શ્રી ગીરીશભાઈ એમ નાકર નો જન્મ૧૭/૧૨/૧૯૩૯ ના રોજ સોડલસા જિ.જામનગર માં થયો હતો. બી. એ.એલ .એલ.બી. અને વર્ધા ની કોવિદ ઉપાધિ મેળવી હતી.ચૌદ વર્ષ ની ઉંમરે ‘ દગાબાજ દુનિયા નામ નું નાટક લખી ને મિત્રોના સહકાર થી પડદા બાંધી ને ભજવ્યું..૧૯૬૨ માં ‘મૉડર્ન કલ્ચરલ એસોસિયેશન ‘ ની સ્થાપના કરી અને ” તમે મારા વર છો ” નામનું નાટક લખી ને ભજવ્યું. ૧૯૬૫ માં ” રાતે વહેલા આવજો” નાટક લખ્યું. બાદ‘ પ્રીત પિયુ ને પોપટલાલ ‘ જેઅનેક નામે ભજવાયું. જે.એમ.શાહ ના સહકાર થી ‘ રાજ – જ્યોતિ થીયેટર્સ ‘ ની સ્થાપના કરી અને પોતે લખેલું નાટક ‘ છૂટો છેડો છાયલ નો ‘ તે સંસ્થા ના આશ્રયે ભજવ્યું.૧૯૬૯ માં ‘ સત ના પારખાં ‘ લખ્યું.” મારે નથી પરણવું , ઈશ્વરે ઘર બદલ્યું , મોટા ઘર ની વહુ , કવિ દયારામ , એક ને ટકોરે , તમે મારા વર છો , અને જીવન ઝંઝાવાત માં કામ કર્યું.વ્યવસાયે તેઓ વકીલાત કરતા હતા.
પ્રખ્યાત હાસ્ય નટ શ્રી કેશવલાલ પ્રેમચંદ નાયક નો જન્મ મહેસાણા જિલ્લા ના ઊંઢાઈ ગામે ૧૯૦૫ માં થયો હતો. નાયક કોમ એટલે કળા નો વારસો. સને ૧૯૧૫ થી એમણે અભિનય આપવા ની શરૂઆત કરી. પ્રથમ તેઓ ” મોરબી આર્ય સુબોધ નાટક મંડળી” માં જોડાયા.તેમાં તેમણે ‘બુધ્ધદેવ ‘
નાટક માં કામ કર્યું.આ નાટક મુંબઇ ની ભાંગવાડી (પ્રિન્સેસ થીએટર)માં ભજવાયું. ત્રણ વર્ષ બાદ તેઓ “વાંકાનેર કંપની “માં જોડાયા. ત્યાર બાદ તેમણે ગુજરાતી નાટક મંડળી માં ‘ મધુ બંસરી ‘ માં દુલારી ની ભૂમિકા ભજવી.’ સૌભાગ્ય સુંદરી ‘માં સુંદરી ની ભૂમિકા પણ ભજવી હતી.
આ રીતે એમણે અનેક ભૂમિકા ઓ ભજવ્યા બાદ વીસ વર્ષ ની વયે ખલ નાયક ની ભૂમિકા ભજવવા લાગ્યા. વીસ વર્ષ સુધી એકધારી કામગીરી બાદ તેઓ ‘ આર્ય નૈતિક નાટક કંપની ‘ માં જોડાયા અને હાસ્યનટ તરીકે ની જવાબદારી સ્વીકારી.ત્યાં બાર વર્ષ સુધી કામ કર્યા બાદ તેઓ ” દેશી નાટક સમાજ” માં જોડાયા.ત્યાં પહેલા નાટક ‘ સામેપાર ‘ માં રામા પટેલ ની ભૂમિકા ભજવી.ત્યાર બાદ હાસ્ય નટ તરીકે ને ભૂમિકા ઓ ભજવવા નું તેમણે જારી રાખ્યું. સ્વ.જયશંકર સુંદરી ની ખોટ તેમણે જણાવા દીધી નહોતી.
શ્રી કાંતિલાલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ના સભાસદ, ગુજરાત ઇતિહાસ પરિષદ ના આજીવન સભ્ય, પ્રેમાનંદ સાહિત્ય સભાના સભાસદ, અને વાર્તા વર્તુળ ના મંત્રી તરીકે રહ્યા અને સફળ સેવા ઓ આપી.
તેઓ સારા લેખક અને એમની કેટલીક એકાંકી ઓ , નાટકો અને પ્રહસાનો ભજવાયા છે. ” મારે લગ્ન કરવું છે, રમણીયો ભલે પરણે , હું પરણવાનો નથી,સરૂ આખરે પરણી બેઠી , બસ સ્ટોપ , માદળિયું , માનવતા રડાવે છે , આથી દીકરા ન હોત તો સારા, ગગલો પ્રધાન બન્યો, પરણીશ તો એને જ પરણીશ , માંડવો માબાપ ને મુરતિયો ” વગેરે એમની સુંદર કૃતિ ઓ થઈ ગઈ. ઉપરાંત તેમણે ભવાઈવેશો પણ લખેલા છે. રેડિયો રૂપકો માટે પણ એમની હથોટી સારી હતી.
સંગીતકાર,નૃત્યકાર અને જાદુગર શ્રી વિઠ્ઠલદાસ હરજીવનદાસ પાંચોટિયા નો જન્મ સને ૧૯૦૪ માં વડનગર માં થયો હતો. તેમના પિતા એક નાટક કંપની ચલાવતા હતા એ કારણે એમને નાટક નો નાદ લાગ્યો હતો. ૧૯૧૪ માં તેઓ કરાંચી માં મોહનલાલ ની નાટક કંપની માં જોડાયા.ત્યાં બિલ્વમંગલ અને કબિરકમાલ નામના નાટકો માં ભાગ લીધો.આ કંપની બંધ થયા બાદ તેઓ મુંબઇ માં પ્લે હાઉસ પર આવેલી ” વિક્ટોરિયા થીએટર”માં ચાલતી “ઘી ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની “માં જોડાયા અને ત્યાં તેમણે નૃત્ય માસ્તર ભોગીલાલ નાયક ના હાથ નીચે નૃત્ય ની તાલીમ લીધી. તે પછી ૧૯૧૭ માં રંગૂન માં એમ્પાયર થીએટ્રિકલ કંપની માં જોડાયા.ત્યાં સંગીત દિગ્દર્શક નાગરદાસ નાયક પાસે સંગીત ની તાલીમ લઈ ને ત્યાં સંગીત શાળા ચલાવી. ૧૯૨૦ થી જ એમણે મૂંગી ફિલ્મો માં અભિનય આપવા માંડ્યો હતો. પ્રોફેસર શર્મા પાસે જાદુ ની કળા શીખી ને જાદુ ના પ્રયોગો પણ કર્યા હતા. લૈલા મજનું, ચંદ્રહાસ અને પતિ-ભક્તિ માં અભિનય આપી ને એમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.પોતે લખેલા નાટકો “બલિદાન” “ગોરક્ષા”રાક્ષશી રમા” અને ઘરવાળી ભજવ્યા..૧૯૨૬ માં કૉમેડી ફિલ્મ”રંગ રાખ્યો”એમણે બનાવી.પોતેજ લખેલ,દિગ્દર્શક કરેલ અને મુખ્ય પાત્ર ભજવેલ “નસીબ ના નખરા” ફિલ્મ રજૂ કરી.ગેબી સવાર અને સખી લુટેરા અને કાયા પલટ ફિલ્મો બનાવી.
બોલતી ફિલ્મો નો યુગ શરૂ થયો ત્યારે કલકત્તા જઈને “મુફલિસ આશિક”નામનું જે ચિત્ર બનાવ્યું તે બોલતી ફિલ્મ ના યુગ માં કોમેડી તરીકે પહેલી ફિલ્મ હતી.૧૯૩૪ માં “ઇન્સાફ કી તોપ”ગેબી ગોલા”અને ગરીબ કી તોપ ફિલ્મો બનાવી. ૧૯૩૬ માં “કર્મવીર”અને ૧૯૩૯ માં “તકદીર કી તોપ’ ફિલ્મ રજૂ કરી. ૧૯૪૦ માં “વાહ બેટે”અને “ધનના ભગત” ચિત્રો બનાવ્યા. ૧૯૪૫ માં “ખુશ નસીબ” ફિલ્મ નું નિર્માણ કર્યું. શ્રી દેવકી બોઝ ના “રામાનુજ”ફિલ્મ માં “લંબકર્ણ ” નું પાત્ર ભજવ્યું. શાંતિ દેવતા અને અલીબાબા નાટક માં ભાગ ભજવ્યો અને ઘર કી નુમાઈશ ફિલ્મ બનાવી. ૧૯૫૪ માં “શ્રીમદ્ ભાગવત મહિમા”અને પ્રભુ કી માયા નામની ફિલ્મ બનાવી. ૧૯૫૧ માં રવીન્દ્રનાથ ટાગોરની લખેલ વાર્તા પર થી ફિલ્મ “ફુલવારી ” ઉતારી. મહાત્મા ગાંધીજી ના જીવનદર્શન વાળુ નાટક “શાંતિ દેવતા” એમણે રજૂ કર્યું. ૧૯૫૮ માં “સર્વોદય કલા મંડળ” ની સ્થાપના કરી ને તેના આશ્રયે “ઘરવાળી”અને “બેઘર” નાટકો રજૂ કર્યા. છેલ્લે છેલ્લે તેમણે દેવાનંદ ની ફિલ્મ “ગાઈડ” માં નાની ભૂમિકા ભજવી.
શ્રી. રજનીકુમાર પંડ્યાનો એક લેખ – દિવ્યભાસ્કરમાંથી …
ગાંધીજી જેવી મુખરેખાઓ ધરાવતા આ આ ભિનેતાને ગાંધીજી થવું હતું
થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં અવિનાશ વ્યાસની શોકસભા હતી. સભા પૂરી થઇ ત્યારે ભીડમાં એક સુપડકન્નાડોસા ડોસાને ડગુમગુ ડગુમગુ એક યુવતીના ખભે હાથ મૂકીને ચાલ્યા આવતા જોયા. ટોપી ન પહેરી હોય તો ફોટોફ્રૅમની બહાર નીકળીને, ગાંધીજી મનુબહેન ગાંધીને ખભે હાથ મૂકીને ચાલ્યા જતા હોય .
જો કે તે સુપડકન્ના ડોસા તે ગાંધીજી નહોતા. એ વખતે એંસી વરસના વિઠ્ઠલદાસ પાંચોટિયા હતા.કે જે એક જમાનામાં નાટકોના મશહુર અભિનેતા માસ્ટર વિઠ્ઠલ તરીક ઓળખાતા હતા. જે બહેનના ખભે હાથ હતો તે તેમનાં પુત્રી શ્રદ્ધા પાંચોટિયા હતાં.
આટલી જાણકારીને આધારે તે પછી મેં અમદાવાદમાં તેમની મુલાકાત લીધી ત્યારે વિઠ્ઠલદાસ પાંચોટિયા અને શ્રદ્ધા બેઉ ફર્શ ઉપર પોતાની ઢગલાબંધ તસવીરો, ઓપેરાબુક્સ અને છાપાનાં કટિંગો પાથરીને બેઠેલાં. પચાસ પેમ્ફલેટ નાટકનાં, તો બસો ચોપાનિયાં અને ફિલ્મોનાસ્ટીલ ફોટોગ્રાફસ .એમાં એક તો વળી ‘વિઠ્ઠલ મેજિકલ કંપની’ના નામનું ચોપાનિયું છેક 1927 ની સાલનું. અમદાવાદ ઘીકાંટાના ભારતભુવન થિયેટરમાં એમનો ખેલ. ઊંચામાં ઊંચી ટિકિટ એક રૂપિયો અને બે આનાની તથા ખાડામાં બેસીને જાદુના ખેલ જોવાના ત્રણ આના. ચોપાનિયાને મથાળે લખેલું :
“જોઈ લ્યો જાદુના ખેલ, ઉત્તમ ખરી આ તક મળી; જોવાને ચૂક્યા જો તમે, ખીલશે નહિ દિલની કળી.”
ને બીજું એક ચોપાનિયું છેક 1960 ની સાલનું. ને એમાં ‘સ્ત્રીશક્તિ’ નાટક માટે ભાંગવાડી થિયેટર, મુંબઈનું સરનામું. આ તરફ તસતસતા ચહેરાવાળા જુવાનજોધ માસ્ટર વિઠ્ઠલ, અને આ તરફ જોબનવંતા માયાદેવી. નાટક હિન્દી ભાષામાં. છેલ્લે લખેલું કે, ‘પછી એમ ન કહેશો કે અમે રહી ગયા.’
ત્યાં વળી કલકત્તાની માદન થિયેટર્સ કંપનીના ‘ગેબી ગોળા’ ફિલ્મના સાલ 1935 ના રંગીન ચોપાનિયા પર નજર પડી. એમાં એક નર્તકીએ બિકિનીમાં બાંકી અદા દાખવેલી. આ ઉપરાંત મીસ બેલ, નર્મદાશંકર, શીલા અને ખલીલ એહમદનાં ચિત્રો નીચે લખેલું કે, ‘જો આજ તક નહીં દેખા વો ગયબી ગોલે મેં દેખિયેં ઔર દેખિયે વિઠ્ઠલદાસ પાંચોટિયાકા ડબલ રોલ ઔર અખાડે કો ભી માત કરનેવાલે દિલકશ નાચગાન. લેખક એવં ડાયરેક્ટર વિઠ્ઠલદાસ પાંચોટિયા.’ એમણે કહેવા માંડ્યું“ અમે વડનગરનાં. 1906 માં મારો જન્મ. મારા બાપા હરજીવનદાસ પાંચોટિયા, નાટકનો ધંધો લઈને બેઠેલા, તે છેક કંપની લઈને મોરિશિયસ સુધી ખેલ નાખી આવતા. સાડાચાર ચોપડી ભણ્યો, ત્યાં બાપા ગુજરી ગયા. એટલે 1914 ની સાલથી, આઠ વર્ષની કાચી ઉંમરથી જ મોહનલાલાની નાટક કંપનીમાં જોડાઈ ગયેલો. પણ બહુ જલ્દી એ કંપની ડૂલ થઈ ગઈ. હું નોધારો થઈ ગયો.. તે વળી મુંબઈ તરફ નજર દોડાવી. ત્યાં પીલ-હાઉસ પર આવેલી ‘ઓલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપની’ એટલે કે ‘વિકટોરિયા થિયેટર’માં ઍકટર તરીકે જોડાયો.બરેલી, લખનૌ, અલીગઢ, કાનપુર, બુલંદશહેર, આગ્રા, દિલ્હી, જબલપુર ફર્યા. અરે. જમ્મુના મહારાજાએ કુંવરનાં લગ્ન વખતે અમારી આખી કંપની બોલાવેલી અને ત્યાં ‘અલાઉદ્દીન’ નામનું નાટક ભજવ્યું. પણ ત્યાંથી આવીને મેં એ કંપની છોડી દીધી. કારણ કે મારા બા મેનામા.એક વાર મારું નાટક જોવા આવેલાં. નાટકમાં તો મારે ડાન્સ પણ કરવાનો આવે.
બા એક રિહર્સલમાં હાજર અને ત્યાં એમણે જોયું કે ડાન્સના તાલમાં જરા પણ પગ ચૂકે એટલે ડાન્સ માસ્ટર ભોગીલાલ સટાક કરતી પગમાં નેતરની સોટી મને ફટકારે. બા તો આ જુએ, આંખમાંથી પીલુડાં પાડ્યે જાય. તરત ઊભાં થઈ ગયાં. “અલ્યા ભોગિયા, તારી આ હિંમત ?” કહીને ભોગીલાલને જ ગળચીથી પકડ્યો. માંડ એની ગળચી છૂટી ને સાથે મારી નોકરી પણ છૂટી. હું વડનગર ભેગો થઈ ગયો. પડોશી શિવલાલભાઈ મને એમની એમ્પાયર થિયટ્રિકલ કંપનીમાં રંગૂન લઈ ગયા. મારી બાએ શરત કરેલી કે આને કદિ મારવો તો નહિ જ. રંગૂનમાં ‘અસ્તરે હિંદ’ ઉર્દૂ નાટક અને ‘નરસિંહ મહેતા’ ‘કવિ કાળીદાસ’ જેવાં નાટકો ભજવ્યાં. પણ માનો જીવ ઝાલ્યો ન રહ્યો. છેક રંગૂન આવીને મને તેડી ગયાં. આ વાત 1916ની . એ વખતે હું માસ્ટર વિઠ્ઠલ તરીકે ઓળખાતો .1920 સુધી હું નકરો નાટકિયો રહ્યો. પણ પછી મને કલકત્તાના ‘માદન થિયેટર્સ લિમિટેડ’માં ચાન્સ મળી ગયો. હું કલકત્તા ગયો. એ કંપની નાટક ઉપરાંત મૂંગી ફિલ્મો પણ બનાવે. મારો પગાર રૂપિયા પાંત્રીસ, રહેવા-જમવાનું કંપની તરફથી. દિવસે ફિલ્મોમાં કામ કરું ને રાતે નાટકમાં ઊતરું. મહિનાનો મારો ખર્ચ સાત રૂપિયા. બાકીના રૂપિયા માને વતનમાં મોકલાવું. મૂંગી ફિલ્મોમ્નાં ય મઝા આવતી હતી. .‘ધ્રુવચરિત’માં નારદનો પાઠ, તો ‘જહાંગીર’ ફિલ્મમાં એક ભલા, નેકદિલ મુસલમાનનો પાઠ કર્યો હતો.
લોકપ્રિયતા વધતી ચાલી એટલે 1932 માં મારી પોતાની ‘ધી ન્યુ બોમ્બે થિયેટ્રિકલ કંપની’ કાઢીને ‘બલિદાન’ નાટક ભજવવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. રિહર્સલ પણ થઈ ગયું. ત્યાં રાતે ખેલ વખતે જ માદન થિયેટર્સવાળા મારા બે કલાકારોને ભગાડી ગયા. શું કરું ? એ બંને પાઠ વેશપલટા કરી કરીને મેં પોતે ભજવ્યા, છેવટે મુંબઈ આવીને ઍક્ટર રતનશા સિનોરવાળી રામદાસ શેઠની ‘પારસી ઈમ્પીરિયલ કંપની’માં જોડાયો અને એમાં ‘ગાફિલ મુસાફર,’ ‘શેર કાબુલ’ ‘નૂરે વતન,’ ‘નૂરે મેનાર’ જેવાં ભારે સફળ થયેલાં નાટકોમાં કર્યા. નાટક અને ફિલ્મ વચ્ચે સેન્ડવિચ થતો રહ્યો. કંપની ગોધરામાં નાટક કરતી હોય તો શો પતાવી રાતે પાછો ગાડીમાં અમદાવાદ આવીને ફિલ્મનું શૂટિંગ કરું.. આમ ને આમ મેં 1926 માં હિન્દી મૂંગી ફિલ્મ ‘રંગ રખ્ખા હૈ’ વડોદરામાં શૂટિંગ કરીને બનાવી.
હિન્દીની આ સૌથી પહેલી સળંગ કૉમેડી ફિલ્મ! . પછી 1931 સુધીમાં આઠ મૂંગી ફિલ્મો બનાવી. એમાં કામ પણ કર્યું અને એનું દિગ્દર્શન પણ કર્યું. એની સફળતા જોઈને કલકત્તાની માદન થિયેટ્રિકલ કંપનીએ મને પાછો માનપૂર્વક બોલાવ્યો અને એમના માટે મેં ભારતની પ્રથમ સળંગ બોલતી કૉમેડી ફિલ્મ ‘મુફલિસ આશક’ બનાવી. એમાં હીરોનો પાઠ ભજવવા ઉપરાંત કથા, પટકથા, સંવાદ, ઍકટિંગ, સંગીત અને ગીતો બધાં જ મારાં હતાં. ને છતાં ફિલ્મ સુપરહિટ ગઈ. આ પછી હું કલકત્તાની જ ફિલ્મ કંપની ‘લક્ષ્મી સ્ટુડિયો’માં જોડાયો અને એમાં ‘ઇન્સાફ કી તોપ’, ‘ગરીબ કી તોપ’ અને ‘તકદીર કી તોપ’ જેવી ફિલ્મો બનાવી અને એમાં રૉલ પણ અને દિગ્દર્શન કર્યા.”
પછી ભૂતકાળની વાતો કરતા જે થોડો થાક વરતાતો હતો તે વર્તમાનની વાત કરતા કરતા ઉડી ગયો…એ બોલ્યા: “ ગાંધીજીના છેક બાલ્યકાળથી અવસાન સુધીના ગાંધીજીના ચરિત્રનું ચિત્રણ કરતી ફિલ્મની યોજના બગલથેલામાં ભરાવીને હજુ હું ઠેર ઠેર ફરું છું..મારે રિચાર્ડ એટનબરોની જેમ કરોડો રૂપિયા,નહિ પણ થોડા લાખ જોઈએ છે. જિંદગીમાં આ એક ઝંખના છે”
આ વિઠ્ઠલદાસે ત્રણ ત્રણ જુવાન કંધોતર પુત્રોને કાંધ આપીને સ્મશાને મોકલ્યા. તેજસ્વી પુત્ર રાજેન્દ્ર બેતાલીસ વરસની વયે બ્રેઈન ટ્યુમરથી ગયો. એના પછી ત્રણ જ મહિને પુત્ર ભગવાનદાસને કિડનીની બીમારીમાં ખોયો. આ પહેલાં 1952 માં પુત્ર જયશંકરનું અકાળ અવસાન વિસનગરમાં થયું, ત્યારે વિઠ્ઠલદાસ પાસે મુંબઈથી વિસનગર પહોંચવાના રૂપિયાનાં ફાંફાં હતાં. લેખરાજ ભાખરીને વાર્તા સંભળાવીને એમની પાસેથી પચીસ રૂપિયા લઈને માંડ વિસનગર પહોંચ્યા હતા. 1960 ના દાયકામાં વિઠ્ઠલદાસ ગોરેગાંવના આરે રોડ પર ગોગરી નિવાસમાં રહેતા હતા ત્યારે શ્રીમદ ભાગવત મહાત્મ્ય પર તેમણે બનાવેલી ફિલ્મ “પ્રભુકી માયા”ના મફત શૉ પોતાની સોસાયટીના નિવાસીઓ માટે ગોઠવતા હતા તે હકીક્ત આજે પણ એક વયસ્ક વાચક મિત્ર લાભશંકર ઓઝાને યાદ છે.
“હવે” મારી મૂલાકાતના અંતે એ બોલ્યા હતા “ગાંધીસંગ્રામ” ફિલ્મની તૈયારી કરું છું. એના માટે જ જીવું છું. એના વિચારમાત્રથી આયુષ્ય લંબાયા કરે છે.બાકી તો પૈસા મળે એટલી જ વાર !”
પણ પૈસા કદિ ના મળ્યા, ફિલ્મ પૂરી તો ના થઈ,અરે, શરુ જ ના થઇ .પણ પાંચોટિયાજી પૂરા થઈ ગયા..થોડા સમય પહેલા શ્રદ્ધા પાંચોટિયા પણ મુંબઇમાં લોકલ ટ્રેનના અકસ્માતમા માર્યા ગયાં,તેમની પુત્રી દીપશીખા હવે ગુજરાતી ફિલ્મોની બહુ સારી હિરોઇન ગણાય છે.અને હવે તો ફિલ્મ નિર્દેશિકા-નિર્માત્રી બની ગયાં છે. તેમનાં માસી એટલે કે સ્વ, વિઠ્ઠલદાસનાં બીજાં પુત્રી જ્યોત્સ્નાબહેન વ્યાસ તો એક વિદુષી સન્નારી છે અને મુંબઇ વસે છે.તેઓ પી ડી લાયન્સ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સના વાઇસ પ્રિન્સિપાલ હતાં અને હાલ બોરિવલી એજ્યુકેશન સોસાયટીના માનદ સંયુક્ત મંત્રી છે, લેખક્સંપર્ક-ઇ મેલ-rajnikumarp@gmail.com બ્લૉગ-http:/zabkar9.blogspot.com
પ્રખર પત્રકાર સ્વ શ્રી ચીમનલાલ વાડીલાલ શાહ ના પુત્ર શ્રી જગદીશ ભાઈ નો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૩૭ માં થયો હતો.૧૯૬૬ માં એમણે “પત્તા ની જોડ”ના નિર્માણ થી પોતાની નાટ્ય કારકિર્દી નો પ્રારંભ કર્યો.તેમાં તેમણે ૧૮ વર્ષ ની વયે ૮૦ વર્ષ ના દાદા નું પાત્ર ભજવ્યું.પછી પણ જ્યારે પત્તાની જોડ નાટક ભજવાતું ત્યારે દાદાજી નું પાત્ર પોતે જ ભજવતા.
૧૯૫૯ ની ૨૫ ડિસેમ્બરે પોતાનું લખેલું નાટક “જાગી ને જોઉં તો”તારક મહેતા ના દિગ્દર્શક નીચે શો પીપલ સંસ્થા સ્થાપી ને તેના નેજા નીચે એમણે ભજવ્યું. તે નાટક ની રજત જયંતિ ૧૯૬૦ માં ઉજવી.સાથે સાથે પત્તા ની જોડ ના પ્રયોગો પણ ચાલુ રાખ્યા.અને તરત જ “બાર વર્ષે બાવો બોલ્યો”નાટક રજુ કર્યું.તેમાં નિરંજન મેહતા,ઇલા મેહતા,દીના પટેલ વગેરે એ કામ કર્યું હતું.તેના ૫૦ પ્રયોગો થયા હતા.
૧૯૬૧ માં તેઓ એ બીજા ત્રણ નાટકો લખ્યા હતા.’એક મૂરખ ને એવી ટેવ, “બાંધી મુઠ્ઠી લાખની”અને ને પાત્રી નાટક “હૂતો ને હુતી”હૂતો ને હુતી માં એમણે નીલા ઠાકોર સાથે કામ કરેલું.
૧૯૬૧ માં રાજ્ય નાટ્ય સ્પર્ધા માં જાગી ને જોઉં તો માં ચાલુ નાટકે નીલા ઠાકોર ને અચાનક હૃદય ના હુમલાના ભોગ બનવું પડ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું.
૧૯૬૨ માં “પત્તા ની જોડ” ની રજત જયંતિ ઉજવી અને નાટ્ય મહોત્સવ કર્યો.જુલાઈ મહિના માં બીજા ત્રણ નાટકો રજૂ કર્યા.”છેડાછેડી”, “છાયા પડછાયા “અને” અચક મચકો કારેલી”
૧૯૬૪ માં નીલા ઠાકોર ની સ્મૃતિ માં તેમણે નીલા થિયેટરની સ્થાપના કરી અને પોતાનું લખેલું નાટક “સોહાગણ” રજૂ કર્યું. તે નાટક માં ખલનાયક અને કોમિક માં સાળા ની ભૂમિકા ભજવી.
૧૯૬૬ માં “હું પ્રધાન બન્યો” રજૂ કર્યું.તેના ૧૫૦ પ્રયોગો રજૂ થયા હતા. ૧૯૬૭ માં “રાધિકા રજૂ કર્યું.એમાં માસીબા ની ભૂમિકા એમણે ભજવી હતી. બે માસ બાદ” વ્હાલા ના વાંકે “અને” હું મુંબઇ નો રહેવાસી” રજૂ કર્યું.
૧૯૬૮ માં “પ્રેમ નો મારગ છે શૂરાનો””અજવાળી પણ રાત” “અડપલું” “પાપી””આટાપાટા “અને “પાંદડું લીલું ને રંગ રાતો ” રજૂ કર્યાં.
૧૯૭૦ માં “પ્લીઝ યોર ઓનર” , “બૈરી સાસુ તોબા તોબા” અને છેલ્લે ” પકડદાવ” રજૂ કર્યું.
૧૯૭૧ અને ૧૯૭૨ માં તેઓ સર્વાનુમત્તે ગુજરાતી ડ્રામા પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ના સેક્રેટરી નિમાયા હતા.
આજે નીલા થિયેટર્સના નિર્માતા અને કર્તાહર્તા જગદીશ શાહને યાદ કરવાનું મન થયું છે… હું પ્રધાન બન્યો, પ્લીઝ યોર ઓનર, પકડદાવ, અજવાળી પણ રાત, બહાર આવ તારી બૈરી બતાવું જેવા ગુજરાતી તખ્તા ઉપર સીમાચિહ્નરૂપ નાટકો બનાવનારા જગદીશભાઈ… ખૂબ બધું વાચનાર! ભણેલાગણેલા અને તખતાની બારીકીઓથી સારી પેઠે માહિતગાર એવા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા હતા. તરલા મહેતા સાથે એમણે બનાવેલા નાટક પ્લીઝ યોર ઓનરની એમની પ્રથમ એન્ટ્રીનું દૃશ્ય આજેય મારા દિમાગમાં અકબંધ સચવાઈને પડ્યું છે. એમની એ એન્ટ્રી સાથે કોર્ટમાં મચી જતી હલચલ, છવાઈ જતી સ્તબ્ધતા, ઓર્ડર ઓર્ડર જેવા ન્યાયાધીશના ગળામાંથી નીકળેલા અવાજો વચ્ચે શરૂ થતી એમની દલીલો એક એવા માહોલને સર્જી આપતા હતા કે શરૂઆતની પાંચ મિનિટમાં પ્રેક્ષકોને અંદાજ આવી જતો કે તેઓ જબરદસ્ત નાટક ભજવણીના સાક્ષી બની જવાના છે. સારા નાટકના એંધાણ પડદો ઊઘડતાની પાંચ મિનિટમાં મળી જતા હોય છે (આ વાત નાટક, સિનેમા, સંગીતનો જલસો, મુશાયરો, નૃત્યનાટિકા, સિરિયલ્સ જેવી અનેક કલાઓને લાગુ પડે છે… સારી નવલકથાનું શરૂઆતનું લખાણ કે સુંદર કવિતાની પ્રથમ પંક્તિઓ પણ નવલકથા કે કવિતામાં રહેલા ડેપ્થનો પરિચય કરાવી દે છે.)
આવા મેધાવી સર્જક જગદીશભાઈએ એક સરસ નાટક વાંચ્યું. ‘બ્રીચ ઑફ મેરેજ’ નામના એ નાટકનું સશક્ત કથાનક જોઈ એમને થયું કે સુરેશ આઈ.એન.ટી. માટે આ નાટક બનાવે તો યોગ્ય થશે… એમણે મને મળવા બોલાવ્યો અને નાટકની પ્રત મને વાંચવા આપી. નાટક વાંચતાવેંત હું નાટકના પ્રેમમાં પડી ગયો… દામુ ઝવેરી, બાબુભાઈ ભૂખણવાલા આઈ.એન.ટી.ના બંને વડીલોને પણ આ નાટક ખૂબ પસંદ પડ્યું. એમણે મને આ નાટક બનાવવાની અનુમતિ આપી દીધી. જગદીશભાઈ નાટકનું રૂપાંતર કરે, હું નાટકનો દિગ્દર્શક અને આઈ.એન.ટી. નાટકનું નિર્માણ કરે એવી મૌખિક વ્યાવહારિક વાતો પતાવી… જગદીશભાઈએ નાટકનું રૂપાંતરકાર્ય શરૂ કરી દીધું અને હું નાટકોના વિવિધ પાત્રોમાં બંધબેસતા કલાકારોની વરણી કરવામાં ગૂંથાઈ ગયો. ડેઈઝી ઈરાની, ઈંદિરા મહેતા, અરવિંદ રાઠોડ, રાજેશ મહેતા અને મારે નાટકમાં અગત્યની ભૂમિકાઓ ભજવવાની હતી, નાટકના હીરો હતા દર્શન જરીવાલા.
ગોઝારા અકસ્માતને કારણે પૌરુષત્વ ગુમાવી ચૂકેલા તાજા પરણેલા પતિને એ નપુંસક થઈ ગયો છે એ વાતનો એને આઘાત ન લાગે તે કારણથી ઘરના સભ્યો ખબર નથી પડવા દેતા… અને એની જાણ બહાર એક અજાણ્યા ડૉક્ટરના વીર્યથી પત્નીને ગર્ભધારણ કરાવે છે… બાળકના અવતરવાથી જીવન થાળે પડી જશે અને પતિ માનસિક રીતે સ્વસ્થ થઈ જશે એવું સમજીને કરાયેલા આ કાર્યની જાણ અંધારામાં રહેલા પતિને થતાવેંત એ ચોંકી ઊઠે છે, મારી પત્નીને થનારું બાળક અન્યના વીર્યદાનથી થવાનું છે એ વાતની ખબર પડતાવેંત કુટુંબમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે, આવો વિષય પસંદ કરવો તે પણ પંદર-વીસ વર્ષ પહેલા… ખરેખર જોખમભર્યું કાર્ય હતું, પણ નાટકને સમજદાર પ્રેક્ષકો તરફથી સારો આવકાર મળ્યો… અને આઈ.એન.ટી.ની મરાઠી વિંગ સંભાળતા સપ્રેએ આ નાટક મરાઠીમાં કરવાનું વિચારી મધુકર તોરડમલ, ભાવના રમેશ ભાટકર જેવા પ્રસિદ્ધ કલાકારોની વરણી કરી, દિગ્દર્શકનું સુકાન મને સોંપ્યું…
ગુજરાતી નાટક ‘કૂંપળ ફૂટ્યાની વાત’ને નામે ભજવાયું અને મરાઠી નાટક ‘બીજાંકુર’ના નામે… ગુજરાતીમાં જગદીશભાઈએ કરેલું રૂપાંતર મને પસંદ ન પડતાં… મેં મારી રીતે નાટકમાં તળિયાઝાટક ફેરફારો કરી નાખ્યા. તે પણ એમને પૂછ્યા કે જણાવ્યા વિના. (આ મારી ભૂલ હતી) મારે જગદીશભાઈને વિશ્ર્વાસમાં લઈ મારા ઈચ્છિત ફેરફારો એમને કરવા દીધા હોત તો એ યોગ્ય હતું… પરંતુ એમના જેવા સિનિયર માણસની ઉપેક્ષા કરી સંપૂર્ણ રૂપાંતર કરી નાખ્યું. ને મારી ધૃષ્ટતા સમગ્ર રૂપાંતર મેં કર્યું હોવાથી રૂપાંતરકાર તરીકે મારું નામ આવે તેમાં તમને વાંધો છે? જગદીશભાઈ એવા છંછેડાયા, એવા ગુસ્સે થયા કે એમણે કાયદાકીય પગલાં લઈ નાટકની રજૂઆતને અટકાવી દેવા પેરવી કરી… દામુ ઝવેરી વચ્ચે પડ્યા ને મેં મારેલી ફિશિયારી બદલ ને જગદીશભાઈ જેવા પીઢ કલાકારનું અપમાન કરવા બદલ મને ખખડાવી નાખ્યો – ‘નાટક તો જ રજૂ થઈ શકશે જો સુરેશ રાજડા મારી લેખિત માફી માગે…’ જેવી જગદીશભાઈની શરત મારે માનવી પડી… મેં જાતે કરેલા રૂપાંતર બાબત મેં લેખિતમાં એમની માફી માગી… રૂપાંતરકાર તરીકે મારું નામ આવવું જોઈએ જેવી મારી ઘૃણાસ્પદ માગણી માટેય લેખિત મારે માફી માગવી પડી.
મૂળ વાત હવે આવે છે. આઈ.એન.ટી. ઓફિસમાં આવી મારો માફીપત્ર વાંચી એમણે બીજી સેકંડે ફાડી નાખ્યો. એમના કહેલા શબ્દો, એમણે દેખાડેલી ખેલદિલીનો જવાબ નથી. સુરેશ હું ઈચ્છું છું કે અમુક રૂપાંતરકારોને કારણે તને નાટકને તારા ઢંગથી સજાવવાની જે ટેવ પડી છે, એ ટેવને તું છોડી દે. મારે તને એ વાતનું ભાન કરાવવું હતું દોસ્ત કે મારા જેવા સક્ષમ માણસ પાસે નાટકને તું તારી રીતે લખાવી શક્યો હોત. કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો… કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી. ભૂલ મેં કરી હોવાથી શાંતિથી એમનું કહેવું, શિખામણ મેં સાંભળી લીધાં… ત્યાર બાદ દેખાડાયેલી ખેલદિલી જીવનપર્યંત ભુલાય તેમ નથી. ‘સુરેશ, સચ્ચાઈના રણકા સાથે જગદીશભાઈ બોલ્યા… દોસ્ત તેં નાટકનું અત્યંત સુંદર રૂપાંતર કર્યું છે… મારાથી પણ વધુ ઉત્તમ અને સરસ રૂપાંતર થયું છે… તું તારી રીતે આગળ વધ. રૂપાંતરકાર તરીકે તારું નામ આવે તેમાં મને કશો છોછ નથી’… આવી ખેલદિલી, પ્રામાણિકતા અને અન્યના કામની સરાહના કરવાની રીત આ પહેલા મેં ક્યાંય જોઈ નહોતી. દિગ્મૂઢ બની એમને જોયા કરતા મને જોઈ એમણે આગળ ચલાવ્યું. મારી પાસેથી કામ લેવાની તને ફાવટ ન આવે તેમાં તારા કરેલા સરસ કામને હું બિરદાવી ન શકું એ વાત બરાબર નથી. નીચી મુંડી રાખીને હું બોલ્યો જગદીશભાઈ તમારું રૂપાંતર ભજવાશે એવું લેખિતમાં હું આપી ચૂક્યો છું. મને વધુ શરમમાં ન નાંખો… તમારા જેવા સિનિયર સાથે મેં કરેલા વર્તનનો મને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે… હું સાચા દિલથી તમારી માફી માગું છું… પ્રત્યુત્તર આપતા તેઓ બોલ્યા. મેં આપણા બંનેનું લખાણ વાંચ્યું છે તેં આમેજ કરેલી ઘટનાઓ અને ઊભી કરેલી સિચ્યુએશનો લાજવાબ છે, વર્બોસપણાનો તેં સદંતર છેદ ઉડાડી દીધો છે – આટલું બોલ્યા પછી તેમણે જે કહ્યું તે સાંભળીને હું રીતસર તેમના પગમાં પડી ગયો હતો… મારું રૂપાંતરિત નાટક ભજવીશ તો નાટક નહીં ચાલે, તારું રૂપાંતરિત નાટક ભજવાશે તો પ્રેક્ષકોને ગમશે અને નાટક ચાલશે… આવી મહાનતા, આવી ખેલદિલી, આવી પ્રામાણિકતા, સામેવાળાના કામને બિરદાવવાની આ હિંમત (તે પણ પોતે કરેલા કામ સામે….) ક્યાં જોવા મળે?
‘કૂંપળ ફૂટ્યાની વાત’ નાટક ભજવાયું એમના જ નામે. મારા આગ્રહને કારણે મેં કરેલા ફેરફારો, યોગ્ય જગ્યાએ ગોઠવેલા નવા પ્રસંગો, એમના દ્વારા ફરીથી લખાયા… સમજોે નાટકનું એમણે નવસંસ્કરણ કરી આપ્યું મારી રીતે. એમને આનંદ હતો એમને ગમતી રૂપાંતરિત કૃતિના નવસંસ્કરણ કરવાનો, મને આનંદ હતો… મને ગમતી વ્યક્તિ પાસેથી ઈચ્છા મુજબ કામ લઈ શકવાનો… જગદીશભાઈએ ફરીથી લખેલા નાટકના રૂપાંતરને ભજવવા એમણે કહેલી એક વાત મારા કાન ઉપર હંમેશાં અથડાયા કરતી હતી ‘સુરેશ કાં તો તારા હિસાબે હું સક્ષમ લેખક નહોતો કાં તો રૂપાંતર કરનારા પાસેથી કઈ રીતે કામ લેવાય તેની તારામાં આવડત નથી…!’ એમની વાત સો ટકા સાચી હતી. આજેય મેં જેમની જેમની પાસે નાટકના રૂપાંતરો કરાવ્યાં છે એ તમામ નાટકો નવેસરથી મારે લખવા પડ્યાં છે… કારણ કે કાં તો તેઓ સક્ષમ લેખકો નથી કાં તો તેમની પાસેથી કામ લેવાની મારામાં આવડત નથી…!
મર્ઝબાન સાહેબ ને આપણા નાટ્ય વિવેચક શ્રી ધનસુખલાલ મેહતા એ એમને ગુજરાતી રંગભૂમિ ની હાસ્ય નો ફિલસૂફ કહી ને બિરદાવ્યા છે.
આ હાસ્ય ફિલસૂફ નાટ્ય કાર શ્રી અરદેશર ફિરોઝશાહ મર્ઝબાન નો જન્મ તા.૧૭ એપ્રિલ ૧૯૧૪ ના રોજ થયો હતો. મર્ઝબાન સાહેબ નું માનવું છે કે અનેક પ્રકાર નું શિક્ષણ તેમ જ ઉપદેશ નું કાર્ય પ્રહસનો થી ખુબ જ સરસ રીતે થાય છે. એમણે હાસ્ય પ્રધાન નાટકો જેમ કે મોટા દિલ ના મોટા બાવા, વિરોજા ભવન , કાતરિયું ગેપ, છૂપો રૂસ્તમ, ધસ્યો ફસ્યો ખસ્યો,મારા પછી કોણ?શિરીન બાઈ નું શાંતિનિકેતન,માથે પડેલા મફતલાલ ,સાચા બોલા જુઠાલાલ એમનું લોકપ્રિય રહેવું પ્રેક્ષક વર્ગ ને હસાવતા હસાવતા નિર્દંભથી અને નિર્દેશ રહી ને જીવન ની ગંભીર વાતો કહી જાય છે. એમની ગંભીર કૃતિઓ પર પણ ગંભીરતા થી હાથ અજમાવ્યો છે.પંકજ ની પત્નીઓ , રંગીન રમકડાં ,પૃથ્વી વલ્લભ,વગેરે કૃતિ ઓ પણ સફળતાથી નિપજાવી છે. પોતે લેખક,નિર્દેશક કરે છે અને ભાગ પણ ભજવી લે છે. એમનું પ્રદાન અંગ્રેજી નાટકના નિર્માણ ક્ષેત્રે પણ મૂલ્યવાન છે. એમણે રોઝ ફ્રેન્ક નું સોલ્જર્સ વાઇફ નાટક રજુ કર્યું હતુ. તેઓ કલાકારો ના ગુરુ તરીકે માન્યતા પામેલ છે.એમની કલા અભિવ્યક્તિ માટે રંગમંચ ઉપરાંત રેડિયો પણ મહત્વ નું માધ્યમ બની રહ્યું હતું. એમનું નાટક અને એમનો અવાજ મુંબઇ આકાશવાણીના એમાંય શ્રોતા ઓ માટે અનિવાર્ય આકર્ષણ હતું. એક સમર્થ ” થીએટર મેન” તરીકે ઉજ્જવલ કારકિર્દી ધરાવનાર અદી ને ભારત સરકારે ૧૯૬૪ માં “પદ્મશ્રી” થી નવાજ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે પણ “જેપી”ની પદવી ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ ના રોજ આપી હતી. પત્રકાર તરીકે “જામે જમશેદ”દ્વારા પોતાની જુદી દિશામાંની શક્તિ ઓ માટે ક્ષેત્ર મેળવી અને પરંપરા જાળવી રાખી તી . સ્વભાવ મિલનસાર ને રમુજી , સામા માણસ ની શક્તિઓ પારખી તેનો પુરસ્કાર કરનાર , કાર્યપરાયણ અદી એક આલા દરજ્જા ના સજ્જન હતા. એમના છેલ્લા દસકા ના નાટકો એટલે અરધી રાતે આફત, તાજ વગર ના તેમુલજી,સાપુરજી ના તબેલા સાફ,દિનશા ના ડબ્બા ગુલ, મંચેરજી કોનના, મોજ મજા,લકડે કા લાડુ,ન સુધરે એ નારી, આ રીતે ઉપરાઉપરી ગુજરાતી કૃતિ ઓ આપી ને એમણે પોતાનો એક આગલો પ્રેક્ષક વર્ગ નિર્માણ કર્યો હતો. એમના નાટકો પારસી હોવા છતાં, પારસી વર્ગ કરતા ગુજરાતી વર્ગ તેમના નાટકો વધુ જોતા હતા.
# કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.
# પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.
—
વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.
# કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.
આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય હું નથી.
-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
વાચકોના પ્રતિભાવ