ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સાહિત્યકાર

અનુરાધા ભગવતી


એક ગુજરાતી દીકરીની વાંચવી જ પડે તેવી વાત….

બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન

સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના

અમેરિકન મરીન દળમાં માજી અધિકારી


‘SWAN’ ની સ્થાપક


યોગ શિક્ષક

મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ. 

— બકુલા ઘાસવાલા

શ્રીમતિ બકુલા ઘાસવાલા દ્વારા ‘ઓપિનિયન’ પર તેનો મનનીય પરિચય આ રહ્યો.

એ પરિચય લેખમાંથી ટચૂકડું ટાંચણ …..

અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના  અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન 

અનુરાધાનું એ મનનીય પુસ્તક …..

ગાંધીજી સવિનય કાનૂન ભંગની વાતોનાં તો થોથે થોથાં ભરાયાં છે. પણ અનુરાધાના આવા જ જંગની વાતનો પ્રસાર આપણે કરીશું?

સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker


સાભાર

શ્રી. નિરંજન મહેતા, જન્મભૂમિ

જન્મ

૩૦, જુલાઈ – ૧૯૪૨ ; પેઢામલી ( વિજાપુર પાસે)

અવસાન

૨૭, જુલાઈ, મુંબાઈ

કુટુમ્બ

માતા – ? ; પિતા – ત્રિકમલાલ
પત્ની – અનસૂયા ; પુત્રો – આશિષ, સ્વ. સમીર; પુત્રી – અર્ચના

શિક્ષણ

એમ.એ. ; બી.એડ.

વ્યવસાય

  • બાલભારતી શાળા, કાંદિવલી, મુંબાઈ
  • એન.એમ. કોલેજ, પાર્લા, મુંબાઈ
  • પ્રાચાર્ય, સંસ્કાર સર્જન શાળા, મલાડ

તેમના વિશે વિશેષ

  • દેશ વિદેશમાં ડાયરા, કવિ સંમેલન અને મુશાયરાઓનું સંચાલન
  • અવસાન સમયે પૌત્ર પ્રેરક સાથે બોરીવલી, મુંબાઈમાં રહેતા હતા.

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – પ્રવાહ, ક્ષણ, એ જ લખવાનું તને, વાયરો, ડોલરવન, પ્રાગડ, અશ્રુપર્વ , કમળપૂજા, સોણલાં ( બાળગીતો)
  • લલિત નિબંધ – અર્થની વેણુ
  • નાટકો – સરસ્વતીચંદ્ર, નરસૈયાનો નાથ
  • શોધ નિબંધ – ન છડિયા હથિયાર
  • સંપાદન – કવિ કાગ કહે, ભમ્મરિયા કૂવાને કાંઠડે ( લોકગીતો )

લયસ્તરો પર તેમની રચનાઓ અહીં

સન્માન

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક

મજાનાં ઘર…
આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’
—————————–
પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

નિરંજન મહેતા, Niranjan Mehta


જન્મ

૨૧, મે ૧૯૪૦ – અમદાવાદ 

કુટુમ્બ

માતા – પદ્માબેન, પિતા– ગીરધરલાલ

પત્ની  – લીલા, પુત્ર – પ્રણવ, પુત્રી ખંજના   

શિક્ષણ

એમ.કોમ. સીડનહામ કોલેજ, મુંબઈ.

વ્યવસાય

એકાઉન્ટસ એક્ઝિકયુટિવ

 તેમના વિશે વિશેષ

  • વાર્તાઓ, કવિતા, લેખો ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા!જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે.
  • તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો, કવિતાઓ અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે.
  • એક વાર્તા ‘અતિથિ દેવો ભવ’નું નાટ્યરૂપાંતર કર્યું હતું.
  • એક સંસ્થા માટે બાળનાટક ‘દિવાળી વેકેશન’ પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.
  • વિવિધ પ્રકારની શબ્દ રમતો બનાવવામાં તેમને રસ છે અને ઘણા સામાયિકો અને મિત્રો માટે બનાવી છે.
    – એક નમૂનો

રચનાઓ

વાર્તાસંગ્રહ – ઓળખાણ , સ્નેહ સંબંધ, શતરંજનું પ્યાદું અને અન્ય રચનાઓ’

નવલકથા – વિપુલ ઝરણું, અતિથિ દેવો ભવ

સન્માન

૨૦૧૯ – વાર્તાસંગ્રહ- સ્નેહ સંબંધ’ ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા)નો પ્રથમ પુરસ્કાર

નવલકથા વિપુલ ઝરણુંને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી નવલકથા સ્પર્ધામાં ત્રીજુ ઇનામ.

નવલરામ ત્રિવેદી, Navalram Trivedi


અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !

વિકિપિડિયા પર

ઉપનામ

‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય

જન્મ

૧૧, ઓક્ટોબર, ૧૮૯૫ ,વઢવાણ

અવસાન

૧૮, મે – ૧૯૪૪, અમદાવાદ

કુટુ મ્બ

માતા – ; પિતા – જગન્નાથ
પત્ની – સવિતાબેન; સંતાન – ચાર

શિક્ષણ

પ્રાથમિક – વઢવાણ
બી. એ. – ૧૯૨૦; એમ.એ. – ૧૯૨૬

વ્યવસાય

ગુજરાતી સાહિત્ય સભામાં મંત્રી
SNDT કોલેજમાં વાઈસ – પ્રિન્સિપાલ

  તેમના વિશે વિશેષ

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

જન્મ

૫ , ફેબ્રુઆરી – ૧૯૭૬ , અમદાવાદ
મૂળ વતન – અછાલિયા, રાજપીપળા

શિક્ષણ

પ્રાથમિક – શ્રી ભક્ત વલ્લભ ધોળા વિદ્યાવિહાર અમદાવાદ
માધ્યમિક – શ્રી મૂક્તજીવન વિદ્યાલય અમદાવાદ
બી. કોમ – નવગુજરાત કોલેજ, અમદાવાદ

વ્યવસાય

મુક્તજીવન વિદ્યામંદિર, ઘોડાસર, અમદાવાદમાં શિક્ષિકા

  તેમના વિશે વિશેષ

.તેમના જીવનમાં ઓશો રજનીશના વિચારોનો  ખૂબ પ્રભાવ છે એવું તેઓ માને છે  તેમની રચનાઓ શબ્દસૃષ્ટિ, કુમાર, નવનીત સમર્પણ, કવિલોક, શબ્દસર ,  જનકલ્યાણ,એતદ,કવિતા જેવા સામાયિકોમાં પ્રકાશન પામેલ છે.તો દિવ્ય ભાસ્કર,ગુજરાત સમાચાર લયસ્તરો.વિ.માં ગઝલ પ્રકાશન પ્રગટ થઈ છે.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પણ કાવ્યો સ્થાન પામેલ છે.

રચનાઓ

‘સ્વ ને શોધુ શબ્દોમાં’, ‘ટેરેવે ઉગ્યુ આકાશ’

થોડાક શેર

જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારાં મર્યા પછની આ પહેલી સવાર છે.
શ્વાસોની આવજાવને જીવવું ગણે છે જે,
ઇલાજ એમનો કરો,નક્કી બિમાર છે.

કરી વિદ્રોહ સૌ સામે. જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાત ને ખુદથી મળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો  મેં ફક્ત પાંપણ નમાવી છે.

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

લઈ ભાર ઘરનો ચાલતાં હાંફી ગયા છે પગ,
વિસામો ક્યાંક રાખજો થાકી ગયા છે પગ.
દિલ તો મેં ફક્ત ખોલ્યુંતું  અંગતની સામે- પણ
ક્યાંથી હવે એ વાત ને આવી ગયા છે પગ?

‘હું હાજર છું’ એવું હમેશા જતાવે,
ઘણાં દર્દ ઝાંઝર પહેરીને આવે
એ જાણી ગયા કાચની જાત છે તો,
બતાવીને પથ્થર ગમે ત્યાં નચાવે.

મળીને ચાલવાનો ફેંસલો બદલી શકે છે તું,
તને જોખમ જો લાગે તો,અહી અટકી શકે છે તું.
જરીકે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જો તારું,
તને રાહત થતી હો તો મને વળગી શકે છે તું.

એ કારણથી સંબંધોની હાલત છે બિસ્માર હમેશા,
‘હું’થી ‘હું’ની જુઓ કેવી ચાલે છે તકરાર હમેશા.
હદ્પાર નશો હો તો જ મજા છે પ્રેમ.સુરા કે ભક્તિનો
ઓછું વધતું તમને સોપ્યું,હું તો થઈશ ચિક્કાર હમેશા.

અંતર તો રાખ્યું એ છતાં અડકી ગયા કે શું ?
ઝુંપડીની અશ્રુધારથી દાઝી ગયા કે શું ?
કડવાશ છે નજરમાં ને વાણી છે તોછડી,
ખિસ્સું અમારું ખાલી છે,જાણી ગયા કે શું ?

વેરાઈ ગઈ પીડા, હતી મુઠ્ઠીમાં સાચવી,
કેવી રીતે છુપાવવી ક્યાં જઇને દાટવી
પાણીય ના મળે છતાં જે  ઉગવા મથે,
એ કુંપળોની પીઠ જરૂર થપથપાવવી.

કિશોર જિકાદરા, Kishor Jikadara


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી!

જન્મ

૪ , ફેબ્રુઆરી – ૧૯૫૫ , મહુવા

કુટુંબ

માતા – કસ્તુરબેન. ; પિતા – મૂળજીભાઈ

શિક્ષણ

જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી

સંપર્ક

142/સર્વોદયનગર,
સેકટર 30, ગાંધીનગર, 382030
મોઃ 9879475130

  તેમના વિશે વિશેષ

ચાર ભાઈ અને પાંચ બહેનોનો બહોળો પરિવાર. પિતાજીનો ખેતીનો વ્યવસાય, પણ કાળક્રમે ખેતી નષ્ટ થતાં, ઓઈલ એન્જિન સમારકામ કારીગર તરીકે નોકરી કરતા હતા. સર્જકના જન્મના પાંચ જ મહિનામાં, કુટુંબનિર્વાહ માટે પરિવાર સાથે પરિવારે મહુવાથી જાફરાબાદ મુકામે મજબૂરીથી સ્થળાંતર કરવું પડ્યું. 1955ને ના જૂન માસથી  ઓઈલ મિલમાં પિતાજીએ ઓઈલ એન્જિન મિકેનિક તરીકે જીવનની બીજી ઈનિંગ શરૂ કરી. માતા પિતા અભણ હતા પણ પોતાના સંતાનોને શિક્ષણ અપાવવાના સંકલ્પમાં મક્કમ.હતા એટલે શિક્ષણ અને સંસ્કારનો વારસો મળ્યો. સંતાનોએ પણ માબાપના આ સંકલ્પને સાકાર કરતાં,મા શારદાની કૃપાથી બધાં જ ભાઈ-બહેનોએ જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી જ્વલંત કારકિર્દી સાથે (લગભગ બધાં જ ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ ) પસાર કર્યાં.  પરિવારના ઘણા સભ્યોમાં શિક્ષણ ઉપરાંત સંગીત, લેખન, ચિત્ર, ગાયન, વાદન વગેરે જેવી વિશિષ્ટ સિદ્ધિઓને કારણે જાફરાબાદના ઉચ્ચ અધિકારીઓ અને શ્રેષ્ઠીઓનો પ્રીતિપાત્ર પરિવાર બન્યો. તેમના માતાને તે સમયે રત્નગર્ભાનું બહુમાન મળેલું. બહોળો પરિવાર તથા સીમિત આવકના કારણે શૈશવ અત્યંત ગરીબાઈમાં તથા અભાવમાં વીત્યું.  ધોરણઃ પાંચથી એસ. એસ. સી. સુધી સ્કોલરશિપ મળી. ક્યારેક એ સ્કોલરશિપના બાળકિશોરે જમા કરેલા રૂપિયામાંથી મહિનાની આખર તારીખમાં ઘરના રોટલા માટે બાજરો ખરીદાતો એવી નાજુક પરિસ્થિતિ. ધોરણ દસમાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ તરફથી રૂ. 60 નું ઈનામ મળતું. તેમના સહિત લગભગ બધાં ભાઈબહેનોને ઈનામ મળ્યાં હતાં. જૂની એસ.એસ.સી. પછી તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ખાતેની સર ભાવસિંહજી પાૅલિટેકનિકમાં ઓટોમોબાઈલ ડિપ્લોમા કોર્સ પસંદ કર્યો. બે સેમેસ્ટરની જ્વલંત સફળતા સાથે પસાર કર્યા બાદ પરિવારની આર્થિક મર્યાદાઓને કારણે અભ્યાસ છોડીને હીરા ઘસવાના વ્યવસાયમાં અનિચ્છાએ જોતરાવું પડ્યું.જોકે લોહીમાં જ કારીગરી વારસાગત ઊતરી આવી હોવાના લીધે આ કામમાં પણ પ્રવીણતા આવી.પછી   હીરા ઘસવાનું છોડી,અટકેલો ઉચ્ચ અભ્યાસ એક વર્ષ બાદ પુનઃ ચાલુ કર્યો. આ દરમિયાન ગામે ગામ વીજળી આવી જતાં, ઓઈલ એન્જિનનો ઉપયોગ બંધ થતાં પિતાજીને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી. આર્થિક સંકડામણનો સંઘર્ષ અતિ તીવ્ર બન્યો.બહેનોના હાથ પીળા કરવાનો સમય આવતાં ભણવાને બદલે કમાવવાનું દબાણ વધ્યું.

 જૂના મેટ્રિક્યુલેશન પછી લઘુલિપિક (સ્ટેનોગ્રાફર)ની સરકારી નોકરી મળતી. ગુજરી બજારમાંથી નવ રૂપિયાનું   સેકન્ડહેન્ડ ‘મહેર લઘુલિપિ’ શીખવા માટેનું પુસ્તક ખરીદ્યું. જાતે લઘુલિપિ/.ગુજરાતી ટાઇપિંગ પણ શીખ્યા. ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર ની લઘુલિપિની પરીક્ષા, એસ. એસ. સી. લેવલની ગુજરાતીની પરીક્ષા અને ટાઇપિંગની પરીક્ષાઓ પાસ કરી.નિયામક, આયુર્વેદના અંગત મદદનીશ (પી.એ.) તરીકે સને 1980ના એપ્રિલ માસમાં સરકારી સેવામાં જોડાયા.આ સમય દરમિયાન માથા પરથી માતાપિતાનું છત્ર ઊડી ગયું. કૌટુંબિક જવાબદારી નિભાવતાં સળંગ ચોવીસ વર્ષની એક જ જગ્યાએ નોકરી કરી, ને  2004ના એપ્રિલમાં નવ વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. 

        સર્જકના જીવન ઘડતરમાં જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંતમાધ્યમિક શાળાનાં શિક્ષિકા સુશ્રી રક્ષાબહેન દવેની માતૃભાષાની કેળવણીએ તેમના ચિત્તપ્રદેશ પર ઊંડી છાપ છોડી હતી સાહિત્ય સર્જનની શરૂઆત ધોરણ નવથી જ થયેલી પ્રથમ કવિતા એ સમયે લખાયેલી. લેખન ,અને વક્તૃત્વ કૌશલ્યના કારણે તેઓ શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી હતા. પ્રૂફ વાંચન, ભાષાન્તર શોખની પ્રવૃતિ રહી છે.

 લેખનબીજ તો વરસો પૂર્વે વવાઈ ચૂક્યું હતું. જીવનના કેટકેટલાય અભાવો અને ઉપેક્ષાએ  સંવેદનશીલ હૃદયને અધિક કોમળ અને શાયરાના બનાવ્યું. સ્વૈચ્છિક નિવૃત્તિનાં ત્રણેક વર્ષ અગાઉ એટલે કે 2001આસપાસ તેમાંથી કૂંપળો ફૂટી. નિજાનંદ માટે ગુજરાતી ગીત, ગઝલ લખવાનું શરૂ થયું. ભાષા નિયામકના રાજભાષા, ગુજરાત સમાચારની સ્થાનિક પૂર્તિ અને સ્થાનિક અખબાર ગાંધીનગર સમાચારમાં પ્રકાશિત થવા લાગ્યાં.

તેઓ ગાંધીનગર સાહિત્યસભાનો પૂર્વ કોષાધ્યક્ષ, પૂર્વ મંત્રીપદે,હાલ ગાંધીનગર સાહિત્યસભાના સલાહકાર, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના સેવામંત્રી તરીકે, અને પૂર્વ પોલીસ મિત્ર, પૂર્વ પૅરાલિગલ વૉલેન્ટિયર, સમાજસેવક,રક્તદાતા, માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણના હેતુ માટે સ્થપાયેલા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સાત ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી તરીકે સતત કાર્યરત રહ્યા છે.

‘કલાવિમર્શ’ ત્રૈમાસિકના કાવ્ય વિભાગના સંપાદક તરીકે પ્રત્યેક કામમાં પરફેક્શનના આગ્રહી શોખ અને વારસાને કારણે લગભગ ઘણીખરી ક્રાફ્ટમાં પણ બહુમુખી પ્રતિભા છે.  ‘પાંપણ વચ્ચે’ ની એક ગઝલ ‘સમજાવટથી’ નો તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટીના એફ. વાય. બી.એ. ના ગુજરાતી વિષયના સંદર્ભ અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. આ ગઝલ અંગે લયસ્તરો. કોમ ઉપર લખવામાં આવ્યું છે કે “નવરત્ન જેવા નવ શેઅર! એકેએક શેઅર પર સમરકંદ બુખારા ઓવારી દેવાનું મન થાય એવા.. ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબની કરામત કરી છે.” આ ગઝલ અગાઉ અખંડાનંદમાં સને 2018 માં પ્રકાશિત થઈ હતી.

રચનાઓ

અભિવ્યક્તિ, પાંપણ વચ્ચે’ હૈયાસરસું

થોડાક શેર

તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી!

આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી!

કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?

સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી!

અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી!

તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાનો રાખું છું હિસાબ ચીવટથી!

વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો ‘તો, તે દિવસે ઝીણી વાછટથી!

ડાળી પરથી પાન ખર્યું તો તેનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછી, એ જ જગ્યાએ કાલ ઊલટથી!

‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021
**
‘આંસુ વહાવી દેજે મારા મોત પર તું એકાંતમાં,
આ ‘બદનસીબ’ની લાશ પર આપમેળે જ કફન ચડી જશે.’

મૂળ નામ

રમેશભાઈ પીરભાઈ રજ્યા.

જન્મ

૩ , ફેબ્રુઆરી – ઝેરડા ગામે ( જિ. બનાસકાંઠાના, તા . ડીસા )

કુટુંબ

માતા – જેબરબેન. ; પિતા – પીરાભાઈ

સંપર્ક

‘ઈશ્ક’ પાલનપુરી 45,રજ્યાવાસ, મુ. પો .ઝેરડા તા. ડીસા જિ. બનાસકાંઠા
મો.+91 99240 02999

         દસમા ધોરણમાં ભણતા રમેશને સાથે ભણતા મિત્ર દશરથના અવસાનનો આઘાત એવો લાગ્યો કે દુઃખ કવિતા સ્વરૂપે બહાર આવ્યું. પ્રથમ કવિતા સ્કૂલના નોટીસબોર્ડ પર લગાડી. રમેશની આ કાવ્યાંજલિ બધાને ખૂબ ગમી. મિત્રના મૃત્યુના આઘાત અને નિરાશામાં પ્રથમ કવિતા ફાડી નાખી. પણ આ શોકકાવ્ય દ્વારા કવિતાની કૂંપળ ફૂટી ચૂકી હતી એ ધીમે ધીમે વિસ્તરતી જતી હતી. પોતાની જાતને બદનસીબ માનતો આ વિદ્યાર્થી હૃદયમાં ઉભરાતી લાગણીને ‘બદનસીબ’ ના ઉપનામે કાગળ પર ઉતારવા લાગ્યો.

  તે લખે છે.

“જિંદગીમાં હવે કોઈ તમન્ના બાકી નથી,

તારું નામ રટવું એ જ ‘બદનસીબ’નું કામ હોય.”

                                              જોડકણાં તો જોડકણાં પણ ભાવજગત મજબૂત હતું. જિંદગીની કોઈક પીડા કે અભાવની અભિવ્યક્તિ આમ જ કાગળ પર ઉતરતી રહી, લખાતું ગયું. વિધાર્થી અવસ્થાએ રચાતી રચનાઓ સાચા કાવ્યસ્વરૂપે ભલે ન રચાઈ હોય પણ કાવ્યત્વ અને સાહિત્યની સાચી દિશા પકડવાની મથામણ શરુ થઇ ચૂકી હતી, કવિતા રસનો વિષય થઇ પડી,  વાંચન વધ્યું કવિતા અને કવિ પ્રત્યે આકર્ષણ વધ્યું. બનાસકાંઠાના એક કવિને પત્રવ્યવહારથી કવિતા-ગઝલ વિશે જાણવાની ઈચ્છા બતાવી એ કવિએ વળતી ટપાલે પ્રોત્સાહિત કર્યા સૌ પ્રથમ તો ‘બદનસીબ’ ઉપનામ રદ્દ કરીને બે તખલ્લુસ આપ્યા એમાંથી એક તખલ્લુસ પસંદ કર્યું. એ તખલ્લુસ સૂચવનાર કવિ હતા શરદ ત્રિવેદી અને રમેશે તખલ્લુસ ધારણ કર્યું એ પાલનપુરી ગઝલ ઘરાનાની ધરોહર જાળવતું, સૌને લાડકવાયું બની રહ્યું એ તખલ્લુસ એટલે ‘ઈશ્ક’.

     અભિયાન ડીસેમ્બર-૨૦૧૭ના અંકમાં નરેશ મકવાણા દ્વારા કરેલ કવર સ્ટોરીમાં પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ‘ઈશ્ક’ પાલનપુરીની નોંધ લેવાઈ. એ બાબતે તેઓ કહે છે.કે “હું કચ્છમાં ભણતો ત્યારે પાલનપુર બાજુના વિધાર્થીઓને પાલનપુરીયા કે પાલનપુરી કહેતા. હું પાલનપુર ભણેલો છું અને પાલનપુરી તરીકે શૂન્ય, સૈફ, ઓજસ પાલનપુરીના વારસ તરીકે ઓળખાવવું એ મારા માટે ગૌરવપ્રદ છે”.

‘ઈશ્ક’ પાલનપુરીના ઉપનામે ઓળખાતા આ સર્જકનું મૂળ નામ રમેશભાઈ પીરભાઈ રજ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામે તા- ૦૩-૦૨-૧૯૮૧માં જન્મ. પિતાનું નામ પીરાભાઈ, માતાનું નામ જેબરબેન. પિતાજીનું જીવન સંઘર્ષમય રહ્યું. સાત ફાઈનલ નપાસ, ૧૯૭૭ની આસપાસ મુંબઈ ધંધાર્થે ગયા. હીરા બજારમાં નોકરી કરી, મોરારજીની સરકારમાં નોટબંધી વખતે વતન પાછા ફર્યા અને ઘરે ખેતી કરી. તમાકુની એક કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરી. પરિવારમાં ચાર દીકરાઓને ભણાવવામાં કોઈ કસર ન રાખી, આજે ત્રણ દિકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે. એક મેડીકલ સ્ટોર સંભાળે છે. સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી બીજા નંબરના દીકરા એમનું પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ ગામ ઝેરડામાં જ પૂર્ણ થયું. ૧૯૯૮ના વર્ષમાં બાર સાયન્સ પૂર્ણ કર્યુ.  બી.એસ.સી.ના ચાર મહિનાના અભ્યાસ દરમિયાન જ ફાર્મસીમાં એડમિશન મળતાં આદિપુર કચ્છથી ૨૦૦૨માં ફાર્મસી પૂર્ણ કરી પોતાના ગામમાં વૈભવ મેડીકલ સ્ટોર ચાલુ કરી અને ત્યારબાદ અચાનક કોર્ટ કલાર્કની ( આસીસ્ટન્ટ પ્રિન્સી.સીની સીવીલ કોર્ટ ડીસા) નોકરી મળતા કવિ દવામાંથી દાવામાં આવી ગયા એમ કહેવાય ! પ્રાથમિક શાળાથી વાંચનનો શોખ હતો મેડીકલ નોકરી સાથે સમય મળતા પુષ્કળ વાચન થયું. ટેકનોલોજીની મદદથી બ્લોગ વાંચ્યા અને ખુદના બ્લોગ તરફ પણ પ્રયાણ કર્યું . બ્લોગ દ્વારા પોતાની રચનાઓ લોકો દ્વારા વાંચતી ગઈ, ટીકા ટીપ્પણી થતી રહી. સુરતના ખ્યાતનામ બ્લોગર અને કવિશ્રી વિવેક ટેલરે લખ્યું  

“કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તો આ આખા કામનો અર્થ સરે. છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યને ચોરે બેસી ન શકે.”

      બસ પછી સર્જકને મનમાં થયું આ જોડકણાંનો કોઈ અર્થ નથી. એવામાં ગુજરાત સરકાર દ્વારા ગઝલ શિબિરની જાહેરાત થઈ પોતાના જ ગામના કવયિત્રી અને ઉમદા વાર્તાકાર ‘વર્ષા બારોટ’ તથા બીજા ઘણા નવોદિત સાહિત્યકાર સાથે 2008માં કિલ્લા પારડીની ગઝલ શિબિર કરી ગઝલ ગુરુ નયન હ. દેસાઈના માર્ગદર્શનમાં ગઝલના સાચા સ્વરૂપની દિશા મળી અને પ્રથમ છંદોબદ્ધ રચના રચાઈ

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,

ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

          એ પછી ગઝલને વેગ મળ્યો, વાંચન વધ્યું ગામની સ્વ. વાલાભાઈ વિસાભાઇ લાયબ્રેરીના ઘણા પુસ્તકો વંચાયા, કવિતાનો નાતો બંધાતો ગયો. ‘રખેવાળ’ દૈનિકમાં છપાતી રચનાઓથી પ્રેરણા મળતી રહી. ફાર્મસીના અભ્યાસ દરમિયાન દૂરદર્શનના કાર્યક્રમ માટે આ સર્જક પહેલીવાર ટી.વી. પર કાર્યક્રમ આપવા પરિવારની જાણ બહાર આખીરાત બસમાં ઉભા રહીને મુસાફરી વેઠીને પાલનપુર આવ્યા,  બેંકમાં ખાતું પણ ન ધરાવતા આ સર્જકને પ્રથમ વાર ૨૫૦ રૂ.નો કવિતા પઠન પુરસ્કાર મળ્યો હતો જે પ્રેરકબળ પૂરું પાડ્યું

કારણ કે એમનો જન્મ એવા  સમાજમાં થયો કે એવું જ માને કે સાહિત્ય સાથે આપણે કશું લેવા દેવા નથી .

‘ઈશ્ક’ પાલનપુરી  લખે છે કે,

‘સો સો સલામી એ રબારી ભાઇને ,

જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

    આપણે તો માલધારી અને ખેડૂતની જાત ઢોરઢાંખર અને ખેતર  સાથે જીવન જોડાયેલું રહે છે એને વળી કવિતાયું શેની? આમાં શું મળે?

અને  આજ પર્યંત એનો વિરોધ ચાલું જ છે, પણ આ તો

કવિજીવ  પોતાનું ઢોર રેઢું ન મૂકે એ કંઈ એમ સાહિત્ય  થોડું રેઢું મૂકે ?

 પછી 2010માં શબ્દસાધના પરિવાર દ્વારા યોજાયેલ મુશાયરામાં પ્રથમવાર અનિલ ચાવડા, પ્રશાંત કેદાર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા શાયરો સાથે ગઝલપઠન કરવાની તક સાંપડી ‘મિસ્કીન’ સાહેબે સર્જકના ગાલે ટપલી મારી ‘ગઝલ સરસ લખે છે’ કહી ઉત્સાહ વધાર્યો હતો.તો

ડો. શરદ ઠાકર લિખીત રણમાં ખીલ્યું ગુલાબ’ કોલમમાં તેમની પંક્તિઓનો અને

મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ‘કૂંપળ ફૂટ્યાની વાત’ માં શુભેચ્છા સંદેશ, તથા મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત ‘કૂંપળની મહેફિલ’ ગઝલ સંગ્રહમાં પાંચ ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.લોક ડાઉનમાં ‘પાલનપુર રેડીયો’ દ્વારા આયોજિત ટેલિફોનિક  મુશાયરાના કાર્યક્રમ ‘ફોનાયરો’માં ગઝલો રજુ કરવાની તક મળી હતી.

  સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી ગુણવત્તાને ધ્યાને રાખી ઉમદા સાહિત્યની નેમ ધારણ કરી આગળ વધતા આ સર્જક  ‘શબ્દ સાધના પરિવાર’  નામે બનાસકાંઠાની સાહિત્યિક સંસ્થા ઉભી કરવામાં સહયોગી રહયા છે. તો નવોદિતો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નોકરી મળ્યા પછી બાર-તેર વર્ષ પછી ગુજરાતી વિષયપર એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની રચનાઓ “બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે” બે પુસ્તકોમાં સમાવેશ થઇ છે. અભ્યાસ, નોકરી અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાથે આસ્વાદ, કવિ પરિચય વગેરે પણ લખી રહ્યા છે. ટૂંકીવાર્તા પણ લખવાની ઈચ્છા ધરાવતા આ સર્જક હાલ ‘ઝરુખો’ ઈ -મેગેઝિનમાં પરામર્શક તરીકે કાર્યરત છે. જી.ટી.પી.એલ.ના કાવ્યરસ કાર્યક્રમ હોય કે વિવિધ મુશાયરાઓમાં ભાગ લઇ પોતાની સર્જકતા ને સતત ગતિશીલ રાખી રહ્યા છે.

       ચાલો એમની ગઝલના શેરની મજા માણીએ.

**

 હું મારાથી વધારે ધ્યાન રાખું છુ,

 હદયમાં જેમનું પણ સ્થાન રાખું છુ.

*

  એ રીતે બધી યાદને સચાવી ને,

  અહી જેમ વિધવા રકમ સાચવે છે.

*

 આજ મારી ગઝલ સાંભળીને પછી,

 દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

**  

આંખોને કોરુંકટ તારે,

મારે કાયમ શ્રાવણ જેવું.

*

  આ ગઝલ લખવી સરળ ક્યાં  છે દોસ્તો,

  રક્તને પણ બાળવાનું હોય છે.  

*

તમારે ખભો આપવાનો છે દોસ્તો,

કફન ઓળખે છે કબર ઓળખે છે.

**

  અમે માપવાને તળિયું નયનનું

   બધા આંસુઓને વહાવી જોશું.

**

 હો ભલેને સરળ આકરી બોલશે,

  એ નહિ ‘ઈશ્ક’ની શાયરી બોલશે.

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,
ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

‘સો સો સલામી એ રબારી ભાઇને ,
જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

રચનાઓ

“બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે”

માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki


ત્રણ વખત ગુજરાતના મુખ્ય મંત્રી

વિકિપિડિયા પર
દિવ્ય ભાસ્કરમાં ઘણા ફોટા સાથે લેખ

જન્મ

૩૦, જુલાઈ- ૧૯૨૭ , પીલુદરા, વડોદરા જિ.

અવસાન

૯, જાન્યુઆરી – ૨૦૨૧, ગાંધીનગર

કુટુમ્બ

માતા– ? ; પિતા – ફૂલસિંહ
પત્ની ? પુત્ર – ભરત

શિક્ષણ

પ્રાથમિક – ? માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

પત્રકાર, રાજકારણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી
    ડિસે – ૧૯૭૬ થી એપ્રિલ – ૧૯૭૭
    જુન -૧૯૮૦થી જુલાઈ – ૧૯૮૫ ;
    ડિસે ૧૯૮૯ થી માર્ચ – ૧૯૯૦
  • ભારત સરકારના વિદેશ પ્રધાન
    જુન – ૧૯૯૧ થી માર્ચ – ૧૯૯૨
  • ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદી વિચાર KHAM માટે જાણીતા બનેલા અને એના આધારે રાષ્ટ્રીય કોન્ગ્રેસને ગુજરાતની વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતી અપાવી હતી.
  • તેમના પુત્ર ભરતસિંહ પણ કો ન્ગ્રેસના આગળ પડતા નેતા
  • ગુજરાતી સાહિત્યકારો ભુપત વડોદરિયા, મોહમ્મદ માંકડ વિ. ના અંગત મિત્ર.
  • કવિ શેખાદમ આબુવાલાના ખાસ મિત્ર

શ્રી. જયનારાયણ લિખિત શ્રદ્ધાંજલિ

માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય

૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિકારીઓની એક ખૂબ કસાયેલી અને સક્ષમ ટીમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક મિશન સ્વરૂપે લઈને કામે લાગી હતી. ગુજરાત મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ એનો નંબર ૮મો હતો. ૧૯૬૦થી ૯૦ના ત્રણ દાયકામાં સ્થાનિક ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને મુંબઇ વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓના રોકાણને આકર્ષવા માટે GIDC, GSFC, GIIC અને GSIC જેવાં નિગમોની શરૂઆત મનુભાઈ શાહ જેવા દીર્ઘદ્રષ્ટાના આયોજનનું પરિણામ હતું. આ ચાર નિગમ માટેનું એક વાક્ય હતું ‘the four wheels that gear the industrial growth in Gujarat’ ભાવાર્થ કરીએ તો ‘ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને ગતિવંત રાખતાં ચાર ચક્રો’. આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે કે ઇન્ડેક્સ્ટની સ્થાપના એક અનોપચારિક ટી કલબ તરીકે થઇ. અનૌપચારિક રહેવા છતાં ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ સંસ્થાગત કહી શકાય તેવી વ્યવસ્થામાં પરિણમી. આગળ જતાં ૧૯૭૮માં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોની સ્થાપના થઈ જેના સ્થાપક ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે મેં બાર વરસ કામ કર્યું. આ કામગીરીનો મધ્યાહન એટલે માધવસિંહભાઈનો ૧૯૮૦થી ૧૯૮૫ સુધીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ. ઔદ્યોગિક નીતિઓ અને મહારાષ્ટ્રના સીકોમને હંફાવે તેવી one stop shop – ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો – ઇન્ડેક્સ્ટ-બીનો આ આખીય વ્યવસ્થામાં રિસર્ચ અને વૈજ્ઞાનિક અભિગમથી ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનની માર્કેટિંગ એજન્સી તરીકેનો રોલ એટલો તો અસરકારક હતો કે અન્ય અનેક રાજયોએ એને અપનાવ્યો. આ સમયગાળામાં બે દિગ્ગજો જેમણે મને પ્રભાવિત કર્યો તેમાંના એક મારા રોલ મોડેલ અને રાજકીય ગુરુ સનત મહેતા અને બીજા તે રાજ્યની ઔદ્યોગિક નીતિઓનો સીધો હવાલો સંભાળતા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી માધવસિંહભાઈ. આ પાંચ વરસનો ગાળો એવો હતો કે માધવસિંહભાઈને ક્યાંય પણ અર્થવ્યવસ્થા અથવા ઔદ્યોગિક વિકાસ ઉપર ભાષણ આપવાનું હોય તો એ તૈયાર કરવાનું કામ મારે ભાગે આવ્યું અને વિચારોનો તાલમેલ એટલો અથવા માધવસિંહભાઈનો મારા પર વિશ્વાસ એટલો કે એમાં ક્યારેય કોઈ ખોટકો ના આવ્યો. આ કામ કરતાં કરતાં માધવસિંહભાઈ સાથે નજીદીકથી પરિચયમાં આવવાનું થયું. સનતભાઇ અને માધવસિંહભાઈ બંનેના સ્વભાવ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા પણ બંનેનો એક શોખ લગભગ સરખો. એ શોખ એટલે વાંચનનો શોખ. મને એક વખતે ખૂબ હળવાશની પળોમાં મારા સિનિયર અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યો ત્યારે મિત્ર એવા શ્રી એચ. કે. ખાન સાહેબે કહેલું કે માધવસિંહભાઈને માટે કોઈ સારું પુસ્તક ખરીદીને આપવું એના જેવું મુશ્કેલ કામ બીજું એકેય નથી. તમે આપવા જાવ એ પહેલાં એમની પાસે એ પુસ્તક આવી જ ગયું હોય. એ જમાનો ઇન્ટરનેટનો નહોતો પણ અખબારોમાંથી કાપલીઓ કાઢી અને પોતાને ગમતા વિષયોની ફાઇલો બનાવવાનો હતો. આમાં પણ પત્રકારોમાં શ્રી નિરુભાઈ દેસાઈ અને રાજનેતાઓમાં શ્રી માધવસિંહભાઈ અને સનતભાઈની ધગશ અને વ્યવસ્થાપન શક્તિ અદ્ભુત હતી.

મારા રોલ મોડેલ કે રાજકીય ગુરુ સનતભાઈ પણ મારે માધવસિંહભાઈ કે ઝીણાભાઈ સાથે એમને કારણે ક્યારેય અંતર ન થયું. માધવસિંહભાઈ પાસેથી ઘણું શીખવા જેવું હતું પણ સૌથી વધારે મને અસર કરી ગયું હોય અને જેને ત્યાર પછીના રાજકારણીઓમાં હું હંમેશા શોધવા મથતો રહ્યો છું તે હતું એમની પાકટતા અને વિરોધને ગળી જવાની ગુણગ્રાહિતા. એક સમયે કેબિનેટ મીટિંગમાં સનતભાઇ અને માધવસિંહભાઈને થોડી તડાફડી થઈ. જો કે તડાફડી તો સનતભાઇએ કરી હતી માધવસિંહભાઈએ નહીં. મામલો શાંત પણ થઈ ગયો. ત્યારબાદ એમના કેટલાક સાથીઓ માધવસિંહભાઈની ચેમ્બરમાં પહોંચ્યા, રોષ ઠાલવ્યો, આવું કેમ ચલાવી લેવાય? અત્યંત સ્વસ્થતાપૂર્વક માધવસિંહભાઈએ કહ્યું કે વિવેક કોણ ચૂક્યું? અને પછી હળવે રહીને ઉમેર્યું, ભાઈ, ક્યારેક દૂઝણી ગાયની લાત ખમવી પણ પડે! આપણે બધા સનતભાઈને ક્યાં નથી ઓળખતા? પણ એમની નાણામંત્રી તરીકેની ક્ષમતા બાબત તો કશું જ કહેવું પડે તેમ નથી. એટલે આ પ્રશ્ને અહીં જ પૂર્ણવિરામ મૂકી દો. અને વાત સમેટાઇ ગઈ. સનતભાઇએ જે શબ્દો વાપર્યા હતા આવેશમાં આવીને તે બદલ તેમનું રાજીનામું ચોક્કસ માંગી લઈ શકાયું હોત અને માધવસિંહભાઈનો એ મધ્યાહ્ને તપતા સુરજનો સમય હતો. એમને એમ કરતાં કોઈ રોકી ન શક્યું હોત પણ એ વાત ગળી ગયા.

બીજી ઘણી વાતો છે પણ એક વાત ખાસ યાદ આવે છે. એક સિનિયર પોલીસ-અધિકારી સાથે ગપ્પાં મારતાં આ વાતનો ઉલ્લેખ થયેલો. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે જ પાલજ-પ્રાંતીયા-લવારપુરા વિસ્તારમાં એક ટોળાએ માધવસિંહભાઈ પર લગભગ આત્મઘાતી હુમલો કર્યો. એક ખેડૂતની સમયસૂચકતાથી એમાંથી એ ઉગરી પણ ગયા. ગાંધીનગરના તે સમયના એસપી ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, સાહેબ આમાંથી ખાલી મુખ્ય માણસોના નામ આપો, એકયને નહીં છોડીએ. માથેથી ઘાત પસાર થઈ એ પરિસ્થિતિમાં પણ માધવસિંહભાઈએ એમની હળવાશ અને સૂધબુધ નહોતી છોડી. એમણે કહ્યું, મિસ્ટર એસપી, આ એ વિસ્તાર છે જ્યાં અનેકવાર મારું સ્વાગત થયું છે. આજે કેટલાક લોકો મારાથી નારાજ છે. જાહેરજીવનમાં રહેલા વ્યક્તિએ સમભાવ કેળવવો જ પડે છે. હું કોઈને ઓળખતો નથી અને તમારે કોઈ કાર્યવાહી પણ કરવાની નથી. ગુજરાતનો મુખ્યમંત્રી એના નાગરિકો સામે ફરિયાદી બને એ નામોશી મારા નામે ન લખાય તે જોજો. આ વાત અહીં પૂરી થાય છે.

આ માધવસિંહભાઈ હતા. હું એમનો ખૂબ મોટો ચાહક રહ્યો, આજે પણ છું. હું આમ તો ક્યારેક ક્યારેક માધવસિંહભાઈને મળવાનો મોકો ઝડપી લેતો પણ નિરાંતે મુલાકાત થઇ સિવિલ હોસ્પિટલમાં. હું ત્યારે આરોગ્ય મંત્રી હતો. મારી એકબીજા વીઆઇપી હોસ્પિટલમાં દાખલ થયા હતા તે સંદર્ભે સૌજન્ય મુલાકાત દરમિયાન ડૉ. પ્રભાકરે મને કહ્યું કે માધવસિંહભાઈ પણ એડમિટ છે. એમણે પગની ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું છે. ઉતાવળે પગલે હું એ રૂમમાં પહોંચ્યો. સૌજન્ય ખાતર ડૉ. પ્રભાકરે કહ્યું કે જય નારાયણ વ્યાસ સાહેબ અમારા આરોગ્ય મંત્રી છે. માધવસિંહભાઈએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું, ‘એમ, તો તો બહુ કહેવાય! હજુ પણ જય નારાયણ જેવા માણસો ચલણમાં છે એ જ મોટા આનંદની બાબત છે. પણ જય નારાયણ તો મારો લાડકો અધિકારી હતો.’ અને પછી જે વાતો ચાલી, વચ્ચે ચા પણ પીવાઇ, એમાં ખાસ્સા બે કલાક નીકળી ગયા. ઘણા વખત પછી માધવસિંહભાઈને મન ભરીને માણ્યા. ગુજરાતના એક પ્રબુદ્ધ રાજપુરુષને જેણે એક પરિવાર માટેની પોતાની વફાદારી ખાતર પોતાની આખીય રાજકીય કારકિર્દી પર મધ્યાહને પૂર્ણવિરામ મૂકી દીધું. જે કંઈ રહસ્ય હતાં તે પોતાના મનમાંજ ધરબી દીધાં અને એજ ચિરપરિચિત સ્મિત સાથે જિંદગી જીવી ગયા. એક એવો સમય હતો જ્યારે માધવસિંહભાઈની આજુબાજુ એવડું મોટું ટોળું હોય કે એમને મળવું પણ અશક્ય થઈ જાય. મોટા ઉદ્યોગપતિઓથી માંડીને સાહિત્યકારો અને કલાકસબીઓથી માધવસિંહભાઈનો દરબાર ઉભરાતો હતો. પક્ષના કાર્યકરો ખાસ કરીને આજે જેને આપણે બક્ષીપંચ તરીકે ઓળખીએ છીએ તેમાં સમાવિષ્ટ ઠાકોર કોમ માટે માધવસિંહભાઈ આરાધ્ય દેવથી ઓછા ન હતા એમના માટેની લાગણી જ કદાચ માધવસિંહભાઈને અનામત આંદોલનનું જોખમ વહોરવા સુધી ખેંચી ગઈ હશે. માધવસિંહભાઈએ એમને ખરા દિલની લાગણીથી પોતાના ગણ્યા. આ માધવસિંહભાઈ હતા.

‘સમયને સથવારે ગુજરાત’ પુસ્તકમાં
માધવસિંહભાઈના કાર્યકાળ તેમજ માધવસિંહભાઈ અને સનતભાઇના સંયુક્ત પ્રદાન બાબત કંઇક આ મુજબ લખાયું છે :

“માધવસિંહનાં પાંચ વર્ષ એક રસપ્રદ વિષય છે. અભ્યાસ માટે અવનવું પ્રકરણ છે. માનસશાસ્ત્ર માટે ભાથું છે. બુદ્ધિશાળી, કલ્પનાશીલ સાથે વાસ્તવદર્શી માધવસિંહને દીર્ઘદ્રષ્ટિ ખરી જ. નિર્ણયશક્તિ પણ ખરી. હિંમત ને નવો નકશો સાકાર કરવાની આત્મશ્રદ્ધા અને વગ. તેમને સાથ મળ્યો ઉદ્યોગ ને નાણાપ્રધાન સનત મહેતાનો. તે સમયમાં બંનેની ઘણી સિદ્ધિ દર્શાવી શકાય. ઉદ્યોગના વિકાસ માટે તેમણે પગલાં લીધાં, તેઓને યશ છે. જે ગુજરાત ભારતમાં ઉદ્યોગમાં આઠમા નંબરે હતું તેનું સ્થાન નંબર બે આવ્યું. ભારતમાં ઉદ્યોગમાં ગુજરાતને મોખરે લઈ આવવું એ સિદ્ધિ સારી જ. આદિવાસી વિસ્તારમાં આઇટીઆઇ, આશ્રમશાળા, હોસ્ટેલો વધારી એ પણ પ્રગતિનું પગલું. ઔદ્યોગિક શાંતિ, જે ઉદ્યોગની ઇમારત સુદ્રઢ કરવા માટે આવશ્યક છે તે પણ માધવસિંહ-સનતની જોડીના સમયમાં ગુજરાતમાં પ્રવર્તી. સામાજિક ઉન્નતિનાં પગલાં જેવાં કે, પછાત વર્ગ માટે કુટુંબપોથી, ખેતમજૂરના વેતનમાં વધારો, એવાં ઘણાં સારાં પગલાં લેવાયાં. સનત મહેતાનો ફળદ્રુપ વિચાર અમદાવાદ-વડોદરા છ લેનનો હાઇવે ઓટો બાન ૧૩૪ કરોડના ખર્ચે એ પણ ભાવિના માર્ગવિકાસની સુરેખ રૂપરેખા છે. માધવસિંહ અને સનત મહેતાએ નર્મદા યોજના સરદાર સરોવર માટે વિશ્વબેંક તરફથી પ્રથમ તબક્કે ૫૦૦ કરોડની લોન પ્રાપ્ત કરી એ પણ તેઓની સિદ્ધિનું વિરાટ પગલું છે. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું. સર્વાંગી વિકાસનું વૃક્ષ ફૂલ્યું-ફાલ્યું. માધવસિંહમાં મીઠાશ છે. કાર્યકરોને હુંફ આપવાની શક્તિ અને વૃત્તિ છે. કેટલાય કાર્યકર્તા પર તેમનું વર્ચસ્વ કાયમ રહેશે.” (‘સમયને સથવારે ગુજરાત’, કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે. પાન ૧૩૯-૧૪૦)

માધવસિંહભાઈ વિશે લખવા બેસીએ તો ઘણું લખાય અને લખીશ પણ ખરો. પણ આજનો પ્રસંગ તો આ દિગ્ગજ નેતાની ચીરવિદાયનો પ્રસંગ છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના બે મહાનાયકો અહેમદ પટેલ અને માધવસિંહભાઈ સોલંકી, મને બંને સાથે કામ કરવાનો મોકો મળ્યો, બંને સાથેના મારા સંબંધો આજે પણ મારા સંસ્મરણોમાં મહેકે છે. બંને ટૂંકાગાળામાં ચાલ્યા ગયા.

માધવસિંહભાઈ માધવસિંહભાઈ હતા. મને સનતભાઇએ જાહેરજીવનમાં ધકેલ્યો. ઉત્તર ગુજરાતના વિકાસ માટેની રૂપરેખા તેમજ પાણીના પ્રશ્ને કામ કરવા પ્રેર્યો. લાકડાવાલા સાહેબથી શરૂ કરી એચ.ટી.પારેખ, પ્રોફેસર અલઘ, શ્રી વાડીલાલ ડગલી, નરોત્તમભાઈ શાહ, આઈ. જી. પટેલ સાહેબ જેવા અર્થશાસ્ત્રના ખેરખાંઓની પાઠશાળામાં ભણવાનો મોકો સનતભાઇ મહેતા નામના હેડમાસ્ટરે આપ્યો પણ વિરોધને ગળી જઇને ગરિમા જાળવી રાખવાનો પાઠ માધવસિંહ સોલંકીની પાઠશાળામાંથી મળ્યો. પદની ગરિમા હોય છે. પોતાના વર્તનથી વ્યક્તિ એ પદને ગરિમા બક્ષે છે. માધવસિંહભાઈ એક એવા રાજપુરૂષ હતા જેમણે અનેક કિસ્સાઓ જેમાં શેખાદમ આબુવાલા, મહમ્મદ માંકડ, ભૂપતભાઇ વડોદરિયા જેવા નામો આવે, સંબંધોની ગરિમા બક્ષી અને રાજનીતિમાં રહીને પણ વફાદારી શું કહેવાય એ વખત આવે માથું આપી દેવાની વફાદારીને પણ એમણે જીવી બતાવી. માધવસિંહભાઈ સૌજન્યશીલ હતા, ગરિમાપુર્ણ હતા, એમનો એક ઓરા (તેજપુંજ) હતો, જે અધિકારીઓને એક આંખમાં હસાવતો અને ક્યારેક સત્તાધીશનો કડપ પણ બતાવતો. ડાબેરી વિચારધારા અને સામાન્ય માણસ માટેની લાગણી માધવસિંહભાઈના હૃદયમાં હંમેશા ધબકતી રહી. અંગ્રેજીમાં જેને voracious reader કહેવાય એવા માધવસિંહભાઈ જબરજસ્ત પુસ્તકપ્રેમી અને સાહિત્યપ્રેમી હતા. ગઝલ અને ગાયકી એમને જકડી રાખતી અને આ બધી મહેફીલ જામે ત્યારે માત્ર તારીખ જ નહીં ક્યારેક દિવસ પણ બદલાઈ જતો. મારો પરિચય વડોદરામાં મકરંદભાઇ દેસાઈ , સનતભાઇ મહેતા , જી. જી. પરાડકર અને જશભાઈ એટીકેટી સાથે થયો, જાહેર જીવનમાં અનેક વ્યક્તિત્વોના પરિચયમાં આવવાનું અને એમનો સ્નેહ અને હુંફ પામવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે, એમની સાથે કામ કરતાં હું ઘડાયો છું, એમની માફક વિચારતાં વિચારતાં મારામાં પણ એક નાનકડો વિચારક/ચિંતક જન્મ્યો છે. આ બધા વચ્ચે માધવસિંહભાઈની સંવેદનશીલતાએ મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.

હું ઇન્ડસ્ટ્રીયલ એક્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું મારું રાજીનામું લઈને એમને મળવા ગયેલો. પાક્કા નિર્ધાર સાથે કે સનતભાઇને છોડીને તો કોઈની સાથે નહીં રહી શકાય. કોઈકે માધવસિંહભાઈના કાનમાં નાખ્યું હતું કે હું સનત મહેતાનો માણસ છું. અંગ્રેજીમાં જેને duplicate કહે છે તેવી બેવડાં ધારાધોરણવાળી જીંદગી જીવતાં ક્યારેય નથી ફાવ્યું અને એટલે હું માધવસિંહભાઈની ખાસ મુલાકાત માંગીને મળવા ગયો હતો. મેં એ દિવસે એમને સ્પષ્ટ કહ્યું હતું કે સનતભાઇ મારા આદર્શ છે અને રહેશે કારણકે સંબંધોના ઘોડા બદલવા માટે હું ટેવાયેલો નથી. આટલું કહ્યા બાદ મેં ઉમેર્યું હતું કે સાહેબ આપ મારા મુખ્યમંત્રી છો, ઔદ્યોગિક નીતિઓ આપના તાબા હેઠળ આવતો વિષય છે. હું આપના ખાતાનો અધિકારી છું સનતભાઈના ખાતાનો નહીં અને એટલે જ્યાં સુધી એક અધિકારી તરીકેની મારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને લાગેવળગે છે ત્યાં સુધી મારા મંત્રી તરીકે આપ જ છો અને રહેશો. જેમ સનતભાઈનો સંબંધ છુપાવીને મારે આપની પાસેથી કશું નથી મેળવવું બરાબર એ જ રીતે મુખ્યમંત્રી અને ઔદ્યોગિક નીતિ બાબતના મંત્રી તરીકે આપ મારા સાહેબ છો એ નિષ્ઠા ક્યાંય નહીં વેચાય એટલું પણ નક્કી સમજી લેજો. સાથોસાથ આપને જો મારામાં વિશ્વાસ ન હોય અને મારા સનતભાઈ સાથેના સંબંધોને કારણે જરા જેટલી પણ શંકા આપના મનમાં મારા માટે હોય તો એ નોકરી મારાથી નહીં થઈ શકે. ભગવાને દાંત આપ્યા છે તે ચાવણું પણ આપી રહેશે. આમેય હું તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી જરૂરિયાતો એટલી નથી કે મારે વફાદારી વેચીને અથવા છુપાવીને નોકરી કરવી પડે. આવો બધો બબડાટ માધવસિંહભાઈની આંખમાં આંખ મિલાવ્યા વગર હું કરી ગયો હોઈશ. માધવસિંહભાઈએ હાથ લંબાવ્યો. મેં પેલો રાજીનામાનો કાગળ એમના હાથમાં મૂક્યો. માત્ર બે જ લીટીનો એ પત્ર હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને એમણે એ કાગળ ફાડીને કચરાટોપલીમાં નાખી દીધો. અંગ્રેજીમાં મને કહ્યું, ‘Don’t be emotional, young man! You will always have my full trust and confidence!!’ એમણે બેલ મારી. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી મુખ્યમંત્રીના હવાલદાર તરીકે આગવી રુઆબદારીથી કામ સંભાળનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ શ્રી ગુણે અંદર આવ્યા. માધવસિંહભાઈએ બે ચા મંગાવી. એ ચાની સાથે માધવસિંહભાઈ માટેના માન અને આદર્શનો એકએક ઘુંટડો મારા પેટમાં ઉતારતો ગયો. સનતભાઈ મારા રાજકીય ગુરુ અને રોલ મોડેલ પણ તે દિવસથી માધવસિંહભાઈ મારા માટે એક સૌજન્યશીલ અને સદૈવ આદરણીય રાજપુરુષ બની રહ્યા.
ચોરાનું નખ્ખોદ નથી જતું. અનેક પ્રતિભાઓ આવશે અને જશે પણ માધવસિંહભાઈની ગાદી પર બેસી શકે, સનતભાઈનું બરછટપણું અને તીવ્ર બુદ્ધિશક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે , અહેમદ પટેલની ચાણક્ય બુદ્ધિને તોલે આવે તેવા રાજપુરુષો જવલ્લે જ પેદા થતા હોય છે.
‘બહુરત્ના વસુંધરા’ એ સૂત્ર શાશ્વત સત્ય છે. આશા રાખીએ ભવિષ્યમાં ગુજરાતમાં આવા રાજપુરુષો ફરી ફરીને એની રાજનીતિને પ્રભાવિત કરવા જનમતા રહે.

માધવસિંહભાઈ આજે દિવંગત થયા છે. મારી એમને સાચા હૃદયની શ્રદ્ધાંજલિ.

પરેશ વ્યાસ, Paresh Vyas


શબ્દ સંશોધનના રસિયા

તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં

જન્મ

૨, જાન્યુઆરી – ૧૯૫૯; ભાવનગર

કુટુમ્બ

માતા– પ્રજ્ઞા ; પિતા – પ્રફુલ્લ; બહેનો – યામિની,છાયા,રોમા,સીમા
પત્ની કલ્યાણી, પુત્રો કેશવ, માધવ

શિક્ષણ

પ્રાથમિક – કુંદીઆણા સુરત; માધ્યમિક – બારડોલી
ઉચ્ચ – 1998 – BSc , સુરત; BE – National Fire Service College, Nagpur

વ્યવસાય

Dy. Commisioner, Fire and Safety deptt. Rajkot

તેમના વિશે વિશેષ

રચનાઓ

સંશોધન – શબ્દ સંહિતા, શબદ કીર્તન,
અનુવાદ – ઓ’ હેન્રીની સદાબહાર વાર્તાઓ
સંકલન – પ્રેમ એટલે કે

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

%d bloggers like this: