ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: મુખ્ય પ્રધાન

માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki


ત્રણ વખત ગુજરાતના મુખ્ય મંત્રી

વિકિપિડિયા પર
દિવ્ય ભાસ્કરમાં ઘણા ફોટા સાથે લેખ

જન્મ

૩૦, જુલાઈ- ૧૯૨૭ , પીલુદરા, વડોદરા જિ.

અવસાન

૯, જાન્યુઆરી – ૨૦૨૧, ગાંધીનગર

કુટુમ્બ

માતા– ? ; પિતા – ફૂલસિંહ
પત્ની ? પુત્ર – ભરત

શિક્ષણ

પ્રાથમિક – ? માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

પત્રકાર, રાજકારણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી
    ડિસે – ૧૯૭૬ થી એપ્રિલ – ૧૯૭૭
    જુન -૧૯૮૦થી જુલાઈ – ૧૯૮૫ ;
    ડિસે ૧૯૮૯ થી માર્ચ – ૧૯૯૦
  • ભારત સરકારના વિદેશ પ્રધાન
    જુન – ૧૯૯૧ થી માર્ચ – ૧૯૯૨
  • ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદી વિચાર KHAM માટે જાણીતા બનેલા અને એના આધારે રાષ્ટ્રીય કોન્ગ્રેસને ગુજરાતની વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતી અપાવી હતી.
  • તેમના પુત્ર ભરતસિંહ પણ કો ન્ગ્રેસના આગળ પડતા નેતા
  • ગુજરાતી સાહિત્યકારો ભુપત વડોદરિયા, મોહમ્મદ માંકડ વિ. ના અંગત મિત્ર.
  • કવિ શેખાદમ આબુવાલાના ખાસ મિત્ર

શ્રી. જયનારાયણ લિખિત શ્રદ્ધાંજલિ

માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય

૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિકારીઓની એક ખૂબ કસાયેલી અને સક્ષમ ટીમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક મિશન સ્વરૂપે લઈને કામે લાગી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ એનો નંબર ૮મો હતો. ૧૯૬૦થી ૯૦ના ત્રણ દાયકામાં સ્થાનિક ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને મુંબઇ વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓના રોકાણને આકર્ષવા માટે GIDC, GSFC, GIIC અને GSIC જેવાં નિગમોની શરૂઆત મનુભાઈ શાહ જેવા દીર્ઘદ્રષ્ટાના આયોજનનું પરિણામ હતું. આ ચાર નિગમ માટેનું એક વાક્ય હતું ‘the four wheels that gear the industrial growth in Gujarat’ ભાવાર્થ કરીએ તો ‘ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને ગતિવંત રાખતાં ચાર ચક્રો’. આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે કે ઇન્ડેક્સ્ટની સ્થાપના એક અનોપચારિક ટી કલબ તરીકે થઇ. અનૌપચારિક રહેવા છતાં ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ સંસ્થાગત કહી શકાય તેવી વ્યવસ્થામાં પરિણમી. આગળ જતાં ૧૯૭૮માં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોની સ્થાપના થઈ જેના સ્થાપક ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે મેં બાર વરસ કામ કર્યું. આ કામગીરીનો મધ્યાહન એટલે માધવસિંહભાઈનો ૧૯૮૦થી ૧૯૮૫ સુધીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. ઔદ્યોગિક નીતિઓ અને મહારાષ્ટ્રના સીકોમને હંફાવે તેવી one stop shop – ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો – ઇન્ડેક્સ્ટ-બીનો આ આખીય વ્યવસ્થામાં રિસર્ચ અને વૈજ્ઞાનિક અભિગમથી ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનની માર્કેટિંગ એજન્સી તરીકેનો રોલ એટલો તો અસરકારક હતો કે અન્ય અનેક રાજયોએ એને અપનાવ્યો. આ સમયગાળામાં બે દિગ્ગજો જેમણે મને પ્રભાવિત કર્યો તેમાંના એક મારા રોલ મોડેલ અને રાજકીય ગુરુ સનત મહેતા અને બીજા તે રાજ્યની ઔદ્યોગિક નીતિઓનો સીધો હવાલો સંભાળતા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી માધવસિંહભાઈ. આ પાંચ વરસનો ગાળો એવો હતો કે માધવસિંહભાઈને ક્યાંય પણ અર્થવ્યવસ્થા અથવા ઔદ્યોગિક વિકાસ ઉપર ભાષણ આપવાનું હોય તો એ તૈયાર કરવાનું કામ મારે ભાગે આવ્યું અને વિચારોનો તાલમેલ એટલો અથવા માધવસિંહભાઈનો મારા પર વિશ્વાસ એટલો કે એમાં ક્યારેય કોઈ ખોટકો ના આવ્યો. આ કામ કરતાં કરતાં માધવસિંહભાઈ સાથે નજીદીકથી પરિચયમાં આવવાનું થયું. સનતભાઇ અને માધવસિંહભાઈ બંનેના સ્વભાવ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા પણ બંનેનો એક શોખ લગભગ સરખો. એ શોખ એટલે વાંચનનો શોખ. મને એક વખતે ખૂબ હળવાશની પળોમાં મારા સિનિયર અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યો ત્યારે મિત્ર એવા શ્રી એચ. કે. ખાન સાહેબે કહેલું કે માધવસિંહભાઈને માટે કોઈ સારું પુસ્તક ખરીદીને આપવું એના જેવું મુશ્કેલ કામ બીજું એકેય નથી. તમે આપવા જાવ એ પહેલાં એમની પાસે એ પુસ્તક આવી જ ગયું હોય. એ જમાનો ઇન્ટરનેટનો નહોતો પણ અખબારોમાંથી કાપલીઓ કાઢી અને પોતાને ગમતા વિષયોની ફાઇલો બનાવવાનો હતો. આમાં પણ પત્રકારોમાં શ્રી નિરુભાઈ દેસાઈ અને રાજનેતાઓમાં શ્રી માધવસિંહભાઈ અને સનતભાઈની ધગશ અને વ્યવસ્થાપન શક્તિ અદ્ભુત હતી.

મારા રોલ મોડેલ કે રાજકીય ગુરુ સનતભાઈ પણ મારે માધવસિંહભાઈ કે ઝીણાભાઈ સાથે એમને કારણે ક્યારેય અંતર ન થયું. માધવસિંહભાઈ પાસેથી ઘણું શીખવા જેવું હતું પણ સૌથી વધારે મને અસર કરી ગયું હોય અને જેને ત્યાર પછીના રાજકારણીઓમાં હું હંમેશા શોધવા મથતો રહ્યો છું તે હતું એમની પાકટતા અને વિરોધને ગળી જવાની ગુણગ્રાહિતા. એક સમયે કેબિનેટ મીટિંગમાં સનતભાઇ અને માધવસિંહભાઈને થોડી તડાફડી થઈ. જો કે તડાફડી તો સનતભાઇએ કરી હતી માધવસિંહભાઈએ નહીં. મામલો શાંત પણ થઈ ગયો. ત્યારબાદ એમના કેટલાક સાથીઓ માધવસિંહભાઈની ચેમ્બરમાં પહોંચ્યા, રોષ ઠાલવ્યો, આવું કેમ ચલાવી લેવાય? અત્યંત સ્વસ્થતાપૂર્વક માધવસિંહભાઈએ કહ્યું કે વિવેક કોણ ચૂક્યું? અને પછી હળવે રહીને ઉમેર્યું, ભાઈ, ક્યારેક દૂઝણી ગાયની લાત ખમવી પણ પડે! આપણે બધા સનતભાઈને ક્યાં નથી ઓળખતા? પણ એમની નાણામંત્રી તરીકેની ક્ષમતા બાબત તો કશું જ કહેવું પડે તેમ નથી. એટલે આ પ્રશ્ને અહીં જ પૂર્ણવિરામ મૂકી દો. અને વાત સમેટાઇ ગઈ. સનતભાઇએ જે શબ્દો વાપર્યા હતા આવેશમાં આવીને તે બદલ તેમનું રાજીનામું ચોક્કસ માંગી લઈ શકાયું હોત અને માધવસિંહભાઈનો એ મધ્યાહ્ને તપતા સુરજનો સમય હતો. એમને એમ કરતાં કોઈ રોકી ન શક્યું હોત પણ એ વાત ગળી ગયા.

બીજી ઘણી વાતો છે પણ એક વાત ખાસ યાદ આવે છે. એક સિનિયર પોલીસ-અધિકારી સાથે ગપ્પાં મારતાં આ વાતનો ઉલ્લેખ થયેલો. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે જ પાલજ-પ્રાંતીયા-લવારપુરા વિસ્તારમાં એક ટોળાએ માધવસિંહભાઈ પર લગભગ આત્મઘાતી હુમલો કર્યો. એક ખેડૂતની સમયસૂચકતાથી એમાંથી એ ઉગરી પણ ગયા. ગાંધીનગરના તે સમયના એસપી ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, સાહેબ આમાંથી ખાલી મુખ્ય માણસોના નામ આપો, એકયને નહીં છોડીએ. માથેથી ઘાત પસાર થઈ એ પરિસ્થિતિમાં પણ માધવસિંહભાઈએ એમની હળવાશ અને સૂધબુધ નહોતી છોડી. એમણે કહ્યું, મિસ્ટર એસપી, આ એ વિસ્તાર છે જ્યાં અનેકવાર મારું સ્વાગત થયું છે. આજે કેટલાક લોકો મારાથી નારાજ છે. જાહેરજીવનમાં રહેલા વ્યક્તિએ સમભાવ કેળવવો જ પડે છે. હું કોઈને ઓળખતો નથી અને તમારે કોઈ કાર્યવાહી પણ કરવાની નથી. ગુજરાતનો મુખ્યમંત્રી એના નાગરિકો સામે ફરિયાદી બને એ નામોશી મારા નામે ન લખાય તે જોજો. આ વાત અહીં પૂરી થાય છે.

આ માધવસિંહભાઈ હતા. હું એમનો ખૂબ મોટો ચાહક રહ્યો, આજે પણ છું. હું આમ તો ક્યારેક ક્યારેક માધવસિંહભાઈને મળવાનો મોકો ઝડપી લેતો પણ નિરાંતે મુલાકાત થઇ સિવિલ હોસ્પિટલમાં. હું ત્યારે આરોગ્ય મંત્રી હતો. મારી એકબીજા વીઆઇપી હોસ્પિટલમાં દાખલ થયા હતા તે સંદર્ભે સૌજન્ય મુલાકાત દરમિયાન ડૉ. પ્રભાકરે મને કહ્યું કે માધવસિંહભાઈ પણ એડમિટ છે. એમણે પગની ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું છે. ઉતાવળે પગલે હું એ રૂમમાં પહોંચ્યો. સૌજન્ય ખાતર ડૉ. પ્રભાકરે કહ્યું કે જય નારાયણ વ્યાસ સાહેબ અમારા આરોગ્ય મંત્રી છે. માધવસિંહભાઈએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું, ‘એમ, તો તો બહુ કહેવાય! હજુ પણ જય નારાયણ જેવા માણસો ચલણમાં છે એ જ મોટા આનંદની બાબત છે. પણ જય નારાયણ તો મારો લાડકો અધિકારી હતો.’ અને પછી જે વાતો ચાલી, વચ્ચે ચા પણ પીવાઇ, એમાં ખાસ્સા બે કલાક નીકળી ગયા. ઘણા વખત પછી માધવસિંહભાઈને મન ભરીને માણ્યા. ગુજરાતના એક પ્રબુદ્ધ રાજપુરુષને જેણે એક પરિવાર માટેની પોતાની વફાદારી ખાતર પોતાની આખીય રાજકીય કારકિર્દી પર મધ્યાહને પૂર્ણવિરામ મૂકી દીધું. જે કંઈ રહસ્ય હતાં તે પોતાના મનમાંજ ધરબી દીધાં અને એજ ચિરપરિચિત સ્મિત સાથે જિંદગી જીવી ગયા. એક એવો સમય હતો જ્યારે માધવસિંહભાઈની આજુબાજુ એવડું મોટું ટોળું હોય કે એમને મળવું પણ અશક્ય થઈ જાય. મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સાહિત્યકારો અને કલાકસબીઓથી માધવસિંહભાઈનો દરબાર ઉભરાતો હતો. પક્ષના કાર્યકરો ખાસ કરીને આજે જેને આપણે બક્ષીપંચ તરીકે ઓળખીએ છીએ તેમાં સમાવિષ્ટ ઠાકોર કોમ માટે માધવસિંહભાઈ આરાધ્ય દેવથી ઓછા ન હતા એમના માટેની લાગણી જ કદાચ માધવસિંહભાઈને અનામત આંદોલનનું જોખમ વહોરવા સુધી ખેંચી ગઈ હશે. માધવસિંહભાઈએ એમને ખરા દિલની લાગણીથી પોતાના ગણ્યા. આ માધવસિંહભાઈ હતા.

‘સમયને સથવારે ગુજરાત’ પુસ્તકમાં
માધવસિંહભાઈના કાર્યકાળ તેમજ માધવસિંહભાઈ અને સનતભાઇના સંયુક્ત પ્રદાન બાબત કંઇક આ મુજબ લખાયું છે :

“માધવસિંહનાં પાંચ વર્ષ એક રસપ્રદ વિષય છે. અભ્યાસ માટે અવનવું પ્રકરણ છે. માનસશાસ્ત્ર માટે ભાથું છે. બુદ્ધિશાળી, કલ્પનાશીલ સાથે વાસ્તવદર્શી માધવસિંહને દીર્ઘદ્રષ્ટિ ખરી જ. નિર્ણયશક્તિ પણ ખરી. હિંમત ને નવો નકશો સાકાર કરવાની આત્મશ્રદ્ધા અને વગ. તેમને સાથ મળ્યો ઉદ્યોગ ને નાણાપ્રધાન સનત મહેતાનો. તે સમયમાં બંનેની ઘણી સિદ્ધિ દર્શાવી શકાય. ઉદ્યોગના વિકાસ માટે તેમણે પગલાં લીધાં, તેઓને યશ છે. જે ગુજરાત ભારતમાં ઉદ્યોગમાં આઠમા નંબરે હતું તેનું સ્થાન નંબર બે આવ્યું. ભારતમાં ઉદ્યોગમાં ગુજરાતને મોખરે લઈ આવવું એ સિદ્ધિ સારી જ. આદિવાસી વિસ્તારમાં આઇટીઆઇ, આશ્રમશાળા, હોસ્ટેલો વધારી એ પણ પ્રગતિનું પગલું. ઔદ્યોગિક શાંતિ, જે ઉદ્યોગની ઇમારત સુદ્રઢ કરવા માટે આવશ્યક છે તે પણ માધવસિંહ-સનતની જોડીના સમયમાં ગુજરાતમાં પ્રવર્તી. સામાજિક ઉન્નતિનાં પગલાં જેવાં કે, પછાત વર્ગ માટે કુટુંબપોથી, ખેતમજૂરના વેતનમાં વધારો, એવાં ઘણાં સારાં પગલાં લેવાયાં. સનત મહેતાનો ફળદ્રુપ વિચાર અમદાવાદ-વડોદરા છ લેનનો હાઇવે ઓટો બાન ૧૩૪ કરોડના ખર્ચે એ પણ ભાવિના માર્ગવિકાસની સુરેખ રૂપરેખા છે. માધવસિંહ અને સનત મહેતાએ નર્મદા યોજના સરદાર સરોવર માટે વિશ્વબેંક તરફથી પ્રથમ તબક્કે ૫૦૦ કરોડની લોન પ્રાપ્ત કરી એ પણ તેઓની સિદ્ધિનું વિરાટ પગલું છે. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું. સર્વાંગી વિકાસનું વૃક્ષ ફૂલ્યું-ફાલ્યું. માધવસિંહમાં મીઠાશ છે. કાર્યકરોને હુંફ આપવાની શક્તિ અને વૃત્તિ છે. કેટલાય કાર્યકર્તા પર તેમનું વર્ચસ્વ કાયમ રહેશે.” (‘સમયને સથવારે ગુજરાત’, કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે. પાન ૧૩૯-૧૪૦)

માધવસિંહભાઈ વિશે લખવા બેસીએ તો ઘણું લખાય અને લખીશ પણ ખરો. પણ આજનો પ્રસંગ તો આ દિગ્ગજ નેતાની ચીરવિદાયનો પ્રસંગ છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના બે મહાનાયકો અહેમદ પટેલ અને માધવસિંહભાઈ સોલંકી, મને બંને સાથે કામ કરવાનો મોકો મળ્યો, બંને સાથેના મારા સંબંધો આજે પણ મારા સંસ્મરણોમાં મહેકે છે. બંને ટૂંકાગાળામાં ચાલ્યા ગયા.

માધવસિંહભાઈ માધવસિંહભાઈ હતા. મને સનતભાઇએ જાહેરજીવનમાં ધકેલ્યો. ઉત્તર ગુજરાતના વિકાસ માટેની રૂપરેખા તેમજ પાણીના પ્રશ્ને કામ કરવા પ્રેર્યો. લાકડાવાલા સાહેબથી શરૂ કરી એચ.ટી.પારેખ, પ્રોફેસર અલઘ, શ્રી વાડીલાલ ડગલી, નરોત્તમભાઈ શાહ, આઈ. જી. પટેલ સાહેબ જેવા અર્થશાસ્ત્રના ખેરખાંઓની પાઠશાળામાં ભણવાનો મોકો સનતભાઇ મહેતા નામના હેડમાસ્ટરે આપ્યો પણ વિરોધને ગળી જઇને ગરિમા જાળવી રાખવાનો પાઠ માધવસિંહ સોલંકીની પાઠશાળામાંથી મળ્યો. પદની ગરિમા હોય છે. પોતાના વર્તનથી વ્યક્તિ એ પદને ગરિમા બક્ષે છે. માધવસિંહભાઈ એક એવા રાજપુરૂષ હતા જેમણે અનેક કિસ્સાઓ જેમાં શેખાદમ આબુવાલા, મહમ્મદ માંકડ, ભૂપતભાઇ વડોદરિયા જેવા નામો આવે, સંબંધોની ગરિમા બક્ષી અને રાજનીતિમાં રહીને પણ વફાદારી શું કહેવાય એ વખત આવે માથું આપી દેવાની વફાદારીને પણ એમણે જીવી બતાવી. માધવસિંહભાઈ સૌજન્યશીલ હતા, ગરિમાપુર્ણ હતા, એમનો એક ઓરા (તેજપુંજ) હતો, જે અધિકારીઓને એક આંખમાં હસાવતો અને ક્યારેક સત્તાધીશનો કડપ પણ બતાવતો. ડાબેરી વિચારધારા અને સામાન્ય માણસ માટેની લાગણી માધવસિંહભાઈના હૃદયમાં હંમેશા ધબકતી રહી. અંગ્રેજીમાં જેને voracious reader કહેવાય એવા માધવસિંહભાઈ જબરજસ્ત પુસ્તકપ્રેમી અને સાહિત્યપ્રેમી હતા. ગઝલ અને ગાયકી એમને જકડી રાખતી અને આ બધી મહેફીલ જામે ત્યારે માત્ર તારીખ જ નહીં ક્યારેક દિવસ પણ બદલાઈ જતો. મારો પરિચય વડોદરામાં મકરંદભાઇ દેસાઈ , સનતભાઇ મહેતા , જી. જી. પરાડકર અને જશભાઈ એટીકેટી સાથે થયો, જાહેર જીવનમાં અનેક વ્યક્તિત્વોના પરિચયમાં આવવાનું અને એમનો સ્નેહ અને હુંફ પામવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે, એમની સાથે કામ કરતાં હું ઘડાયો છું, એમની માફક વિચારતાં વિચારતાં મારામાં પણ એક નાનકડો વિચારક/ચિંતક જન્મ્યો છે. આ બધા વચ્ચે માધવસિંહભાઈની સંવેદનશીલતાએ મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.

હું ઇન્ડસ્ટ્રીયલ એક્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું મારું રાજીનામું લઈને એમને મળવા ગયેલો. પાક્કા નિર્ધાર સાથે કે સનતભાઇને છોડીને તો કોઈની સાથે નહીં રહી શકાય. કોઈકે માધવસિંહભાઈના કાનમાં નાખ્યું હતું કે હું સનત મહેતાનો માણસ છું. અંગ્રેજીમાં જેને duplicate કહે છે તેવી બેવડાં ધારાધોરણવાળી જીંદગી જીવતાં ક્યારેય નથી ફાવ્યું અને એટલે હું માધવસિંહભાઈની ખાસ મુલાકાત માંગીને મળવા ગયો હતો. મેં એ દિવસે એમને સ્પષ્ટ કહ્યું હતું કે સનતભાઇ મારા આદર્શ છે અને રહેશે કારણકે સંબંધોના ઘોડા બદલવા માટે હું ટેવાયેલો નથી. આટલું કહ્યા બાદ મેં ઉમેર્યું હતું કે સાહેબ આપ મારા મુખ્યમંત્રી છો, ઔદ્યોગિક નીતિઓ આપના તાબા હેઠળ આવતો વિષય છે. હું આપના ખાતાનો અધિકારી છું સનતભાઈના ખાતાનો નહીં અને એટલે જ્યાં સુધી એક અધિકારી તરીકેની મારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને લાગેવળગે છે ત્યાં સુધી મારા મંત્રી તરીકે આપ જ છો અને રહેશો. જેમ સનતભાઈનો સંબંધ છુપાવીને મારે આપની પાસેથી કશું નથી મેળવવું બરાબર એ જ રીતે મુખ્યમંત્રી અને ઔદ્યોગિક નીતિ બાબતના મંત્રી તરીકે આપ મારા સાહેબ છો એ નિષ્ઠા ક્યાંય નહીં વેચાય એટલું પણ નક્કી સમજી લેજો. સાથોસાથ આપને જો મારામાં વિશ્વાસ ન હોય અને મારા સનતભાઈ સાથેના સંબંધોને કારણે જરા જેટલી પણ શંકા આપના મનમાં મારા માટે હોય તો એ નોકરી મારાથી નહીં થઈ શકે. ભગવાને દાંત આપ્યા છે તે ચાવણું પણ આપી રહેશે. આમેય હું તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી જરૂરિયાતો એટલી નથી કે મારે વફાદારી વેચીને અથવા છુપાવીને નોકરી કરવી પડે. આવો બધો બબડાટ માધવસિંહભાઈની આંખમાં આંખ મિલાવ્યા વગર હું કરી ગયો હોઈશ. માધવસિંહભાઈએ હાથ લંબાવ્યો. મેં પેલો રાજીનામાનો કાગળ એમના હાથમાં મૂક્યો. માત્ર બે જ લીટીનો એ પત્ર હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને એમણે એ કાગળ ફાડીને કચરાટોપલીમાં નાખી દીધો. અંગ્રેજીમાં મને કહ્યું, ‘Don’t be emotional, young man! You will always have my full trust and confidence!!’ એમણે બેલ મારી. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી મુખ્યમંત્રીના હવાલદાર તરીકે આગવી રુઆબદારીથી કામ સંભાળનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ શ્રી ગુણે અંદર આવ્યા. માધવસિંહભાઈએ બે ચા મંગાવી. એ ચાની સાથે માધવસિંહભાઈ માટેના માન અને આદર્શનો એકએક ઘુંટડો મારા પેટમાં ઉતારતો ગયો. સનતભાઈ મારા રાજકીય ગુરુ અને રોલ મોડેલ પણ તે દિવસથી માધવસિંહભાઈ મારા માટે એક સૌજન્યશીલ અને સદૈવ આદરણીય રાજપુરુષ બની રહ્યા.
ચોરાનું નખ્ખોદ નથી જતું. અનેક પ્રતિભાઓ આવશે અને જશે પણ માધવસિંહભાઈની ગાદી પર બેસી શકે, સનતભાઈનું બરછટપણું અને તીવ્ર બુદ્ધિશક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે , અહેમદ પટેલની ચાણક્ય બુદ્ધિને તોલે આવે તેવા રાજપુરુષો જવલ્લે જ પેદા થતા હોય છે.
‘બહુરત્ના વસુંધરા’ એ સૂત્ર શાશ્વત સત્ય છે. આશા રાખીએ ભવિષ્યમાં ગુજરાતમાં આવા રાજપુરુષો ફરી ફરીને એની રાજનીતિને પ્રભાવિત કરવા જનમતા રહે.

માધવસિંહભાઈ આજે દિવંગત થયા છે. મારી એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ.

હીતેન્દ્ર દેસાઈ, Hitendra Desai


hd1ગુજરાતના ત્રીજા મુખ્યપ્રધાન

વિકિપિડિયા પર 


જન્મ

  • ૯, ઓગસ્ટ – ૧૯૧૫, સુરત

અવસાન

  • ૧૨, સપ્ટેમ્બર – ૧૯૯૩ , સ્થળ -?

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ?
  • પત્ની – ? ,  સંતાનો – ?

અભ્યાસ 

વ્યવસાય

તેમના વિશે વિશેષ

  • શાળા અને કોલેજમાં ચર્ચાઓ, રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓમાં રસ
  • ૧૯૪૨ – ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રીય કામગીરી, જેલવાસ
  • આઝાદી બાદ મુંબાઈ રાજ્યમાં શિક્ષણ પ્રધાન
  • ગુજરાત રાજ્યની સ્થાપના બાદ જીવરાજ મહેતાના પ્રધાન મંડળમાં કાયદા પ્રધાન
  • બળવંતરાય મહેતાના પ્રધાન મંડળમાં – ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય મંત્રી
  • ૨૦, સપ્ટેમ્બર – ૧૯૬૫ ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું વિમાની અકસ્માતમાં અવસાન થતાં મુખ્ય પ્રધાન પદે
  • ૧૯૬૯ – ગુજરાતમાં કોમી રમખાણો વખતની કપરી કામગીરી
  • ૧૨, મે -૧૯૭૧ રાષ્ટ્રપતિ શાસન લદાતાં મુખ્ય મંત્રી પદેથી વિદાય.

સાભાર

  • વિકિપિડિયા

 

 

 

 

 

બળવંતરાય મહેતા, Balwantrai Mehta



જન્મ

  • ૧૯, ફેબ્રુઆરી – ૧૯૦૦,  ભાવનગર રાજ્ય

અવસાન

  • ૧૯, સપ્ટેમ્બર – ૧૯૬૫, કચ્છ જિ. –  હવાઈ અકસ્માતમાં

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ગોપાલજી
  • પત્ની – સરોજ , સંતાન – ?

શિક્ષણ

  • બી.એ.

વ્યવસાય 

  • સમાજ સેવક, રાજકીય નેતા

bm4

bm3

તેમના વિશે વિશેષ

  • સ્નાતક થતી વખતે પરદેશી સરકાર દ્વારા સંચાલિત યુનિ.માંથી સર્ટિફિકેટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
  • ૧૯૨૦ – સ્વાતંત્ર્ય સંગ્રામના અસહકાર આંદોલનમાં ભાગથી સામાજિક, રાજકીય કારકિર્દીની શરૂઆત
  • ૧૯૨૧ – ભાવનગર પ્રજા મડળની સ્થાપના
  • ૧૯૨૧થી લાલા લજપત રાયે સ્થાપેલ ‘ભારતીય લોકસેવક મડળ'( Servants of India society) ના પ્રમુખ
  • ૧૯૩૦ – – ૩૨ સામાજિક બહિષ્કારની ચળવળમાં આગળ પડતો ભાગ
  • બારડોલી સત્યાગ્રહમાં ભાગ
  • ૧૯૪૨ – ‘ભારત છોડો’આંદોલનમાં સક્રીય અને નેતાગીરીનો ભાગ લેતાં ત્રણ વર્ષ જેલવાસ, કુલ સાત વર્ષ જેલમાં ગાળ્યા.
  • જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રમુખ હતા, તે વખતે કોન્ગ્રેસના જનરલ સેક્રેટરી
  • ૧૯૪૯/ ૧૯૫૭ –  ગોહિલવાડ( ભાવનગર) ની બેઠક પરથી લોકભાની ચુટ્ણીમાં ચુંટાયા. લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ
  • ૧૯૫૭ – ભારત સરકારે નીમેલી ‘ સામાજિક વિકાસ’ માટેની સમિતિના અધ્યક્ષ. તે સમિતિએ બનાવેલ અહેવાલના આધારે પંચાયતી રાજ’નો ખરડો લોકસભામાં પસાર થયો. આ કારણે તેમને પંચાયતી રાજના સ્થપતિ ગણવામાં આવે છે.
  • ૧૯૬૩ – ગુજરાત રાજ્યના બીજા મુખ્ય મંત્રી પદે સત્તારૂઢ
  • ૧૯૬૫ – ભારત / પાકિસ્તાન યુદ્ધ વખતે મીઠાપુરથી કચ્છની સરહદ તરફ તેમને લઈ જતા ભારતીય લશ્કરના વિમાનને પાકિસ્તાનના લશ્કરી વિમાને તોડી પાડતાં, પત્ની અને વિમાન ચલાવતા પાયલોટ અને સહાયક સ્ટાફ સાથે અવસાન

સન્માન

  • ૧૯, ફેબ્રુઆરી – ૨૦૦૦ તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે ટપાલ ટિકિટ

bm2

સાભાર

  • વિકિપિડિયા

 

 

જીવરાજ મહેતા, Jivraj Mehta


jm1– THE STORY OF THE SIMPLE YEARNING, SELFLESS CHURNING AND SUBLIME LEARNING OF DR. JIVRAJ MEHTA

વિકિપિડિયા પર

—————————————

જન્મ

  • ૨૯, ઓગસ્ટ – ૧૮૮૭; અમરેલી

અવસાન

  • ૭, નવેમ્બર – ૧૯૭૮,

કુટુમ્બ

  • માતા – જમક બેન, પિતા – નારાયણ
  • પત્ની – હંસા , સંતાન – ?

શિક્ષણ

  • લાયસન્સ- મેડિસિન અને સર્જરી ( Equivalent of MBBS), ગ્રાન્ટ મેડિકલ કોલેજ/ સર જે.જે. હોસ્પિટલ, મુંબાઈ
  • ૧૯૧૪ – લન્ડનમાંથી FRCS

વ્યવસાય

  • ૧૯૨૫ – ૧૯૪૨ પોતે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદર દાસ મેડિકલ કોલેજના ડીન
  • ૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન

jm6

NPG x153952; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

jm3

 

NPG x150710; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta; Sir Manubhai Nandshankar Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

 

 

તેમના વિશે વિશેષ

  • મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
  • લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ
  • ૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.
  • દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા
  • સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા
  • સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન
  • ૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન
  • ૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન
  • ૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન
  • ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર
  • મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.
  • ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
  • દિલ્હી ખાતેની ઓલ ઇન્ડિઆ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં સક્રીય હિસ્સો.
  • ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

સન્માન

  • ૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત

‘ગુજરાત પ્રતિભા પરિચય’ પર એક નવી શ્રેણી


        ઈ.સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની  શરૂઆત થયા બાદ ગુજરાત સરકારનું સૂકાન જેમના હાથમાં રહ્યું છે -તે મુખ્ય પ્રધાનોનો પરિચય હવે અહીં મળશે.

      એમના ફોટાઓથી આજે શરૂઆત…

Guj_CMs

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

      પહેલા મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાનો પરિચય આવતીકાલે…..

%d bloggers like this: