.
જોવાની વાત એ છે કે 1940માં સૌરાષ્ટ્રના રૂઢિચુસ્ત વાતાવરણમાં જન્મેલી આ સ્ત્રીએ કેવી કેવી ઈચ્છાઓ સેવી અને એણે પોતાની જાતે જ બધા રસ્તાઓ શોધી લીધા ! અમને ખબર નથી એ કેવી રીતે ભણી ! એણે કેવી રીતે ઘર ને બાળકો અને અમારા સોએક માણસના કુટુંબમા વારે વારે આવતા સામાજિક વ્યવહારો નિભાવતા કેવી રીતે ભણી !! ક્યાં જઈને સાઈડકાર નખાવ્યું ને કેવી રીતે શીખી ! કાર વેચી નાખી પછી ફરી એ એના સ્કૂટર પર આવી ગઈ ! એ ભલી ને એનું સાઈડકાર ભલું ! જ્યા મન થાય ત્યાં પહોંચી જાય.
આખી જિંદગી જે સ્ત્રી આટલી જબરદસ્ત ખુમારીથી જીવી એને અંતે અલઝાઇમર થયો અને ત્રણ વરસ ખાટલામાં કોઈ હલનચલન કે અવાજ વગર પડી રહી. એમની વાચા પણ હણાઈ ગઈ હતી. આટલી શાંત એ જીવનમાં એક દિવસ પણ નહીં રહી હોય !! ખબર નથી કે છેલ્લે છેલ્લે એ અમને ઓળખતી પણ હતી કે નહીં ! એ જાણે કોઈ જુદી જ દુનિયામાં કશુંક નવું શીખવા જતી રહી હતી ને એમ જ એણે આંખો મીંચી દીધી 7 ઓક્ટોબર 2016…….
મને અનેકવાર થતું કે એ સમયે ભાગ્યે જ જોવા મળે એવી આ અદભુત સ્ત્રી હતી. આજના સમય પ્રમાણે તો એની આ વાત જાણીને ટીવી મીડિયા એનો ઇન્ટરવ્યૂ લેવા માટે પડાપડી કરતા હોત. છાપાઓ અને મેગેઝીનોમાં એના વિશે લખીને કેટલાય પત્રકારો લેખકો રાજી થયા હોત.. એને અનેક એવોર્ડ પુરસ્કારો સન્માનો ખિતાબો મળ્યા હોત. એ જબરદસ્ત જીવી અને સાવ ગુમનામીમાં જતી રહી. 1938માં જન્મેલી મારી માનું નામ ચંદ્રિકા. પપ્પા ધીરજલાલ. હું લતા, ભાઈ હરેશ અને ડૉ. દિપક, બહેન સાધના લેસ્ટરમાં છે. એક બહેન કાશ્મીરા નાની વયે અવસાન પામી.
હું લેખક! મેંય એને ન્યાય ન આપ્યો. હશે… કુદરત પાસે ઘણા રહસ્યો હોય છે. હું એમાં નિમિત્ત બની! જે હોય તે… આજે આટલું લખીને થોડો સંતોષ લઉં છું…
મને એય ખબર છે કે આ સાવ સપાટ લખાણ છે, બસ હકીકતોનું બયાન પણ અત્યારે અહીં અલમોડામાં બેઠી છું. મધર્સ ડે ના FB પર લખાણો વાંચ્યા ને શરમ આવી કે આવી અદભુત મા પર મેં ક્યારેય લખ્યું નહીં ! આજે વરસાદ છે. લાઈટ નથી..મોબાઈલમાં આખો લેખ લખ્યો છે ને FB પર પોસ્ટ કર્યો છે. હવે લખવામાં બેટરીનુંય વિચારવું પડે એમ છે…બહુ ઓછી બેટરી બચી છે અને લાઈટ નથી. આને ફરી મઠારીને લખીશ.
આ દંપતી વિદેશની સુખ-સાહ્યબી છોડીને બન્યા ‘દેશી’
એર હોસ્ટેસ પત્ની કરે છે પશુપાલન, પતિ બન્યો ખેડૂત
વિદેશ જવું અને વિદેશના રંગરુપમાં રંગાવું ભાઈ કોને ન ગમે… તેમાં પણ લાખ રૂપિયાની નોકરી હોય, એશો-આરામની જિંદગી હોય, તો તમે એ નોકરી છોડી પાછા ભારત આવવાનું વિચારી શકો? ન જ વિચારો, પરંતુ આજે એક એવા યુવા દંપતીની વાત કરવા જઈ રહ્યા છે. જેણે એશો-આરામની વિદેશી લાઈફ છોડી આજે ગામડાનો વેશ ધારણ કર્યો છે.
કોણ છે તે યુવા દંપતી?
એક એવું દંપતી જેણે બદલ્યો વેશ, એક એવું દંપતી જેણે ત્યજી વિદેશી સુખ-સાહ્યબી, એક એવી ભારતીય નારી જેણે એર હોસ્ટેસની નોકરી છોડી આજે બની ગઈ ગોવાલણ. આ એક એવા યુવા દંપતીની કહાની છે જેણે વિદેશી વેશભૂષા છોડી, લાખો રૂપિયાની નોકરી છોડી અને આજે દેશ પર આવી ખેતી અને પશુપાલન કરે છે. આ એક એવા પુરુષની કહાની છે જેણે ખેતરમાં પગ નહોતો મુક્યો. એક મહિલાની કહાની છે જેણે ક્યારેય હાથમાં છાણનો તગારું પોતાના હાથમાં નહોતો લીધો. આ કહાની છે… પોરબંદરના બેરણ ગામમાં રહેતા રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટીની…
વિદેશી સુખ-સાહ્યબી છોડી પોતાના ગામ પરત ફર્યા
રામદે ખુંટી અને ભારતી છેલ્લા 8 વર્ષથી ઈંગ્લેન્ડમાં સ્થાઈ થયા હતા. બંને પતિ-પત્ની ઈંગ્લેન્ડમાં ખુબ સારી પોસ્ટ પર હતા. ભારતી ખુંટી બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકો નોકરી કરી રહ્યા હતા. પરંતુ પોતાને ત્યાં દિકરાનો જન્મ થયો. આ બંને પતિ-પત્નીએ વિદેશી ધરતી અને નોકરી છોડી ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. એક દિવસ એવો પણ આવ્યો કે બંને પતિ-પત્ની એ વિદેશી સુખ-સાહ્યબી છોડી પોતાના ગામ પરત ફર્યા. ગામડે પરત ફર્યા બાદ પણ બંને પતિ-પત્નીએ નોકરી અંગે ન વિચારી ખેતી અને પશુપાલન કરવાનું વિચાર્યું. આજે બંને દંપતી ખેતીની સાથે-સાથે પશુપાલન કરે છે.
સટાસટ ભેંસો દોહી રહી છે
હવે જે દ્રશ્ય તમે જોવા જઈ રહ્યા છો.. તે જોતા તમને માન્યામાં નહીં આવે કો, શું હકીકતમાં આ એજ વ્યક્તિ છે. આ એજ રામદે ખુંટી અને ભારતી ખુંટી છે. કારણ કે, જેણે ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે આજે સટાસટ ભેંસો દોહી રહી છે. દૂધની સેર તો એવી ફૂટી રહી છે જાણે વર્ષોથી ભેંસો દોહવાનો અનુભવ હોય. આ દ્રશ્ય જોતા તો વિશ્વાસ જ નહીં આવે કે, વિદેશી જીવન અને વિદેશી ધરતી પર રહીને આવેલી કોઈ મહિલા આ પ્રકારનું પણ કામ કરી શકે.
ગામડામાં સંતાનનો ઉછેર કરવો હતો
બંને દંપતીનું એવું માનવું છે કે, તેઓ પોતાના પુત્રનો ભારતીય પરંપરા ઉછેર કરવા માગતા હતા. જેને લઈને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જોકે તેઓ ભારત આવીને પણ સારી નોકરી કરી શકતા હતા. પરંતુ તેમને ગામડાની અંદર રહીને જ પોતાના સંતાનનો ઉછેર કરવો હતો. સાથે નોકરી નહીં પરંતુ બાપદાદાનો ધંધો કરવો હતો. જેથી તેમણે ખેતી અને પશું પાલનનો વ્યવસાઈ કરવાનું પસંદ કર્યું. આજે આ બંને યુવા દંપતી ખેતી કરી રહ્યા છે.
યુટ્યુબ ચેનલ પણ બનાવી
એટલું જ નહીં પરંતુ આજની યુવા પેઢીને ગ્રામ્ય જીવન તરફ આકર્ષવા માટે બંને દંપતીએ પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. જેના પર પોતાના રોજે-રોજના દૈનિક કાર્યોને અપલોડ કરી યુવાઓને જાગૃત કરવાની કાોશિશ પણ કરે છે. આ દંપતીએ તો પાતાના સંતાનને સારા સંસ્કાર અને દેશની પરંપરા સાથે જોડવા વિદેશી જીવન છોડ્યું અને ખેતી-પશુપાલન પસંદ કર્યું. પરંતુ આશા રાખીએ કે આ અહેવાલ બાદ જે યુવાઓ ખેતીથી દૂર ભાગી રહ્યા છે, ગામડું છોડી શહેર તરફ ભાગ્યા છે તેઓ ફરી ગામડાં તરફ આકર્ષીત થશે.
વાચકોના પ્રતિભાવ