ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રણછોડ પગી


એક રબારીએ દેશની અનોખી રીતે સેવા કરી.

રબારી રણછોડભાઈ એકલો પાકિસ્તાની હજારો સૈનિકોને ભારે પડ્યો.

રણછોડભાઈ રબારી [ 1901 – 2013] જે રણછોડ પગી તરીકે ઓળખાય છે.

રણછોડભાઈ રબારી પાકિસ્તાનના થરપારકર જીલ્લાના પેથાપુર ગઢડો ગામમાં જન્મ થયો હતો અને ત્યાં જ મોટા થયા.

ભાગલા બાદ પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ હતાં તે છોડીને રણછોડભાઇ રબારી બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં શરણાર્થી તરીકે આવ્યા.

બાદમાં મોસાળના લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા.

બનાસકાંઠા જીલ્લાની સુઈગામ તાલુકા મથક છે. સુઇગામ કચ્છના રણથી 10 કી.મી. દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.

ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે.

સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સહુથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે. સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક ઝીરો લાઈન સુધી છે. એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે.

પાકિસ્તાનથી સીમાનું ઉલંઘન કરીને આવતા પગપાળા ઘુસણખોરી, ચોર લુંટારાઓનો ત્રાસ ભોગવતું સુઈગામનો વિસ્તાર હતો.

રણછોડભાઈ રબારીપાકિસ્તાન સીમાની અંદરનો ખબરી, પગલાંઓને પારખવાના નિષ્ણાત તરીકે પંકાયેલ હતો.

બનાસકાંઠા પોલીસે રણછોડભાઈ રબારીને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી.

વાસ્કો ડી ગામાને અંતરીયાળ દરિયામાં રાહ દેખાડનાર કચ્છ માંડવીનો પછી ખંભાતનો કાનો માલમ અધવચ્ચે દરિયામાં મળી ગયો હતો, તેવી જ રીતે સુઈ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરાં પારખું, રણનો ભોમીયો, પગલે પગલે ચોર ઘુંસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હીલચાલનો ખબરી આપનારો જાંબાજ રબારી મળી ગયો.

હવે રણછોડભાઈ રબારીની સેવા ચાલુ થાય છે.

[૧] જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધોમાં ભારતીય ભૂમી સેનાને યુધ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી.

[૨] ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામોનો કબજો કરી લીધા હતા.

[૩] રણછોડભાઈએ આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને અદભૂત જાણકારી આપી.

[૪] રણછોડભાઈ પગીએ પગના પગલાં, પગલાંની એડીના નિશાનોથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તે કેવા પ્રકારની વ્યક્તિ છે તેની કોઠાસુજથી ઓળખ કરી લેતા.

[૫] 1965ના યુધ્ધ વખતે રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા.

[૬] ભારત-પાકિસ્તાન વચ્ચે ઈ.વ. ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ.

[૭] ત્યારે ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ચુક્યા હતા.

[૮] જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ.

[૯] ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર છારકોટ પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો.

[૧૦] રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી.

[૧૧] જેથી સૈન્યએ કાર્યવાહી કરીને 1200 પાકિસ્તાની સૈનીકોને મારી વિજય પ્રાપ્ત કર્યો હતો.

[૧૨] તેમણે સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસી આવી હતી.

[૧૩] ફરી પાછું 1971ના યુધ્ધમાં રણછોડભાઈ પગીએ તો કમાલ કરી દીધી.

[૧૪] ૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ ‘પગી’ એ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી.

[૧૫] જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ.

[૧૬] આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો.

[૧૭] જેથી ભારતીય સૈન્યની પ૦ કિ.મી. દુરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો.

[૧૮] રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા.

[૧૯] જો કે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા.

[૨૦] રણછોડભાઈ રબારીના પ્રયત્નોથી ઈ.વ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર થી વધારે જવાનોની બટાલિયનને બચાવી લેવાયા હતા.

[૨૧] રણછોડભાઈ રબારી ઉપરાંત બીજા ધનજીભાઈ રબારી પગી તરીકે હતા તેમણે પણ દેશભક્તિ અને પગી તરીકેની કામગીરી તથા સૈન્યને મદદ કરવામાં મોટું નામ છે. પગેરાં શોધવામાં અને લશ્કરને મદદ કરવામાં ધનજીભાઈ રબારીએ અનેક જગ્યાએ રણછોડભાઈની સાથે હતા.

રણછોડભાઈ રબારીની ઓળખ :

[૧] આખું નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.

[૨] સૌથી પહેલાં સુઈ ગામની પોલીસ ચોકીમાં પગી તરીકે નીમણુંક પામ્યા.

[૩] ત્યાર બાદ તેમના પુત્ર માનજીભાઈ રબારી સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે.

[૪] અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડભાઈ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે.

[5] રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા.

[6] જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા.

[7] રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા.

[9] તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.

[10] ભારતની(બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીનું નામ રણછોડભાઈ રબારી પગી ચોકી રાખ્યું છે.

[11] હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રબારી રણછોડભાઈ પગીને કેટલાય સંન્માન અને તેની પાસે બે-ત્રણ મેડલ છે.

[12] કાચી માટીના ખોરડા-મકાનમાં રહેતા હતા તે સિવાય તેમની પાસે કશું જ ન હતુ.

[13] રણછોડભાઈ રબારીએ ઈ.વ. 2009માં સેવા નિવૃત્તિ લીધી.

[14] રણછોડ પગીનું ૧૮ જાન્યુઆરી ૨૦૧3માં 112 વર્ષની ઉમરે અવસાન પામ્યા.

[૧5] રણછોડભાઈ રબારીની અંતિમ ઈચ્છા હતી કે તેમની અંતિમક્રિયા વખતે તેમના સબમાં માથા ઉપર પોતાની પાઘડી રહે, તેમની આ અંતિમ ઈચ્છા પુર્ણ કરવામાં આવી હતી.

[૧6] તેમની બીજી ઈચ્છા હતી કે તેમનો અંતિમસંસ્કાર પોતાના ખેતરમાં કરવામાં આવે. અંતિમસંસ્કાર તેમની ઈચ્છા મુજબ કરવામાં આવેલ હતો.

તેમની પાસેથી વિગત લઈને લખાયેલ જીવન ચરિત્ર – રઘુ શીવાભાઈ રબારી

સંદર્ભ

https://www.indiatimes.com/trending/social-relevance/meet-ranchhod-pagi-a-brave-son-of-india-543446.html

https://military.wikia.org/wiki/Ranchordas_Pagi

એક જાણવા જેવા ‘કાકડિયા’


જામનગર જિલ્લાના ડાંગરવાડા નામના નાનકડા ગામમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મોહનભાઇ અને રૂડીબેન કાકડીયાનો દીકરો ધીરજ બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર. ધો.7 સુધીનો અભ્યાસ ગામની જ સરકારી શાળામાં પૂરો કર્યો. હંમેશા પહેલો નંબર જાળવી રાખ્યો.

મોહનબાપા પોતે ભણેલા નહીં પણ દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવાની એમની અનેરી ઈચ્છા હતી. આગળના અભ્યાસ માટે ધીરજને રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં બેસાડ્યો. સખત પરિશ્રમના પ્રતાપે ગામડાની શાળામાં ભણેલો સામાન્ય પરિવારનો આ છોકરો 1984માં ધો.10ની બોર્ડની પરીક્ષામાં શહેરના છોકરાઓને પણ પાછળ રાખીને સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આઠમા ક્રમે આવ્યો.

11-12 સાયન્સનો અભ્યાસ કરવા એ અમદાવાદ ગયો. 16 વર્ષની ઉંમરે ધીરજ કાકડિયાએ પહેલી વખત અમદાવાદ જોયું. અમદાવાદના આધુનિક છોકરાઓ સામે ગામડીયા ધીરુએ એવું કાંઠું કાઢ્યું કે ધો.12ની બોર્ડની પરીક્ષામાં પણ એ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો.

બોર્ડ રેન્કર તરીકે રાજ્યની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં ધીરજ કાકડીયાએ એન્જીનીયરીંગ પસંદ કર્યું અને ડિસ્ટિંગશન સાથે એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિકસ અને કોમ્યુનિકેશન બ્રાન્ચમાં સ્નાતક કર્યું. કોલેજના આ અભ્યાસ દરમિયાન આ છોકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવાનું સપનું જોયું અને કોલેજ પૂરી થતાં સપનું સાકાર કરવા માટે સખત મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી.

1992માં જ્યારે યુપીએસસી વિશે શહેરના છોકરાઓને પણ પૂરતી જાણકારી નહોતી ત્યારે ગામડાના ખેડૂત પરિવારના આ છોકરાએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી લીધી અને દૂરદર્શન કેન્દ્ર દિલ્હી ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક મેળવી. કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગુજરાતના એક અંતરિયાળ ગામમાં જ્યાં માંડ એકાદ ઘરે ટેલિવિઝનની સુવિધા હોય એવા ગામનો છોકરો દૂરદર્શન કેન્દ્રનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ બની જાય !

2001ના ભૂકંપ વખતે અને 2002ના કોમી રમખાણો વખતે ધીરજ કાકડીયાએ દૂરદર્શનના માધ્યમથી એવું અદભૂત કામ કર્યું કે ભારત સરકારે તેની નોંધ લેવી પડી અને મુંબઇ ખાતે રાષ્ટ્રિય એવોર્ડથી એનું સન્માન થયું. ડાંગરવાડાના આ દીકરાએ એવો તો ડંકો વગાડ્યો કે ભારતના વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીએ પણ એની નોંધ લીધી અને એમના વિદેશપ્રવાસને કવરેજ કરવા માટે ડો. ધીરજ કાકડીયાને એમની ટીમમાં સામેલ કર્યા.

16 વર્ષની ઉંમરે પહેલીવાર અમદાવાદ જોનારો ધીરુ 2002માં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે કઝાકિસ્તાન, 2007માં વડાપ્રધાનશ્રી ડો.મનમોહનસિંઘ સાથે કોલંબો, 2007માં રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ સાથે ઇન્ડોનેશિયા અને 2014માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અમેરિકાની યાત્રામાં વિદેશ સરકારની મહેમાનગતિ માણી આવ્યા.

ડો. ધીરજ કાકડીયા અત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે ગુજરાતના હેડ તરીકે એમની સેવાઓ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલું મોટું પદ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના ગ્રામીણ વિસ્તારના સગા-સંબંધીઓ અને મિત્રો માટે ધીરુ બનીને જ જીવે છે!!

સાધનો અને સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરી રહેલા તમામ યુવાનો માટે ડો.ધીરજ કાકડીયા દીવાદાંડી સમાન છે. તમારી જાત પર વિશ્વાસ રાખજો. જો તમારે આગળ વધવું જ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે.
શૈલેષ સગપરિયા

નિરંજન મહેતા, Niranjan Mehta


જન્મ

૨૧, મે ૧૯૪૦ – અમદાવાદ 

કુટુમ્બ

માતા – પદ્માબેન, પિતા– ગીરધરલાલ

પત્ની  – લીલા, પુત્ર – પ્રણવ, પુત્રી ખંજના   

શિક્ષણ

એમ.કોમ. સીડનહામ કોલેજ, મુંબઈ.

વ્યવસાય

એકાઉન્ટસ એક્ઝિકયુટિવ

 તેમના વિશે વિશેષ

વાર્તાઓ, કવિતા, લેખો ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા!જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે.

તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો, કવિતાઓ અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે.

એક વાર્તા ‘અતિથિ દેવો ભવ’નું નાટ્યરૂપાંતર કર્યું હતું.

એક સંસ્થા માટે બાળનાટક ‘દિવાળી વેકેશન’ પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.

વિવિધ પ્રકારની શબ્દ રમતો બનાવવામાં તેમને રસ છે અને ઘણા સામાયિકો અને મિત્રો માટે બનાવી છે .

એક નમૂનો

રચનાઓ

વાર્તાસંગ્રહ – ઓળખાણ , સ્નેહ સંબંધ, શતરંજનું પ્યાદું અને અન્ય રચનાઓ’

નવલકથા – વિપુલ ઝરણું

સન્માન

૨૦૧૯ – વાર્તાસંગ્રહ- સ્નેહ સંબંધ’ ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા)નો પ્રથમ પુરસ્કાર

નવલકથા વિપુલ ઝરણુંને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી નવલકથા સ્પર્ધામાં ત્રીજુ ઇનામ.

માતૃભાષા અને કવિવર ટાગોર


સાભાર – લતા હિરાણી

લેખક – કુમારપાળ દેસાઈ

લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.– રવીન્દ્રનાથ ટાગોર

અભિનેતા બલરાજ સહાનીએ પોતાની આત્મકથામાં આ ઘટનાનું હૃદયસ્પર્શી રીતે બયાન કર્યું છે.

1937માં ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ શાંતિનિકેતનમાં હિંદી સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. બલરાજ સહાનીએ અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જન કરવાની શરૂઆત કરી હતી. કવિવર ટાગોરના સંપર્કમાં આવ્યા અને એમણે કવિવરના વિચારો જાણ્યા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે અંગ્રેજી સાથે આપણો પહેલો પરિચય કરાવનારને નથી આવડતું સારું બંગાળી કે નથી આવડતું સારું અંગ્રેજી. એ લોકોને માત્ર એક જ લાભ મળે છે કે બાળકોને શીખવવા કરતાં તેઓ ભુલાવવાનું કામ કરી શકે છે અને તેમાં તેઓ પૂર્ણ સફળતા મેળવે છે. બાળકને સમજાય તે પહેલાં એને ગોખવાનું શરૂ કરવું પડે છે અને એને કારણે ચાવ્યા વિના ગળી જવા જેવું પરિણામ આવે છે.

આથી જ બંગાળી માતૃભાષા માટેની એ સમયની સ્થિતિનું વર્ણન કરતા કવિવરે લખ્યું છે કે, ‘પાની મેં મીન પિયાસી, સુનત સુનત લાગે હાસી.’ એટલે કે આપણી પાસે પાણી પણ છે અને તરસ પણ છે એ જોઈને દુનિયાના લોકો હસે છે અને આપણી આંખમાં આંસુ આવે છે. માત્ર આપણે એ પાણી પી શકતા નથી.

ગુરુદેવની માતૃભાષા માટેની આવી ઉચ્ચ ભાવના અને બલરાજ સહાનીની માતૃભાષા માટેની સદંતર ઉપેક્ષા. પહેલાં નાટક અને પછી ફિલ્મના સંવેદનશીલ અભિનેતા એવા શાંતિનિકેતનના ચોવીસ વર્ષના યુવાન અધ્યાપક બલરાજ સહાની ગુરુદેવને મળવા માટે જાય છે ત્યારે છોંતેર વર્ષની વયે પણ કવિવર ટાગોર શાંતિનિકેતનમાં ચાલતી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા હતા. એ સમયે કવિવર ટાગોર બલરાજ સહાનીને પૂછતા કે, ‘બંગાળી ભાષા શીખી રહ્યા છો ને?’ અને બલરાજ સહાની બંગાળી શીખતા હતા, પણ સાચા દિલથી નહીં. કવિવરનો આવો પ્રશ્ન સાંભળીને યુવાન સહાનીના મનમાં સવાલ જાગતો કે કવિવર કેવા પ્રાંતિયતાના શિકાર છે! વળી બીજી બાજુ તેઓ ‘વિશ્વભારતી’ના આદર્શોની વાત કરે છે. તેઓ શાંતિનિકેતનને ભારતીય સંસ્કૃતિ જ નહીં, પણ વિશ્વસંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા ચાહે છે, પણ મારા પર તો એ પોતાના પ્રાંતની ભાષા થોપી દેવા માગે છે. આ તે કેવો ઢોંગ? 

એક દિવસ શાંતિનિકેતનના વાર્ષિક હિંદી સંમેલનમાં કવિવરને નિમંત્રણ આપવા માટે બલરાજ સહાની ગયા, ત્યારે કવિવરે કહ્યું, ‘તમે તો અહીં માત્ર થોડા મહિના જ રહેવાના હતા અને અત્યારે એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. હવે શા માટે જતા નથી ? કવિવરનો આવો પ્રશ્ન બલરાજ સહાનીના હૃદયને આઘાત કરી ગયો. શાંતિનિકેતનમાં અધ્યાપક તરીકે એમનું કામ સંતોષપ્રદ હતું અને એમના સાથીઓ પણ એમના અધ્યાપનથી પ્રસન્ન હતા. વળી વિદ્યાર્થીઓ પણ એમને ચાહતા હતા. આવું હોવા છતાં શા માટે ગુરુદેવ, અહીંથી  જવાનું કહે છે ?

બલરાજ સહાનીએ કહ્યું, ‘હું અહીં ખુશ છું. હું અહીંથી બીજે ક્યાંય જવા ચાહતો નથી.’ ‘પરંતુ આ એવી જગા નથી કે જ્યાં તમે હંમેશને માટે રહી શકો. હવે તમને ખબર પડી હશે કે અમે અહીં શું કરવા માગીએ છીએ. હવે તો તમારે તમારા પ્રાંતમાં જઇને આ સંદર્ભે સર્જનાત્મક કામ કરવું જોઇએ.

‘હું અહીં ઘણો જ સર્જનશીલ છું. એમાં મારે કોઇ બદલાવ લાવવો નથી. હું ખુશ છું અને મારા પત્ની પણ અહીંથી ખુશ છે.’ ગુરુદેવે પૂછ્યું, ‘અધ્યાપન  કાર્ય સિવાય બીજુ  શું કામ કરો છો ?’

બલરાજ સહાનીએ કહ્યું, ‘હું હિંદીમાં વાર્તાઓ લખું છું અને તે હિંદી સાહિત્યનાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત પણ થાય છે. અહીં રહીને મેં ઘણું લખ્યું છે અને મને સારી એવી પ્રતિષ્ઠા પણ મળી છે.’

ગુરુદેવે વળતો સવાલ પૂછ્યો, ‘પરંતુ તમારી ભાષા હિંદી નથી ને? તમે તો પંજાબી છો. તો પછી પંજાબીમાં કેમ લખતા નથી?’ ગુરુદેવનાં આ શબ્દો સાંભળતાં જ બલરાજ સહાનીને લાગ્યું કે ગુરુદેવ અત્યંત સંકુચિત વિચારો ધરાવતા પ્રાંતિયતાવાદી છે. એ સમયે બલરાજ સહાનીને એની જાણકારી નહોતી કે કલાકાર ત્યારે જ આંતરરાષ્ટ્રીય બની શકે છે, જ્યારે પહેલાં એ સાચા અર્થમાં રાષ્ટ્રીય બને.

બલરાજ સહાનીએ પોતાનું મંતવ્ય સમજાવતાં કહ્યું, ‘પણ હિંદી તો રાષ્ટ્રભાષા છે, સમગ્ર દેશની ભાષા છે. હું કોઈ પ્રાંતીયભાષામાં શા માટે લખું, જ્યારે હું સમગ્ર દેશને માટે લખી શકું છું.’

વયોવૃદ્ધ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું, ‘હું બંગાળીમાં લખું છું, જે પ્રાંતીય ભાષા છે, પરંતુ આખું હિંદુસ્તાન નહીં, આખી દુનિયા એ વાંચે છે.’

બલરાજ સહાનીએ નમ્રતાથી કહ્યું, ‘હું કંઈ આપના જેવો મહાન લેખક નથી. હું તો એક મામૂલી લેખક છું.’

‘જુઓ, આમાં કોઈ મામૂલી કે મોટા લેખકનો સવાલ જ નથી. લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.’

બલરાજ સહાનીએ બચાવમાં કહ્યું, ‘કદાચ આપને મારા પ્રાંતની પરિસ્થિતિની સાચી જાણકારી નહીં હોય. પંજાબમાં અમે કાં તો હિંદીભાષામાં લખીએ છીએ અથવા તો ઉર્દૂમાં. પંજાબીમાં તો કોઈ લખતું નથી. પંજાબી અત્યંત પછાત  ભાષા છે અને સાચું પૂછો તો એને ભાષા જ ન કહી શકાય. એ તો હિંદીની એક ઉપ-ભાષા માત્ર છે.’

કવિવરનો ધીરગંભીર અવાજ રણકી ઊઠયો, ‘તમારી વાત સાથે હું સહેજે સહમત નથી. પંજાબી સાહિત્ય બંગાળી સાહિત્ય જેટલું જ પ્રાચીન છે. શું તમે એ ભાષાને પછાત કહી શકો, જેમાં ગુરુ નાનક જેવાં કવિઓએ લખ્યું હોય?’ અને પછી ગુરુદેવે બલરાજ સહાનીને ગુરુ નાનકની કેટલીક પંક્તિઓ સંભળાવી, જેનાથી ખુદ બલરાજ સહાની એ સમયે અજાણ હતા.

એ પંક્તિઓ બોલ્યા પછી ગુરુદેવે કહ્યું, ‘મારે તમને એ કહેવું જોઈએ કે હું ગુરુ નાનકની મહાન કવિતાના કેટલાંક અંશોનો બંગાળીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હું એને પૂરો ન્યાય નહીં આપી શકું. આ તો શીખોની ધાર્મિક વાણી છે.’

ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ પોતાની વાતનો બચાવ કરતાં કહ્યું, ‘ગુરુદેવ, હું એવા સાહિત્યની વાત કરું છું જે ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોથી પર હોય. પંજાબમાં એવું કોઈ સાહિત્ય નથી, આથી જ આધુનિક પંજાબી ઘણી પછાત ભાષા રહી ગઈ છે.’

કવિવર બોલ્યા, ‘અરે! આવી વાતો તો આજથી એકસો વર્ષ પહેલાં અંગ્રેજી ભણેલા-ગણેલા બંગાળી બુદ્ધિવાદીઓ બંગાળી ભાષાને વિશે કરતા હતા. પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવી એ સહેજે કઠિન કાર્ય નથી. બંકિમ બાબુએ (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) બંગાળી ભાષાને વીસ હજાર નવા શબ્દો આપ્યા. ખુદ મેં પણ એંસી હજાર નવા શબ્દો આપ્યા છે. મેં બંગાળી ભાષાને બનાવી છે.’ આટલું બોલ્યા પછી ગુરુદેવે સ્વાભિમાનપૂર્વક કહ્યું, ‘આજે આ ભાષા પોતાની અભિવ્યક્તિની બાબતમાં વિશ્વની કોઈપણ ભાષાથી પાછળ નથી.’

બલરાજ સહાનીએ આનો કશો ઉત્તર આપ્યો નહીં. એનું કારણ એ હતું કે પંજાબના મોટાભાગના લેખકો હિંદુ અને ઉર્દૂમાં લખતા હતા. પંજાબીમાં માત્ર ગુરુમુખી હતી. એ એક એવી લિપિ હતી કે જેનો પ્રયોગ માત્ર શીખો જ કરતા હતા, કારણ કે એ એમની ધાર્મિક ભાષા હતી.

બલરાજ સહાની ખુદ ગુરુમુખી ભાષાને વાંચી-લખી શકતા નહોતા અને બીજી બાજુ હિંદુસ્તાન આઝાદીને માટે ઝઝૂમતો દેશ હોવાથી એને એક રાષ્ટ્રભાષાની જરૂર છે, તેમ માનતા હતા. વળી કોંગ્રેસ રાષ્ટ્રભાષાના વિકાસને પ્રોત્સાહન આપતી હતી, પણ બલરાજ સહાનીએ વિચાર્યું કે ગુરુદેવ સાથે આ વિષય પર ચર્ચા કરવી યોગ્ય નથી. આથી એમણે મૂળ વાત પર આવતા ગુરુદેવને કહ્યું કે, ”હું આપને વાર્ષિક હિંદી સંમેલનમાં નિમંત્રિત કરવા માટે આવ્યું છું. આપ એનો સ્વીકાર કરો.”

ગુરુદેવે નિમંત્રણનો સ્વીકાર કર્યો અને બલરાજ સહાનીએ વિદાય લીધી. પણ હજી એ દરવાજા સુધી પહોંચ્યા નહોતા કે ગુરુદેવે એમને પાછા બોલાવ્યા અને એમણે જે શબ્દો કહ્યા તે કેટલાંય વર્ષો સુધી બલરાજ સહાનીના ચિત્તમાં ઘુમરાતા રહ્યા અને સમય જતાં ખુદ બલરાજ સહાનીએ અહેસાસ કર્યો કે એ શબ્દોમાં કેટલી બધી સચ્ચાઈ હતી.

ગુરુદેવે કહ્યું, ‘એક વેશ્યા સંસારની સઘળી દોલત પામીને પણ ઇજ્જતદાર બની શકતી નથી. તમે પારકી ભાષામાં ભલે આખી જિંદગી લખતા રહો, પરંતુ ન તો તમારા પોતાના લોકો તમને પોતાના સમજશે અને તમે જેમની ભાષામાં લખતા હશો, તેઓ પણ તમને પોતાના નહીં માને. બીજાના બનતાં પહેલાં તમારે તમારા પોતાના લોકોના બનવું જોઈએ.’

કવિવરની વાતચીત કરવાનો અનોખો તરીકો હતો. એ ક્યારેય અકળાતા કે ગુસ્સે થતાં નહીં, પરંતુ એની સાથોસાથ સાચી વાત કહેતાં સહેજે પાછી પાની કરતા નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે એક દિવસ સચ્ચાઈ એના મૂળિયાં દ્રઢ કરીને જરૂર ફૂલે-ફાલશે.

બલરાજ સહાનીએ અનુભવ્યું કે કોઈ લાંબુ ભાષણ આવ્યા વિના કે સહેજે આક્રોશ દાખવ્યા વિના એમણે જે બીજ એમના હૃદયમાં રોપ્યું હતું તે આપોઆપ અંકુરિત થવા લાગ્યું અને ધીરે ધીરે તેઓ ગુરુદેવે બતાવેલા માર્ગ પર ચાલવા લાગ્યા. અંગ્રેજીમાં સર્જનકાર્ય કરતા બલરાજ સહાની સમય જતાં પંજાબી સાહિત્યના એક અગ્રણી સર્જક બન્યા. એમની કૃતિ માટે સેવિયેટ લેન્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો. પંજાબી ભાષાના સામયિકોમાં એમની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી રહી. એમણે આત્મકથા લખી. ૧૯૭૩માં મુંબઈમાં પંજાબી કલાકેન્દ્રની સ્થાપના કરી, જે આજે પણ પ્રતિવર્ષ બલરાજ સહાની એવોર્ડ આપે છે.

આમ અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થનારા અને સર્જનકાર્ય કરનારા તથા હિંદી સાહિત્યમાં કલમ ચલાવનાર સંવેદનશીલ અભિનેતા બલરાજ સહાની ગુરુદેવના એ પ્રસંગને કારણે માતૃભાષા પંજાબીમાં લખનારા અગ્રણી સર્જક બન્યા.

કુમારપાળ દેસાઈ

સૌજન્ય : દૈનિક ગુજરાત સમાચારમાં લેખકની કૉલમ ‘ઈંટ અને ઇમારત’નો તા. 18 ફેબ્રુઆરીનો લેખ (સહેજ ટૂંકાવીને)

નવલરામ ત્રિવેદી, Navalram Trivedi


અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !

વિકિપિડિયા પર

ઉપનામ

‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય

જન્મ

૧૧, ઓક્ટોબર, ૧૮૯૫ ,વઢવાણ

અવસાન

૧૮, મે – ૧૯૪૪, અમદાવાદ

કુટુ મ્બ

માતા – ; પિતા – જગન્નાથ
પત્ની – સવિતાબેન; સંતાન – ચાર

શિક્ષણ

પ્રાથમિક – વઢવાણ
બી. એ. – ૧૯૨૦; એમ.એ. – ૧૯૨૬

વ્યવસાય

ગુજરાતી સાહિત્ય સભામાં મંત્રી
SNDT કોલેજમાં વાઈસ – પ્રિન્સિપાલ

  તેમના વિશે વિશેષ

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

ઇંદુલાલ ગાંધી


સાભાર – શ્રી. નિરંજન મહેતા

લેખક -– જોરાવરસિંહ જાદવ, લોકજીવનનાં મોતી

આવો જ એક સરસ પરિચય વેબ ગુર્જરી પર – શ્રી. રજનીકુમાર પંડ્યાની કલમે આ રહ્યો

આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને મીનુ દેસાઈ જેવા કવિઓએ પણ દેખતા દીકરાના જવાબની રચના કરી હતી. એ રચનાઓએ પણ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું – આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ એ બંને રચનાઓ એક સમયે ભલે દૂર્લભ ગણાતી હોય, પણ હવે ઈન્ટરનેટના કારણે આ બન્ને રચનાઓ સુલભ બની છે.

વહાલપની વાદળી વરસાવનારી માતાને માટે ધર્મપુરાણે માતા, ધરિત્રી, જનની, દયાર્દ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠ, દેવી, ભિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહન્ત્રી જેવા ૨૧ શબ્દો પ્રયોજયા છે. ઇશ્વરની એલચી સમી મા માટે મનુસ્મૃતિ કહે છે કે ઉપાધ્યાયથી આચાર્ય દસ ગણા, આચાર્યથી પિતા સો ગણા અને પિતાથી માતા હજાર ગણી પૂજનીય છે. ઘોડિયાઘરમાં ઉછરનારા સંતાનોને માતાનું મૂલ્ય શી રીતે સમજાય ? એક ગરીબ માની ઝૂંપડી માં સાત દીકરા સમાય છે પણ સાત દીકરાની મજાની મહેલાતોમાં એક લાચાર- વૃદ્ધ મા નથી સમાતી.

ઊર્મિશીલ માનવીનું કાળજું કંપાવી જતી આંધળીમાના અંતરની વેદનાને ઇન્દુલાલ ગાંધીએ કાવ્યમાં સુપેરે કુંડારી છે. એ એક મા કે દીકરાની જ વાત નથી પણ સુખી ગામડું છોડીને મોટા શહેરોમાં રૂપિયા રળવા ગયેલા હીરાઘસુ દીકરાઓના તમામ માબાપોની વ્યથાકથા કાઠિયાવાડના એકએક ગામડે હાંફતી પડી છે. સુખી થવાના સ્વપ્ના જોઇને શહેરભણી દોડનારા દીકરાઓ કાળી મજૂરી પછી પૈસો તો કમાય છે પણ એની સુખશાંતિ હણાઇ જાય છે. લાચાર દીકરાની આ પરિસ્થિતિનો ચિતાર આંધળી માના કાગળમાં કવિ આપણને આપે છે.

આંધળી માનો કાગળ પછી ઈન્દુલાલ ગાંધીએ જ દેખતા દીકરાનો જવાબ પણ રચ્યો હતો. જોકે, મીનુ દેસાઇની દેખતા દીકરાની રચના પણ ઘણી લોકપ્રિય થઈ હતી. બેય રચનાઓ, સને ૧૯૬૯માં દસમાં ધોરણના પાઠયપુસ્તક ‘સાહિત્યલહરી’ ભા.૩માં છપાઇ હતી. પાઠયપુસ્તક બદલાઇ ગયું. સને ૧૯૮૬માં કવિનું અવસાન થયું. રતિકુમાર વ્યાસે ગાયેલું ગીત સ્મૃતિમાં સળવળાટ કરતું બેઠું થાય છે.

આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.

લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા?

ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પૈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

-ઈન્દુલાલ ગાંધી

આ રચનાનો જવાબ પણ ઈન્દુલાલ ગાંધીએ જ આપ્યો હતો. જોકે, તેના પ્રત્યુત્તર રૃપે અન્ય કવિઓએ પણ દેખતા દીકરાનો જવાબ રચ્યો છે. જેમાં મુંબઇના કવિ મીનુ દેસાઇ અને મોહનલાલ નાથાલાલની રચનાને મહત્ત્વની ગણી શકાય.

દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

-ઇંદુલાલ ગાંધી

મીનુ દેસાઈએ દેખતા દીકરાનો જવાબ કાવ્ય રચ્યું એમાં દેખતા દીકરાની શહેરી જીવનની આપવીતી વર્ણવી છે. માનો પત્ર વાંચી દુઃખિયા દીકરાનું હૈયું વલોવાઇ જાય છે. પૈસા કરતાં પ્રેમને અને ધન કરતાં ધર્મને વધુ સમજનારો કહ્યાગરો દીકરો આશ્વાસન આપી માને કહે છે –

દુઃખથી જેનું મોઢું સૂકાયેલું, ચહેરે કુંડાળા ના પટ,
ઝવેરચંદના ઝીણિયા આગળ ગગો લખાવત ખત
માડી એની અંધ બિચારી, દુઃખે દા’ડા કાઢતી કારી.

લખ્ય કે ઝીણા માફી પહેલી માગી લઉં છું હું આજ,
જ્યારથી વિખૂટો પડયો હું તારાથી, ગમે ના કામ કે કાજ.
હવે લાગે જીવવું ખારું નિત લાગે મોત જ પ્યારું.

ભાણાના ભાણિયાની એક વાતડી માવડી, છે સાવ સાચી.
હોટલમાં જઇ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી.
નવાં જો હું લૂગડા પે’રું, કરું પેટનું ક્યાંથી પૂરું ?

દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,
એક આનાની ચાહ-બીડી માડી ! બચત તે કેમ થાય ?
કરું ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૃડી ?

પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,
મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,
જેથી કંઇક રાહત થાશે, કદી હાથ ન લાંબો થાશે.

માસે માસે કંઇક મોકલતો જઇશ, તારા પોષણ કાજ,
પેટગુજારો થઇ જાશે માડી ! કરતી ના કામકાજ,
કાગળ ના ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે

લિખિતંગ તારા ગીગલાના માડી ! વાંચ જે ઝાઝા પ્રણામ,
દેખતી આંખે અંધ થઇ, જેણે માડીનું ન લીધું નામ,
દુઃખી ના તું દિલમાં થાજે ગોવિંદના ગીતડા ગાજે.

કાઠિયાવાડની કામિનીઓના કંઠે રમતું ને વારપરબે લોકજીવનમાં આનંદનો અબિલ-ગુલાલ ઉડાડતું એક બહુ જાણીતું ગીત છે

મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો, ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે.
નાનો દિયરિયો લાડકો ને કંઇ લાવ્યો મેંદીનો છોડ રે મેંદી રંગ લાગ્યો રે
વાટીઘૂંટીને ભરો વાટકા ભાભી રંગો તમારા હાથ રે મેંદી રંગ લાગ્યો રે.
હાથ રંગીને હું શું રે કરું ? એનો જોનારો પરદેશ રે મેંદી રંગ લાગ્યો રે.

હું ને મારા જેવા અનેક સંશોધકો હજુ હમણા લગી માનતા કે આ કોઇ જૂનું લોકગીત છે. આ વાતને ઉજાગર કરતાં નીતીન વડગામા કહે છે કે લોકગીતનો દરજ્જો પામેલા આ ગીતના કવિ ૮ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ મોરબી પાસેના મકનસર મુકામે જન્મેલા અને લોકહૈયે બિરાજતા કવિ ઇન્દુલાલ ગાંધી છે. (પાઠયપુસ્તકમાં જન્મ તારીખ- ૮-૧૨-૧૯૦૫ દર્શાવી છે.)

આજ કવિની એક બહુ જ જાણીતી અને હૃદયસ્પર્શી રચના છે ‘આંધળીમાનો કાગળ.’ સને ૧૯૫૯માં ૧૫મી વાર પુનઃ મુદ્રણ પામેલી ‘સાહિત્યલહરી’ ભાગ-૩માં દસમી શ્રેણીમાં લાખો વિદ્યાર્થીઓ આ કાવ્ય ભણી ગયા છે.

આજથી ચાર સાડાચાર દાયકામોર્ય આંધળીમાની વેદનાને વાચા આપતું કારુણ્ય સભર ગીત ‘આંધળી માનો કાગળ’ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન આયોજિત ડાયરામાં રતિકુમાર વ્યાસના અષાઢી કંઠે સાંભળ્યું ત્યારે અનેક શ્રોતાઓની આંખ્યુમાંથી શ્રાવણ- ભાદરવો વરસતો નજરે નિહાળ્યો છે.

ઇન્દુલાલ ગાંધીનું તખલ્લુસ- ઉપનામ ‘પિનાકપાણિ’. એમના પિતાનું નામ ફૂલચંદ ગાંધી. ઇન્દુલાલનું પ્રાથમિક શિક્ષણ મોરબીમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. જીવનસંઘર્ષ નાનપણથી એમના નસીબમાં લખાયો હતો. પિતાની પાનબીડીની દુકાન. આ દુકાન ચલાવવા માટે બે દાયકા લગી તેઓ કરાંચીમાં જઇને રહ્યા. દેશના ભાગલા પડતાં ૧૯૪૭માં તેઓ મોરબીમાં આવ્યા. અહીં પણ મુસીબત એમની પાછળ પડી હતી.. મોરબીની પૂર હોનારતમાં એમનું સર્વસ્વ હોમાઇ ગયું. કવિ પહેર્યે કપડે રાજકોટ આવ્યા. પ્રારંભમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’માં જોડાયા. એ પછી આકાશવાણી રાજકોટમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકે જોડાયા અને સને ૧૯૭૩માં પ્રોડયુસર પદેથી નિવૃત્ત થયા. એમણે બાળસાહિત્ય અને નાટયસર્જનની સાથોસાથ ગુજરાતી સાહિત્યજગતને ત્રણ હજાર ઉપરાંત કાવ્યો સંપડાવ્યાં છે. એમના ઘણા કાવ્યોમાં માનવવેદના ટપકે છે તો ‘માળો ચૂંથાણો, ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી, એંઠી કૂંડી અને આંધળી માના કાગળમાં સાચુકલી સંવેદનાનું ઝીણું ઝીણું જંતર વાગતું સંભળાય છે. આ એક જ ગીતે કવિને લોકહૈયાના સિંહાસન પર બેસાડી દીધા છે.

સાહિત્યમાં બે પ્રવાહો સમાન્તરે વહેતા નજરે પડે છે. એક પ્રવાહ શિષ્ટકવિઓએ રચેલાં કાવ્યો ને ગીતોનો અને બીજો સેકડો વર્ષોથી લોકજીભે રમતાં આવેલાં લોકગીતોનો. શિષ્ટ કાવ્યોમાં કવિના નામાચરણ સાથે એના કર્તૃત્વની છાપ લાગે છે. જ્યારે લોકગીતોનો રચયિતા લોકસમાજમાં અંધારપછેડો ઓઢીને બેઠો હોય છે. કોપીરાઇટ શબ્દથી એ આજેય સાવ જ અજાણ છે. ગામડાગામના અભણ બાઇ કે ભાઇને અંતરમાં ઊર્મિ જાગે ને ગીત રચાઇ જાય તેને સમાજમાં વહેતું મૂકી દે છે. એ ગીત લોકકંઠે ફરતું ફરતું અવનવા ઘાટ ધારણ કરતું લોકગીતનું સંઘેડાઉતાર સ્વરૂપ પામે છે. એમાં પ્રાદેશિક રંગો ઉમેરાતા જાય. પ્રદેશે પ્રદેશે એના પાઠાન્તરો પણ મળતાં જાય. એક ત્રીજો પ્રવાહ લોકની વચ્ચે રહીને લોકઢાળના લોકપ્રિય ગીતોનું સર્જન કરનારા કવિઓનો છે. ઉદાહરણ તરીકે સ્વ.ઝવેચંદ મેઘાણીના અનેક ગીતો, ભક્ત કવિ દુલાભાઇ કાગના ‘કાગવાણી’ના કાવ્યો, ગીતોને ભજનો- વડલો કહે છે વનરાયું સળગી મૂકી દિયોને જૂના માળા, ઊડી જાઓ પંખી પાંખોવાળાં, પગ મને ધોવાદ્યો રઘુરાય મને શક પડયો મનમાંય. કવિ ‘દાદ’- દાદુદાન ગઢવીના ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો. મમતા રૂવે જેમ વેળુંમાં વીરડો ફૂટી ગ્યો. જેવા કવિઓના લોકઢાળના ગીતો લોકસમાજમાં અત્યંત લોકપ્રિય બનીને લોકકંઠે ફરતાં તરતાં થયા છે. આંધળી માનો કાગળ અને મેંદી તે વાવી માળવે એવા જ એક લોકપ્રિય ગીતો છે.

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

જન્મ

૫ , ફેબ્રુઆરી – ૧૯૭૬ , અમદાવાદ
મૂળ વતન – અછાલિયા, રાજપીપળા

શિક્ષણ

પ્રાથમિક – શ્રી ભક્ત વલ્લભ ધોળા વિદ્યાવિહાર અમદાવાદ
માધ્યમિક – શ્રી મૂક્તજીવન વિદ્યાલય અમદાવાદ
બી. કોમ – નવગુજરાત કોલેજ, અમદાવાદ

વ્યવસાય

મુક્તજીવન વિદ્યામંદિર, ઘોડાસર, અમદાવાદમાં શિક્ષિકા

  તેમના વિશે વિશેષ

.તેમના જીવનમાં ઓશો રજનીશના વિચારોનો  ખૂબ પ્રભાવ છે એવું તેઓ માને છે  તેમની રચનાઓ શબ્દસૃષ્ટિ, કુમાર, નવનીત સમર્પણ, કવિલોક, શબ્દસર ,  જનકલ્યાણ,એતદ,કવિતા જેવા સામાયિકોમાં પ્રકાશન પામેલ છે.તો દિવ્ય ભાસ્કર,ગુજરાત સમાચાર લયસ્તરો.વિ.માં ગઝલ પ્રકાશન પ્રગટ થઈ છે.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પણ કાવ્યો સ્થાન પામેલ છે.

રચનાઓ

‘સ્વ ને શોધુ શબ્દોમાં’, ‘ટેરેવે ઉગ્યુ આકાશ’

થોડાક શેર

જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારાં મર્યા પછની આ પહેલી સવાર છે.
શ્વાસોની આવજાવને જીવવું ગણે છે જે,
ઇલાજ એમનો કરો,નક્કી બિમાર છે.

કરી વિદ્રોહ સૌ સામે. જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાત ને ખુદથી મળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો  મેં ફક્ત પાંપણ નમાવી છે.

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

લઈ ભાર ઘરનો ચાલતાં હાંફી ગયા છે પગ,
વિસામો ક્યાંક રાખજો થાકી ગયા છે પગ.
દિલ તો મેં ફક્ત ખોલ્યુંતું  અંગતની સામે- પણ
ક્યાંથી હવે એ વાત ને આવી ગયા છે પગ?

‘હું હાજર છું’ એવું હમેશા જતાવે,
ઘણાં દર્દ ઝાંઝર પહેરીને આવે
એ જાણી ગયા કાચની જાત છે તો,
બતાવીને પથ્થર ગમે ત્યાં નચાવે.

મળીને ચાલવાનો ફેંસલો બદલી શકે છે તું,
તને જોખમ જો લાગે તો,અહી અટકી શકે છે તું.
જરીકે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જો તારું,
તને રાહત થતી હો તો મને વળગી શકે છે તું.

એ કારણથી સંબંધોની હાલત છે બિસ્માર હમેશા,
‘હું’થી ‘હું’ની જુઓ કેવી ચાલે છે તકરાર હમેશા.
હદ્પાર નશો હો તો જ મજા છે પ્રેમ.સુરા કે ભક્તિનો
ઓછું વધતું તમને સોપ્યું,હું તો થઈશ ચિક્કાર હમેશા.

અંતર તો રાખ્યું એ છતાં અડકી ગયા કે શું ?
ઝુંપડીની અશ્રુધારથી દાઝી ગયા કે શું ?
કડવાશ છે નજરમાં ને વાણી છે તોછડી,
ખિસ્સું અમારું ખાલી છે,જાણી ગયા કે શું ?

વેરાઈ ગઈ પીડા, હતી મુઠ્ઠીમાં સાચવી,
કેવી રીતે છુપાવવી ક્યાં જઇને દાટવી
પાણીય ના મળે છતાં જે  ઉગવા મથે,
એ કુંપળોની પીઠ જરૂર થપથપાવવી.

કિશોર જિકાદરા, Kishor Jikadara


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી!

જન્મ

૪ , ફેબ્રુઆરી – ૧૯૫૫ , મહુવા

કુટુંબ

માતા – કસ્તુરબેન. ; પિતા – મૂળજીભાઈ

શિક્ષણ

જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી

સંપર્ક

142/સર્વોદયનગર,
સેકટર 30, ગાંધીનગર, 382030
મોઃ 9879475130

  તેમના વિશે વિશેષ

ચાર ભાઈ અને પાંચ બહેનોનો બહોળો પરિવાર. પિતાજીનો ખેતીનો વ્યવસાય, પણ કાળક્રમે ખેતી નષ્ટ થતાં, ઓઈલ એન્જિન સમારકામ કારીગર તરીકે નોકરી કરતા હતા. સર્જકના જન્મના પાંચ જ મહિનામાં, કુટુંબનિર્વાહ માટે પરિવાર સાથે પરિવારે મહુવાથી જાફરાબાદ મુકામે મજબૂરીથી સ્થળાંતર કરવું પડ્યું. 1955ને ના જૂન માસથી  ઓઈલ મિલમાં પિતાજીએ ઓઈલ એન્જિન મિકેનિક તરીકે જીવનની બીજી ઈનિંગ શરૂ કરી. માતા પિતા અભણ હતા પણ પોતાના સંતાનોને શિક્ષણ અપાવવાના સંકલ્પમાં મક્કમ.હતા એટલે શિક્ષણ અને સંસ્કારનો વારસો મળ્યો. સંતાનોએ પણ માબાપના આ સંકલ્પને સાકાર કરતાં,મા શારદાની કૃપાથી બધાં જ ભાઈ-બહેનોએ જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી જ્વલંત કારકિર્દી સાથે (લગભગ બધાં જ ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ ) પસાર કર્યાં.  પરિવારના ઘણા સભ્યોમાં શિક્ષણ ઉપરાંત સંગીત, લેખન, ચિત્ર, ગાયન, વાદન વગેરે જેવી વિશિષ્ટ સિદ્ધિઓને કારણે જાફરાબાદના ઉચ્ચ અધિકારીઓ અને શ્રેષ્ઠીઓનો પ્રીતિપાત્ર પરિવાર બન્યો. તેમના માતાને તે સમયે રત્નગર્ભાનું બહુમાન મળેલું. બહોળો પરિવાર તથા સીમિત આવકના કારણે શૈશવ અત્યંત ગરીબાઈમાં તથા અભાવમાં વીત્યું.  ધોરણઃ પાંચથી એસ. એસ. સી. સુધી સ્કોલરશિપ મળી. ક્યારેક એ સ્કોલરશિપના બાળકિશોરે જમા કરેલા રૂપિયામાંથી મહિનાની આખર તારીખમાં ઘરના રોટલા માટે બાજરો ખરીદાતો એવી નાજુક પરિસ્થિતિ. ધોરણ દસમાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ તરફથી રૂ. 60 નું ઈનામ મળતું. તેમના સહિત લગભગ બધાં ભાઈબહેનોને ઈનામ મળ્યાં હતાં. જૂની એસ.એસ.સી. પછી તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ખાતેની સર ભાવસિંહજી પાૅલિટેકનિકમાં ઓટોમોબાઈલ ડિપ્લોમા કોર્સ પસંદ કર્યો. બે સેમેસ્ટરની જ્વલંત સફળતા સાથે પસાર કર્યા બાદ પરિવારની આર્થિક મર્યાદાઓને કારણે અભ્યાસ છોડીને હીરા ઘસવાના વ્યવસાયમાં અનિચ્છાએ જોતરાવું પડ્યું.જોકે લોહીમાં જ કારીગરી વારસાગત ઊતરી આવી હોવાના લીધે આ કામમાં પણ પ્રવીણતા આવી.પછી   હીરા ઘસવાનું છોડી,અટકેલો ઉચ્ચ અભ્યાસ એક વર્ષ બાદ પુનઃ ચાલુ કર્યો. આ દરમિયાન ગામે ગામ વીજળી આવી જતાં, ઓઈલ એન્જિનનો ઉપયોગ બંધ થતાં પિતાજીને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી. આર્થિક સંકડામણનો સંઘર્ષ અતિ તીવ્ર બન્યો.બહેનોના હાથ પીળા કરવાનો સમય આવતાં ભણવાને બદલે કમાવવાનું દબાણ વધ્યું.

 જૂના મેટ્રિક્યુલેશન પછી લઘુલિપિક (સ્ટેનોગ્રાફર)ની સરકારી નોકરી મળતી. ગુજરી બજારમાંથી નવ રૂપિયાનું   સેકન્ડહેન્ડ ‘મહેર લઘુલિપિ’ શીખવા માટેનું પુસ્તક ખરીદ્યું. જાતે લઘુલિપિ/.ગુજરાતી ટાઇપિંગ પણ શીખ્યા. ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર ની લઘુલિપિની પરીક્ષા, એસ. એસ. સી. લેવલની ગુજરાતીની પરીક્ષા અને ટાઇપિંગની પરીક્ષાઓ પાસ કરી.નિયામક, આયુર્વેદના અંગત મદદનીશ (પી.એ.) તરીકે સને 1980ના એપ્રિલ માસમાં સરકારી સેવામાં જોડાયા.આ સમય દરમિયાન માથા પરથી માતાપિતાનું છત્ર ઊડી ગયું. કૌટુંબિક જવાબદારી નિભાવતાં સળંગ ચોવીસ વર્ષની એક જ જગ્યાએ નોકરી કરી, ને  2004ના એપ્રિલમાં નવ વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. 

        સર્જકના જીવન ઘડતરમાં જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંતમાધ્યમિક શાળાનાં શિક્ષિકા સુશ્રી રક્ષાબહેન દવેની માતૃભાષાની કેળવણીએ તેમના ચિત્તપ્રદેશ પર ઊંડી છાપ છોડી હતી સાહિત્ય સર્જનની શરૂઆત ધોરણ નવથી જ થયેલી પ્રથમ કવિતા એ સમયે લખાયેલી. લેખન ,અને વક્તૃત્વ કૌશલ્યના કારણે તેઓ શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી હતા. પ્રૂફ વાંચન, ભાષાન્તર શોખની પ્રવૃતિ રહી છે.

 લેખનબીજ તો વરસો પૂર્વે વવાઈ ચૂક્યું હતું. જીવનના કેટકેટલાય અભાવો અને ઉપેક્ષાએ  સંવેદનશીલ હૃદયને અધિક કોમળ અને શાયરાના બનાવ્યું. સ્વૈચ્છિક નિવૃત્તિનાં ત્રણેક વર્ષ અગાઉ એટલે કે 2001આસપાસ તેમાંથી કૂંપળો ફૂટી. નિજાનંદ માટે ગુજરાતી ગીત, ગઝલ લખવાનું શરૂ થયું. ભાષા નિયામકના રાજભાષા, ગુજરાત સમાચારની સ્થાનિક પૂર્તિ અને સ્થાનિક અખબાર ગાંધીનગર સમાચારમાં પ્રકાશિત થવા લાગ્યાં.

તેઓ ગાંધીનગર સાહિત્યસભાનો પૂર્વ કોષાધ્યક્ષ, પૂર્વ મંત્રીપદે,હાલ ગાંધીનગર સાહિત્યસભાના સલાહકાર, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના સેવામંત્રી તરીકે, અને પૂર્વ પોલીસ મિત્ર, પૂર્વ પૅરાલિગલ વૉલેન્ટિયર, સમાજસેવક,રક્તદાતા, માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણના હેતુ માટે સ્થપાયેલા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સાત ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી તરીકે સતત કાર્યરત રહ્યા છે.

‘કલાવિમર્શ’ ત્રૈમાસિકના કાવ્ય વિભાગના સંપાદક તરીકે પ્રત્યેક કામમાં પરફેક્શનના આગ્રહી શોખ અને વારસાને કારણે લગભગ ઘણીખરી ક્રાફ્ટમાં પણ બહુમુખી પ્રતિભા છે.  ‘પાંપણ વચ્ચે’ ની એક ગઝલ ‘સમજાવટથી’ નો તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટીના એફ. વાય. બી.એ. ના ગુજરાતી વિષયના સંદર્ભ અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. આ ગઝલ અંગે લયસ્તરો. કોમ ઉપર લખવામાં આવ્યું છે કે “નવરત્ન જેવા નવ શેઅર! એકેએક શેઅર પર સમરકંદ બુખારા ઓવારી દેવાનું મન થાય એવા.. ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબની કરામત કરી છે.” આ ગઝલ અગાઉ અખંડાનંદમાં સને 2018 માં પ્રકાશિત થઈ હતી.

રચનાઓ

અભિવ્યક્તિ, પાંપણ વચ્ચે’ હૈયાસરસું

થોડાક શેર

તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી!

આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી!

કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?

સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી!

અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી!

તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાનો રાખું છું હિસાબ ચીવટથી!

વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો ‘તો, તે દિવસે ઝીણી વાછટથી!

ડાળી પરથી પાન ખર્યું તો તેનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછી, એ જ જગ્યાએ કાલ ઊલટથી!

‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021
**
‘આંસુ વહાવી દેજે મારા મોત પર તું એકાંતમાં,
આ ‘બદનસીબ’ની લાશ પર આપમેળે જ કફન ચડી જશે.’

મૂળ નામ

રમેશભાઈ પીરભાઈ રજ્યા.

જન્મ

૩ , ફેબ્રુઆરી – ઝેરડા ગામે ( જિ. બનાસકાંઠાના, તા . ડીસા )

કુટુંબ

માતા – જેબરબેન. ; પિતા – પીરાભાઈ

સંપર્ક

‘ઈશ્ક’ પાલનપુરી 45,રજ્યાવાસ, મુ. પો .ઝેરડા તા. ડીસા જિ. બનાસકાંઠા
મો.+91 99240 02999

         દસમા ધોરણમાં ભણતા રમેશને સાથે ભણતા મિત્ર દશરથના અવસાનનો આઘાત એવો લાગ્યો કે દુઃખ કવિતા સ્વરૂપે બહાર આવ્યું. પ્રથમ કવિતા સ્કૂલના નોટીસબોર્ડ પર લગાડી. રમેશની આ કાવ્યાંજલિ બધાને ખૂબ ગમી. મિત્રના મૃત્યુના આઘાત અને નિરાશામાં પ્રથમ કવિતા ફાડી નાખી. પણ આ શોકકાવ્ય દ્વારા કવિતાની કૂંપળ ફૂટી ચૂકી હતી એ ધીમે ધીમે વિસ્તરતી જતી હતી. પોતાની જાતને બદનસીબ માનતો આ વિદ્યાર્થી હૃદયમાં ઉભરાતી લાગણીને ‘બદનસીબ’ ના ઉપનામે કાગળ પર ઉતારવા લાગ્યો.

  તે લખે છે.

“જિંદગીમાં હવે કોઈ તમન્ના બાકી નથી,

તારું નામ રટવું એ જ ‘બદનસીબ’નું કામ હોય.”

                                              જોડકણાં તો જોડકણાં પણ ભાવજગત મજબૂત હતું. જિંદગીની કોઈક પીડા કે અભાવની અભિવ્યક્તિ આમ જ કાગળ પર ઉતરતી રહી, લખાતું ગયું. વિધાર્થી અવસ્થાએ રચાતી રચનાઓ સાચા કાવ્યસ્વરૂપે ભલે ન રચાઈ હોય પણ કાવ્યત્વ અને સાહિત્યની સાચી દિશા પકડવાની મથામણ શરુ થઇ ચૂકી હતી, કવિતા રસનો વિષય થઇ પડી,  વાંચન વધ્યું કવિતા અને કવિ પ્રત્યે આકર્ષણ વધ્યું. બનાસકાંઠાના એક કવિને પત્રવ્યવહારથી કવિતા-ગઝલ વિશે જાણવાની ઈચ્છા બતાવી એ કવિએ વળતી ટપાલે પ્રોત્સાહિત કર્યા સૌ પ્રથમ તો ‘બદનસીબ’ ઉપનામ રદ્દ કરીને બે તખલ્લુસ આપ્યા એમાંથી એક તખલ્લુસ પસંદ કર્યું. એ તખલ્લુસ સૂચવનાર કવિ હતા શરદ ત્રિવેદી અને રમેશે તખલ્લુસ ધારણ કર્યું એ પાલનપુરી ગઝલ ઘરાનાની ધરોહર જાળવતું, સૌને લાડકવાયું બની રહ્યું એ તખલ્લુસ એટલે ‘ઈશ્ક’.

     અભિયાન ડીસેમ્બર-૨૦૧૭ના અંકમાં નરેશ મકવાણા દ્વારા કરેલ કવર સ્ટોરીમાં પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ‘ઈશ્ક’ પાલનપુરીની નોંધ લેવાઈ. એ બાબતે તેઓ કહે છે.કે “હું કચ્છમાં ભણતો ત્યારે પાલનપુર બાજુના વિધાર્થીઓને પાલનપુરીયા કે પાલનપુરી કહેતા. હું પાલનપુર ભણેલો છું અને પાલનપુરી તરીકે શૂન્ય, સૈફ, ઓજસ પાલનપુરીના વારસ તરીકે ઓળખાવવું એ મારા માટે ગૌરવપ્રદ છે”.

‘ઈશ્ક’ પાલનપુરીના ઉપનામે ઓળખાતા આ સર્જકનું મૂળ નામ રમેશભાઈ પીરભાઈ રજ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામે તા- ૦૩-૦૨-૧૯૮૧માં જન્મ. પિતાનું નામ પીરાભાઈ, માતાનું નામ જેબરબેન. પિતાજીનું જીવન સંઘર્ષમય રહ્યું. સાત ફાઈનલ નપાસ, ૧૯૭૭ની આસપાસ મુંબઈ ધંધાર્થે ગયા. હીરા બજારમાં નોકરી કરી, મોરારજીની સરકારમાં નોટબંધી વખતે વતન પાછા ફર્યા અને ઘરે ખેતી કરી. તમાકુની એક કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરી. પરિવારમાં ચાર દીકરાઓને ભણાવવામાં કોઈ કસર ન રાખી, આજે ત્રણ દિકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે. એક મેડીકલ સ્ટોર સંભાળે છે. સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી બીજા નંબરના દીકરા એમનું પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ ગામ ઝેરડામાં જ પૂર્ણ થયું. ૧૯૯૮ના વર્ષમાં બાર સાયન્સ પૂર્ણ કર્યુ.  બી.એસ.સી.ના ચાર મહિનાના અભ્યાસ દરમિયાન જ ફાર્મસીમાં એડમિશન મળતાં આદિપુર કચ્છથી ૨૦૦૨માં ફાર્મસી પૂર્ણ કરી પોતાના ગામમાં વૈભવ મેડીકલ સ્ટોર ચાલુ કરી અને ત્યારબાદ અચાનક કોર્ટ કલાર્કની ( આસીસ્ટન્ટ પ્રિન્સી.સીની સીવીલ કોર્ટ ડીસા) નોકરી મળતા કવિ દવામાંથી દાવામાં આવી ગયા એમ કહેવાય ! પ્રાથમિક શાળાથી વાંચનનો શોખ હતો મેડીકલ નોકરી સાથે સમય મળતા પુષ્કળ વાચન થયું. ટેકનોલોજીની મદદથી બ્લોગ વાંચ્યા અને ખુદના બ્લોગ તરફ પણ પ્રયાણ કર્યું . બ્લોગ દ્વારા પોતાની રચનાઓ લોકો દ્વારા વાંચતી ગઈ, ટીકા ટીપ્પણી થતી રહી. સુરતના ખ્યાતનામ બ્લોગર અને કવિશ્રી વિવેક ટેલરે લખ્યું  

“કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તો આ આખા કામનો અર્થ સરે. છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યને ચોરે બેસી ન શકે.”

      બસ પછી સર્જકને મનમાં થયું આ જોડકણાંનો કોઈ અર્થ નથી. એવામાં ગુજરાત સરકાર દ્વારા ગઝલ શિબિરની જાહેરાત થઈ પોતાના જ ગામના કવયિત્રી અને ઉમદા વાર્તાકાર ‘વર્ષા બારોટ’ તથા બીજા ઘણા નવોદિત સાહિત્યકાર સાથે 2008માં કિલ્લા પારડીની ગઝલ શિબિર કરી ગઝલ ગુરુ નયન હ. દેસાઈના માર્ગદર્શનમાં ગઝલના સાચા સ્વરૂપની દિશા મળી અને પ્રથમ છંદોબદ્ધ રચના રચાઈ

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,

ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

          એ પછી ગઝલને વેગ મળ્યો, વાંચન વધ્યું ગામની સ્વ. વાલાભાઈ વિસાભાઇ લાયબ્રેરીના ઘણા પુસ્તકો વંચાયા, કવિતાનો નાતો બંધાતો ગયો. ‘રખેવાળ’ દૈનિકમાં છપાતી રચનાઓથી પ્રેરણા મળતી રહી. ફાર્મસીના અભ્યાસ દરમિયાન દૂરદર્શનના કાર્યક્રમ માટે આ સર્જક પહેલીવાર ટી.વી. પર કાર્યક્રમ આપવા પરિવારની જાણ બહાર આખીરાત બસમાં ઉભા રહીને મુસાફરી વેઠીને પાલનપુર આવ્યા,  બેંકમાં ખાતું પણ ન ધરાવતા આ સર્જકને પ્રથમ વાર ૨૫૦ રૂ.નો કવિતા પઠન પુરસ્કાર મળ્યો હતો જે પ્રેરકબળ પૂરું પાડ્યું

કારણ કે એમનો જન્મ એવા  સમાજમાં થયો કે એવું જ માને કે સાહિત્ય સાથે આપણે કશું લેવા દેવા નથી .

‘ઈશ્ક’ પાલનપુરી  લખે છે કે,

‘સો સો સલામી એ રબારી ભાઇને ,

જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

    આપણે તો માલધારી અને ખેડૂતની જાત ઢોરઢાંખર અને ખેતર  સાથે જીવન જોડાયેલું રહે છે એને વળી કવિતાયું શેની? આમાં શું મળે?

અને  આજ પર્યંત એનો વિરોધ ચાલું જ છે, પણ આ તો

કવિજીવ  પોતાનું ઢોર રેઢું ન મૂકે એ કંઈ એમ સાહિત્ય  થોડું રેઢું મૂકે ?

 પછી 2010માં શબ્દસાધના પરિવાર દ્વારા યોજાયેલ મુશાયરામાં પ્રથમવાર અનિલ ચાવડા, પ્રશાંત કેદાર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા શાયરો સાથે ગઝલપઠન કરવાની તક સાંપડી ‘મિસ્કીન’ સાહેબે સર્જકના ગાલે ટપલી મારી ‘ગઝલ સરસ લખે છે’ કહી ઉત્સાહ વધાર્યો હતો.તો

ડો. શરદ ઠાકર લિખીત રણમાં ખીલ્યું ગુલાબ’ કોલમમાં તેમની પંક્તિઓનો અને

મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ‘કૂંપળ ફૂટ્યાની વાત’ માં શુભેચ્છા સંદેશ, તથા મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત ‘કૂંપળની મહેફિલ’ ગઝલ સંગ્રહમાં પાંચ ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.લોક ડાઉનમાં ‘પાલનપુર રેડીયો’ દ્વારા આયોજિત ટેલિફોનિક  મુશાયરાના કાર્યક્રમ ‘ફોનાયરો’માં ગઝલો રજુ કરવાની તક મળી હતી.

  સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી ગુણવત્તાને ધ્યાને રાખી ઉમદા સાહિત્યની નેમ ધારણ કરી આગળ વધતા આ સર્જક  ‘શબ્દ સાધના પરિવાર’  નામે બનાસકાંઠાની સાહિત્યિક સંસ્થા ઉભી કરવામાં સહયોગી રહયા છે. તો નવોદિતો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નોકરી મળ્યા પછી બાર-તેર વર્ષ પછી ગુજરાતી વિષયપર એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની રચનાઓ “બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે” બે પુસ્તકોમાં સમાવેશ થઇ છે. અભ્યાસ, નોકરી અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાથે આસ્વાદ, કવિ પરિચય વગેરે પણ લખી રહ્યા છે. ટૂંકીવાર્તા પણ લખવાની ઈચ્છા ધરાવતા આ સર્જક હાલ ‘ઝરુખો’ ઈ -મેગેઝિનમાં પરામર્શક તરીકે કાર્યરત છે. જી.ટી.પી.એલ.ના કાવ્યરસ કાર્યક્રમ હોય કે વિવિધ મુશાયરાઓમાં ભાગ લઇ પોતાની સર્જકતા ને સતત ગતિશીલ રાખી રહ્યા છે.

       ચાલો એમની ગઝલના શેરની મજા માણીએ.

**

 હું મારાથી વધારે ધ્યાન રાખું છુ,

 હદયમાં જેમનું પણ સ્થાન રાખું છુ.

*

  એ રીતે બધી યાદને સચાવી ને,

  અહી જેમ વિધવા રકમ સાચવે છે.

*

 આજ મારી ગઝલ સાંભળીને પછી,

 દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

**  

આંખોને કોરુંકટ તારે,

મારે કાયમ શ્રાવણ જેવું.

*

  આ ગઝલ લખવી સરળ ક્યાં  છે દોસ્તો,

  રક્તને પણ બાળવાનું હોય છે.  

*

તમારે ખભો આપવાનો છે દોસ્તો,

કફન ઓળખે છે કબર ઓળખે છે.

**

  અમે માપવાને તળિયું નયનનું

   બધા આંસુઓને વહાવી જોશું.

**

 હો ભલેને સરળ આકરી બોલશે,

  એ નહિ ‘ઈશ્ક’ની શાયરી બોલશે.

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,
ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

‘સો સો સલામી એ રબારી ભાઇને ,
જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

રચનાઓ

“બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે”

જસવંતીબેન જમનાદાસ પોપટ (Jaswantiben Jamnadas Popat)


જસવંતીબેન જમનાદાસ પોપટ..93 વર્ષિય ગુજરાતી મહિલાને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે ગણતંત્ર દિવસે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે..અત્યારે એ “લિજજત” પાપડનાં માલિક તરીકે જાણીતાં છે…મુળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજનાં…પણ હાલે મુંબઈમાં રહે છે..તેઓ “સ્ત્રી સશકિતકરણ”ની આગવી મિશાલ છે..

                આયુષ્યની સદીએ પહોંચેલ જસવંતીબેન એ જમાનામાં પણ મહિલાઓ માટે સારું કહી શકાય એવું એકાદ બે ચોપડી ભણેલા છે..ગૃહિણી તરીકે એ સમયે ફાજલ રહેતા સમયનું શું કરવું ? એ પ્રશ્ન એમને થયો. અને એ વિચારોમાંથી જ ઇ.સ.1950થી ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કર્યું..પ્રવૃત્તિ મળી..ધીમેધીમે પાડોશ..ગલી..અને શહેરમાં એમનાં પાપડ જાણીતાં  થતાં ગયાં…આર્થિક વળતર પણ મળતું થયું…

     હવે શરૂઆત થાય છે એક મહિલાની સાફલ્યગાથાની..લોહાણા વેપારી સૂઝ એમનામાં જન્મજાત હતી…અને એમણે ઇ.સ.1959માં રજિસ્ટર્ડ સંસ્થા બનાવી..જેમાં પ્રારંભે સાત જેટલી પરિશ્રમી મહિલાઓને સભ્યો બનાવી પોતે સંચાલક બન્યાં..લિડરશીપ લીધી. રૂપિયા 200ની લોન લઈ મૂડી ઉભી કરી..અને પાપડનો ગૃહઉદ્યોગ શરૂ થયો.પ્રોડકટને સરસ નામ આપ્યું લિજ્જત પાપડ…

                      ધીમેધીમે ધંધો વિકસતો ગયો..લોકોમાં એમના પાપડની માંગ વધતી ગઈ..બહેનોની સંખ્યા વધતી ગઈ..પાપડ તૈયાર કરવાં. પેકિંગ, માર્કેટીંગ, વેચાણ હિસાબો બધું જ મહિલાઓ કરતી રહી..લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું….ટી. વી.ઉપર એની જાહેરાત અને કર્ણપ્રિય જિંગલ…લિજજત પાપડ ઘેરઘેર જાણીતાં બન્યાં..અખબારોનાં પેજ હોય કે જાહેરાતોનું જગત લિજજત એક ઇજજતદાર નામ બની ગયું..જે આજે પણ મશીનથી નહીં પરંતુ હાથે બનાવેલા પાપડ બજારમાં મુકે છે..એનો આગવો ટેસ્ટ છે.

       બસો રૂપિયાની મૂડીથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ આજે વરસે દહાડે 800 કરોડનું ટર્નઓવર કરતો ધીકતો બિઝનેસ છે.. ઇન્ડસ્ટ્રી છે..એક નાનકડી શાખાની જગ્યાએ આજે 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમો જસવંતીબેનના વડપણ હેઠળ હજારો બહેનોને રોજગારી આપે છે..મહિલાઓને સ્વમાન અને મોભો આપી સામાજિક દરજ્જો આપ્યો છે…આજે મળેલ પદ્મ પુરસ્કાર એ એમની પ્રવૃત્તિને મળેલ ઉચ્ચ ઉપહાર છે…

                  મુંબઈમાં વસતાં 93 વર્ષિય આ જાજરમાન જનેતા આજેપણ કડેધડે છે..પોતે હજુ પણ કાર્યરત છે..દરરોજ સંસ્થાનાં કામો કરે છે..મેનેજમેન્ટ સહિત તમામ કામો સ્વસ્થતાથી કરે છે…બીજા માળે આવેલા નિવાસથી નીચે સંસ્થા સુધીનાં પગથિયાં કોઇની પણ મદદ વગર ચડઉતર કરે છે..ચહેરા ઉપર નરી પ્રસન્નતા છે..કર્મયોગનું અદ્ભુત ઓજસ છે…જસવંતીબેનની ગાથા અનેક  અબળાઓ માટે પ્રેરણાના પથ સમાન છે..

ફેસબુક પર વિડિયો

%d bloggers like this: