ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – નીલમ દોશી


     નીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો  પોરબંદરમાં ક્પડાંનો મોટો સ્ટોર  હતો. નીલમબહેનના જન્મ સમયે કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું.

    નીલમબહેનનું પ્રાથમિક અને નવમા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ પોરબંદરની શાળામાં થયું હતું. ભણવામાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. જ્યારે નીલમબહેન ત્રીજા ધોરણમાં હતા ત્યારે એમનો બીજો નંબર આવ્યો એમ કહ્યું ત્યારે અતિ સંવેદનશીલ સ્વભાવને લીધે લાગી આવતા નીલમબહેનને મરી જવાનો વિચાર આવ્યો. મરવું કેવી રીતે એ મૂંઝવણમાં પહેલા એ સમુદ્ર કિનારે ગયા, પછી વિચાર બદલી જંગલમાં ધ્રુવની જેમ તપ કરવા ગયેલા.  પણ આખરે  કોઇ પરિચિત વ્યક્તિએ  એમને ઘરે પહોંચાડી દીધા.

     દસમા અને અગિયારમા ધોરણનો અભ્યાસ નીલમબહેને જેતપુરમાં કર્યો. અહીં એમની સાહિત્યમાં રૂચિ કેળવાઇ. અહીંથી ૧૯૭૧ માં એમણે S.S.C. ની પરિક્ષા, તાલુકામાં પ્રથમ આવીને, પાસ કરી.

    શાળાજીવન દરમ્યાન એમનો ફાજલ સમય અને વેકેશનનો સમય મોટેભાગે એમના શિક્ષકોને ત્યાં પસાર થતો. અહીં એમને નવા નવા પુસ્તકો વાંચવા મળતા, શું વાંચવું એનું માર્ગદર્શન મળતું, ચર્ચાઓ થતી, અને લખવા માટે પ્રેરણા મળતી. સાહિત્ય સર્જનનો પાયો નાખનાર શિક્ષકો સંધ્યાબહેન, ઉષાબહેન અને પ્રભાબહેનને નીલમબહેન આજે  પણ પ્રેમથી યાદ કરે છે. નીલમબહેનનું લઘુકથાનું પુસ્તક “પાનેતર” એમણે એમના આ ત્રણ શિક્ષકોને અર્પણ કર્યું છે.

     S.S.C. પાસ કર્યા પછી નીલમબહેનની ઈચ્છા આર્ટસમાં જવાની હતી, પણ પિતાની ઇચ્છાને લીધે  રાજકોટની કોલેજમાં સાયન્સમાં એડમીશન લીધું. બે વર્ષ રાજકોટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યા બાદ એમણે જામનગરની કોલેજમાંથી ૧૯૭૫ માં Distinction સાથે B.Sc. ની ડીગ્રી મેળવી.

    ૧૯૭૮ માં નીલમબહેનના લગ્ન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે B.Tech. (Chemical Engineering) ડીગ્રી મેળવેલા હરીશભાઈ દોશી સાથે થયા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, બંને ડોકટર છે અને અમેરિકામાં સ્થાયી થયા છે. પતિ સાથે ફકત સહજીવન નહીં સખ્ય જીવન જિવાય છે એનું ગૌરવ છે. એમની નવલકથા “ દોસ્ત, મને માફ કરીશ ને ? “ પુસ્તક  જીવન સાથી હરીશને અર્પણ કરતા લખ્યું છે.

“ દોસ્ત, મને માફ કરીશને ? ‘
એમ પૂછવાની જેને કદી જરૂર નથી પડી
એવા દોસ્ત અને જીવનસાથી
હરીશને સ્નેહપૂર્વક..

nd1

લગ્ન પછી નીલમબહેને મીઠાપુર હાઈસ્કૂલમાં ૧૮ વર્ષ શિક્ષિકા તરીકે નોકરી કરી. તેઓ કહે છે,

     મારા શિક્ષકોએ મને ઘણું આપ્યું છે એનો થોડો અંશ હું પણ મારા વિધ્યાર્થીઓને આપી શકું અને એ રીતે ગુરૂદક્ષિણા ચૂકવી શકું.એવી ભાવના છે. આજે હું જેમ મારા શિક્ષકોને ભાવથી યાદ કરું છું, એ જ રીતે મારા અનેક વિધ્યાર્થીઓ, દેશ કે પરદેશમાંથી દર શિક્ષક દિવસે મને  અચૂક ફોન કરે છે. અને ઘણાં સાથે જીવંત સંપર્ક આજે પણ છે, જેને હું મારા જીવનની અમૂલ્ય મૂડી ગણું છું.

       કોલેજના વર્ષો દરમ્યાન અને લગ્ન બાદ પણ નીલમબહેનનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જારી રહ્યો. સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, મુદ્રાલેખ, માર્ગી વગેરેમાં નિયમિત કોલમ ઉપરાંત, વાર્તાઓ, લેખો, અખંડ આનંદ, નવનીત, પરબ, શબ્દસૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા, અભિષેક,નવચેતન, જલારામ દીપ વગેરે જુદા જુદા સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થતા રહે છે. વીસ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે.અને હજુ સર્જન ચાલુ છે.


nd2

nd3

      એમના ચાર પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અને કલાગુર્જરી મુંબઇ દ્વારા એવોર્ડ મળેલા છે. એમનું “ઝાલરટાણું” નાટક રેડિયો ઉપર પ્રસારીત થયું છે, અને અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોનો રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી,પ્રસારિત થયા છે, ઉપરાંત એમની વાર્તા અને એમનો ઇંટરવ્યુ  ઓસ્ટ્રેલિયા રેડિયો પરથી તથા રેડિયો આઝાદ ( ટેક્ષસાસ, ડલાસ ) પરથી પણ  પ્રસારિત  થયા છે.

     નીલમબહેનનો વધારે પરિચય મેળવવા તો તમારે એમના બ્લોગ ‘પરમ સમીપે’ની મુલાકાત લેવી પડશે.

આ ચિત્ર પર ક્લિક કરો. અને પરમ સમીપે પહોંચી જાઓ.

આ ચિત્ર પર ક્લિક કરો. અને પરમ સમીપે પહોંચી જાઓ.

    માત્ર એમની સમયની વ્યાખ્યા કરતી થોડી પંક્તિઓ અહીં નમુના રૂપે રજૂ કરૂં છું.

કણ કણ બની વેરાતો સમય
સપનાઓમાં વિખેરાતો સમય
રેતી સમ હથેળીમાંથી સરતો સમય
બંધ મુઠીમાં કદી સચવાતો સમય
સાતતાળી દઇ સદા છટકતો સમય
યાદોની કરવતથી કપાતો સમય
પારાની જેમ દદડતો સમય
પલપલ રંગ બદલતો સમય
વ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય
‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય
અહમના હાથપંખાથી વીંઝાતો સમય
સ્મરણોના ખાલીપાથી નીતરતો સમય
‘સ્ટેચ્યુ’ કહેતાં યે ન થંભતો સમય
પ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.

     નીલમબહેન કહે છે,

     જીવન અનેક આયામમાં વિસ્તરતું હોય છે.  એક લેખક તરીકેની સામાજિક નિસ્બત ગણીને  સામાજિક વિષયો પર હકારાત્મક અભિગમ સાથે  સતત લખતી રહું છું.

    જનસેવા એ જ પ્રભુ સેવા…એ એક જ સૂત્રનો અમલ શકય અંશે કરી રહી છું. મને ગરીબ, અનાથ બાળકો માટે વિશેષ પક્ષપાત છે, એમને માટે કંઇ પણ થઇ શકે એ જ જીવનનું ધ્યેય..એ જ સપનું અને એ જ કર્મ.અને મારે માટે એ જ ધર્મ.

     હું કંઇ મોટી સંત મહાત્મા નથી. એક સામાન્ય માણસ છું. મૌન રહીને જે પણ થઇ શકે તે નાના નાના કાર્ય કરતા રહેવું ગમે છે.

“મળવા જેવા માણસ” લેખમાળામાં નીલમબેનનો પરિચય લખવાનો મને મોકો મળ્યો એને હું મારૂં સદભાગ્ય સમજું છુ.

-પી. કે. દાવડા

——-

અને……

3 responses to “મળવા જેવા માણસ – નીલમ દોશી

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. nilam doshi જુલાઇ 6, 2015 પર 10:33 પી એમ(pm)

    thanks suresh dada..suresh bhai..yes..me too cant forget you..
    salam to yr dedicated work too..

  3. ushapatel ઓગસ્ટ 7, 2015 પર 11:37 એ એમ (am)

    હા નિલમ બહેન સમય ની વણૅથંભી વણઝાર કંઈ કેટલીય યાદોને પાછળ છોડીને અને જીવન ની હસ્તીને પોતાની મુઠ્ઠીમાં બાંધી લઈને આગળૅ વધતો જ જાય છે..જીવન ચક્ર ચાલ્તું જ રહે છે. ઓમશાંતિ…ઉષા પટેલ. નેટ્મિત્ર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: