28મી મે 2006 ના રોજ શરુ કરેલી આ યાત્રા લગભગ આઠ મહીના બાદ આ મુકામે પહોંચી છે. પહેલો પરિચય આદરણીય શ્રી. ફાધર વાલેસ નો આપ્યો ત્યારે આ સંપાદનકાર્યમાં હું એકલો હતો. આજે મારી સાથે પાંચ સાથીદારો છે.
આજનો પરિચય બે વિરલ પ્રતિભાઓથી આપીએ છીએ – સ્વ. શ્રી જયભિખ્ખૂ અને તેમના પુત્ર શ્રી. કુમારપાળ દેસાઇ. આ પિતા-પુત્રની જોડીએ ગુજરાતી સાહિત્યને 400 થી વધુ પુસ્તકોની લ્હાણ કરી છે. અને તેમનું કેટલું બધું સર્જન કાર્ય તો હજી ગ્રંથબધ્ધ પણ થયું નથી ! શ્રી. કુમારપાળ દેસાઇ ગુજરાતી સાહિત્ય પરિષના પમુખ તરીકે, તેમની અમૂલ્ય વહીવટી કાર્યદક્ષતા અને બહોળા જ્ઞાન અને અનુભવનો લાભ મા ગુર્જરીની સેવામાં આપી રહ્યા છે તે આપણા સૌને માટે બહુ જ આનંદની વાત છે.
સૌથી વધારે આનંદની વાત તો એ છે કે અમારા આ પ્રયાસોની ખાસ નોંધ લઇ તેમણે તેમના જીવન સૂત્ર જેવું નીચેનું વાક્ય આજના પ્રસંગે પ્રકાશિત કરવા સ્વમુખે આપ્યું છે :
” જીવન એટલે સત્યની ખોજ. અને એ ખોજ માટે વ્યક્તિ સતત પ્રયાસ કરે છે.એના ભીતરમાં વસતા આત્માનું સત્ય અને બાહ્ય વિશ્વનું સત્ય પામવાનો એનો પુરુષાર્થ હોય છે. અને એક ભૂમિકા એવી આવે છે કે જ્યારે આ બંને સત્ય વચ્ચે એક પરમ સંવાદ રચાય છે.અને એ સત્યના અંશોમાંથી માનવી પરમ સત્ય પ્રાપ્ત કરે છે.આની પ્રાપ્તિ માટે એને બાહ્ય-ભીતર જીવનને ઘડવું પડે છે.અને એ દ્વારા પરમ ચૈતન્યનો અનુભવ કરીને આપોઆપ પરમ સત્યની પ્રાપ્તિ કરે છે. ”
આ માટે અમે સૌ તંત્રીમંડળના સભ્યો શ્રી. કુમારપાળ દેસાઇના અત્યંત ઋણી છીએ.
આજે અહીં આપવામાં આવેલ પરિચયોની સંખ્યા 201 પર પહોંચી છે. મુલાકાતીઓ 20,000ની ઉપર થયા છે અને રોજ આશરે 200 વ્યક્તિઓ અહીં આપવામાં આવતા પરિચયો વાંચે છે. એન્ટાર્કટીકા(!) અને દક્ષિણ અમેરીકા સિવાય પૃથ્વીના બધા ખંડોમાં પથરાયેલા વ્હાલા ગુજરાતીઓ આ સામગ્રીનો લાભ લે છે. આપે એ પણ નોંધ્યું હશે કે માત્ર સંખ્યાથી જ સંતોષ ન માનતાં જેમ જેમ નવી માહીતિ ઉપલબ્ધ થાય તેમ તેમ, આપવામાં આવેલ પરિચયો ફરીથી વાચકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન પણ અમે આ સપ્ત્તાહથી શરૂ કર્યો છે. આ સાત દિવસોમાં ચાર જ પરિચયો નવા છે. બાકીના ચારની નવી આવૃત્તિ અમે ઘણા સુધારા વધારા સાથે પ્રસિધ્ધ કરી છે.
મારા નમ્ર મન્તવ્ય પ્રમાણે ‘ ગુજરાતી નેટ જગત’ એ ગુજરાતી સાહિત્યના વિકાસના ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ છે. હેમચન્દ્રાચાર્યની પ્રથમ પગલી અને દલપતરામ, દુર્ગારામ મહેતાજી અને નર્મદથી શરુ થયેલી આધુનિક ગુજરાતી સાહિત્યની અવિરત કૂચકદમ આ નવા માધ્યમના સહારે જેટની ગતિથી એકવીસમી સદીમાં આગળ ધસી રહી છે. આપણી વ્હાલી અને મહાન ભાષાના કસબીઓને સત્કારવાનો, સન્માનવાનો આ નમ્ર પ્રયત્ન છે. વિશ્વના કોઇ પણ ખૂણામાં બેઠેલો એક ગુજરાતી પણ આ નમનમાં અમારો ભાગીદાર થઇ શકે છે, તે કેટલી આનંદની વાત છે?
અમને આ વાતનો બહુ જ આનંદ છે. ઘણા મિત્રો કોમેન્ટમાં પણ બહુ જ મૂલ્યવાન પ્રદાન કરી, આપવામાં આવેલી સામગ્રીને વધુ સમૃધ્ધ કરવાનું પૂણ્યકાર્ય કરે છે. આવા પ્રતિભાવો આપીને અમારા ઉત્સાહને આપે વધાર્યો છે તે માટે અમે સૌ આપના ઋણી છીએ.
આવનાર સમયમાં આ યાત્રાને અમે એવા પરિમાણમાં લઇ જવા માગીએ છીએ કે, મા ગુર્જરીનો એક પણ સારસ્વત તેના સન્માન અને અભિવાદનના આ અભિયાનમાંથી બાકી ન રહી જાય. આ સંકલ્પની પરિપૂર્ણતા માટે આપના સાથ અને સહકારની અમને ખૂબ ખૂબ જરૂર છે. સ્વાભાવિક રીતે આ કાર્યમાં ઘણી બધી માહીતિ જરૂરી હોય છે. આથી આવી માહીતિ પુરી પાડીને આપ સૌ અમૂલ્ય સહકાર આપી શકો છો. આપના મિત્રો અને સંબંધીઓને આ પરિચયના નાના શા ઝરણાની જાણ કરશો તો પણ મા ગુર્જરીની મહાન સેવા થશે. દરરોજ એક હજારથી વધુ ગુજરાતી મિત્રો આ ઝરણાના જળથી તેમની તૃષા સંતોષશે તો અમને અમીના ઓડકાર આવશે !
જય જય ગરવી ગુજરાત …..
સુરેશ જાની
‘ગુજરાતી સારસ્વત પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ ના તંત્રીમંડળ વતી…
અન્ય તંત્રીઓ
અમિત પીસાવાડીયા : ‘ઊર્મિ સાગર’ : જયશ્રી ભક્ત
જુગલકિશોર વ્યાસ : હરીશ દવે
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ