અમદાવાદનાં અસારવામાં આવેલી ૯૦૦ વર્ષ જૂની માતર ભવાનીની વાવનું રેખાદર્શન –
આ ફોટા પર ક્લિક કરો
[ કોઈ પણ ફોટા પર ક્લિક કરી મોટી સાઈઝમાં જોઈ શકશો ]
ગુજરાતી શબ્દ માતા સંસ્કૃત શબ્દ ‘માત્રુ’ તથા ‘માતર્’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. આમ ‘માતા ભવાનીની વાવ’નો સાંસ્કૃતિક ઈતિહાસ ખાસ નોંધપાત્ર છે. ભવાની માતા પાર્વતીનું સ્વરૃપ છે. દુર્ગા, અંબા, કાલી, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી માતા સ્ત્રીશક્તિનાં પ્રતિકો છે.
અસારવામાં આવેલી દાદા હરીની વાવ તથા માતર ભવાનીની વાવ જોવા જેવી છે. દાદા હરીની વાવ સલ્તનત યુગની છે. પણ માતર / માતા ભવાનીની વાવ તો છેક સોલંકી યુગના મહાન શાસક સિધ્ધરાજ જયસિંહનાં શાસનકાળ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) દરમિયાન બંધાયેલી. માતા ભવાની / માતર ભવાનીની વાવ પ્રવેશદ્વાર આગળ ૪૬ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે.
આ વાવ સુલતાન મહંમદ બેગડાનાં અંતઃપુરની વગદાર સ્ત્રી બાઇ હરીરે રૃા. ૧,૫૮,૪૦૦ ખર્ચીને ઈ.સ. ૧૪૯૯માં બંધાવેલી. બાઇ હરીરે અસારવામાં હરિપુર નામનું પરૃ વસાવ્યું હતું. અસલમાં હિંદુ હતી. તે વટલાઇને મુસલમાન થઇ હતી. હરીરે ૫૧૬ વર્ષ પહેલાં બાંધેલી દાદા હરિની વાવથી થોડેક દૂર અસારવામાં માતર ભવાનીની વાવ આવી છે. તે પણ સલ્તનત કાળની છે. આ વાવ પણ અમદાવાદનાં સાંસ્કૃતિક વારસારૃપ છે.
આજે તો અસારવા અમદાવાદનો માનવપ્રવૃત્તિથી ધબકતો એક વિસ્તાર છે. પણ એક સમયે અમદાવાદ શહેર જ્યારે ભૌગોલીક દ્રષ્ટિએ બહુ વિસ્તાર પામ્યું ન હતું ત્યારે અસારવા તેની સમીપમાં આવેલું ગામડું હતું. હકીકતમાં તો ૧૪૧૧માં અમદાવાદ વસ્તું તે પહેલાનું આ ગામ છે. સલ્તનત સમયમાં ફોજદારી તાબાનું ગામ હતું. અડાલજ, ઈસનપુર, અસારવાર, વેજલપુર, બારેજા, વસ્ત્રાલ અને નરોડા કોટ વિસ્તારની બહાર આવેલા ફોજદારી તાબાનાં ગામડાઓ હતા. મુઘલ સમયમાં સમૃધ્ધ ગામડું હતું. અહીં કણબી, કોળી, પટેલ, મુસલમાન, ખેડૂતો અને કારીગરો રહેતા. મુસલમાનોનાં ઉર્સ થતા અને ઈદ જેવા તહેવારો ઉજવાતા.
દિવાળી, જન્માષ્ટમી અને રામનવમી જેવા તહેવારો ઉજવાતા. ૧૭૬૧માં લખાયેલા ફારસી ગ્રંથ ‘મીરાતે અહમદી’માં લખ્યું છે કે હિંદુ અને મુસલમાનો કોઇ પણ જાતનાં ભેદભાવ વગર એકબીજાનાં તહેવારોમાં ભાગ લેતા હતા. ગયા લેખમાં આપણે ખાસ નોંધ્યું હતું કે અસારવામાં આવેલી બાઇ હરીરની વાવ (દાદા હરીની વાવ) હિંદુ અને ઈસ્લામીક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેનું શીલ્પ અને સ્થાપત્ય જોનારને હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થતો દેખાય છે.
અત્રે ખાસ યાદ રહે કે વેપારીઓ, મહાજનો, અમીર ઉમરાવો તથા શ્રીમંત સ્ત્રીપુરૃષોએ અમદાવાદ અને ગુજરાતમાં બાંધેલી વાવોનો મૂળ ઉદ્દેશ કલા સ્થાપત્યનાં વર્લ્ડ ક્લાસ નમૂનાઓ ઊભા કરીને વિવેચકોની વાહ વાહ મેળવવાનો નહોતો. એમનો મૂળ ઉદ્દેશ પ્રજાની સુખાકારી માટે અતિ ઉપયોગી એવા જલભંડારો બાંધવાનો હતો.
કલા અને સ્થાપત્યને તો વાવની સુંદરતામાં વધારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. વાવો બાંધનારાઓ ગુજરાતનાં પ્રતિષ્ઠિત સોમપુરા બ્રાહ્મણ સલાટો હતા. તેઓ શીલ્પશાસ્ત્રનાં સિધ્ધાંતો પ્રમાણે વાવોની રચના કરતા હોવા છતાં પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને પથ્થર ઉપર ફૂલ, વેલ કે પક્ષીઓની આકૃતિ કંડારતા. વાવોની બાંધણીમાં ગુજરાતની પોતાની આગવી સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થતો. તે મુજબ ત્રણ ખંડ / માળની વાવ ‘નંદા’ કહેવાતી.
છ ખંડની વાવ ‘ભદ્રા’ કહેવાતી. ત્રણ મુખ અને નવ ખંડની વાવ ‘જયા’ તરીકે ઓળખાતી અને ચાર મુખ અને અગિયાર ખંડ ધરાવતી વાવ ‘વિજયા’ તરીકે ઓળખાતી. વળી સુર-અસ્ત્ર શૈલી, મહા-માસ શૈલી, મહા-ગુર્જર શૈલી અને માસ-ગુર્જર શૈલી એમ ચાર સ્થાપત્ય શૈલીઓમાં ગુજરાતની વાવો વહેંચાએલી.
વાવની રચના જનકલ્યાણ માટે થતી. તેનો મૂળ હેતુ પાણીનો પુરવઠાનો હતો. માત્ર માણસો જ નહીં, પશુ-પક્ષીઓ પણ વાવનું પાણી પીતા.
વળી ખેતીવાડી માટે સિંચાઇનું પાણી પહોંચાડવા માટે પણ વાવનો ઉપયોગ થતો હતો. વાવનાં પગથીયા પર બેસીને મુસાફરો હવાની શીતલ લહેર માણતા. નૈસર્ગિક તત્વો મિશ્રિત વાવનું પાણી ખેતીવાડીમાં લેવાથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા ધાન્ય અને ફળો પ્રાપ્ત થતા હતા. અડાલજની વાવ, દાદા હરીની વાવ, માતા ભવાનીની વાવ, જેઠાભાઇની વાવ, સિધ્ધાર્થ મણકીવાળાનાં પૂર્વજોએ બાંધેલી વાવ અને પાંચકૂવા દરવાજા પાસે આવેલી અમૃતવર્ષિણી વાવ સ્થાપત્ય કલાનાં ઉત્તમ નમૂનારૃપ તો છે જ, પણ તેનાં પાણી દ્વારા ખેતી અને બાગાયતને પણ ખૂબ ઉત્તેજન મળ્યું હતું.
અસારવામાં આવેલી દાદા હરીની વાવ તથા માતર ભવાનીની વાવ જોવા જેવી છે. દાદા હરીની વાવ સલ્તનત યુગની છે. પણ માતર / માતા ભવાનીની વાવ તો છેક સોલંકી યુગના મહાન શાસક સિધ્ધરાજ જયસિંહનાં શાસનકાળ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) દરમિયાન બંધાયેલી. સિધ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સહુથી પ્રતાપી અને સહુથી લોકપ્રિય રાજવી હતો.
તે શૈવ હતો. એણે સૌરાષ્ટ્ર જીતી પગપાળા સોમનાથ મહાદેવની યાત્રા કરી હતી. સરસ્વતી તીરે આવેલા રુદ્રમહાલયને એણે મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૃપ આપ્યું હતું. પાટનગર અણહિલવાડ પાટણમાં સિધ્ધરાજે સુકાઇ ગયેલા જુના જળાશયને સ્થાને મોટું ભવ્ય જળાશય કરાવ્યું હતું. સિધ્ધરાજ જયસિંહે રાજ્યકોશની સમૃધ્ધિનો ઉપયોગ દેવાલયો તથા જળાશયો બાંધવામાં તેમજ તેની પ્રજાનાં ઉત્કર્ષ માટે કર્યો હતો. સિધ્ધરાજ હિંદુ હતો. પણ તેણે જૈન ધર્મને મોટું ઉત્તેજન આપ્યું હતું. તેણે હેમચંદ્રાચાર્યનાં ઉપદેશથી આખા રાજ્યમાં પર્વદિનોમાં અમારિ (પશુવધની મનાઇ) ફરમાવી હતી.
ગુજરાતી શબ્દ માતા સંસ્કૃત શબ્દ ‘માત્રુ’ તથા ‘માતર્’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. આમ ‘માતા ભવાનીની વાવ’નો સાંસ્કૃતિક ઈતિહાસ ખાસ નોંધપાત્ર છે. ભવાની માતા પાર્વતીનું સ્વરૃપ છે. દુર્ગા, અંબા, કાલી, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી માતા સ્ત્રીશક્તિનાં પ્રતિકો છે. માતા ભવાની પ્રકૃતિનું એવું સ્વરૃપ છે જેમાંથી ‘ક્રિયેટીવ એનર્જી’ પેદા થાય છે તેની એક વિશેષતા એ છે કે તે વિકરાળ સ્વરૃપ પણ ધરાવે છે અને દયા તથા કરૃણાની મૂર્તિ પણ બની શકે છે. તે ‘કરૃણાસ્વરૃપી’ તરીકે ઓળખાય છે. છત્રપતિ શિવાજી ભવાની માતાનાં ઉપાસક હતા અને તેમણે તેમની તલવારને ‘ભવાની તલવાર’ નામ આપ્યું હતું.
શિવાજીનો હેતુ દુશ્મનો સામે વિકરાળ સ્વરૃપ ધારણ કરવા ‘ભવાની તલવાર’નો ઉપયોગ કરવાનો હતો. પણ ગુજરાતમાં આ જ ભવાનીએ લોકકલ્યાણનું સ્વરૃપ ધારણ કર્યું અને તેથી જ સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં ભવાની માતાનાં કોઇ હિંદુ ભક્તએ માતર ભવાનીની વાવ બાંધી. સમગ્ર ભારતવર્ષમાં આજે પણ હયાતી ધરાવતી માતા ભવાનીની વાવ સૌથી પ્રાચીન ગણાય છે.
માતા ભવાની / માતર ભવાનીની વાવ પ્રવેશદ્વાર આગળ ૪૬ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે. એનો વ્યાસ (ડાયામીટર) ૪.૮ મીટર છે. તેનો સ્તંભો મૂર્તિઓ અને ઈમારતનો આગળનો ભાગ (શમિયાનો) નકશીયુક્ત કોતરણીથી ભરેલો છે. પગથીયાંઓ પણ નમૂનેદાર છે. ત્રણ માળની આ વાવનો ફોટોગ્રાફ કોઇક અંગ્રેજે ઈ.સ. ૧૮૬૬માં પાડી લીધો હતો. અત્રે તે સામેલ છે. આ વાવનાં ગોખ આકર્ષક છે.
માતા ભવાનીની વાવ સાથે ઇતિહાસ તેમજ દંતકથાઓ સંકળાયા છે. ભવાની એટલે પાર્વતીનું સ્વરૃપ. ભવાની એટલે ‘કરૃણા સ્વરૃપી.’ કદાચ ભવાની માતાનાં સર્જનાત્મક સ્વરૃપને લક્ષ્યમાં લઈને જ એનાં સ્થાપકે તેનું નામ ”માતા ભવાનીની વાવ” આપ્યું હશે. આ વાવે અનેક મુસાફરો તેમજ સ્થાનિક રહેવાસીઓને પાણીનો પુરવઠો પુરો પાડયો હતો.
૯૦૦ વર્ષ કોને કહે છે ?! માતા ભવાનીની વાવે કંઈ જમાનાઓ જોયા છે. તેણે કેટકેટલા સામ્રાજ્યોને ઉદય પામતા, સૂર્યમાં તાપની જેમ તપી રહેલા અને સૂર્યાસ્તની જેમ આથમતા સામ્રાજ્યોને જોયા છે. ખૂબીની વાત એ છે કે આજે પણ માતા ભવાનીની વાવ જીવંત છે.
વિકિપિડિયા પર
એક સરસ પ્રવાસ લેખ
સંદર્ભ – પોળોનો ઇતિહાસ – મકરંદ મહેતા
સાભાર – ડો. કનક રાવળ
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ