ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રજ્ઞા દાદભાવાળા – મળવા જેવા માણસ


Pragna_Dadbhawala

        પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતા શ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલા હતા. પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.

      પ્રજ્ઞાબહેનનું પ્રાથમિક શાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ  અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણથી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. પ્રજ્ઞાબહેન મુંબઈની SIESકોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા.

      કોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના  જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ  કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ,  ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો  કોર્ષ.  એક વાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યાર બાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું, ત્યારે  એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યા. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.

     ૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયા. શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે.આધુનિક વિચારશ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતા, અને વસ્ત્રો સપ્લાય કરતા. આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.

       દિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યા. એક વર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી. એક વર્ષ એકલા હાથે બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યા.  અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતા રહ્યા. કાર ચલાવતા શીખ્યા, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે, તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્નેની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.

     અમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગ વાળીને બેસવા દે એવું ક્યાં હતું? એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયા. આ વિષય ઉપર એમણે અમેરિકાના ‘રેડિયો જીંદગી’ ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્‍કૃતિ અને પારિવારીક સંસ્‍કારોને અવિરત ધબકતું રાખવા  ડગલો ” અને “બે એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી  છે. ”DAGLO”એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે.  (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર ‘બે એરીઆ’ કહેવાય છે). આ  બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબજ સક્રિય  ભાગ ભજવી રહ્યા  છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પજ્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલાકુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન  બે એરીઆમાં  ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિય રીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને  ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે.

Pragna_Dadbhawala_1

(બે એરિયા ગુજરાતી સમાજના
વાર્ષિક કાર્યક્રમમાં
ડાબી બાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા,
જમણી બાજુ શ્રિમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા,
વચ્ચે મુખ્ય અતિથીઓ)

Pragya_Dadbhawala_2

(બેઠકનું સંચાલન કરતા પ્રજ્ઞાબહેન)

      છેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો  સાહિત્યમાં રસ  જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી,  “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે.  અહીં  લેખક, પ્રેક્ષક, અને  કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈ પણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બે એરિયામાં  ગુજરાતી ઉત્સવના સંચાલન માટે, અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે. જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે. સીનિઅર સિટિઝનને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવોને   અભિવ્યક્તિ આપવા, તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક – કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું  સંચાલન કરે છે.

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગની મુલાકાત લો.

આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગની મુલાકાત લો.

     એ સિવાય “ડગલો”, “બે એરિયા ગુજરાતી સમાજ” ની પ્રવૃતિઓની માહિતી આપવા  અને સીનીયર્સને માર્ગદર્શન કરતા  બ્લોગ્સનું સંચાલન પણ કરે છે. અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદ કરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુક રહે છે.

Pragnaતેમના જ શબ્દોમાં….

કવિતા જ મારું  વસિયતનામું
જે છે એ બધું તમારું
ન લ્યો તો બધુ જ  મારું

શબ્દો તણા છાટણાથી
બે ચાર ક્ષણો હું રંગી જાણું

જીવનની ગમતી ક્ષણોને
કંટારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે.
નહી તો ખાલીખમ છે વસિયતમાં

લ્યો શાહી વિનાના કાગળ પર
લખીયું મેં મારું વસિયતનામું

     હું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મને પણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બે એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મારો સંપર્ક કરાવી આપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે.

  તમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક  pragnad@gmail.com  પર કરી શકો છો.

-પી. કે. દાવડા

7 responses to “પ્રજ્ઞા દાદભાવાળા – મળવા જેવા માણસ

  1. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. મૌલિક રામી "વિચાર" જુલાઇ 20, 2015 પર 9:18 પી એમ(pm)

    ખુબ પ્રેરણાદાયક સફર છે પ્રજ્ઞાબેન ની.એમનો બ્લોગ પર ની દરેક post હું follow કરુ છું..પ્રજ્ઞાબેન વિષે માહીતી આપવા બદલ આભાર.

  3. nabhakashdeep જુલાઇ 21, 2015 પર 1:33 પી એમ(pm)

    મળવા જેવા માણસનો ઉમંગ નિત ઝરમર વરસતો રહે..પ્રેરણા દેતો રહે..શ્રી દાવડાજીની સુંદર પૂર્ણાહિતી…પ્રજ્ઞાભરી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. jkishangajjar જુલાઇ 21, 2015 પર 3:42 પી એમ(pm)

    Thanks Sureshbhai
    I read your mails regularly.
    I see my name in your profile list but it is up to 2007
    Can I send you up to date profile?
    Thanks and have a nice time.
    Have a nice time
    Jay Gajjar

  5. kashmira mistry જુલાઇ 23, 2015 પર 2:20 એ એમ (am)

    thanks to give a nice information……
    thank u……

  6. Pragnaji જુલાઇ 27, 2015 પર 12:20 એ એમ (am)

    આભાર વડીલ ..આપના બ્લોગમાં મારો પરિચય પ્રકાશિત કરવા બદલ હાર્દિક આભાર.

  7. સુરેશ મે 11, 2020 પર 8:31 એ એમ (am)

    નવગુજરાત ટાઈમ્સમાં શ્રીમતિ રાજુલ કૌશિકનો લેખ વિશેષ માહિતી આપે છે –
    – કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને તેમણે અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો, જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.

    બુદ્ધિ, મેધા, અક્કલ, જ્ઞાન, ડહાપણ, સમજશક્તિ, બુદ્ધિશાળી સ્ત્રી…. આ તમામ શબ્દોનોનો એક પર્યાય છે -પ્રજ્ઞા. એવી જ રીતે અનેક સંદર્ભ એક નામ સાથે જોડાય એ નામ છે પ્રજ્ઞા દાદભાવાળા. પ્રજ્ઞાબેન વર્સેટાઈલ-સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે.

    ૧૯૫૭ની સાલમાં રાજકોટમાં જન્મેલી આ બાળાનું નામ પ્રજ્ઞા રાખ્યું એ ક્ષણે જ એની કુંડળીમાં સફળતાના ગ્રહો આવીને ગોઠવાઈ ગયા હશે. મુંબઈની તે સમયની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય અને SIES કોલૅજમાંથી ફિલોસોફી અને સાઈકોલૉજિના ભણતરે એમની પ્રતિભા નિખારી. એમણે કાવ્ય રચના લખવાની શરૂઆત કરી જે કુમાર માસિકમાં પ્રગટ થઈ. SNDT યુનિવર્સિટીમાંથી પત્રકારના કોર્સ દરમ્યાન સુરેશ દલાલ, હરિન્દ્ર દવે તેમજ પ્રદીપ તન્ના જેવા પ્રખ્યાત સાહિત્યકારોનો સંપર્ક થયો જેના લીધે એમની વિચારશક્તિને એક નવો આયામ મળ્યો.

    સાહિત્યની સાથે સાથે તેમણે સ્વ.દીના પાઠકના માર્ગદર્શનમાં અભિનય શીખવાનું શરુ કર્યું. રેડિયો પર નાટક ભજવ્યા. સંગીત સ્પર્ધામાં પુરુષોત્તમ ઉપાધ્યાયને હસ્તે ઈનામ મેળવ્યું. સાહિત્ય-સંગીત- અભિનય- નૃત્યની સાથે કમર્શિઅલ આર્ટ, ફેશન ડિઝાઈનિંગ અને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો.

    ૧૯૮૦માં શરદભાઈ દાદભાવાળા સાથે લગ્નગાંઠે બંધાયા પછી મુક્ત વિચારસરણીવાળા પતિ અને પરિવારના સાથને લીધે એમનું વ્યક્તિત્વ, આવડત અને શક્તિ વધુ નિખરતા ગયા. એમના વાચાળ સ્વભાવે વીમા એજન્ટની કારકિર્દીમાં સફળતા અપાવી. ફેશન ડિઝાઈનિંગના કૌશલ્યને કામે લગાડીને ઘરમાંથી જ જાતે ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ શરુ કરીને એમાં પણ સફળતા મેળવી. સાવ જ અલગ જ ક્ષેત્રનું ખેડાણ કરવા માટે જે ખંત જોઈએ એની તો પ્રજ્ઞાબેનમાં ક્યાં ખોટ હતી?

    દિકરીઓના જન્મ પછી દિકરીઓ પણ એમના જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી સહકુટુંબ અમેરિકા આવ્યા. સાવ અજાણી ધરતી, અજાણી સંસ્કૃતિ, સાવ અજાણ્યા લોકો વચ્ચે રહીને પણ પોતાનું સ્વત્વ જાળવવાની મથામણમાં એ પાર ઉતર્યા. સંઘર્ષની શરૂઆતમાં સાવ સાદી સેફ વે ની આઠ કલાકની નોકરીથી શરૂઆત કરીને બેંકની વ્હાઈટ કૉલર જોબ સુધી પહોંચ્યા.
    જોબ તો અમેરિકામાં આર્થિક સ્થિરતા માટે જરૂરી હતી પણ અંદરના સાહસી અને સાહિત્યિક જીવને કંઇક નવું કરવું હતું. કેલિફોર્નિયામાં આવીને એમણે વૃદ્ધ નાગરિકોને ઉપયોગી થવા ટ્રેનિંગ લઈને સમાજસેવાની શરૂઆત કરી. આ પ્રવૃત્તિના અનુસંધાનમાં એમણે અમેરિકાના ‘રેડિયો જિંદગી’ પર વાર્તાલાપ આપ્યો જેનાથી વડીલોને જરૂરી માર્ગદર્શન મળે.

    સમાજસેવાની સાથે સાહિત્યસેવાની જે શરૂઆત કરી એ ગુજરાતી સંસ્થાઓ ‘બે એરિયા ગુજરાતી સમાજ’ અને ‘ડગલો’- Desi American of Gujarati Language Origin’માં પરિણમી. ડગલો દ્વારા ગુજરાતી સાહિત્ય,સંગીત અને ભાષાને જીવંત રાખવાના પ્રયાસની સફળતાએ વિદેશની ધરતી પર સ્વદેશી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવાના એમના આયાસમાં પતિ શરદભાઈનો સાથ મળ્યો. છેલ્લા નવ વર્ષોથી પ્રજ્ઞાબેન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે છે.

    ૨૦૧૪માં પ્રસ્તુત કરેલા ‘નરસૈયો’ કાર્યક્રમ એમની કલાકુશળતાની સિધ્ધિ હતી. બે એરિયાની ‘પુસ્તક પરબ’ની શરૂઆત કરી એમણે માતૃભાષાનું ગૌરવ કર્યું.કલા-સંગીતને પ્લેટફોર્મ આપ્યું. લગભગ ૨૦૧૪થી મિલપીટાસના ગુજરાતીઓને સાહિત્યમાં રસ લેતા કર્યા એટલું જ નહીં પણ પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણાથી શરૂ કરેલી ‘પુસ્તક પરબ’ની પ્રવૃત્તિને હ્યુસ્ટનના વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક અલગ સ્વરૂપમાં ઢાળી. નામ આપ્યું ‘બેઠક’. જેમાં એમના પ્રોત્સાહનથી અનેકને કલમ દ્વારા-“શબ્દોના સર્જન” બ્લોગ પર પોતાના વિચારોને વ્યકત કરતા કર્યા અને ‘બેઠક’ના લેખકોના લેખોનું સુંદર રીતે સંપાદન કરીને એમણે એમેઝોન પર ૨૬થી વધુ પુસ્તકો પબ્લિશ કર્યા. દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતી આ બેઠકમાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની સૌને તક આપી. બેઠકના સદસ્યો અહીં આવીને સ્વલિખિત રચનાઓનું વાચિકમ કરી શકે એટલો આત્મવિશ્વાસ પ્રજ્ઞાબેને સૌમાં જગાવ્યો. કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને લગભગ બાર હજાર પાનાનો ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું નામ ઉજાળતા પ્રજ્ઞાબેનના “શબ્દોના સર્જન” બ્લોગ ઉપરાંત “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા ય બીજા બ્લોગ છે. મૌલિકતાભર્યા વિચારો ધરાવતા પ્રજ્ઞાબેન અચ્છા વક્તા છે. કોઈ વિષયને લઈને ઊંડી જાણકારી સાથે બોલે એટલી જ સરળતાથી પૂર્વ તૈયારી વગર પણ એ વ્યક્ત થઈ શકે છે. જે વ્યક્તિ સૌને લખતા કરે એનું તો લેખન પર પ્રભુત્વ હોય જ ને? કેનેડાના “ગુજરાતી ન્યુઝ લાઈન”માં “ આ મુંબઈ છે” નામની તેમની કોલમ પણ પ્રસંશા પામી. પ્રજ્ઞાબેનની આ કાર્યસિદ્ધિ ને બિરદાવવા કોંગ્રેસના મેયરે એમને નવાજ્યા છે.

    પ્રજ્ઞાબેન આ પ્રયાસોનું કારણ આપતા કહે છે કે આપણા વડીલો અમેરિકા આવ્યા પણ એ સૌનો માતૃભાષા સાથેનો સંબંધ ઓછો થતો ગયો. ભાષા તો એક એવો પટારો છે જેમાં આપણા સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો જળવાયેલો રહે છે. ભાષા સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ છે. વડીલોએ આ વારસો ભાષાની સંદૂકમાં આવતી પેઢી માટે સુરક્ષિત રીતે સોંપતા જવાનું છે. આ માટે જરૂરી છે કે વડીલો પણ પોતાના વિચારોને વાચા આપે. એમની સર્જન શક્તિ ખીલશે તો એમના માર્ગદર્શનથી આગલી પેઢી જાગૃત બનશે. સમૃધ્ધ બનશે.

    પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે. ‘બેઠક’ પરિવારના સદસ્યોને સર્જન કરતા,આગળ વધતા જોઈને એ ગૌરવ અનુભવતા કહે છે,

    શબ્દો જ મારું વસિયતનામું
    જે છે એ બધું તમારું ન લ્યો તો બધુ જ મારું
    શબ્દો તણા છાંટણાથી બે ચાર ક્ષણો હું રંગી જાણું
    જીવનને ગમતી ક્ષણોને કંડારી મેં શબ્દોમાં
    સાચવશો તો સચવાશે,
    નહીં તો ખાલીખમ છે વસિયતમાં
    લ્યો શાહી વિનાના કાગળ પર લખ્યું
    મેં મારું વસિયતનામું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: