ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – ડો. ઇબ્રાહિમ વીજળીવાળા

ગુજરાતના યુવાનો- શ્રી નિલેશ દેસાઈ


સાભાર – શ્રી. વિક્રમ દેસાઈ

હે મારા ગુજરાતના વહાલા યુવાનો હું તમને સલાહ નથી આપતો પણ તમારુ ધ્યાન દોરુ છુ..
આપણા ગુજરાતના યુવાનો રસ્તો ભૂલ્યા હોય એવુ મને લાગે છે…
હે મારા વહાલા યુવાનો , તમે જે રસ્તો પકડ્યો છે એ સાચો છે કે ખોટો એનું જરા આત્મચિંતન કરજો.. આજે યુ.પી.એસ.સી. નું પરિણામ આવ્યુ.એમાં “1757” માંથી એકલા બિહારના “1123” છે , બાકીના”634″ છે. આ યાદીમાં આપણા ગુજરાતનો એક પણ યુવાન છે ? યુ.પી.એસ.સી.ની પરીક્ષામા બિહારે ઇતિહાસ રચ્યો. આ 1757 માં એક પણ ગુજરાતી યુવાન છે ?

બિહારના જે 1123 યુવાનો આઇ.એ.એસ. અધિકારી બન્યા એ સરકારી કચેરીઓમાં ઓફિસર તરીકે જોવા મળશે અને ગુજરાતના યુવાનો ક્યાં જોવા મળશે?
નેતાઓની રેલીઓમાં અને સભાઓમાં જોવા મળશે….
પાનના ગલ્લે ગલોફામાં માવો ચડાવી બાઇક પર લાંબા થઇ બીડીઓ ફુંકતા જોવા મળશે….
ગર્લ ફ્રેન્ડ સાથે નવરાત્રીમાં દાંડીયા લેતા અને થર્ટી ફસ્ટના દિવસે આખી રાત નાચતા કૂદતા જોવા મળશે…
ભાઇબંધ દોસ્તારો સાથે દીવ અને ગોવામાં મોજ કરતા જોવા મળશે.

નાસ્તાની લારીએ , હોટલમાં કે ફાર્મમાં મિત્રો સાથે પોગ્રામ કરતા જોવા મળશે.
બાપ બિચારો મહેનત મજુરી કરતો હશે અને બેટાઓ ? હજાર રૂપિયાના બુટ , હજાર રૂપિયાના ટીશર્ટ અને આંખે મોંઘા ચશ્મા પહેરી લટુડા – પટુડા પાડી હીરોના વહેમમાં ફરતા જોવા મળશે અને છોકરીઓ આગળ રોલો પાડતા જોવા મળશે…
બાપના પૈસે મોજ કરનારા યુવાનો તમારા ભવિષ્ય માટે તમારો ગોલ શું છે ?
તમે કોલેજ ભણવા જાવ છો કે બાપના પૈસે લહેર કરવા જાવ છો…..તમે કોલેજ ભણવા જાવ છો તો દર વર્ષે કોલેજમાં એટીકેટી કેમ આવે છે ?
તમારો કોઇ ચોક્કસ ગોલ શું છે ? રાજનેતાઓના રવાડે ચડી તમે તમારી કારકીર્દી બરબાદ કરી રહ્યા હોય એવુ તમને નથી લાગતુ ?.
રાજ નેતાઓ તમારા જેવા યુવાનોના વખાણ કરે તો તમે ફુલીને દડો થઇ જાવ છો અને ઘરનું પેટ્રોલ બાળી નેતાઓની સભાઓમા અને રેલીઓમાં પહોંચી જાવ છો અને તાળીઓ પાડી નેતાઓની વાહ વાહ કરવા લાગો છો. નેતાઓ તો ચુટણી જીતી જશે પણ તમારા ભવિષ્યનું શું ?

તમને નથી લાગતુ કે તમે ખોટા ટ્રેક પર ચડી ગયા છો?તમે જે રસ્તે જઇ રહ્યા છો એ રસ્તે આગળ ઉંડી ખાઇ છે. તમે ખોટા રસ્તે ચડી તમારી કારકીર્દી ખતમ કરી રહ્યા હોય એવુ તમને નથી લાગતુ ?
હે મારા વહાલા યુવાનો થોડુ આત્મચિંતન કરો. બાપની કાળી મજુરીની કમાણીને પાણીની માફક બીન જરૂરી ખોટા ખર્ચી વેડફી ના નાખો. પહેલા મોજ શોખ નહી તમારી કારકીર્દી બનાવો. આજથી સંકલ્પ કરો કે હું પણ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી આઇ.એ.એસ. ઓફીસર બની મારા માતા- પિતા અને ગુજરાતનું ગૌરવ વધારીશ.
મોજ શોખ કરો પણ કારકીર્દીના ભોગે નહી. તમારો કોઇ ગોલ હોવો જોઇએ.. તમે મોટા થઇ શું બનવા માગો છો.. ડૉક્ટર , એન્જિનીયર કે મોટા ઓફિસર. પહેલા તમારો ગોલ નક્કી કરો. એ ગોલને સિધ્ધ કરવા સખત મહેનત કરો.
તમે કેપેબલ છો પણ તમે તમારી શક્તિને ખોટા માર્ગે વેડફી બેકારીમાં તમારુ નામ નોંધાવી રહ્યા છો અને બાપના પૈસાનું પાણી કરી રહ્યા છો.

મારા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજવળ બને એ જ અપેક્ષા સાથે એક ગુજરાતી

  • શ્રી નિલેશ દેસાઈ.નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક

કહેવતો – રૂઢિ પ્રયોગો


સાભાર – શ્રી. હરીશ દવે

કહેવતો અને રૂઢિપ્રયોગોના બે ખજાના આ રહ્યા –

મળવા જેવા માણસ – સુધીર ગાંધી


વ્યવસાયે એન્જિનિયર એવા સુધીર ભાઈનો જન્મ રાજકોટમાં ૧૨, ફેબ્રુઆરી – ૧૯૪૩ ના દિવસે થયો હતો. પણ તેમનો અભ્યાસકાળ અમદાવાદમાં અને વ્યવસાય કાળ વડોદરામાં પસાર થયો છે. આમ તેઓ થોડાક વધારે ગુજરાતી છે! તેમના પિતાશ્રી રમણલાલ પણ એન્જિનિયર હતા. બનારસ હિન્દુ યુનિ.માંથી સ્નાતક થયેલા રમણલાલ અમદાવાદની અરવિંદ મિલમાં ચીફ એન્જિનિયરના હોદ્દા સુધી પહોચ્યા હતા. તેમનાં માતુશ્રી શાંતાબહેન ગ્રુહિણી હતાં.

સુધીરભાઈએ શાળા શિક્ષણ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વિસ્તારમાં આવેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં મેળવ્યું હતું. અમદાવાદની એલ.ડી. એન્જિ. કોલેજમાંથી ૧૯૬૪ની સાલમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે બહાર પડેલા સુધીરભાઈએ ત્યાર બાદ અમેરિકાની ઓક્લોહામા યુનિમાંથી એ જ વિષયમાં એમ.એસ. ની ડીગ્રી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેમણે ૧૯૮૪ – ૮૫માં વડોદરામાંથી Post graduate diploma in Business Management (PGDBM) નો અભ્યાસ પણ કર્યો છે.

બે વર્ષ અમેરિકામાં ગાળી, જરૂરી વ્યાવસાયિક તાલીમ મેળવી, અમેરિકાના બાવીસ રાજ્યોમાં પ્રવાસ કરી, તેઓ વડોદરામાં આવેલી SME fabrication company માં પ્રોડક્શન એન્જિનિયર તરીકે જોડાયા હતા. ત્યાં જાતજાતની મશીનરી – ખાસ કરીને પ્રેશર વેસલ વિ. ના ફેબ્રિકેશનમાં તેમણે પ્રવીણતા હાંસલ કરી હતી અને એ કંપનીના ડિરેક્ટર પદ સુધી પહોંચ્યા હતા. ૨૦૧૨ની સાલમાં નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો કન્સલ્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે આજની તારીખ સુધી ચાલુ છે.

આ ગાળામાં વ્યવસાયના સબબે તેમ જ અંગત રસથી તેમણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત પણ લીધેલી છે. આમ સુધીર ભાઈ વિશ્વપ્રવાસી પણ છે. વ્યવસાય ઉપરાંત સુધીરભાઈના રસના વિષયો વાંચન, લેખન અને ક્રિકેટ છે.

તેમનાં પત્ની – વર્ષા ગ્રુહિણી છે. તેમનો મોટો દીકરો ઉમંગ વડોદરામાં ડોક્ટર છે, અને નાનો દીકરો ઉજ્વલ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર છે.

પણ, મળવા જેવા માણસ તરીકે તેમની ઓળખ ઊગતા એન્જિનિયરો અને યુવાન વાચકો માટે તેમણે લખેલ પુસ્તકોનાં કારણે છે. તેમણે ઊગતા એન્જિનિયરો માટે લખેલાં બે પુસ્તકો ખાસ કરીને નાની કક્ષાના ઉદ્યોગોમાં કામ કરતા એન્જિનિયરોમાં બહુ પ્રચલિત થયાં છે.

નિવૃત્ત થયા બાદ બાળપણમાં વાંચનની ટેવના કારણે થયેલા પોતાના વિકાસ પર તેમની નજર ગઈ. પોતાની ત્રીજી પેઢીનાં બાળકોને વાર્તાઓ કહેતાં, તે બધી વાર્તાઓને શબ્દદેહ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આના કારણે તેમની આ બાબતમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. આગળ જતાં તે માત્ર બાળકો પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે વયસ્ક વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે.

તેમણે લખેલ એક પુસ્તક “Vishisht- A Robo-kid” નો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. આધુનિક ટેક્નોલોજી યુગને અનુરૂપ આ કથામાં એક અનાથ બાળક્ના વિકાસની વાત આપણા ચિત્ત પર સચોટ અસર કરી જાય છે.

આ ઉપરાંત સુધીરભાઈને ઈશ્વર ઉપર અનુપમ શ્રદ્ધા છે.
પોતે હાંસલ કરેલી સિદ્ધિઓ માટે પોતાની આવડત કરતાં પરમ તત્વની કૃપાનો સ્વીકાર કરવા જેવી નમ્રતા ધરાવતા સુધીર ભાઈ સાચા અર્થમાં ‘મળવા જેવા માણસ’ છે.

તેમનાં સર્જનો

એમેઝોન પરથી
1. VISISHTA
2. GEN-NEXT
3. ROOLER COASTER
4. FUN TONIC
5. TEILIGHT TALES
6. AT THE TWILIGHT HOUR
7. FABRICATION INDUSTRY AT A GLANCE
8. FABRICATION PROCESSES

૨) પી.ડી. એફ. રૂપમાં

– રસ ધરાવનાર વાચકે સુધીર ભાઈનો સંપર્ક સાધવો.

તેમનો સંપર્ક કરવો હોય તો –

ફોન નં . 89809 38365

અનુરાધા ભગવતી


એક ગુજરાતી દીકરીની વાંચવી જ પડે તેવી વાત….

બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન

સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના

અમેરિકન મરીન દળમાં માજી અધિકારી


‘SWAN’ ની સ્થાપક


યોગ શિક્ષક

મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ. 

— બકુલા ઘાસવાલા

શ્રીમતિ બકુલા ઘાસવાલા દ્વારા ‘ઓપિનિયન’ પર તેનો મનનીય પરિચય આ રહ્યો.

એ પરિચય લેખમાંથી ટચૂકડું ટાંચણ …..

અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના  અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન 

અનુરાધાનું એ મનનીય પુસ્તક …..

ગાંધીજી સવિનય કાનૂન ભંગની વાતોનાં તો થોથે થોથાં ભરાયાં છે. પણ અનુરાધાના આવા જ જંગની વાતનો પ્રસાર આપણે કરીશું?

સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker


સાભાર

શ્રી. નિરંજન મહેતા, જન્મભૂમિ

જન્મ

૩૦, જુલાઈ – ૧૯૪૨ ; પેઢામલી ( વિજાપુર પાસે)

અવસાન

૨૭, જુલાઈ, મુંબાઈ

કુટુમ્બ

માતા – ? ; પિતા – ત્રિકમલાલ
પત્ની – અનસૂયા ; પુત્રો – આશિષ, સ્વ. સમીર; પુત્રી – અર્ચના

શિક્ષણ

એમ.એ. ; બી.એડ.

વ્યવસાય

  • બાલભારતી શાળા, કાંદિવલી, મુંબાઈ
  • એન.એમ. કોલેજ, પાર્લા, મુંબાઈ
  • પ્રાચાર્ય, સંસ્કાર સર્જન શાળા, મલાડ

તેમના વિશે વિશેષ

  • દેશ વિદેશમાં ડાયરા, કવિ સંમેલન અને મુશાયરાઓનું સંચાલન
  • અવસાન સમયે પૌત્ર પ્રેરક સાથે બોરીવલી, મુંબાઈમાં રહેતા હતા.

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – પ્રવાહ, ક્ષણ, એ જ લખવાનું તને, વાયરો, ડોલરવન, પ્રાગડ, અશ્રુપર્વ , કમળપૂજા, સોણલાં ( બાળગીતો)
  • લલિત નિબંધ – અર્થની વેણુ
  • નાટકો – સરસ્વતીચંદ્ર, નરસૈયાનો નાથ
  • શોધ નિબંધ – ન છડિયા હથિયાર
  • સંપાદન – કવિ કાગ કહે, ભમ્મરિયા કૂવાને કાંઠડે ( લોકગીતો )

લયસ્તરો પર તેમની રચનાઓ અહીં

સન્માન

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક

મજાનાં ઘર…
આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’
—————————–
પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

ગુજરાતી વિશ્વકોશ

સ્વ. ડો. કનક રાવળ


૧૯૩૦ – ૨૦૨૨

જીવનમંત્ર

વર્તમાનમાં જીવન
“Yesterday was History,
tomorrow is a Mystery
but today is God’s Gift”

જન્મ

૯, ફેબ્રુઆરી – ૧૯૩૦, અમદાવાદ

અવસાન

૩, જૂન – ૨૦૨૨, પોર્ટ લે ન્ડ , ઓરેગન, યુ.એસ.એ.

કુટુંબ

માતા – , પિતા – રવિશંકર ( કળાગુરૂ)
પત્ની – ભારતી, પુત્રો

યુવાન વયે – પત્ની ( ભારતી સાથે )

શિક્ષણ

૧૯૫૧ – બી. ફાર્મ ( અમદાવાદ)
૧૯૫૩ – એમ. ફાર્મ ( મિશિગન )
૧૯૫૬ – પી.એચ.ડી. ( આયોવા )

વ્યવસાય

વિવિધ કમ્પનીઓમાં ફાર્મસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન, અને સંચાલન.
છેલ્લે – વાઈસ પ્રેસિડન્ટ – બ્લોક ડ્રગ કમ્પની

તેમના વિશે વિશેષ

  • વ્યવસાય ઉપરાંત ગુજરાતી સાહિત્ય – ખાસ કરીને ઈતિહાસમાં વિશેષ રસ
  • તેમના પિતા ગુજરાતમાં કળાશિક્ષણના આદ્ય પ્રણેતા
  • તેમના ભાઈ સ્વ. કિશોર રાવળ – પ્રથમ ગુજરાતી ટાઈપ પેડના સર્જક , પ્રથમ ગુજરાતી વેબ સાઈટ ‘કેસૂડાં’ના તંત્રી
  • ત્રીસેક વર્ષથી હ્રદયની બિમારીને કારણે ‘પેસ મેકર’ અને…. આનંદ મંગળ સાથે જીવન વ્યતિત કર્યું .
  • કુમાર, ગુર્જરી ડાઈજેસ્ટ માં લેખ પ્રકાશિત થયા છે.
  • મિત્રો સાથે આવી ગમ્મત …
    https://dhavalrajgeera.wordpress.com/2013/02/09/kara/
    https://dhavalrajgeera.wordpress.com/2013/02/12/kara_getup/

સાભાર

સ્પીક બિન્દાસ પર ઇન્ટરવ્યૂ [ અહીં ક્લિક કરો . ]

દાઉદભાઈ ઘાંચી 


પરિચયક – શ્રી. વિપુલ કલ્યાણી

મૂળ લેખ ‘ઓપિનિયન’ પર

વાચકોને વિનંતી
દાઉદભાઈના જીવન અને કવન વિશે ટૂંક પરિચય અહીં પ્રકાશિત કરવો છે. વિગતો મેળવી આપશો તો ખૂબ ગમશે.

દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.

દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !

એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.

નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.

“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’

દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’

‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’

દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.

અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.

વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં. 

પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’

આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.

“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.

ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.

દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.

“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.

વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.

સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.

આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.

આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’

આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:

‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’

રમાબહેન મહેતા


સાભાર – ચિત્રલેખા ( એ લેખ અહીં )

100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ  જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની  પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

1922માં મુંબઈમાં  જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં  તેમનો ઉછેર થયો.  કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં.  સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!

તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું.  ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!

શોખના વિષયો:

બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું.  બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.

યાદગાર પ્રસંગ :

૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે  અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને  ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?

સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન,  ઘરઘંટી,  ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી.  આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા,  પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં  બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.

સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને  લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય  બહાર નોકરી કરવા જવું નહીં.