ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ- શ્રી નવીનભાઈ જગડા


nj1

        નગીનભાઈનો જન્મ ૧૯૩૮ માં ગોંડલમાં થયો હતો. પિતા આઠમા ધોરણ સુધી ભણેલા હતા અને રેલ્વેમાં સ્ટોરકીપર તરીકે કામ કરતા હતા. માતા પાંચમાં ધોરણ સુધી ભણેલા હતા. નગીનભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોંડલની એક ખાનગી શાળામાં થયો હતો, અને માધ્યમિક શાળાનો અભ્યાસ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં થયો હતો જયાં શિક્ષણ માટે કોઈ ફી લેવામા આવતી ન હતી. અહીંથી એમણે ૧૯૫૫ માં SSC ની પરીક્ષા પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન ખાસ કોઈ નોંધનીય પ્રસંગ બન્યો હોય એવું એમને યાદ નથી.

      SSC પાસ કર્યા પછી એમણે રાજકોટની ધર્મેંન્દ્રસિંહજી  કોલેજમાંથી ૧૯૬૧ માં B.A. with Economics નો અભ્યાસ સફળતાથી પૂરો કર્યો અને ૧૯૬૩ માં રાજકોટની પી.ડી. માલવિયા કોમર્સ કોલેજમાંથી B.Com. with Accountacy and Auditing ની ડીગ્રી પ્રાપ્ત કરી.

      અભ્યાસ પૂરો કરી એમણે ત્રણ વર્ષ સુધી જામનગરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરી. ૧૯૬૫ માં એમને કુવેતમાં ડેનીસ ડેરીમાં સારી નોકરી મળી જેમા એમણે લાગલગાટ ૩૫ વર્ષ સુધી કામ કર્યું. અહીં શરૂઆતના પાંચ વર્ષ અનેક અડચણોનો સામનો કરવો પડેલો, દા.ત. ૪૦ ડીગ્રી સેં. તાપમાનમાં પતરાના ઘરમાં રહેવું પડેલું. પછીના ૨૦ વર્ષ સુખચેનમાં પસાર થયેલા. ૮૦૦ માણસોના સ્ટાફવાળી આ કંપનીમાં શરૂઆત તો એમણે એક ક્લાર્ક તરીકે કરેલી, પણ ખંત અને ઈમાનદારીથી આગળ વધી માર્કેટીંગ બજેટ સુપરવાઈઝરની પોસ્ટ સુધી પહોંચેલા.

     સુખચેનથી બસર થતી જીંદગીમાં અચાનક મહામુશીબત આવી ગઈ. ૧૯૯૦ માં ઈરાકે કુવેત ઉપર હુમલો કરી, રાતોરાત કુવેત ઉપર કબજો જમાવી લીધો. ભયંકર અંધાધુંધી વચ્ચે પહેરેલે કપડે, હાથવગા પૈસા લઈ, ઘરબાર છોડી, મુશીબતોથી બચવા કુવેત છોડી ભાગવું પડેલું. નશીબ ઉપર ભરોસો રાખી આખું ઈરાક પાર કરી જોર્ડન પહોંચ્યા. ત્યાંથી ભારત સરકાર તરફથી ભારતીયોને બચાવવા વિમાન સેવાનો લાભ લઈ ભારત આવી ગયા.

      બે વર્ષ સુધી રાજકોટમાં રહ્યા, દરમ્યાન અમેરિકાની મદદથી કુવેત પાછું સ્વતંત્ર થયું. નગીનભાઈ કુટુંબ સાથે કુવેત પાછા ફર્યા અને પોતાની જૂની નોકરીમાં પાછા જોડાયા. બીજા આઠ વર્ષ અહીં નોકરી કરી, કુટુંબની ઈચ્છાને માન આપી એમણે નોકરીમાંથી નિવૃતિ લીધી. આમાં પણ એક અડચણ આવી. સમય પહેલા નિવૃતિ લેનારાને એમના પેન્સન-ગ્રેચ્યુટીના અર્ધા પૈસા જ મળે, પણ એમની ઇમાનદારી અને નિષ્ઠાની કદર કરી, અર્ધા બેનીફીટ્સ કંપનીએ આપ્યા અને બાકીના અર્ધા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે પોતાના ખીસામાંથી આપ્યા.

     ૨૦૦૦ માં એમણે નોકરીમાંથી નિવૃતિ લઈ, નગીનભાઈ એમના દિકરાઓ સાથે રહેવા અમેરિકા આવી ગયા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

      ૧૯૬૨માં નગીનભાઈના લગ્ન મંજૂલાબહેન સાથે થયા. નગીનભાઈ કહે છે કે એમના પત્નીએ કુટુંબની બહુ સારી રીતે સાર-સંભાળ લીધી અને એકંદર સુખ-શાંતિ વાળી જિંદગી વિતાવી. દંપતીને એક દિકરી અને બે દિકરાના માતા-પિતા બનવાનું સુખ મળ્યું. દિકરી લગ્ન કરી ઈંગ્લેંડમાં સ્થાયી થઈ, જ્યારે બન્ને દિકરાઓએ બારમા ધોરણ સુધી કુવેતમાં અભ્યાસ ક્ર્યો અને ત્યારબાદ મનીપાલ એંજીનીયરીંગ કોલેજમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ભારતમાં કરી, અમેરિકામાં M.S. ની ડીગ્રી પાસ કરી અને અમેરિકામાં સ્થાયી થયા.

nj2

       જીવનભર કાર્યરત રહેલા નગીનભાઈને નિવૃતિના સમયનો સદુપયોગ કરવો હતો. વિપશ્યના ધ્યાનના અભ્યાસને લીધે એમને સમજાઈ ગયેલું કે “અત્યાર સુધી તેં જે કંઈપણ કર્યું તે તેં તારા માટે કર્યું, બીજા લોકો માટે તેં શું કર્યું?” બસ, નગીનભાઈએ પોતાનો મોટાભાગનો સમય સમાજ સેવામાં આપવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તો એમણે રાજકોટના શિયાળાની ઠંડીમાં રસ્તા ઉપર સૂતેલા ગરીબોને ધાબળા ઓઢાળવાનું શરૂ કર્યું. ત્યારબાદ એક પછી એક, એમ નવા નવા કાર્યો ઉમેરાતા ગયા. શાળાના ગરીબ બાળકોને આર્થિક મદદ આપવી, નબળા કુટુંબોને જીવન જરૂરીઆતની વસ્તુઓ આપવી, સ્ત્રીઓને પગભેર થવા સિલાઈ મશીનો આપવા, અપંગોને જયપૂર ફૂટ આપવા, વિકલાંગોને ટ્રાઈસિકલ્સ આપવી અને આવા અનેક કાર્યો, શિબીરો ગોઠવી શરૂ કરી દીધા.

      દર વર્ષે ત્રણ-ચાર મહિના માટે અમેરિકાથી ભારત આવી સમાજસેવામાં દિવસ-રાત લાગી જાય છે. એમના કામનો તમને અંદાજ આવે એટલે થોડા આંકડા આપું તો અત્યાર સુધીમાં ૪૦ હજાર લોકોને ચપલ, ૮૦ શાળાના પ્રથમ ત્રણ બાળકોને દર વર્ષે ઈનામો, ૮૦૦ વિકલાંગોને ટ્રાઈસીકલ્સ, ૧૦૨૦ લોકોને જયપૂર ફૂટ, ૫૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ-નોટ બુક્સ-કંપાસ બોક્ષ, દર મહિને ૧૦૦ ગરીબ બાળકોને ભોજન, ૨૦૦ સ્ત્રીઓને સિલાઈ મશીન અને અસંખ્ય લોકોને ધાબળા ઓઢાળવા, સ્વેટર આપવા, મફલર અને ટોપીઓ આપવી વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત છેલ્લા સાત વર્ષથી મેડીકલ અને એંજીનીઅરીંગમા અભ્યાસ કરતા ૬૦ જેટલા વિદ્યાર્થીઓને દરવર્ષે ૪૦,૦૦૦ રુપિયા જેટલી સ્કોલરશીપ્સ આપવી વગેરેનો સમાવેશ થાય છે, તેમના દ્વારા અત્યાર સુધીમાં જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ૨૦,૦૦૦ જેટલા બાળકોને મધ્યાહન ભોજન મટે જમવાના વાસણ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જીલ્લા પંચાયતની ૩૦૦ જેટલી આંગણવાડીઓમાં અનેક વાર સ્લીપર, નાસ્તો, રમકડાં, હીંચકા તથા ખુરસીઓ આપવામાં આવી છે. છેલ્લા ૧૪ વર્ષોથી એમની આવી સામાજીક પ્રવૃતિઓ વણથંભી ચાલ્યા કરે છે.

વિકલાંગને જયપૂર ફૂટ લગાડવાના કાર્યનું નિરીક્ષણ

વિકલાંગને જયપૂર ફૂટ લગાડવાના કાર્યનું નિરીક્ષણ

     નગીનભાઈની આ સમાજસેવાની વર્તમાન પત્રો અને સામયિકોએ બહોળી નોંધ લીધી છે. સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબ, ગુજરાતના પ્રખ્યાત અકીલા, ખુબ જ આદર પામેલ માસિક અખંડ આનંદ અને બીજા અનેક વર્તમાન પત્રો, સામયિકઓ અને સંસ્થાઓના મુખપત્રોમાં નગીનભાઈના સેવા કાર્યોની નોંધ લેવાઈ છે. અનેક સામાજીક સંસ્થાઓએ પણ નગીનભાઈની સેવાઓની નોંધ લઈ એમને સન્માનિત કર્યા છે.

     વાત એટલી જ કે એક સામાન્ય માણસ ધારે તો કેવો ભવ્ય બની શકે છે અને શું શું કરી શકે છે એનો જીવતો જાગતો ઉદાહરણ એટલે નગીનભાઈ જગડા.

-પી. કે. દાવડા

1 responses to “મળવા જેવા માણસ- શ્રી નવીનભાઈ જગડા

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment